પોલૅન્ડના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, "મંગળવારે બપોરે 3 વાગ્યા ને
40 મિનિટ પર તેમના વિસ્તારમાં એક ‘રશિયન મિસાઇલ’ પડી, જેના કારણે સેરેવોડો ગામમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે."
પોલૅન્ડનું કહેવું છે કે તેમની પાસે કોઇ "ચોક્કસ પુરાવા" નથી કે કોણે મિસાઇલ લૉન્ચ કરી.
પોલૅન્ડના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુકાઝ જેસીનાએ જણાવ્યું
હતું કે, "પોલૅન્ડમાં રશિયન
રાજદૂતને આ ઘટના અંગે ‘તાત્કાલિક વિગતવાર
સ્પષ્ટતા’ આપવા માટે
બોલાવાયા છે."
જોકે, તેમણે નિવેદનમાં એ જણાવ્યું નથી કે મિસાઇલ કોણે છોડી
છે. યુદ્ધમાં બન્ને પક્ષોએ રશિયાની યુદ્ધસામગ્રીનો ઉપયોગ કર્યો છે.
સેરેવોડો ગામ યુક્રેન અને પોલૅન્ડની સરહદ પર આવેલું છે અને આ ગામ લિએવ શહેરની ઉત્તરે છે.
રશિયાએ આ હુમલાનો ઇનકાર કર્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, "યુક્રેનિયન-પોલિશ રાજ્ય સરહદ પાસેના સ્થળ પર કોઈ હુમલો રશિયા દ્વારા કરવામાં આવ્યો નથી."
રશિયાએ કહ્યું કે આ અહેવાલો ‘સ્થિતિને વધુ બગાડવાના હેતુથી લીધેલું ઉશ્કેરણીજનક પગલું છે.’
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પોલૅન્ડના રાષ્ટ્રપતિ ડૂડા સાથે ફોન પર વાત કરી હતી.
ઝેલેન્સ્કીએ ટ્વીટ કર્યું કે, "મેં પોલૅન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડૂડા સાથે ફોન પર વાત કરી અને રશિયાના આતંકમાં માર્યા ગયેલા બે પોલિશ લોકોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો."
"અમે ઉપલબ્ધ માહિતીની આપ-લે કરી છે અને તમામ તથ્યોની સ્પષ્ટતા કરી રહ્યા છીએ."
પોલૅન્ડ નાટો જૂથનો સભ્યદેશ છે. નાટો એક રક્ષાત્મક સૈન્ય ગઠબંધન
છે જે યુક્રેનના આ યુદ્ધમાં સમર્થન કરતું રહે છે અને તેમાં બ્રિટન, જર્મની અને
અમેરિકા જેવા દેશો પણ સામેલ છે.
નાટોના સભ્ય હોવાનો અર્થ એ છે કે જો કોઈ સભ્યદેશ પર સશસ્ત્ર
હુમલો થાય તો અન્ય સભ્યદેશો મદદ માટે આગળ આવશે અને જે દેશ પર હુમલા થયા છે
અથવા થઈ રહ્યા છે ત્યાં નાટોની સેના મોકલી શકે છે. તેથી જો મિસાઇલ રશિયાની હોવાની
પુષ્ટિ કરવામાં આવે તો તેનાથી (સૈદ્ધાંતિક રીતે) સંઘર્ષ વધવાનું જોખમ વધી શકે છે.
જોકે સૈન્ય વિશ્લેષકનું માનવું છે કે સંઘર્ષ વધવાની શક્યતા ઓછી છે.
--------------------------------------
નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર બીબીસી સાથે જોડાયેલા રહો.