You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

જી-20 બેઠક દરમિયાન રશિયાનો યુક્રેનના પાટનગર કિએવ પર હુમલો

એક તરફ વૈશ્વિક નેતાઓ ઇન્ડોનેશિયાના બાલી ખાતે જી-20 સમિટ અંતર્ગત મળી રહ્યા છે, ત્યારે રશિયાએ યુક્રેન પર પોતાનું સૈન્ય અભિયાન ચાલ રાખવાનું ઠરાવ્યું છે.

લાઇવ કવરેજ

  1. મેટા પછી વૉટ્સઍપ ઇન્ડિયાના હેડે પણ રાજીનામું આપ્યું

    મેટા ઇન્ડિયાના પ્રમુખ અજિત મોહનના રાજીનામાનાં બે અઠવાડિયાં બાદ માર્ક ઝકરબર્ગની કંપનીમાંથી બે મોટાં પદો પર રાજીનામાં પડ્યાં છે.

    ફેસબુકની મધર કંપની મેટાના ઇન્ડિયા પબ્લિક પૉલિસી હેડ રાજીવ અગ્રવાલ અને વૉટ્સઍપના ઇન્ડિયા હેડ અભિજિત બોઝે રાજીનામું આપી દીધું છે.

    કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે રાજીવ અગ્રવાલે બહેતર તકની શોધમાં રાજીનામું આપ્યું છે. વૉટ્સઍપના પ્રમુખ વિલ કૅથકાર્ટે અભિજિત બોઝને તેમની સેવાઓ માટે આભાર વ્યક્ત કર્યો છે.

    અભિજિત બોઝ વૉટ્સઍપ ઇન્ડિયાના પ્રતમ પ્રમુખ રહ્યા. આ બંને અધિકારીઓનાં રાજીનામાં બાદ હવે શિવનાથ ઠુકરાલને હવે વૉટ્સઍપ ઇન્ડિયા સહિત મેટાનાં તમામ પ્લૅટફૉર્મના ડાયરેક્ટર પદ પર હાલ નિયુક્ત કરી દેવાયા છે. આ પહેલાં તેઓ વૉટ્સઍપ ઇન્ડિયાના પબ્લિક પૉલિસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ હતા.

  2. જી-20 બેઠક દરમિયાન રશિયાનો યુક્રેનના પાટનગર કિએવ પર હુમલો

    રશિયાએ યુક્રેનના પાટનગર કિએવ પર હુમલો કર્યો છે. શહેરમાંથી ધડાકાના અવાજ સાંભળી શકાય છે અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે.

    શરૂઆતમાં આવેલા સમાચારો અનુસાર પીચર્સ્ક વિસ્તારમાં બે ઇમારતોને નુકસાન થયું છે.

    વિશ્વના નેતા હાલ જી-20 સમિટ માટે ઇન્ડોનેશિયાના બાલી શહેરમાં એકઠા થયા છે, જ્યાં તેમણે યુક્રેન પર હુમલાની નિંદા કરી છે.

    એક અઠવાડિયા કરતાં વધુ સમયમાં આ આ પ્રકારનો પ્રથમ હુમલો છે. આ દરમિયાન રશિયાના સૈનિક ખેરસોનતી પાછા ફરી રહ્યા હતા.

  3. દુનિયાનું આઠ અબજમું બાળક જન્મ્યું

    સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું છે કે વિશ્વની વસતિ સાત અબજ થયાનાં 11 વર્ષ બાદ જ આઠ અબજનો આંકડો પાર કરી ગઈ છે.

    વીસમી સદીના બીજા ભાગમાં વસતિ જે ઝડપે વધી છે, તે હવે ધીમી પડતી દેખાઈ રહી છે.

    વિશ્વની વસતિ આઠથી નવ અબજ થવામાં હવે 15 વર્ષ લાગશે. પરંતુ વિશ્વની વસતિ 2080 સુધી દસ અબજના આંકડાને પાર નહીં કરી શકે.

    વિશ્વમાં રહેતા લોકોની ચોક્કસ ગણતરી કરવાનું કામ મુશ્કેલ છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે તેઓ આવનારાં બે વર્ષમાં એક ચોક્કસ આકલન આપી શકશે.

    આટલું જ નહીં, એવું પણ અનુમાન છે કે વિશ્વની વસતિ 15 નવેમ્બરના રોજ આઠ અબજનો આંકડો પાર કરી ગઈ છે.

    11 વર્ષ પહેલાં વિશ્વનું સાત અબજમું બાળક જન્મ્યું હતું.

    વિશ્વની વસતિ આજે જ્યારે આઠ અબજને આંબી ગઈ છે, ત્યારે આ સાત અબજમું બાળક આજે ક્યાં છે અને શું કરી રહ્યું છે તે જાણવું રસપ્રદ બની રહેશે.

    ઢાકામાં રહેતાં સાદીયા સુલતાના ઓઈશી ઘરનાં કામકાજમાં પોતાનાં માતાની મદદ કરે છે. તેમની ઉંમર 11 વર્ષ છે. તેઓ ભાઈબહેનોમાં સૌથી નાનાં છે. વર્ષ 2011માં તેમને વિશ્વનું સાત અબજમું બાળક જાહેર કરાયાં હતાં.

    તેમના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. તેમનો પરિવાર સાડી અને કપડાં વેચવાનો વેપાર કરે છે જેના પર કોરોના મહામારીની ખૂબ ખરાબ અસર થઈ છે.

  4. ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ભારતીય ટીમ અંગે શી ટિપ્પણી કરી?

    ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ટીમ ઇન્ડિયા પર કરેલી ટિપ્પણીની હાલ ક્રિકેટજગતમાં ચર્ચા થઈ રહી છે.

    પાકિસ્તાનને હરાવીને ઇંગ્લૅન્ડે વર્લ્ડકપ જીતી લીધો છે અને એ બાદ ઇંગ્લૅન્ડની ટીમનો આત્મવિશ્વાસ બુલંદી પર અને એવા એવામાં પૂર્વ ક‌ૅપ્ટને કહ્યું છે,"ટી20 વર્લ્ડકપ બાદ હવે વનડે વર્લ્ડકપ માટે ભારતીય ટીમને ફેવરિટ તરીકે જોવી બિલકુલ બકવાસ વાત હશે. પછી એ વર્લ્ડકપ એમના ઘરે જ કેમ ના રમાઈ રહ્યો હોય. "

    'ડેઇલી ટેલિગ્રાફ'માં લખેલા પોતાના લેખમાં વૉને લખ્યું કે ભારત પાસે સારા સ્પિનરો છે. ભારતીય ટીમના ઘરમાં વર્લ્ડકપ છે તો એને ફૅવરિટ ગણવામાં આવશે પણ એ બકવાસ માત્ર છે. વર્લ્ડકપમાં પણ ઇંગ્લૅન્ડ જ એવી ટીમ હશે જેને બધા જ હરાવવા માગશે અને થોડો સમય આવું જ રહેશે.

    ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટ હરાવીને ટી20 વર્લ્ડકપ જીતી લીધો હતો.એ બાદ ક્રિકેટજગતની નજર હવે આવતા વર્ષે રમાઈ રહેલા વનડે વર્લ્ડકપ પર મંડાયેલી છે.

    મૅલબર્નમાં રમાયેલી ફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ટીમે ઇંગ્લૅન્ડને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ઇંગ્લૅન્ડ કોઈ ખાસ મુશ્કેલી વગર હાંસલ કરી લીધો હતો.

  5. મોરબી પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, 30 ઑક્ટોબર 2022ના રોજ મોરબી ખાતે ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં ઘણાં બાળકો સહિત 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સમાચાર બની હતી.

    ગુજરાત હાઈકોર્ટે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલાની સુનાવણીમાં નગરપાલિકાના પ્રતિનિધિ ગેરહાજર રહેતા ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી.

    ઇન્ડિયનએક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના અંગેના મામલાની સુનાવણીમાં કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “નગરપાલિકાના અધિકારીઓ ‘સ્માર્ટ બની રહ્યા’ છે, તેઓ કોર્ટમાં નોટિસ આપ્યા છતાં હાજર નથી રહ્યા.”

    હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે સરકારી પક્ષને મુશ્કેલ પ્રશ્ન પૂછતાં કહ્યું હતું કે, “કૉન્ટ્રેક્ટરનો સમયગાળો 15 જૂન, 2016ના રોજ ખતમ થઈ ગયો હોવા છતાં, રાજ્ય કે મોરબી નગરપાલિકા તરફથી ઝૂલતા પુલ અંગે ટૅન્ડર કેમ ખુલ્લું મુકાયું નહોતું. ટૅન્ડર વગર રાજ્યે કોઈ એક વ્યક્તિને લાભ આપવાનું કેવી રીતે નક્કી કર્યું? રાજ્યે મ્યુનિસિપાલિટી હજુ સુધી સુપરસીડ કેમ નથી કરી?”

    મુખ્ય ન્યાયાધીશે સુનાવણી વખતે એવું જાણવાનો પ્રયાસ કર્યો હતો કે મોરબી નગરપાલિકા તરફથી આ મામલે કોણ પ્રતિનિધિ તરીકે હાજર રહ્યું છે, આ પ્રશ્નના જવાબમાં ઍડ્વોકેટ જનરલે કહ્યું હતું કે નગરપાલિકા તરફથી કોઈ આવ્યું નથી કારણ કે તેમને કોઈ નોટિસ મળી નહોતી.

    આ ટિપ્પણી અંગે જવાબ આપતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, “રજિસ્ટ્રીએ નોટિસ જાહેર કરી છે, તેઓ હવે વધુ ‘સ્માર્ટ બનવાનો પ્રયત્ન કરી રહ્યા’ છે.”

    નોંધનીય છે કે ગત મહિનાના અંતે 30 ઑક્ટોબર 2022ના રોજ મોરબી ખાતે ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં ઘણાં બાળકો સહિત 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સમાચાર બની હતી.

  6. ઇન્ડોનેશિયાના બાલીમાં પીએમ મોદીએ ભાષણમાં શું કહ્યું?

    ઇન્ડોનેશિયાના બાલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યો.

    પીએમ મોદીના ભાષણના મુખ્ય અંશો :

    • 2014થી પહેલાં અને 2014 બાદ ભારતમાં બહુ મોટો ફેરફાર સ્પીડ અને સ્કૅલનો આવ્યો
    • ભારત જ્યારે આત્મનિર્ભર ભારતનું વિઝન સામે રાખે, ત્યારે તેમાં ‘ગ્લોબલ ગુડ’ની ભાવના પણ સામેલ છે.
    • કોરોનાકાળમાં આપણે જોયું કે ભારતે દવાઓથી માંડીને રસી સુધીનાં સંસાધનો માટે આત્મનિર્ભરતા હાંસલ કરી. પુરી દુનિયાને એનો લાભ મળ્યો
    • ભારતનાં ટૅલેન્ટ, ટેકનૉલૉજી, ઇનોવેશન, ઇન્ડસ્ટ્રીએ આજના વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે.
    • અમે જ્યારે ભારતમાં ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનો પાયો નાખ્યો છે ત્યારે ઇન્ડોનેશિયાની રામાયણ પરંપરાને પણ ગર્વથી યાદ કરીએ છીએ.
    • ઇન્ડોનેશિયા, બાલી આવ્યા બાદ દરેક હિંદુસ્તાનીને એક અલગ જ અનુભૂતિ થતી હોય છે. હું પણ એ તરંગો અનુભવું છું.
    • બાલીથી દોઢ હજાર કિલોમીટર દૂર ભારતના કટક શહેરમાં મહાનદીના કિનારે ‘બાલીજાત્રા’નો મહોત્સવ ઊજવવામાં આવે છે. આ મહોત્સવ ભારત અને ઇન્ડોનેશા વચ્ચે હજારો વર્ષોના વેપારનો ઉત્સવ છે.
    • એવું ઘણું બધું છે જે ભારત અને ઇન્ડોનેશિયાએ અત્યાર સુધી સાચવી રાખ્યું છે. બાલીની આ ભૂમિ મહર્ષિ માર્કન્ડેય અને મહર્ષિ અગસ્ત્યના તપથી પવિત્ર થયેલી છે.
  7. કેજરીવાલની લોકોને અપીલ, 'કૉંગ્રેસ પાછળ મત બરબાદ ના કરો'

    આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે ગુજરાતના લોકોને કૉંગ્રેસ પાછળ ‘પોતાનો મત બરબાદ નહીં કરવા’ અને તેના બદલે ‘આપ’ને મત આપવાની અપીલ કરી. તેમણે દાવો કર્યો કે, “તેમના પક્ષનો સત્તાધારી ભાજપ સાથે સીધો મુકાબલો છે.”

    અમદાવાદ પહોંચ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કેજરીવાલે દાવો કર્યો કે “ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર ચાર-પાંચ બેઠક જ મળશે.”

    આ વખતે કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી વારંવાર દાવો કરી રહી છે કે ગુજરાતમાં કૉંગ્રેસ જમીન ગુમાવી રહી છે અને પોતે રાજ્યમાં ભાજપના મુખ્ય પ્રતિસ્પર્ધીના રૂપમાં રજૂ કરવાના અભિયાનમાં જોતરાયેલી છે.

    આપ વિધાનસભા ચૂંટણી માટે 178 ઉમેદવારોનાં નામોની જાહેરાત પહેલાંથી જ કરી ચૂકી છે.

    અરવિંદ કેજરીવાલે ઉમેર્યું, “મારું અનુમાન છે કેકૉંગ્રેસના મત લગભગ 13 ટકાથી ઓછા થઈ જશે અને તેને 4થી 5 બેઠક મળશે, આ આપ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.”

  8. ગુજરાત ચૂંટણી : રામનવમી પર કોમી હિંસા થઈ હતી એ હિંમતનગરમાં લોકો હિંદુ-મુસ્લિમ મહોલ્લા વચ્ચે દીવાલ ચણવા કેમ માગે છે?

  9. ભાજપે મુઝફ્ફરનગર રમખાણોનાં દોષી પૂર્વ ધારાસભ્યનાં પત્નીને ટિકિટ આપી

    ભાજપે મુઝફ્ફરનગરની ખલૌતી બેઠક પર યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં રાજકુમારી સૈનીને ટિકિટ આપી છે.

    રાજકુમાર સૈની ભાજપના પૂર્વ ધારાસભ્ય વિક્રમ સૈનીનાં પત્ની છે. વિક્રમ સૈનીને વર્ષ 2013માં થયેલાં મુઝફ્ફરનગર રમખાણો સંબંધિત એક કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. એ બાદ વિધાનસભાનું તેમનું સભ્યપદ રદ કરી દેવાયું હતું.

    આ બેઠક પરથી સપા ગઠબંધનમાંથી આરએલડીએ મદન ભૈયાને ઉમેદવાર બનાવાયા છે.

  10. ઈસુદાન ગઢવીની કુલ સંપત્તિ કેટલી?

    આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ જામ-ખંભાળિયામાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે.

    ઉમેદવારીપત્રક ભરતી વખતે ઈસુદાને સોગંદનામું રજૂ કર્યું હતું અને પોતાની સંપત્તિની જાણકારી આપી હતી.જે અનુસાર નાણાકીય વર્ષ 2021થી 2022 દરમિયાન પોતાની કુલ આવક રૂપિયા 3,06,400 જાહેર કરી હતી. જ્યારે આ જ વર્ષ દરમિયાન તેમનાં પત્ની હીરબાઈની આવક 4,20,000 જાહેર કરી હતી.

    સોગંદનામામાં તેમણે હાથ પર રોકડ રૂ. 3,27,800 દર્શાવ્યા છે જ્યારે તેમની પત્ની પાસે રોકડ રૂપિયા 1, 68, 510 હોવાનું જણાવ્યું છે.

    ઈસુદાન અને તેમનાં પત્ની બન્ને પાસે બે-બે બૅન્કખાતાં છે.ઈસુદાનનાં બન્ને ખાતાંમાં અનુક્રમે રૂ. 3,858 અને 1,500 સિલક છે. જ્યારે તેમનાં પત્નીનાં બન્ને ખાતાંમાં રૂ. 25,791 અને રૂ.10,000 સિલક દર્શાવાઈ છે.

    આ ઉપરાંત ઈસુદાન અને તેમનાં પત્ની બન્નેનાં નામ પર બે-બે લાખ રૂપિયાની એલલાઈસીની પૉલિસી પણ બતાવાઈ છે. ઈસુદાન પાસે 10 ગ્રામ સોનું છે જેની બજારકિંમત 48,000 રૂપિયા છે. જ્યારે તેમનાં પત્ની પાસે 120 ગ્રામ સોનું છે જેની બજારકિંમત રૂ. 5,76,000 છે.

    આમ ઈસુદાનની સંપત્તિનું મૂલ્ય રૂ. 5,81,158 છે જ્યારે તેમનાં પત્ની પાસેની કુલ સંપત્તિનું મૂલ્ય રૂ. 9,80,301 થાય છે.

    આ ઉપરાંત ઈસુદાન પાસે અમદાવાદમાં ઘુમા ગામમાં ત્રણ ફ્લેટ છે. જેમાંથી એક ફ્લેટમાં તેમની પત્નીની ભાગીદારી છે.આ ઉપરાંત ઈસુદાન પાસે તેમના ગામ પીપળિયામાં બે ખેતર પણ છે.

    ઈસુદાનની સ્થાવર સંપત્તિનું મૂલ્ય રૂ. 79,75,000 થાય છે જ્યારે તેમનાં પત્નીની સ્થાવર સંપત્તિનું મૂલ્યુ રૂ.15,50,000 થાય છે. જોકે, ઈસુદાનના માથે રૂપિયા 40,53, 595ની જવાબદારી છે જ્યારે જ્યારે તેમનાં પત્નીના માથે રૂ. 9,91,886 જવાબદારીના છે.

  11. અમેરિકાએ ઍર ઇન્ડિયાને કર્યો 14 લાખ ડૉલરનો દંડ, પણ કેમ?, ઍર ઇન્ડિયા એ છ ઍરલાઇનમાં સામેલ છે જેમને મુસાફરોને રિંફડ સ્વરૂપે કુલ 60 કરોડ ડૉલર પરત કરવાના નિર્દેશ અપાયા છે.

    અમેરિકાએ કોવિડ-19 મહામારી દરમિયાન ઉડાણો રદ થવા કે ફેરફારથી પ્રભાવિત અમેરિકન યાત્રીઓને ટિકિટના પૈસા પર કરવામાં થયેલ વિલંબ માટે ઍર ઇન્ડિયાને 14 લાખ ડૉલરનો દંડ કર્યો છે.

    અમેરિકન પરિવહન વિભાગે સોમવારે કહ્યું કે ટાટાના માલિકી હકવાળી ઍર ઇન્ડિયા એ છ ઍરલાઇનમાં સામેલ છે જેમને મુસાફરોને રિંફડ સ્વરૂપે કુલ 60 કરોડ ડૉલર પરત કરવાના નિર્દેશ અપાયા છે.

    ઍર ઇન્ડિયાએ પણ 12.15 કરોડ ડૉલર પરત કરવાનું કહેવાયું છે.

    અધિકારીઓએ કહ્યું કે ઍર ઇન્ડિયાની મુસાફરોની ‘વિનંતી પર રિફંડ’ કરવાની જોગવાઈ પરિવહન વિભાગની નીતઓથી અલગ છે.

    અમેરિકન સરકારના નિયમો પ્રમાણે ઉડાણ રદ થવાના કિસ્સામાં કે તેમાં ફેરફારમાં થાય તેવા કિસ્સામાં ઍરલાઇને મુસાફરોની ટિકિટના પૈસા કાયદાકીય રીતે પાછા આપવાના હોય છે.

    એક વિભાગીય તપાસમાં એવું કહેવાયું છે કે રિફંડનાં અડધાં કરતાં વધુ આવેદનો પર કાર્યવાહી કરવા માટે નિર્ધારિત 100 દિવસ કરતાં વધુ સમય લાગ્યો.

    રિફંડમાં મોડું થવાનો આ મામલો ટાટા સમૂહ દ્વારા ઍર ઇન્ડિયા ટેક ઓવર કરાઈ એ પહેલાંનો છે.

  12. બાલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેના વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17મી જી-20 સમિટ માટે ઇન્ડોનેશિયાના શહેર બાલીમાં છે, જ્યાં તેમની મુલાકાત બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક સાથે થઈ હતી.

    વડા પ્રધાનના કાર્યાલય દ્વારા બન્ને નેતાઓની તસવીર ટ્વીટ કરાઈ છે.

    નોંધનીય છે કે પીએમ મોદી બાલીની ત્રણ દિવસની મુલાકાતે છે.જી-20 કૉન્ફરન્સમાં દુનિયાના મોટા નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૅક્રોન અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનક ભાગ લેવા માટે બાલીમાં ઉપસ્થિત છે.

    13 નવેમ્બરના રોજભારતીય વિદેશ મંત્રાલયે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત આગામી 1 ડિસેમ્બરથી એક વર્ષ માટે જી-20 ની અધ્યક્ષતા કરશે.

    મીડિયા સાથે વાત કરતા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે, "બાલીમાં ચાલી રહેલા સંમેલનના સમાંતરે, વડા પ્રધાન ઘણા જી20 નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે જેથી તેમને ભારતની જી20 પ્રાથમિકતાઓ વિશે માહિતી આપી શકાય અને સાથે આ મોટા નેતાઓ સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી શકાય."

    તેમણે એમ પણ કહ્યું કે જી-20 ના પ્રમુખપદ દરમિયાન ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ એક ત્રિપુટી હશે.જી-20માં એવું પ્રથમ વખત બનશે જેમાં ત્રણેયમાં વિકાસશીલ દેશો અને ઊભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે.

  13. અમેરિકન અખબારનો દાવો, એમેઝોનમાંથી 10 હજાર કર્મચારીની કરાશે છટણી, અમેરિકન અખબારનો દાવો, એમેઝોનમાંથી કઢાશે 10 હજાર કર્મચારી

    એક અમેરિકી અખબારે દાવો કર્યો છે કે, “એમેઝોન કંપની 10 હજાર લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે. જો એવું થયું તો આ કંપનીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે.”

    અખબાર અનુસાર નોકરીમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા આ અઠવાડિયાથી શરૂ થઈ શકે છે.

    અમેરિકી અખબાર ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, આ છટણી કંપનીના ઘણા વ્યવસાયો, જેવા કે વૉઇસ આસિસ્ટન્ટ એલેક્સા અને હ્યુમન રિસોર્સ વિભાગમાં થશે.

    તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર, મેટા અને માઇક્રોસૉફ્ટે પણ મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને હવે તેમાં ઈ-કૉમર્સ કંપની એમેઝોનનું નામ પણ જોડાઈ ગયું છે.

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંપની સાથે જોડાયેલી એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે કહ્યું કે,“આ છટણીની સંખ્યા બદલાઈ શકે છે, કારણ કે જેમ-જેમ દરેક બિઝનેસ યુનિટ પોતાની યોજના પૂર્ણ કરશે તેમ ચિત્ર વધુ સ્પષ્ટ થશે. પરંતુ આ સંખ્યા 10 હજારની આસપાસ હોઈ શકે છે.”

    આ સંખ્યા એમેઝોનના કુલ કૉર્પોરેટ કર્મચારીઓના લગભગ 3 ટકા છે અને 15 લાખથી વધુ વૈશ્વિક કર્મચારીઓની આ કંપનીના 1 ટકા કરતાં થોડી ઓછી છે.

    એમેઝોનની આ છટણી દર્શાવે છે કે મુશ્કેલીગ્રસ્ત વૈશ્વિક અર્થવ્યવસ્થાએ વધુ ખર્ચ અને ઓછી ડિલિવરી સાથે કંપનીના વ્યવસાય એકમો પર દબાણ આપ્યું છે.

  14. અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડશે

    ભારતીય જનતા પક્ષે (ભાજપ) ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની ચોથી યાદીમાં વધુ 12 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.

    ભાજપના વિરોધ બાદ કૉંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરને ભાજપે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટે ટિકિટ આપી છે.

    ગુજરાતમાં 5 નવેમ્બરના રોજ યોજાનારા ચૂંટણીના બીજા તબક્કામાં સમાવેશ થતી બેઠકો પર ભાજપે જે ઉમેદવારો જાહેર કર્યા છે, તેમની બેઠક અનુસાર યાદી નીચે મુજબ છે.

    • રાધનપુર – લવિંગજી ઠાકોર
    • પાટણ- ડૉ. રાજુલબહેન દેસાઈ
    • હિંમતનગર – વી. ડી. ઝાલા
    • ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
    • ગાંધીનગર ઉત્તર – રીટાબહેન પટેલ
    • કલોલ – બકાજી ઠાકોર
    • વટવા – બાબુસિંહ જાધવ
    • પેટલાદ – કમલેશ પટેલ
    • મહેમદાવાદ – અર્જુનસિંહ ચૌહાણ
    • ઝાલોદ (એસટી) – મહેશ ભૂરિયા
    • જેતપુર (એસટી) – જયંતીભાઈ રાઠવા
    • સયાજીગંજ – કેયૂર રોકડિયા
  15. કચ્છમાં કૅનાલમાં ડૂબી જતાં પાંચનાં મોત

    કચ્છના ગુંદાળામાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારના પાંચ સભ્યો કૅનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.

    કચ્છ પોલીસે તમામના મૃતદેહો બહાર કાઢ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    મૃતકોમાં ત્રણ મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.

    કચ્છના એસપી (પશ્ચિમ) સૌરભસિંહે કહ્યું કે મુન્દ્રાના ગુંદાળા ગામમાં નર્મદા કૅનાલમાં નહાતી વખતે એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા હતા. પોલીસ દ્વારા હાલ ઘટનાની તપાસ કરાઈ રહી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર પ્રથમ દૃષ્ટિએ આ આકસ્મિક ઘટના લાગે છે.

    આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરતા લખ્યું હતું કે, "કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગુંદાળા ગામના દેવીપૂજક પરિવારના પાંચ સભ્યો કૅનાલમાં પડી જવાથી મૃત્યુ પામ્યાના ખબરથી વ્યથિત છું."

    "વડા પ્રધાન અને મુખ્ય મંત્રીને આ ગરીબ પરિવાર માટે તાત્કાલિક પૂરતી વળતરની વ્યવસ્થા કરવા વિનંતી. મૃતકના કુટુંબીજનો સાથે મારી સંવેદનાઓ છે."

  16. ભાજપ જીતશે તો મુખ્ય મંત્રી કોણ બનશે?

    કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે સોમવારે કહ્યું કે, “જો તેમની પાર્ટી ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરે છે તો ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્ય મંત્રી રહેશે.”

    શાહના નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભૂપેન્દ્ર પટેલ ભાજપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહરાજ્યમાં સતત સાતમી વાર સત્તા હાંસલ કરવાની છે.

    અમિત શાહે સીએનએન-ન્યૂઝ 18ના કાર્યક્રમમાં કહ્યું કે, “જો ગુજરાતમાં ભાજપને બહુમત મળશે તો ભૂપેન્દ્ર પટેલ જ મુખ્ય મંત્રીપદે રહેશે.”

    ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્ય મંત્રીનું પદ સંભાળ્યું હતું. તેઓ ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે અને આ વખતે પણ આ બેઠક પરથી તેમને જ ઉમેદવાર બનાવાયા છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે થશે અને બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરે યોજાશે.

    ચૂંટણીનું પરિણામ આઠ ડિસેમ્બરે આવશે.

    નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી સાથે જોડાયેલા રહો.

    14 નવેમ્બરના સમાચાર માટે અહીં ક્લિક કરો.