You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત હાઈકોર્ટમાં વકીલોનો હોબાળો, ન્યાયાધીશની બદલીના વિરોધમાં કામથી અળગા રહેવાનો નિર્ણય
હાઈકોર્ટના એક વકીલે કહ્યું, “સ્વતંત્ર ન્યાયપાલિકાના મૃત્યુનો શોક મનાવવા અમેં અહીં એકઠા થયા છીએ.”
લાઇવ કવરેજ
એક એવું રાજ્ય જ્યાં કોઈ અનામત લાગુ નથી
શ્રદ્ધા હત્યાકાંડ: આફતાબને 5 દિવસની પોલીસકસ્ટડીમાં મોકલાયો, શ્રદ્ધા હત્યાકાંડ: આફતાબને 5 દિવસની પોલીસકસ્ટડીમાં મોકલાયો
શ્રદ્ધા હત્યાકાંડ કેસમાં આજે દિલ્હીની સાકેત કોર્ટમાં આરોપી આફતાબ પૂનાવાલાને વીડિયો કૉન્ફરન્સ દ્વારા હાજર કરાયો હતો.
કોર્ટે આફતાબના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ વધારી દીધા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર કેસની સુરક્ષા અને સંવેદનશીલતાને જોતાં આફતાબને વીડિયો કૉન્ફરન્સ દ્વારા હાજર કરવાની અરજીને મંજૂરી આપવામાં આવી હતી.
એએનઆઈ અનુસાર પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, “તેઓ આફતાબને તપાસ માટે ઉત્તરાખંડ અને હિમાચલ લઈને જવા માગે છે.”
કોર્ટે આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ મંજૂરી આપી દીધી છે.
વીડિયો કૉન્ફરન્સને લઈને પોલીસનું કહેવું હતું કે, “શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ સાથે કોર્ટ પરિસરમાં મારઝૂડ થઈ શકે છે.”
સાકેત કોર્ટમાં વકીલોએ આફતાબને ‘ફાંસી આપો’ જેવા નારા પણ લગાવ્યા હતા.
ભાજપના બળવાખોરોને પાટીલની ચીમકી
ભાજપ સામે બળવો કરનારા નેતાઓ સામે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ચેતવણી ઉચ્ચારી છે.
બળવો કરનારા નેતાઓને ચીમકી આપતાં પાટીલે કહ્યું છે, "જેમને ટિકિટ નથી મળી અને જો તેઓ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે એ તેમની ઉમેદવારી પરત નહીં ખેંચે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. "
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલાં ભાજપના ઊઠેલા અસંતોષના સૂર કાર્યકરોને ભાજપના કાર્યાલય 'કમલમ્' ખાતે ખેંચી ગયા હતા અને બળવાખોરો કોઈ ધમાલ ના કરે એ માટે કાર્યાલયના દરવાજા પણ બંધ કરી દેવાયા હતા. ભાજપમાં આવું પ્રથમ વખત થયું છે.
ભાજપમાં બળવાની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં ત્રણ ટર્મ સુધી જિલ્લા પ્રદેશ પ્રમુખના પદે રહેલા જે. પી. પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.દસાડાના ભાજપના ઉમેદવાર પી. કે. પરમારની સામે પણ વિરોધનો સૂર છે.
ભાજપ નેતા મેવજી દેસાઈએ પણ પક્ષ સાથે છેડો ફાડીને ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.તો અરવલ્લીમાં પણ ભાજપમાં અસંતોષ સામે આવ્યો છે.
બાયડમાં ટિકિટ નહીં મળતાં ધવલસિંહ ઝાલાએ પણ વિરોધમાં કામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો વડોદરામાં વાઘોડિયા બેઠક પર ટિકિટ ન મળતાં મધુ શ્રીવાસ્તવ પણ બળવો કર્યો છે.
બ્રેકિંગ, ગુજરાત હાઈકોર્ટમાં વકીલોનો હોબાળો, ન્યાયાધીશની બદલીના વિરોધમાં કામથી અળગા રહેવાનો નિર્ણય
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કરિયલની પટના હાઈકોર્ટમાં બદલી કરવાના સુપ્રીમ કોર્ટના કૉલિજિયમના પ્રસ્તાવનો વિરોધ કરવા વકીલો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારની કોર્ટમાં એકઠા થઈ ગયા હતા. આમાંથી એક વકીલે કહ્યું, “સ્વતંત્ર ન્યાયપાલિકાના મૃત્યુનો શોક મનાવવા અમેં અહીં એકઠા થયા છીએ.”
એક વરિષ્ઠ વકીલે ‘બાર ઍન્ડ બેન્ચ’ સાથે વાત કરતાં જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ પણ ન્યાયાધીશની બદલી કરતાં પહેલાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચાવિચારણા કરવામાં આવતી હોય છે. હાઈકોર્ટના ન્યાયાધીશની બદલીના આ નિર્ણયન પગલે ગુજરાત હાઈકોર્ટના વકીલોના ઍસોસિયેશને આજે 2:30 અઢી વાગ્યાથી કામથી અગળા રહેવાનો પણ નિર્ણય કર્યો છે. આ પહેલાં બુધવારે સુપ્રીમ કોર્ટ કૉલિજિયમ દ્વારા જસ્ટિસ કરિયલની બદલી અંગેનો બુધવારે નિર્ણય લેવાયો હતો.
રાહુલ ગાંધીએ સાવરકરનો પત્ર દેખાડીને કહ્યું- 'ફડણવીસજી વાંચી લે'
ભારત જોડો યાત્રા પર નીકળેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે વિનાયક દામોદર સાવરકર તરફથી અંગ્રેજોને લખાયેલો પત્ર દર્શાવીને ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, "આ મારા માટે સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. આ સાવરકરજીનો પત્ર છે, જે તેમણે અંગ્રેજોને લખ્યો છે. હું તેની અંતિમ લાઇન વાંચવા માગું છું, જે અંગ્રેજીમાં લખેલી છે. હિન્દીમાં તેનો અનુવાદ છે- 'સાહેબ, હું તમારો નોકર રહેવા માગું છું.'
"આ મેં નહીં સાવરકરજીએ લખ્યું છે. જો ફડણવીસ જોવા માગે તો પણ જોઈ લેય. હું સ્પષ્ટ છું કે સાવરકરજીએ અંગ્રેજોની મદદ કરી હતી."
આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે "તેઓ (વર્તમાન સમયમાં) બે સમસ્યા જોઈ રહ્યા છે. પહેલી કે યુવાઓ સાથે નોકરી મળવાનું આશ્વાસન નથી અને ખેડૂતોને ક્યાંયથી પણ મદદ મળતી નથી."
"ત્રીજી સમસ્યા એકબીજા સાથે જોડાયેલી છે, કેમ કે લોકો શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પૈસા ખર્ચી રહ્યા છે અને સરકારી સ્કૂલ, કૉલેજ અને હૉસ્પિટલ બંધ થઈ રહ્યાં છે, તો પૈસા ક્યાં જઈ રહ્યા છે?"
શ્રદ્ધા મર્ડર કેસ: દિલ્હી પોલીસ આફતાબને આજે કોર્ટમાં રજૂ કરશે
દિલ્હી પોલીસ શ્રદ્ધા હત્યાકાંડ કેસમાં આફતાબ પૂનાવાલાને આજે દિલ્હીની સાકેત કોર્ટમાં હાજર કરશે.
આ કેસમાં દિલ્હી પોલીસને અત્યાર સુધી એ હથિયાર મળ્યાં નથી જેનાથી હત્યા કરવામાં આવી. આ સાથે જ પોલીસને હજુ મૃતકનાં કપડાં અને સીસીટીવી ફૂટેજ પણ મળ્યાં નથી.
દિલ્હી પોલીસ છેલ્લા કેટલાક દિવસથી આરોપી આફતાબને લઈને છતરપુર પહાડી વિસ્તારના જંગલોમાં જઈ રહી છે, કારણ કે આ કેસમાં પુરાવા એકઠા કરી શકે.
આ સાથે જ ગત બુધવારે દિલ્હી પોલીસે આ મામલે ક્રાઇમ સીન બીજી વાર ક્રિયેટ કરવાની કોશિશ પણ કરી છે.
મૃતકના પિતા વિકાસ વાલકરે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરી છે.
તેમણે કહ્યું છે કે, “દિલ્હી પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે આફતાબ ક્યારેક ખોટું બોલે છે અને ક્યારેક સાચું. તેથી તેમણે નાર્કો ટેસ્ટ માટે અરજી કરી છે. મને લાગી રહ્યું છે કે, મને ન્યાય મળશે, જો તેણે ગુનો કર્યો છે તો તેને ફાંસી આપી દેવી જોઈએ.”
“મને હંમેશાં લાગતું હતું કે, મેં મુંબઈ અને દિલ્હી પોલીસને કહ્યું હતું કે, આફતાબ ચાલાક છે અને છેલ્લા 5-6 મહિનામાં પુરાવા નાશ કર્યા છે. એવામાં પોલીસને સત્ય બહાર લાવવામાં મુશ્કેલી થઈ રહી છે. આફતાબને મોતની સજા આપવામાં નહીં આવે ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં.”
PM ફરી આવશે ગુજરાત, નવસારીમાં રાહુલ-મોદી એ જ દિવસે સંબોધશે સભા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રથી સુરત સુધી મોદી સાત કાર્યક્રમોમાં હાજરી આપશે.
19નવેમ્બરે વડા પ્રધાન મોદી વલસાડમાં એક ચૂંટણીસભા સંબોધશે.
એ બાદ 20નવેમ્બરે મોદી સોમનાથ મંદિરની મુલાકાત લેશે છે.આ મુલાકાત બાદ તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચૂંટણીસભાને સંબોધશે.
અહીં એ વાત પણ નોંધનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આ ચારેય બેઠકોમાંથી ભાજપ એક પણ બેઠક નહોતો જીતી શક્યો.સામાન્ય રીતે આ વિસ્તારો કૉંગ્રેસના પરંપરાગત મતવિસ્તારો માનવામાં આવે છે.
પોતાની મુલાકાતના ત્રીજા દિવસે સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં પીએમ મોદી ચૂંટણીસભા સંબોધશે.ભરૂચ ભૂતકાળમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલનો મતવિસ્તાર રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે 21 નવેમ્બરે રાહુલ ગાંધી પણ નવસારીની મુલાકાત લે એવા અહેવાલો છે.આ જ દિવસે મોદી પણ નવસારીમાં હશે.
ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાની ઝાટકણી કાઢી
અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઈન્ડિયા' અનુસાર ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાને ઝાટકણી કાઢી છે.
હાઈકોર્ટે નગરપાલિકાને પૂછ્યું કે ઝૂલતા પુલની સ્થિતિ ખરાબ હોવા અંગેની અને એને તત્કાલ સમારકામની જરૂર હોવા બાબતની જાણ અંજતા કંપનીએ 29 ડિસેમ્બરે કરી હોવા છતાં પુલને ખુલ્લો કેમ મુકાયો?
હાઈકોર્ટે નગરપાલિકા પાસેથી એ પણ જવાબ માગ્યો છે કે કોઈ મંજૂરી વગર પુલને લોકો માટે ફરી ખોલવા અને ઉપયોગમાં લેવા કેમ દેવાયો?આ મામલે નગરપાલિકાએ જે સોગંદનામું રજૂ કર્યું એમાં હાઈકોર્ટને માહિતી ખૂટતી જણાઈ હતી અને કોર્ટે વધુ વિગતો અને નગરપાલિકાની ચોક્કસ નિષ્ક્રીયતા પાછળનાં કારણો પણ જણાવવા કહ્યું હતું.
નોંધનીય છે કે મોરબીનો ઝૂલતો પુલ 30 ઑક્ટોબરે તૂટી પડ્યો હતો અને 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
કૉંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષના ઉમેદવારોની પસંદગી મુદ્દે આક્ષેપો
ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ હિતેન્દ્ર પીઠડિયાએ બુધવારે આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પક્ષમાં "કથની અને કરણી" વચ્ચે ફરકની વાત કરી હતી.
બુધવારેકૉંગ્રેસે 37 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કર્યા પછીપીઠડિયાએ તેમની નારાજગી વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો.
ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં વિધાનસભાની ચૂંટણીમાં વાલ્મીકિ સમાજના એક પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. તેમણે ગુજરાતી અને હિન્દીમાં આ પ્રમાણે ટ્વીટ કર્યું.
“ગુજરાત કૉંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં એક પણ વાલ્મીકિને ટિકિટ આપવામાં આવી નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે.
મહિલા સશક્તીકરણ?
OBC/મુસ્લિમ પ્રતિનિધિત્વ?
જાતિ/પેટા-જાતિ સંતુલન?
સામાન્ય બેઠક પરથી દલિત-આદિવાસી ઉમેદવાર?
કરની અને કથનીમાં અંતર કેમ?
શું આ સામાજિક ન્યાય છે?
મનુવાદ મુર્દાબાદ!”
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પીઠડિયાએ કહ્યું, "જગદીશ ઠાકોર (પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ) અને રઘુ શર્મા બંનેએ કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ એવી બેઠકો પર દલિત ઉમેદવારોને ઊભા રાખશે, જ્યાં દલિત વસ્તીની ટકાવારી વધુ હોય."
SC માટે અનામત 13 બેઠકો સહિત ગુજરાતમાં 27 સામાન્ય બેઠકો છે, જ્યાં દલિત વસ્તી 10 ટકાથી વધુ છે, તેમણે કહ્યું, “ધોળકા જેવી બેઠકોમાં દલિત વસ્તી 20 ટકા છે. અમરાઈવાડી સીટ પર (અમદાવાદ શહેરમાં) અમારી સંખ્યા 61,000થી વધુ છે. બાપુનગર, વેજલપુર, લિંબાયત, કેશોદ, માણાવદર અને ગાંધીનગર ઉત્તરમાં મોટી વસ્તી છે. પરંતુ સક્ષમ દલિતોને સામાન્ય બેઠકો પરથી લડવા માટે કેમ પસંદ કરવામાં આવતા નથી. અમે સામાન્ય વર્ગના લોકો સાથે સ્પર્ધા કરવા માગીએ છીએ.”
જમ્મુ-કાશ્મીર: કૅબ ખીણમાં પડતા આઠ લોકોનાં મોત
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બુધવારે એક કૅબ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં આઠ લોકોનાં મોત થયાં છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર દેવાંશ યાદવે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આઠ લોકો ખાનગી કૅબમાં મુસાફરી કરી રહ્યા હતા.
તેમણે કહ્યું, "કૅબમાં બેઠેલા તમામ લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે. આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા છે."
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જિલ્લા વહીવટીતંત્રને પીડિત પરિવારને મદદ કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત કૉંગ્રેસે 37 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી
ગુજરાતમાં અનુક્રમે 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે, જેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.
ગુજરાતમાં ગણતરીના દિવસો બાદ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે.
ભાજપ, આપ અને કૉંગેસે પોતાના મોટા ભાગના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
આ સિલસિલાને આગળ વધારતાં કૉંગ્રેસે 37 ઉમેદવારોનાં નામોની વધુ એક યાદી બુધવારે સાંજે જાહેર કરી હતી.
વિધાનસભાની બાયડ બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ અપાઈ છે.
નોંધનીય છે કે મહેન્દ્રસિંહ વાઘેલા 2017માં રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને માત્ર ત્રણ જ મહિના બાદ તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.
મહેન્દ્રસિંહ થોડા સમય અગાઉ ફરીથી એક વખત કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
આ સિવાય તાજેતરમાં ભાજપમાંથી રાજીનામું આપી કૉંગ્રેસમાં જોડાયેલા દિગ્ગજ નેતા પ્રભાતસિંહને પણ કાલોલ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
પ્રભાતસિંહને ભાજપે ટિકિટ ન આપતાં તેમણે અમુક દિવસ પહેલાં જ ભાજપ સાથે છેડો ફાડી કૉંગ્રેસનો હાથ ઝાલ્યો હતો.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર બીબીસી સાથે જોડાયેલા રહો.
16નવેમ્બરના સમાચાર માટે અહીં ક્લિક કરો.