45 વર્ષ અગાઉ રૂ. 100 રૂપિયાના ઘઉંની ચોરીની એફઆઇઆર બાદ ધરપકડ, જાણો આખો મામલો

ક્રાઇમની સ્ટોરી, અજબ ગજબ કહાણી, 45 વર્ષ જૂના કેસમાં ધરપકડ, સલીમ મેવાતી, પોલીસની સતર્કતા કે લાપરવાહી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Saleem's family

    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"સાહેબ મને તો યાદ પણ નથી કે નાનપણમાં મેં ક્યારે તોફાનમસ્તી કરી હોય. 45 વર્ષ પહેલાં મારી ઉપર 100 રૂપિયાના ઘઉંની ચોરીનો કેસ દાખલ થયેલો છે, એવી જો મને ખબર હોત, તો હું સામે ચઢીને પોલીસ પાસે ગયો હોત."

65 વર્ષીય સલીમ મેવાતીએ ફોન ઉપર વાત કરતા કહ્યું કે શનિવારે (સાતમી ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાની પોલીસ તેમની ધરપકડ કરવા માટે પહોંચી હતી.

45 વર્ષ પહેલાં જિલ્લાના બલકવાડા પોલીસ સ્ટેશન હેઠળ આવતા બલસમુંદ કાકડ ગામ ખાતે રૂ. 100ના ઘઉંની ચોરીના મામલે આ કેસ દાખલ થયો હતો.

સલીમ ઉપર આરોપ છેકે તેમણે તથા છ અન્ય મિત્રોએ સાથે મળીને ડિસેમ્બર 1980માં બે અલગ-અલગ ખેતરોમાંથી ચોરી કરી હતી. આ કેસની ફરિયાદ માણિકચંદ પટેલ તથા લાલચંદ પટેલે દાખલ કરાવી હતી.

ખરગોન જિલ્લાનાં સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર શ્વેતા શુક્લએ સલીમ મેવાતી વિરુદ્ધ રૂ. 100ના ઘઉંની ચોરીનો કેસ દાખલ હોવાની પુષ્ટિ કરી હતી.

શ્વેતા શુક્લએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "અમારી પાસે જે રિપોર્ટ છે, એ મુજબ, 1980માં સલીમ તથા અન્ય છ શખ્સો તે સમયે 19-20 વર્ષના હતા. તેમણે બાલસમુંદ કાકડ વિસ્તારના ખેતરોમાંથી ઘઉંની ચોરી કરી હતી. બે ખેતરમાંથી ચોરી થઈ હોવાથી બે એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ થઈ હતી."

પોલીસના રેકૉર્ડમાં ઘટના સમયે સલીમની ઉંમર 19-20 વર્ષની જણાવવામાં આવી છે, જ્યારે પરિવારનું કહેવું છે કે સલીમનો જન્મ 1967માં થયો હતો અને ઘટના સમયે તેઓ કિશોરવયના હતા.

45 વર્ષે પોલીસ સલીમ સુધી કેવી રીતે પહોંચી?

ક્રાઇમની સ્ટોરી, અજબ ગજબ કહાણી, 45 વર્ષ જૂના કેસમાં ધરપકડ, સલીમ મેવાતી, પોલીસની સતર્કતા કે લાપરવાહી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ashif Khan

ઇમેજ કૅપ્શન, જૂના કેસોનું ડિજિટલીકરણ કરવામાં આવતા આ કેસ પ્રકાશમાં આવ્યો હતો

મધ્ય પ્રદેશમાં થોડાં વર્ષો અગાઉ જૂના કેસોનું ડિજિટલીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ કેસ પણને પણ ડિજિટાઇઝ કરવામાં આવ્યો હતો.

ખલટકા ચોકીના પ્રભારી મિથુન ચૌહાણે કોર્ટના આદેશને પગલે આ કેસમાં ફરાર આરોપીઓ વિશે તપાસ હાથ ધરી હતી. બીબીસીના જણાવ્યા પ્રમાણે, સલીમ વિશેની માહિતી તેમને આ વિસ્તારમાં રહેતા એક આરોપી પરિવાર પાસેથી અનાયાસે જ મળી હતી.

પોલીસનું કહેવું છે કે આ કેસમાં કુલ સાત આરોપી હતા. જેમાંથી બેનું અગાઉ જ મૃત્યુ થઈ ગયું છે. ચાર જામીન ઉપર બહાર છે અને સલીમ મેવાતી છેલ્લા આરોપી હતા.

મિથુન ચૌહાણના કહેવા પ્રમાણે, "આ કેસમાંથી જ્યારથી તેમની સામે સ્ટેન્ડિંગ વૉરંટ કાઢવામાં આવ્યું હતું, ત્યારથી અમે તેમને શોધી રહ્યા હતા. એવામાં અમને એક વ્યક્તિના ઘરે વિશે જાણવા મળ્યું. અમે ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે તેમનું મૃત્યુ થઈ ગયું છે. વાતચીત દરમિયાન જ સલીમ મેવાતી વિશે જાણવા મળ્યું. ત્યાંથી જરૂરી વિગતો લઈને અમે સલીમનાં ઘરે પહોંચ્યા અને કાયદેસરની કાર્યવાહી કરી."

સલીમના પરિવારજનોનું કહેવું છે કે તેમને આ કેસ વિશે કોઈ માહિતી ન હતી. સલીમ મેવાતીનાં પુત્રવધૂ આયેશાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે લોકો તો આઘાતમાં હતાં. પોલીસ આવી અને મારા સસરાની ધરપકડની વાત કરી, અમને તો કંઈ સમજાયું જ નહીં. અમને જણાવવામાં આવ્યું કે 45 વર્ષ પહેલાં મારા સસરાએ 100 રૂપિયાના ઘઉં ચોર્યા હતા."

ધરપકડના દિવસથી સલીમનાં પત્ની તસ્લીમ જામીન માટેનાં કાગળિયાં કરવામાં લાગેલાં હતાં. તેમણે બીબીસીને જણાવ્યું કે આ ઘટના તેમના માટે આશ્ચર્યજનક હતી.

તસ્લીમ કહે છે, "એક દિવસ અચાનક પોલીસ આવી અને ત્રણ દીકરી અને એક દીકરાના પિતા, પૌત્ર-પૌત્રાદિના દાદાને 'ચોર' કહીને લઈ ગઈ. અમે તો કશું સમજી જ નહોતા શકતા. અમે પણ પાછળ-પાછળ પોલીસ સ્ટેશને ગયાં."

તસ્લીમ કહે છે, "પોલીસ સ્ટેશને ગયા તો માહિતી મળી કે મારાં નિકાહ થયાં, એ પહેલાંની કોઈ ઘટના છે. એ સમયે તો તેઓ પોતે પણ બાળક જ હતાં."

'સામાજિક પ્રતિષ્ઠાને બટ્ટો લાગ્યો'

ક્રાઇમની સ્ટોરી, અજબ ગજબ કહાણી, 45 વર્ષ જૂના કેસમાં ધરપકડ, સલીમ મેવાતી, પોલીસની સતર્કતા કે લાપરવાહી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ashif Khan

ઇમેજ કૅપ્શન, શ્વેતા શુક્લ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સલીમ મૂળતઃ ખરગોન જિલ્લાના બલસમુંદ કાંકડ ગામના રહીશ હતા. તસ્લીમ સાથે નિકાહ થયાં એ પછી તેઓ પોતાના સાસરે ધાર જિલ્લાના બાઘ ગામે આવીને રહેવા લાગ્યા હતા.

પોતાના પતિ સાથે બલસમુંદ કાંકડ ગામે આવેલાં તસ્લીમનું પૂછે છે કે આટલાં વર્ષોથી પોલીસ તથા વહીવટીતંત્ર શું કરી રહ્યું હતું ?

તસ્લીમ કહે છે, "ઘડી ભર તો માની લઈએ કે બાલસમુંદ કાંકડમાં આ લોકોએ કિશોરાવસ્થામાં તોફાનમસ્તીમાં કંઈક કર્યું હશે, તો એ ગામથી માંડ 70-80 કિલોમીટર દૂર અમે નિકાહ પછીથી રહીએ છીએ. હાલ પણ સલીમજીનો આખો પરિવાર બલસમુંદમાં રહે છે. જો પોલીસે વ્યવસ્થિત રીતે કામ કર્યું હોત, તો અમારા પરિવાર સુધી કોઈ ને કોઈ સમન્સ તો પહોંચ્યું હોત. અમારા પરિવારજનો અત્યારે પણ બલસમુંદમાં રહે છે, તેમણે અમને જણાવ્યું હોત."

સલીમ મેવાતીના પરિવારજનોનું કહેવું છે કે જે રીતે સ્થાનિક મીડિયાએ સલીમને 'ફરાર' તથા 'કાયદાથી છૂપાતા ફરતા' કહ્યા, તે ખોટું છે તથા એનાં કારણે અમારા પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને આંચકો પહોંચે છે.

તસ્લીમે બીબીસીને જણાવ્યું, "અમે ક્યાંય છૂપાઈને નહોતા રહ્યાં. મારા પતિએ નાનપણમાં જે કંઈ કર્યું, એ તેમને હવે યાદ પણ નથી. એ સમયે તેમની ઉંમર કદાચ 13-14 વર્ષની રહી હશે, પરંતુ પોલીસની કાર્યવાહી પછી મીડિયામાં એમને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે, એના પરથી તો એવું જ લાગે કે જાણે તેઓ કોઈ ખૂંખાર આરોપી છે. વાસ્તવમાં તેઓ સામાન્ય માણસ છે. જેઓ પોતાના પરિવાર સાથે જેમ-તેમ કરીને જિંદગી પસાર કરી રહ્યા હતા."

સમાધાન થઈ ગયું

વીડિયો કૅપ્શન, ગાઢ જંગલમાં એકલો રહેતો એક પરિવાર શા માટે આ જગ્યા છોડવા તૈયાર નથી?

તા. સાતમી ફેબ્રુઆરીએ ધરપકડ પછી સલીમ મેવાતીને જેલમાં મોકલી દેવાયા હતા. તેમની સામે તત્કાલીન ઇન્ડિયન પિનલ કોડની (આઇપીસી) કલમ 379 હેઠળ કેસ નોંધાયો હતો.

સલીમે બીબીસીને જણાવ્યું હતું કે આ મામલે તેમની તથા આરોપી મૂકનારાઓની વચ્ચે સમાધાન થઈ ગયું છે.

"જુઓ સાહેબ હું ઘરડો થઈ ગયો છું. સ્યૂગર તથા બ્લડપ્રેશરનો દર્દી છું. મારાં પૌત્ર-પૌત્રીઓ પણ મોટાં થઈ ગયાં છે. કેસ દાખલ કરાવનારી વ્યક્તિ પણ વૃદ્ધ થઈ ગઈ છે. ખૂબ જ જૂની બાબત છે અને તેની ઉપર કેસ લડવાની હિંમત બંનેમાંથી કોઈપણ પક્ષાકરની રહી ન હતી."

કાયદાના જાણકારોના કહેવા પ્રમાણે, ચોરી જેવા કેસમાં અદાલતની મંજૂરીથી સંબંધિત પક્ષકારો વચ્ચે સમાધાન થાય, તો તેના આધારે કાર્યવાહી પૂર્ણ થઈ શકે છે.

અમે આ અંગે ફરિયાદકર્તા માણિકચંદ પટેલના પરિવારજનો સાથે વાત કરી, તો તેમણે પણ આ કેસમાં સમાધાન થઈ ગયું હોવાની વાત કરી હતી.

માણિકચંદ પટેલના દીકરા રાજેન્દ્ર પટેલે ફોન ઉપર કહ્યું, "અત્યારે મારા પિતાની ઉંમર લગભગ 80 વર્ષની થઈ ગઈ છે. આ કેસ આજથી 45 વર્ષ પહેલાંનો છે. એ સમયે ભલે એ રકમ મોટી હતી, પરંતુ આ તે ખૂબ જ નાની વાત છે. બંને પક્ષકારો વૃદ્ધ થઈ ગયા છે. એટલે બંનેએ પરસ્પર વાતચીત કરીને સમાધાન કરી લીધું અને આ કેસને ખતમ કરી દીધો."

45 વર્ષ જૂના કેસ તથા એમાં સલીમ મેવાતીની ધરપકડથી એ વાતની ચર્ચા છેડાઈ છે કે વર્ષો જૂના કેસમાં પોલીસની જવાબદારી માત્ર કાર્યવાહી કરવા પૂરતી મર્યાદિત હોય છે કે પછી સમયસર માહિતી આપવી તે પણ આ પ્રક્રિયાના ભાગરૂપ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન