ખેરસોનમાંથી રશિયન સૈનિકો પાછા ખેંચાયા પછીયુક્રેનિયન સૈનિકોનું ત્યાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક લોકો ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને
સૈનિકોનું સ્વાગત કર્યું હતું. કેટલાક લોકો દેશભક્તિના ગીતો ગાતા પણ જોવા મળ્યા
હતા.
આસિયાન શિખર સંમેલન માટે કંબોડિયામાં આવેલા યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો
કુલેબાએ કહ્યું છે કે ખેરસોનમાંથી રશિયાની પીછેહઠ દર્શાવે છે કે તેઓ આ યુદ્ધમાં
હારશે.
તેમણે કહ્યું, "અમે બીજી લડાઈ જીતી છે, અમે તમને યાદ કરાવવા માંગીએ છીએ કે યુદ્ધની શરૂઆત પછી અમે પહેલા કિવ જીતી
લીધું, પછી રશિયાને
ઉત્તર-પૂર્વથી પીછેહઠ કરવા મજબૂર કર્યું, ખાર્કિવ જીત્યું અને હવે તેઓ ખેરસોનમાં હારી ગયા."
યુક્રેનના વિદેશ મંત્રીએ અમેરિકાનો સહયોગ બદલ આભાર માન્યો
યુક્રેનના વિદેશમંત્રી આસિયાન સમિટમાં યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની
બ્લિન્કનને મળ્યા હતા. જ્યાં તેમણે યુએસના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
એએફપી સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર, બદલામાંબ્લિંકને યુક્રેનના સૈન્ય અને લોકોની "અભૂતપૂર્વ હિંમત"ને બિરદાવી
હતી અને રશિયાને હરાવવા માટે યુએસ સમર્થન "ચાલુ રાખવાનું" વચન આપ્યું
હતું.
દરમિયાન યુદ્ધ મોરચેથી આવતા સમાચાર અનુસાર, રશિયાએ ખેરસોન પ્રદેશ માટે નવી 'રાજધાની' જાહેર કરી છે.
રશિયાએ યુક્રેનના બંદરીય શહેર હેનિચેસ્કને ખેરસોન પ્રદેશ માટેની નવી અસ્થાયી
વહીવટી રાજધાની જાહેર કરી છે.
હેનિચેસ્ક રશિયાના કબજા હેઠળના ક્રિમીઆની નજીક છે અને ખેરસોનથી દૂર છે, જેને યુક્રેનિયન દળોએ શુક્રવારે ફરીથી કબજે કર્યું હતું. તે ખેરસોન કરતાં
નાનું છે અને એઝોવ સમુદ્રના ઉપરી પ્રદેશ પર આવેલું છે.
રશિયાની ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સી અનુસાર, અધિકારીઓએ તમામ પ્રાદેશિક કાર્યાલયો
તેમજ "મૂર્તિઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ"ને ખેરસોન શહેર અને તેની આસપાસના
વિસ્તારોમાંથી ખાલી કરાવ્યા હતા. તેમના અહેવાલ અનુસાર, આ વિસ્તારમાંથી 1,15,000 થી વધુ લોકોને
સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા.
ખેરસોન એ ચાર યુક્રેનિયન પ્રદેશોમાંનો એક હતો જેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર
પુટિને સપ્ટેમ્બરમાં રશિયા સાથે જોડવાનો દાવો કર્યો હતો. અલબત્ત આ દાવો
આંતરરાષ્ટ્રીય સ્તરે નકારવામાં આવ્યો હતો. રશિયાએ 2014માં ક્રિમીઆને કબજે કરી લીધું હતું.
કિએવથી રિપોર્ટિંગ કરતા બીબીસીના પત્રકાર એનાસ્તાસિયા લેવચેન્કોએ જણાવ્યું છે
કે ખેરસોનમાં વીજળી વગર અંધારપટ છે અનેપાણીની તંગી સર્જાઈ છે.
આઠ મહિનાના રશિયન કબજા પછી યુક્રેનિયન દળો અને પશ્ચિમી પત્રકારો પ્રથમ વખત
ખેરસોનમાં પ્રવેશતા આ હકીકત તેમની સામે આવી હતી.
યુક્રેનિયનોને હવે કહેવામાં આવી રહ્યું છે કે ખેરસોન પ્રદેશના આસપાસના નગરો
અને ગામડાઓમાં આગામી સોમવારથી વીજળીનો પુરવઠો પુરો પાડવામાં આવશે.
દરમિયાન, યુક્રેનિયન ટીવીએ
પ્રદેશમાં પ્રસારણ ફરી શરૂ કર્યું છે અને તે સ્થાનિકો માટે માહિતીનો એક મહત્વપૂર્ણ
સ્ત્રોત છે.
યુદ્ધ પહેલા ખેરસોનમાં 3,20,000 લોકો વસતા હતા જ્યારે અત્યારે 70થી 80,000ની
વસ્તી છે.