You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'શેરીએ શેરીએ દારૂ વેચાય છે, ઘરે ઘરે ડિલિવરી થાય છે' બનાસકાંઠાની મહિલાઓએ શું કહ્યું?
"શિવનગરમાં ચારેકોર દારૂ મળે છે. અહીં દારૂના વ્યસની મહિલાઓને ખૂબ માર મારે છે. મહિલા મજૂરી કરીને કમાય છે, એ પૈસા લઈને વ્યસનખોરો દારૂ પી જાય છે."
"દારૂ પીને આવે અને મને હેરાનગતિ કરે, દારૂ બંધ કરો, બસ..."
"શેરીએ શેરીએ દારૂ મળે છે, પાણી કરતાં વધુ દારૂ મળે છે. ઘરે-ઘરે ડિલિવરી થાય છે."
"મારો છોકરો એમબીએ કરતો હતો, પરંતુ ડ્રગ્સ અને સ્મૅકના રવાડે ચડી ગયો. અત્યારે એ રિહેબ સેન્ટરમાં છે, હું દર મહિને ડ્રગ્સ છોડાવવા માટે 30 હજાર રૂ.નો ખર્ચ કરું છું. આજે આ વાતને ત્રણ વર્ષ થઈ ગયાં."
બનાસકાંઠાના પાલનપુરના શિવનગર ખાતે કથિતપણે શેરીએ શેરીએ દારૂ, ડ્રગ્સ અને ગાંજાનો વેપાર થતો હોવાની ફરિયાદ કરતાં સ્થાનિકો પોતાની વાત કંઈક ઉપર પ્રમાણે રજૂ કરે છે.
નોંધનીય છે કે અમુક દિવસ પહેલાં કૉંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શિવનગરના સ્થાનિકોની આ ફરિયાદ પોલીસ સામે ઉગ્રપણે મૂક્યા બાદ ચર્ચા શરૂ થઈ હતી.
એક તરફ શિવનગરના સ્થાનિકો સહિત ગુજરાતના ઘણા વિસ્તારમાં લોકોએ દારૂ, ડ્રગ્સ અને ગાંજાના દૂષણ સામે અવાજ ઉઠાવી જિજ્ઞેશ મેવાણીની રજૂઆતને વાજબી ઠેરવી સમર્થન આપ્યું હતું. જ્યારે બીજી તરફ જિજ્ઞેશ મેવાણીએ આ સમગ્ર મામલામાં પોલીસ સામે આક્ષેપ કરતાં ગુજરાત સરકારના મોટા નેતા, પોલીસ પરિવારો, પોલીસના અધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી.
બીબીસી ગુજરાતીએ જ્યાંથી આ મામલાની શરૂઆત થઈ એવા શિવનગર પહોંચીને ત્યાંના સ્થાનિકો પાસેથી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અહીં સ્થાનિકોનો દાવો છે કે વિસ્તારમાં મોટા પાયે દારૂ, ડ્રગ્સ અને ગાંજો મળે છે, જેના કારણે યુવા ધનનો શિકાર બની બરબાદ થતું જઈ રહ્યું છે.
શિવનગરમાં દારૂ, ડ્રગ્સ અને ગાંજા દૂષણની પરિસ્થિતિ અંગે મહિલાઓ અને વાલીઓએ શું કહ્યું? જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન