એ ત્રણ કારણ જેના લીધે ભારત સામે 311 રન કરવા છતાં પણ ઇંગ્લૅન્ડ હારી ગયું

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમે મૅન્સ અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ જીતી લીધો છે. ફાઇનલમાં ભારતે ઇંગ્લૅન્ડને 100 રને હરાવ્યું.
હરારે સ્પૉર્ટ્સ ક્લબમાં રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે જીત માટે 412 રનનું મસમોટું લક્ષ્ય મૂક્યું હતું. પરંતુ ઇંગ્લૅન્ડની ટીમ આ લક્ષ્યનો પીછો કરતાં 311 રને જ ઑલઆઉટ થઈ ગઈ.
ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે, ભારતની શરૂઆત સારી નહોતી રહી અને ગત મૅચના હીરો આરોન જૉર્જ માત્ર નવ રન બનાવીને જ પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારે ભારતનો સ્કોર ચાર ઓવરમાં 20 રન જ હતો.
સૂર્યવંશીની દમદાર ઇનિંગ્સ

ઇમેજ સ્રોત, Ashley Allen-ICC/ICC via Getty Images
પરંતુ એ બાદ કપ્તાન આયુષ મ્હાત્રે સાથે મળીને વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લૅન્ડના બૉલરોની એવી તો ધોલાઈ કરી કે માત્ર 55 બૉલમાં આઠ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી સદી પૂરી કરી દીધી.
જોકે, આ દરમિયાન કપ્તાન આયુષ મહાત્રે 51 બૉલમાં 53 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફરી ગયા, પરંતુ વૈભવે સદી પૂરી કર્યા બાદ પણ ફટકાબાજી ચાલુ રાખી.
વૈભવે 80 બૉલમાં 175 રનની તોફાની ઇનિંગ રમીને એક મોટા સ્કોરનો પાયો નાખ્યો. પોતાની ઇનિંગમાં તેમણે 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા.
વૈભવ સૂર્યવંશીને મૅચ અને સમગ્ર સિરીઝમાં તેમના પ્રદર્શન બદલ મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પોસ્ટ મૅચ સૅરિમનીમાં કહ્યું હતું કે, "હું ખૂબ જ સારું અનુભવી રહ્યો છું. હું મારી લાગણીઓને અભિવ્યક્ત નથી કરી શકતો. અમે આ સિરીઝ અને એશિયા કપ માટે સાત-આઠ મહિના સખત મહેનત કરી હતી. સપૉર્ટ સ્ટાફ આ ગાળા દરમિયાન અમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યો હતો, હું મૅન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ તેમને સમર્પિત કરવા માગું છું."
"અમે બહુ ઝાઝું દબાણ નહોતા લઈ રહ્યા. અમારી પ્રક્રિયાને અનુસરવા માગતા હતા, અને અમારી શક્તિઓને અનુરૂપ રમવા માગતા હતા."
તેમણે આગળ કહ્યું, "એશિયા કપ પહેલાં પણ તૈયારી ખૂબ જ સારી હતી. બધા ખૂબ મહેનત કરી રહ્યા હતા. અમે એક સાથે કેટલી કઠોર મહેનત કરી છે એ હું તમને સમજાવી શકું એમ નથી. હું અને મારા ટીમમેટ્સ જ આ વાત જાણીએ છીએ."
સ્કૉરબૉર્ડ સતત ચાલતું રહ્યું

ઇમેજ સ્રોત, Johan Rynners-ICC/ICC via Getty Images
વેદાંત ત્રિવેદીએ 32 અને વિહાન મલ્હોત્રાએ 30 રનની ઇનિંગ રમીને ટીમના સ્કોરને આગળ વધાર્યો. અંતે અભિજ્ઞાન કુંડુએ 31 બૉલમાં 40 અને કનિષ્ક ચૌહાણે 20 બૉલમાં 37 રનની ઇનિંગ રમી.
આ ઇનિંગોને બળે ભારતે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 411 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો.
ઇંગ્લૅન્ડ માટે જેમ્સ મિન્ટોએ આઠ ઓવરમાં 63 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી, તેમજ સેબેસ્શ્ચિયન મૉર્ગન અને એલેક્સ ગ્રીનને બબ્બે વિકેટ મળી.
177 રનમાં ઇંગ્લૅન્ડની સાત વિકેટ

ઇમેજ સ્રોત, Ashley Allen-ICC/ICC via Getty Images
આ લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી. જોસેફ મૂર્સને અમબ્રિશે પાંચમી ઓવરના અંતિમ બૉલે 17 રનના સ્કોરે પેવેલિયન પરત મોકલી દીધા.
એ બાદ બીજે ડૉવકિંસએ બેન મેયસ સાથે મળીને ઇંગ્લૅન્ડની ઇનિંગને સંભાળવાના પ્રયાસ કર્યા. બીજે ડૉવકિંસે 66 અને મેયસે 45 રનની ઇનિંગ રમી.
બેનને ખિલન પટેલ અને બીજે ડૉવકિંસને આયુષ મહાત્રેએ પેવેલિયન પરત મોકલ્યા.
એક સમયે માત્ર 177 રનના સ્કોરે ઇંગ્લૅન્ડની સાત વિકેટો પડી ગઈ હતી.
એક તરફ ઇંગ્લૅન્ડની ટીમ સતત વિકેટો ગુમાવી રહી હતી તો બીજી તરફ કેલેબ ફાલ્કનરે મોરચો સંભાળી રાખ્યો હતો. તેમણે સાત છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 67 બૉલમાં 115 રન બનાવ્યા.
જેમ્સ મિન્ટોએ 28 રન બનાવીને ફાલ્કનરનો સાથ આપ્યો હતો. પરંતુ 40.2 ઓરવમાં ઇંગ્લૅન્ડની ટીમ 311 રનના સ્કોરે જ ઑલઆઉટ થઈ ગઈ।
ભારત માટે અમબ્રિશ સૌથી સફળ બૉલર સાબિત થયા. તેમણે નવ ઓવરમાં 56 રન આપીને ત્રણ વિકેટ હાંસલ કરી.
આ સિવાય કનિષ્ક ચૌહાણ અને દીપેશ દેવવર્ધને બબ્બે વિકેટ ખેરવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












