ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને હરાવી દીધું એ બાદ પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે ટીમે ક્યાં ભૂલ કરી એ અંગે વાત કરી.
મૅચ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ઇગ્લૅન્ડ સામે વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં દબાણ હોવાનો તો ઇન્કાર કર્યો પણ પાકિસ્તાન ઇચ્છતું હતું એ રીતે મૅચ પૂરી ના થઈ હોવાનો અફસોસ ચોક્કસથી વ્યક્ત કર્યો.
બાબરે કહ્યું, "અલબત્ત, ફાઇલનમાં તમે (પ્રતિસ્પર્ધીને) હરાવી ના શકો એ દુઃખદાયી છે. પાકિસ્તાન માટે રમવું અમારા માટે ગર્વની વાત છે પણ તમે જીતી ના શકો ત્યારે ભારે પીડાદાયક બાબત છે. અમે એશિયા કપમાં પણ જીતી નહોતા શક્યા અને એનું દુઃખ રહ્યા કરે છે. "
"આ ભારે તણાવપૂર્ણ સપ્તાહ હતું અને અમને ખ્યાલ નહોતો કે અમે જ જીતીશું કે હારીશું પણ જે રીતે અમે તક ઝડપી લીધી અને સતત ચાર મૅચમાં અમારી શ્રેષ્ઠ ક્રિકેટ રમી એનાથી અમારી ટીમ જશની ભાગીદાર તો છે."
ટૉસ હારતાં જ પાકિસ્તાન ટી20 વર્લ્ડકપની ફાઇનલના એ ઇતિહાસનો ભાગ બની ગયું હતું, જેમાં છ વર્લ્ડકપમાંથી અત્યાર સુધી માત્ર એક વખત જ પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ટીમ સ્કોરને ડિફેન્ડ કરવામાં સફળ રહી છે.
શરૂઆતમાં જ રિઝવાન અને હારિસની વિકેટો ગુમાવી દેનારી પાકીસ્તાની ટીમે બાદમાં સ્થિતિને થોડી સંભાળી લીધી હતી અને 11 ઓવર પૂરી થઈ ત્યાં સુધી તેણે બે વિકેટના નુકસાને 84 રન બનાવી દીધા હતા. એ વખતે પાકિસ્તાન મોટો સ્કોર કરશે એવું મનાઈ રહ્યું હતું.
લિયામ લિવિંગસ્ટોનની ઓવરમાં શાહ મસૂદે 16 રન લીધા હતા. જોકે, એ બાદ પાકિસ્તાને માત્ર એક જ રનમાં બે વિકેટો ગુમાવી દીધી હતી.
આ અંગે વાત કરતાં તેમણે કહ્યું, "બૉલને ઉછાળ મળી રહ્યો હતો. અમે પાવરપ્લેમાં 45-50 રન ઇચ્છતા હતા પણ અમે કેટલીક વિકેટો ગુમાવી દીધી. 11મી ઓવરમાં અમે લગભગ 85 (84) રન પર હતા પણ એ વખતે ઉપરાઉપરી બે વિકેટો પડી અને અમે મૉમેન્ટમ ગુમાવી દીધી. મિડલ ઑર્ડરમાં ખાસ કરીને શાદાબ અને શાહની ભાગીદારી તૂટી અને બન્ને એક બાદ એક આઉટ થઈ ગયા. "
"એ વખતે અમારી સ્થિતિ ઘણી અલગ હતી અને અમે ભાગીદારી બનાવવનો પ્રયાસ કરી રહ્યા હતા એટલે અમારા મિડલ ઑર્ડરમાં ડૉટ-બૉલનો રેશિયો પણ ઘણો વધારે હતો. અમે એ (ભાગીદારી) કરી ના શક્યા. વિકેટ પડે ત્યારે નવા બૅટ્સમૅનને સેટ થવા માટે 2-3 બૉલની જરૂર પડતી હોય છે. એણે અમને બૅક ફૂટ પર લાવી દીધા અને એ રીતે અમે ઇચ્છતા એ રીતે મૅચને પૂરી ના કરી શક્યા."
તેમણે એવું પણ કહ્યું કે શાહીનશાહ આફ્રિદીની ઈજા મૅચમાં 'અલગ જ પરિણામ' લાવી. હૅરી બ્રૂકનો કૅચ પકડવા જતાં આફ્રિદી લૉન્ગ ઑફ પર ઘાયલ થઈ ગયા હતા. એ બાદ તેમને મેદાનમાંથી બહાર જતું રહેવું પડ્યું હતું.
આફ્રીદ 16મી ઓવર ફેંકવા આવ્યા હતા અને એ વખતે ઇંગ્લૅન્ડને 30 બૉલમાં 41 રનની જરૂર હતી. આફ્રિદીને ચાલવામાં મુશ્કેલી પડી રહી હોવાનું એ વખતે સ્પષ્ટ જણાતું હતું અને તેઓ એક જ બૉલ ફેંકી શક્યા હતા. એ બાદની ઓવર ઇફ્તિખાર અહમદે પૂરી કરી હતી. જોકે, બેન સ્ટૉક્સે એ ઓવરમાં એક સિક્સર અને એક ફૉર ફટકારીને મૅચનું પાસું પલટી નાખ્યું હતું.
બાબરે એવું પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનને જે સ્કોર કરવા માગતું હતું એનાથી થોડો ઓછો સ્કોર થયો હતો.
"અમે 20 રન ઓછા કર્યા પણ છેલ્લી ઓવર સુધીની લડત અવિશ્વસનીય હતી.અમારી બૉલિંગ શ્રેષ્ઠ પૈકીની હતી પણ બદનસીબે શાહીનની ઈજા અણધાર્યું પરિણામ લાવી. જોકે, એ પણ રમતનો એક ભાગ જ છે."