ક્વૉડ શું છે અને તેનું શું મહત્ત્વ છે?
અમેરિકા, ભારત, ઑસ્ટ્રેલિયા અને જાપાનના નેતાઓએ શુક્રવારના રોજ ચારેય દેશોના સમૂહ ક્વૉડની પહેલી વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો.
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસન અને જાપાનના વડા પ્રધાન યોશીહીદે સૂગા વર્ચ્યુઅલ બેઠકમાં સામેલ થયા હતા.
ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ બેઠક બાદ કહ્યું કે ચારેય નેતા હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં કોરોના વૅક્સિનના ઉત્પાદન વિતરણમાં સહયોગ કરવા પર સંમત થયા છે. કેટલાંક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચારેય દેશ આગામી વર્ષ સુધી એક અબજ ડોઝ તૈયાર કરવા પર સહમત થયા છે.
આ સિવાય ઇન્ડો-પેસિફિક વિસ્તારને 'મુક્ત અને સલામત' રાખવા શક્ય તમામ પ્રયાસો કરવાની વાત કરવામાં આવી હતી. આ બાબતને 'ચીનને સંદેશ' તરીકે જોવામાં આવે છે.
બાઇડને તેમના ભાષણની શરૂઆત, "પીએમ મોદી, આપને મળીને સારું લાગ્યું" થી કરી હતી.
આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર કશિશ પરપિયાનીએ આ બેઠકને ઐતિહાસિક ગણાવતા કહ્યું છે, “ચાર રાષ્ટ્રાધ્યક્ષોનું આ બેઠકમાં સામેલ થવું ઐતિહાસિક છે. આ બેઠકથી ક્વૉડ સમૂહના પ્રત્યે આ દેશોની ગંભીરતા વ્યક્ત થઈ છે.”
આ બેઠકની થોડી વાર પહેલાં જ ચીને એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું, “રાષ્ટ્રોએ કોઈ ત્રીજા પક્ષના હિતો પર નિશાન સાધવું અથવા નુકસાન ન પહોંચાડવું જોઈએ.”
ચીને કહ્યું છે કે દેશોએ ઍક્સક્લુઝિવ બ્લૉક ન બનાવવા જોઈએ. કશિશ પરપિયાની ચીનની દલીલને ફગાવતા કહે છે કે ક્વૉડ સમૂહને માત્ર ચીન વિરોધ સમૂહ ન સમજવું જોઈએ.
તેઓ કહે છે, “તેનો ઉદ્દેશ એશિયા-પૅસિફિક ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવાનો છે.”

શું છે ક્વૉડ?

ઇમેજ સ્રોત, EPA
ધ ક્વોડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ એટલે કે ક્યૂસિડ એટલે કે ક્વૉડ. અમેરિકા,ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અનૌપચારીક વાતચીત માટેનું આ ગઠબંધન છે.
વર્ષ 2007માં જાપાનના તત્કાલિન વડા પ્રધાન શિંઝો આબેએ તેનો પ્રસ્તાવ મુક્યો હતો જેને અન્ય ત્રણેય દેશોએ સમર્થન આપ્યું હતું.
જ્યારે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાનું શરૂ કર્યું ત્યારે સૌને ચિંતા થવા લાગી કે દુનિયાના નિયમોને નેવે મુકીને ચીન પોતાની મરજી પર ચાલી શકે છે.
કારણકે ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયાનો વેપાર દક્ષિણ ચીન સમુદ્રના માધ્યમથી જ ચાલે છે. તેથી ચીન સામે સભ્ય દેશો વચ્ચે નૌસૈનિક ક્ષમતા અને સહયોગ વધારવા માટે આ સંગઠન ક્વૉડ સ્થપાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
