મધમાખીના હુમલામાં 25 બાળકોને બચાવવા પોતાનો જીવ આપી દેનાર કંચનબાઈની કહાણી

કંચનબાઈ

ઇમેજ સ્રોત, Akash Srivastava

ઇમેજ કૅપ્શન, કંચનબાઈ
    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"જો કંચનબાઈએ હિંમત ન દાખવી હોત, તો કોણ જાણે કેટલાંય બાળકો મરી જાત."

મધ્ય પ્રદેશના નીમચ જિલ્લાના રાનપુર ગામ ખાતે જે કોઈની સાથે વાત કરો, તેઓ આ વાત જ કહે છે. તેઓ કંચનબાઈના સાહસ અને ચપળતાની કહાણી સંભળાવે છે.

2 ફેબ્રુઆરીના બપોરે રાનપુર ગામના આંગણવાડી પરિસર ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો.

સામાન્ય રીતે જ્યાં બાળકોનો કલબલાટ સંભળાતો, ત્યાં અચાનક ચીખ પોકારના અવાજ સંભળાવા લાગ્યા.

આ આંગણવાડી પરિસરમાં જ બપોરે બે વાગ્યે પ્રાથમિક સ્કૂલ ચાલે છે.

ગ્રામીણોના કહેવા પ્રમાણે, બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે આંગણવાડીની આસપાસનાં બાળકો ઉપર મધમાખીઓનું ઝૂંડ તૂટી પડ્યું હતું. એ સમયે પરિસરમાં લગભગ 20-25 બાળકો હતાં.

"બાળકોને બચાવવા દોડી ગયાં"

સાહસિક મહિલાની કહાણી, બહાદુર આંગણવાડી કાર્યકર કંચનબાઈ, મધ્ય પ્રદેશ, મધમાખીઓના ડંખ, બાળકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Puneet Barnala

શાળાનાં શિક્ષિકા ગુણસાગર જૈનનાં કહેવા પ્રમાણે, "મધમાખીઓ બાળકો તરફ આગળ ધપી રહી હતી અને ભારે અફરાતફરીનો માહોલ હતો."

આવા સમયે આંગણવાડી સહાયિકા કંચનબાઈ પણ ત્યાં હાજર હતાં. 55 વર્ષીય કંચનબાઈને પરિસ્થિતિ પામતા વાર ન લાગી અને તેઓ બાળકોને બચાવવા ધસી ગયાં.

પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, કંચનબાઈએ સમય વેડફ્યા વિના જ બાળકોને અંદરની બાજુએ લઈ જવાનું શરૂ કરી દીધું. તેમણે બાળકો ઉપર આંગળવાડીમાં રહેલાં ચટ્ટાઈ અને ધાબળા ઢાંક્યાં. પછી તેમણે પોતાની સાડીથી બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો.

તેમનાં આ પગલાને કારણે લગભગ 25 બાળકો ઉપરથી ઘાત ટળી ગઈ, જેમાં તેમનો પૌત્ર પણ સામેલ હતો. જોકે, મધમાખીઓના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયાં. કંચનબાઈને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યાં, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.

નીમચના પોલીસ વડા અંકિત જાયસવાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "જાવદ પોલીસ સ્ટેશન હેઠળના રાનપુર ગામની આંગણવાડીમાં મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ત્યાં કામ કરનારાં કંચનબાઈએ બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો. કંચનબાઈને મધમાખીઓએ ઘાયલ કરી દીધાં, જેના પગલે તેમનું મૃત્યુ થયું."

દીકરાએ કહ્યું, 'મા ઉપર ગર્વ'

સાહસિક મહિલાની કહાણી, બહાદુર આંગણવાડી કાર્યકર કંચનબાઈ, મધ્ય પ્રદેશ, મધમાખીઓના ડંખ, બાળકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Aakash Srivastava

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કંચનબાઈના પરિવારમાં તેમના દીકરા રવિ મેઘવાળ તથા પતિ શિવલાલ. દીકરાનાં લગ્ન થઈ ગયાં છે અને કંચનબાઈને પૌત્ર પણ છે, જે ઘટના સમયે શાળામાં જ હતો.

કંચનબાઈના પતિ કેટલાંક વર્ષો પહેલાં લક્વાગ્રસ્ત થઈ ગયા હતા અને ત્યારથી જ પથારીવશ છે.

સમગ્ર પરિવારમાં શોક છે, પરંતુ તેમના દીકરા રવિ કહે છે કે તેમને માતા ઉપર ગર્વ છે.

રવિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હું એ સમયે ગામમાં ન હતો, પરંતુ બધાએ જણાવ્યું કે કેવી રીતે મારાં માતાએ ડઝનબદ્ધ બાળકોના જીવ બચાવ્યા છે. મારી માતાનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તેઓ બધાને પ્રેમ કરતા, પરંતુ બાળકો પ્રત્યે વિશેષ લગાવ હતો. તેઓ હંમેશાં કહેતાં કે બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે. તેઓ એમને બાળક નહીં, પરંતુ ભગવાનની જેમ માનતાં હતાં."

કંચનબાઈ ગામનાં સ્વસહાય જૂથ 'જય માતા દી'નાં વડાં હતાં અને આંગણવાડી સંબંધિત કામકાજ સંભાળતાં હતાં. બાળકો માટે ખાવાનું બનાવવાનું, પાણી પીવડાવવું તથા તેમની સંભાળ રાખવી એ કંચનબાઈની જવાબદારી હતી.

રવિ કહે છે કે તેમનાં માતાએ જે બાળકોનો જીવ બચાવ્યો એમાં તેમનો દીકરો પણ સામેલ હતો. "તેના શરીરમાંથી પણ મધમાખીના પાંચ-છ ડંખ કાઢવામાં આવ્યા હતા."

પોતાનાં માતાને યાદ કરતા રવિ કહે છે, "એમણે ક્યારેય આને કામ નહોતું સમજ્યું. તેમના માટે આ બધું જીવનના અભિન્ન ભાગરૂપ હતું. તેઓ ક્યારેય મોડાં નહોતાં પહોંચતાં અને ક્યારે રજા નહોતાં લેતાં. ક્યારેય કોઈ મુશ્કેલીને કારણે જઈ શકે એમ ન હોય, તો પણ પહેલાં બાળકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરતાં."

સુરેશચંદ્ર મેઘવાળનો દીકરો પણ એજ આંગણવાડીમાં ભણે છે. એ સમયે તેઓ બાળકોને લેવા માટે ગયા હતા.

સુરેશચંદ્ર મેઘવાળ કહે છે, "હું બહાર પહોંચ્યો તો મેડમ બૂમાબૂમ કરી રહ્યાં હતાં અને અંદરથી બાળકોની રોકકળ સંભળાઈ રહી હતી. થોડો નજીક પહોંચ્યો તો ખબર પડી કે મધમાખીઓએ હુમલો કર્યો છે. કંચનબાઈ બાળકોને ચાદર, શેતરંજી અને પોતાની સાડીથી ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. એ મધમાખીઓનું બહુ મોટું ટોળું હતું."

સુરેશચંદ્રના કહેવા પ્રમાણે, બાળકોને બચાવવા જતાં કંચનબાઈએ પોતે મધમાખીઓના અનેક ડંખ સહન કર્યાં. સુરેશ કહે છે, "જો એ દિવસે તેઓ (કંચનબાઈ) ન હોત, તો અનેક બાળકોના જીવ ગયા હોત."

બચાવ કરવા પહોંચેલા ગામલોકોએ શું કહ્યું?

સાહસિક મહિલાની કહાણી, બહાદુર આંગણવાડી કાર્યકર કંચનબાઈ, મધ્ય પ્રદેશ, મધમાખીઓના ડંખ, બાળકો, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કંચનબાઈ બાળકોને જમાડતાં, પાણી પાતાં, તથા તેમનું ધ્યાન રાખતાં

કંચનબાઈના દિયર દિલીપ મેઘવાળ કહે છે કે તેમને તેમને પાસેના ગામની એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે આંગણવાડી ઉપર મધમાખીઓના હુમલા વિશે માહિતી આપી હતી.

દિલીપના કહેવા પ્રમાણે, તેઓ જ્યારે આંગણવાડી પહોંચ્યા, ત્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી.

દિલીપ એ ઘટનાક્રમને યાદ કરતા કહે છે, "મેં જોયું કે કંચનબાઈ જમીન ઉપર પડ્યાં હતાં અને તેમના શરીર ઉપર મધમાખીના ઘણા બધા ડંખ લાગેલા હતા અને હજુ પણ કેટલીક મધમાખીઓ ત્યાં હતી. કંચનબાઈ હોશમાં ન હતાં, તેમનાં મોઢામાંથી ફીણ નીકળી રહ્યાં હતાં અને તેઓ કંઈ બોલી શકતાં ન હતાં."

દિલીપ કહે છે, "આજુબાજુમાં છોકરા રડી રહ્યા હતા અને લોકો ગભરાયેલા હતા. મેં કંચનબાઈને ઉઠાવ્યાં અને એક બાળક સાથે બહાર કાઢ્યાં. સુરેશચંદ્ર પણ ત્યાર સુધીમાં આવી ગયા હતા. તેમણે જ પોલીસ તથા ઍમ્બુલન્સને ફોન કર્યો."

પોલીસની ગાડી આવી, એ પછી કંચનબાઈને નજીકને સૌથી નજીકના સરવાનિયા મહારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) ખાતે લઈ જવામાં આવ્યાં, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં.

પીએચસીના પ્રભારી તથા એકમાત્ર તબીબ સંદીપ શર્માએ બીબીસીને જણાવ્યું, "હું એ દિવસે કલેક્ટ્રેટ મિટિંગ માટે ગયો હતો, દરમિયાન સાંજે મને પીએચસીમાંથી ફોન આવ્યો કે એક મહિલા ઉપર મધમાખીઓએ ભીષણ હુમલો કર્યો છે અને તેમને હૉસ્પિટલે લાવવામાં આવ્યાં છે."

"એ સમયે હૉસ્પિટલમાં સ્ટાફ હાજર હતો, તેમના કહેવા પ્રમાણે, કંચનદેવી હૉસ્પિટલે લાવવામાં આવ્યાં, તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. મધમાખીઓના હુમલામાં આવું શક્ય છે, કારણ કે વ્યક્તિ એનાફિલેક્ટિક શૉકમાં જતી રહે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે."

એનાફિલેક્ટિક શૉક ગંભીર, અચાનક થનારી અને જીવલેણ ઍલર્જિક પ્રતિક્રિયા છે, જે ઍલર્જી પેદા કરનારી ચીજોના સંપર્કમાં આવ્યાની અમુક મિનિટોમાં થઈ શકે છે.

કંચનબાઈનાં મૃત્યુને કારણે સમગ્ર રનાપુર ગામ શોકમાં ડૂબી ગયું છે. ગ્રામજનોને માટે તેઓ માત્ર આંગણવાલી સાથે સંકળાયેલાં મહિલા ન હતાં, પરંતુ તેમની હાજરી વિશ્વાસ ઊભો કરતી હતી.

એક ગ્રામીણે કહ્યું, "કંચનબાઈ ત્યાં હતાં, તો અમને વિશ્વાસ હતો કે બાળકો સુરક્ષિત હાથોમાં છે અને તેમની સારસંભાળની ચિંતા નહોતી રહેતી."

દિલીપ કહે છે કે કંચનદેવી પડખે બેસીને બાળકોને ખવડાવતાં અને તેમની સાથે ટિખ્ખળ ગમ્મત કરતાં.

આર્થિકસ્થિતિ ખરાબ, સરપંચે સહાયનું આશ્વાસન આપ્યું

સાહસિક મહિલાની કહાણી, બહાદુર આંગણવાડી કાર્યકર કંચનબાઈ, મધ્ય પ્રદેશ, મધમાખીઓના ડંખ, બાળકો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Aakash Srivastava

ઇમેજ કૅપ્શન, કંચનબાઈ જય માતા દી નામથી સ્વસહાય જૂથ ચલાવતાં હતાં

મેઘવાળ પરિવાર અગાઉથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. રવિના પિતા ચાર-પાંચ વર્ષ અગાઉ લક્વાગ્રસ્ત થઈ ગયા હતા.

રવિએ કહ્યું, "ઘરની તમામ જવાબદારી તેમનાં માતા ઉપર હતી. પિતાની સારવાર પાછળ પાંચ-છ લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હતા. એના માટે મારે જમીન પણ વેંચવી પડી. આજે પણ દર મહિને દવા પાછળ અઢીથી સાડા ત્રણ હજારનો ખર્ચ થાય છે."

રવિ કહે છે, "માતા માત્ર ઘરમાં જ નહીં, બહાર પણ પરિવાર માટે દ્રઢતાપૂર્વક સંઘર્ષ કરી રહ્યાં હતાં. સવારે ઘરની જવાબદારી, પિતાજીની દેખભાળ, પછી સ્કૂલમાં તથા આ બધાની વચ્ચે સ્વસહાય જૂથનું કામ. ખબર નહીં કેવી રીતે, પણ એ બધું કરી શકતાં હતાં."

ગામના સરપંચ લાલારામ રાવત કહે છે, "મધમાખીઓનો હુમલો ખૂબ જ મોટો હતો. કંચનબાઈએ બાળકોને બચાવતાં-બચાવતાં પોતાનો જીવ ગુમાવી દીધો. પરિવારની સ્થિતિ ખૂબ જ ગંભીર છે."

સરપંચનું કહેવું છે કે ગ્રામ પંચાયત પોતાના નિયમો હેઠળ પરિવારને સહાય આપશે.

"અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે તેમના પરિવારને આર્થિક મદદ મળે અને તેમના દીકરાને રોજગાર આપવા વિશે પણ વિચાર કરવામાં આવે."

ગામમાં ભયનો માહોલ

વીડિયો કૅપ્શન, જસદણનો આ ઉદ્યોગ કેવી રીતે મહિલાઓને આત્મનિર્ભર બનાવી સન્માન અપાવી રહ્યો છે?

આ ઘટના પછી ગામમાં ભયનો માહોલ છે. આંગણવાડી પાસે રેહલો હૅન્ડપમ્પ આખા ગામ માટે પાણીનો એકમાત્ર સ્રોત છે. ત્યાં જ મધપૂડો હોવાને કારણે લોકો ત્યાં જતાં પણ ખચકાય છે.

રવિ મેઘવાળ કહે છે, "સ્કૂલની ઇમારત જર્જર છે, એટલે બાળકોએ આંગણવાડીમાં ભણવું પડે છે. હું સરકારને અપીલ કરું છું કે સ્કૂલની સ્થિતિ સુધારવામાં આવે, બાઉન્ડ્રી તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને બાળકોએ આંગણવાડીમાં ન ભણવું પડે. જો બધું બરાબર હોત, તો મારાં માતા એ સમયે આંગણવાડીમાં ન હોત."

સ્થાનિક પત્રકાર આકાશ શ્રીવાસ્તવ દ્વારા પૂરક રિપોર્ટિંગ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન