જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નિયંત્રણવાળા અદાણી સમૂહે મીડિયા
કંપની એનડીટીવીમાં વધુ 26 ટકા હિસ્સો ખરીદવા
માટે ઓપન ઑફરની નવી તારીખ નક્કી કરી છે.
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું છે કે અદાણીની ઓપન ઑફર હાલ
22 નવેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખૂલશે અને પાંચ ડિસેમ્બરના રોજ બંધ થશે. આ
પહેલાં અદાણી સમૂહે ઓપન ઑફર માટે 17 ઑક્ટોબરથી એક નવેમ્બરની તારીખ નક્કી કરાઈ હતી.
વિશ્વપ્રધાન કૉમર્શિયલ લિમિટેડ (વીસીપીએલ)એ એએમજી મીડિયા નેટવર્ક્સ
અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ સાથે એનડીટીવી 26 ટકા એટલે કે 1.67 કરોડ ઇક્વિટી
શૅર ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો છે.
આ ઓપન ઑફર 294 રૂપિયા પ્રતિ શૅરના ભાવે હશે.
અદાણી સમૂહે ઑગસ્ટમાં એનડીટીવીની અપ્રત્યક્ષપણે 29.18 ટકા ભાગીદારી
ખરીદી લીધી હતી. આ બાદ ઓપન ઑફરનો રસ્તો ખૂલી ગયો હતો.
બીએસઈના આંકડા અનુસાર સાર્વજનિક શૅરધારકો પાસે સપ્ટેમ્બર 2022 સુધી
કંપનીના 38.55 ટકા શૅર હતા.
જો અદાણી સમૂહની ઓપન ઑફર સફળ રહે તો એનડીટીવીમાં તેની કુલ ભાગીદારી
55 ટકા કરતાં વધુ થઈ જશે.
કેવી રીતે ખરીદ્યું એનડીટીવી?
પ્રણૉય રૉય અને તેમનાં પત્ની રાધિકા રૉય એનડીટીવીનાં સંસ્થાપક અને
પ્રમોટરો છે.
પ્રણૉય રૉય પાસે કંપનીની 15.94 ટકા ભાગીદારી છે. જ્યારે તેમનાં પત્ની
રાધિકા રૉયની કંપનીમાં 16.32 ટકા ભાગીદારી છે. પ્રણૉય રૉય અને રાધિકા આરઆરપીઆર
હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડનાં પ્રમોટરો હતાં, આ કંપની પાસે એનડીટીવીના 29.18 ટકા શૅર
હતા.
વર્ષ 2008-09માં તેમણે આરઆરપીઆર મારફતે વીસીપીએલ પાસેથી લગભગ ચાર અબજ
રૂપિયાની લૉન લીધી હતી.
આ લૉન બદલે વીસીપીએલ પાસે 29.18 ટકા હિસ્સો ગીરો મુકાયો હતો. સાથે જ
એવો પણ વિકલ્પ અપાયો હતો કે દેવું ન ચૂકતે કરી શકાય તેવી સ્થિતિમાં તેઓ વાઉચરોના
99.5 ટકા ભાગ ઇક્વિટીમાં બદલી શકશે.
આ દેવું દસ વર્ષ માટે લેવાયું હતું અને તેનો સમયગાળો 2019માં પૂરો થઈ
ગયો હતો. પરંતુ આરઆરપીઆ દેવું ચૂકતે નહોતું કર્યું. આ બાદ અદાણી સમૂહે વીસીપીએલ
ખરીદી લીધું. જેના કારણે આરઆરપીએલના એનડીટીવીના શૅર અદાણી સમૂહ પાસે આવી ગયા.
અદાણી સમૂહે એ જ સમયે એવું પણ જણાવ્યું હતું કે તેઓ 26 ટકા વધુ
ભાગીદારી ઓપન ઑફર અંતર્ગત ખરીદશે. આ ઓપન ઑફર 294 રૂપિયા પ્રતિ શૅર ભાવે હશે, જે શૅરની
હાલની કિંમત કરતાં 20 ટકા ઓછી છે.
શૅરબજારની નિયામક સંસ્થા સેબીના નિયમો પ્રમાણે, દેશમાં લિસ્ટેડ કોઈ
પણ કંપની જેની પાસે 25 ટકા કે તેનાથી વધુ શૅર છે તેને વધુ ભાગીદારી ખરીદવા માટે
ઓપન ઑફર અનિવાર્યપણે લાવવાની રહે છે જેનાથી કંપનીના માઇનૉરિટી શૅરહોલ્ડર પહેલાંથી
નક્કી કિંમતે શૅર પોતાની મરજીથી નવા રોકાણકારોને વેચી શકે.
એનડીટીવીએ સ્ટૉક ઍક્સચેન્જને જણાવ્યું છે કે આ સંબંધમાં તેઓ કાયદાકીય
વિકલ્પો શોધી રહ્યા છે અને તે અનુસાર આગળની કાર્યવાહી કરશે.