પોલીસે કહ્યું કે એક પિતાએ ચૂંટણી લડવા પુત્રીની હત્યા કરી નાખી, આખો મામલો શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, પોલીસના જણાવ્યા અનુસાર પાંડુરંગની છ વર્ષની દીકરી પ્રાચીને તેલંગણામાં લાવવામાં આવી હતી અને ત્યાં તેની હત્યા કરવામાં આવી હતી
    • લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

(ચેતવણીઃ આ અહેવાલમાંની કેટલીક વિગત વાચકોને વિચલિત કરી શકે છે)

ત્રણ કે તેથી વધુ સંતાન ધરાવતી વ્યક્તિ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે, એ નિયમને કારણે પોતે ચૂંટણી નહીં લડી શકે એવા ભયને કારણે એક પિતાએ તેની પુત્રીની હત્યા કરી હોવાનું તેલંગણાની નિઝામાબાદ પોલીસે જણાવ્યું છે.

મહારાષ્ટ્રના પાંડુરંગ કોંડામંગલે નામની વ્યક્તિએ આ હત્યા કરી હોવાનું કહેવાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર પાંડુરંગની છ વર્ષની દીકરી પ્રાચીને તેલંગણામાં લાવવામાં આવી હતી અને ત્યાં તેની હત્યા કરવામાં આવી હતી.

નિઝામાબાદના પોલીસ કમિશનર પી. સાઈ ચૈતન્યે આ ઘટનાની વિગતવાર માહિતી બીજી ફેબ્રુઆરીએ મીડિયાને આપી હતી.

નિઝામસાગર નહેરમાં બાળકનો મૃતદેહ મળ્યો

પોલીસને માહિતી મળી હતી કે તેલંગણાના એડાપલ્લી પાસે એઆરપી કૅમ્પ નજીકની નિઝામસાગર નહેરમાંથી એક બાળકનો મૃતદેહ મળ્યો છે.

પોલીસે શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધ્યો હતો. નિઝામાબાદના એસીપી શ્રીનિવાસને નેતૃત્વમાં ત્રણ ટીમ બનાવાઈ હતી અને તેમણે તપાસ શરૂ કરી હતી.

તેમણે વિનંતી કરી હતી કે બાળકના મૃતદેહની તસવીર મીડિયા તથા સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવી જોઈએ અને બાળકના કોઈ પણ સંબંધીએ આ બાબતે માહિતી આપવી જોઈએ.

કૉન્સ્ટેબલનું વૉટ્સઍપ સ્ટેટસ

નિઝામાબાદ પોલીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nizamabad Police

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુધીર નામના એક કૉન્સ્ટેબલે તે બાળકનો ફોટોગ્રાફ તેના વૉટ્સઍપ સ્ટેટસ સ્વરૂપે પોસ્ટ કર્યો હતો.

મહારાષ્ટ્રના મુકેદ તાલુકામાં રહેતા બાળકના સંબંધીએ તે સ્ટેટસ જોયું હતું. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેઓ આ બાળકને જાણે છે અને માહિતી આપી શકે તેમ છે.

બાળકની ઓળખ મહારાષ્ટ્રના મુકેદ તાલુકાના કેરુડ ગામની છ વર્ષની પ્રાચી કોંડામંગલે તરીકે થઈ હતી.

પાંડુરંગ કોંડામંગલે પ્રાચીના પિતા હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું. પાંડુરંગ અને તેમનાં પત્નીને ત્રણ સંતાન છે. પ્રાચી અને એક અન્ય બાળક જોડિયાં છે.

પાંડુરંગ ગામમાં વિરાટ સલૂન નામે એક દુકાન ચલાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં આ વર્ષે પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે અને ગણેશ શિંદે હાલ કેરુડ ગામના સરપંચ છે.

આગામી પંચાયત ચૂંટણીમાં ગ્રામ અનામતમાં ફેરફાર થવાને કારણે ગણેશ શિંદેએ તેમના સ્થાને પાંડુરંગને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. પાંડુરંગ સાથે ગણેશ શિંદેને ગાઢ સંબંધ છે.

બોધન ગામના સીઆઇ વિજય બાબુએ બીબીસીને કહ્યું હતું, "પોતે ભલે સત્તા પર ન હોય, પરંતુ જે વ્યક્તિ પોતાની વાત માને એ જ સરપંચ બને એવું ગણેશ શિંદે ઇચ્છતા હતા. તેથી તેમણે પાંડુરંગને વાત કરી હતી અને ચૂંટણી લડવા તૈયાર કર્યા હતા."

મહારાષ્ટ્રની પંચાયત ચૂંટણીમાં સરપંચપદ માટે ચૂંટણી લડવા ઇચ્છતી વ્યક્તિને ત્રણ કે તેથી વધુ સંતાનો ન હોવાં જોઈએ, તેવો નિયમ છે. ત્રણ કે તેથી વધુ સંતાનો ધરાવતી વ્યક્તિ આ ચૂંટણી માટે અયોગ્ય ગણાય છે.

સાઈ ચૈતન્યના જણાવ્યા મુજબ, પાંડુરંગે વિચાર્યું હતું કે ત્રણ સંતાનો હોવાથી પોતે ચૂંટણી લડી શકશે નહીં. તેથી તેણે ગણેશ શિંદે સાથે મળીને ત્રણ પૈકીના એક સંતાનનો કાંટો કોઈ પણ રીતે કાઢી નાખવાની યોજના બનાવી હતી.

'બાળકને દત્તક લેવાનો પ્રયાસ નિષ્ફળ ગયા પછી...'

આ એ બાઇક છે જે મહારાષ્ટ્રથી બાળકને લાવ્યું હતું

ઇમેજ સ્રોત, Nizamabad Police

ઇમેજ કૅપ્શન, આ એ બાઇક છે જે મહારાષ્ટ્રથી બાળકને લાવ્યું હતું

પોલીસ કમિશનરના કહેવા મુજબ, શરૂઆતમાં ત્રણ પૈકીના એક બાળકને દત્તક લેવાની યોજના બનાવાઈ હતી, પરંતુ બાળકને દત્તક લેવાના નિયમો આકરા હોવાથી તેમણે પીછેહઠ કરવી પડી હતી.

તેમણે કહ્યું હતું, "પાંડુરંગ એ છોકરાને દત્તક લેવા ઇચ્છતા હતા. બર્થ સર્ટિફિકેટમાં પહેલાંથી જ તેમનું નામ હતું, પરંતુ બાળકને દત્તક લેવા સંબંધી નિયમો આકરા હોવાથી તેમણે પ્રયાસ પડતા મૂકવા પડ્યા હતા. તેઓ પૂણેસ્થિત નગરપાલિકાની ઑફિસે ગયા હતા અને બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કરાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ એવું થઈ શક્યું ન હતું."

પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, આખરે પાંડુરંગે વિચાર્યું હતું કે પ્રાચીની હત્યા કરીશ તો મારા બે જ સંતાન રહેશે અને હું ચૂંટણી લડી શકીશ.

પોલીસ કમિશનરે કહ્યું હતું, "પાંડુરંગ દીકરીને બાઇક (નંબર MH26BY7495) પર લઈને નીકળી પડ્યા હતા. નિઝામાબાદ જતા માર્ગ પર એડાપલ્લી મંડળના અંબમ ગામ તરફ આગળ વધતી વખતે બાળકીને નિઝામસાગર નહેરમાં ફેંકી દેવાને કારણે તેનું મૃત્યુ થયું હતું."

કેરુડ ગામ હત્યાના સ્થળથી લગભગ 65 કિલોમીટર દૂર આવેલું છે. પાંડુરંગ જે મોટર સાઇકલ પર પ્રાચીને લઈ ગયા હતા તે મોટર સાઇકલ પોલીસે જપ્ત કરી છે.

દીકરીએ કહ્યું કે 'મને મારા પપ્પા ગમે છે'

સીઆઇ વિજય બાબુએ બીબીસીને જણાવ્યું હતું કે પાંડુરંગે પ્રાચીની હત્યા કરવાનું નક્કર કારણ એ હતું કે તેને ત્રણ સંતાન હતાં.

વિજય બાબુએ કહ્યું હતું, "પ્રાચી તેના પિતા પાંડુરંગને બહુ પ્રેમ કરતી હતી. એ પાંડુરંગની પાસે જ રહેતી હતી અને તેમની દરેક વાત માનતી હતી. બીજી દીકરી મોટા ભાગે તેની માતા પાસે રહેતી હતી. તેઓ દીકરાને તેમનો વારસદાર માનતા હતા અને તેની હત્યા કરવા ઇચ્છતા ન હતા."

પાંડુરંગે જણાવ્યું હતું કે પ્રાચી મને બહુ પ્રેમ કરતી હોવાથી કોઈ સવાલ કર્યા વિના મારી સાથે આવશે, એવા વિચારથી હું તેને ઘરથી દૂર લઈ ગયો હતો.

પાંડુરંગે પોલીસ પૂછપરછમાં એમ પણ જણાવ્યું હતું કે તેણે પ્રાચીની હત્યા મહારાષ્ટ્રમાં જ કરી હોત તો તેની ઓળખ થવાની શક્યતા હતી, પરંતુ પાડોશી રાજ્યમાં હત્યા કરવાથી તે દુર્ઘટના સ્વરૂપે બહાર આવવાની સંભાવના હતી.

પોલીસે જણાવ્યું હતું કે પાંડુરંગે પ્રાચીની હત્યા કર્યા બાદ મિસિંગ રિપોર્ટ લખાવી, તેને મૃત જાહેર કરીને ચૂંટણી લડવાની યોજના બનાવી હતી.

નિઝામાબાદના પોલીસ કમિશનર સાઈ ચૈતન્યના જણાવ્યા મુજબ, ગણેશ શિંદેની ઓળખ પાંડુરંગના સાથી તરીકે કરવામાં આવી છે અને તેની પણ ધરપકડ કરાઈ છે.

બીબીસી આરોપી પાંડુરંગ તથા ગણેશ શિંદેના પરિવારોના નિવેદન મેળવવાના પ્રયાસ કરી રહ્યું છે. એ નિવેદન મળશે એટલે આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.

બેથી વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક ચૂંટણી લડવા માટે અયોગ્ય હોવાનો નિયમ અગાઉ તેલુગુભાષી રાજ્યોમાં પણ અમલમાં હતો. તાજેતરમાં આ બે રાજ્યોમાં નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. તેલંગણામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં આ નિયમનો અમલ ચાલુ છે, જ્યારે અન્ય ચૂંટણી સંબંધે તેને હઠાવી લેવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન