વાંકાચૂંકા દાંતની સારવાર પહેલાં કઈ બાબતો સમજવી જરૂરી છે?
- લેેખક, કલ્પના શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
વાંકાચૂંકા દાંત, દોઢીયા દાંત કે ઉપર ઉઠેલા દાંતની અસર વ્યક્તિના સામાજિક જીવન પર પડે છે.
જોકે, એમ છતાં પણ અવ્યવસ્થિત દાંત ધરાવતા વ્યક્તિ કોઈની સાથે હસવા બોલવામાં પણ ક્ષોભ અનુભવે છે. 'દોઢિયો દાંત' ઘણી વખત સુંદરતામાં વધારો પણ કરતો હોય છે અને દર વખતે એને સરખો કરવાની પણ જરૂર હોતી નથી.
તો કેટલાક લોકોને વાંકા-ચૂંકા દાંતને કારણે ખોરાક ચાવવામાં પણ તકલીફ પડતી હોય છે. આગળના દાંત બહાર નીકળેલા હોય કે વધારે પડતાં અંદરની બાજુએ હોય તો આ બંને સ્થિતિમાં ખોરાક દાંતથી કાપી નથી શકાતો.
તો ક્યારેક માત્ર એક દાંત ઉપર ઉઠેલો હોય છે જેને આપણે દોઢીયો દાંત કહીયે છીએ. આવા દાંતની સારવાર કરાવવાના નિર્ણય અગાઉ કેટલીક બાબતોને સમજી લેવી જરૂરી છે.

ઇમેજ સ્રોત, Getty Images

દાંત વાંકા-ચૂંકા કે દોઢીયા કેમ આવે છે ?
ઑર્થોડોન્ટિસ્ટ ડૉ. અંકિત દેસાઈ આ બાબતે કેટલાક કારણો વિશે સ્પષ્ટતા કરતા કહે છે, "કેટલાક અંશે તો આની પાછળ આનુવંશિક કારણ છે. એ સિવાય જડબાની સાઇઝ નાની હોય અને દાંતની સાઈઝ મોટી હોય તો પણ દાંત વાંકા-ચૂંકા આગળ-પાછળ કે જેને આપણે દોઢીયા દાંત કહીયે છીએ તેવા દાંત આવે છે."
તેમણે વધુમાં જણાવ્યું, "એવી જ રીતે જો જડબાની સાઈઝ મોટી હોય અને દાંતની સાઈઝ નાની હોય તો બે દાંત વચ્ચે જગ્યા રહે તેવી રીતે દાંત આવે છે. દૂધીય દાંત પડવાનો સમયગાળો 6 થી 12 વર્ષનો હોય છે આ સમયગાળામાં પણ જો ઝડપથી દૂધીયા દાંત પડતા હોય અથવા સમય કરતાં મોડા દાંત પડતા હોય તો તેવા સંજોગોમાં પણ દાંત વાંકા-ચૂંકા આવે છે."

કઈ રીતે વાંકા-ચૂંકા દાંત આવતા રોકી શકાય?
ડૉ. અંકિત દેસાઈ જણાવે છે કે, “જ્યારે બાળકના દૂધીયા દાંત પડવાની શરૂઆત થાય તે સમયગાળામાં નિયમિત રીતે નાના બાળકોના દાંતના નિષ્ણાત તબીબની નિયમિત મુલાકાત લેવાનો આગ્રહ રાખવો જોઈએ."
વધુમાં તેઓ જણાવે છે, "જો બાળકનો દાંત સમય કરતા વહેલો પડી જાય તો સ્પેસ મેઇન્ટેનર પહેરાવાય છે જેનાથી નવો દાંત ઉગે ત્યાં સુધી પેઢામાં નવા દાંતની જગ્યા જળવાઈ રહે. જો કોઈ દાંત અસામાન્ય રીતે ઉગતો હોય તો ત્યારે જ તેની યોગ્ય સારવાર કરી વ્યવસ્થિત દાંત આવે તેવી વ્યવસ્થા કરી શકાય છે."
તે માટે અનેકવાર ઍક્સ-રે લઈ દાંતની સ્થિતિનું અવલોકન કરી તે દાંત યોગ્ય દિશામાં યોગ્ય રીતે ઊગે તેવી સારવાર તબીબો કરતા હોય છે. જેનાથી વાંકા-ચૂંકા દાંત આવતા અટકાવી શકાય છે.
ડૉક્ટર કહે છે કે, "આ રીતે સમયસર એટલે કે દર 6 મહિને દાંતના ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ દાંત બતાવી તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની આદત વિકસાવવી જોઈએ.”

વાંકા-ચૂંકા દાંતનો ઈલાજ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વાંકા-ચૂંકા દાંતની સારવાર તમે કોઈ સામાન્ય દાંતના દવાખાને ના કરાવી શકો. નિષ્ણાત તબીબ પાસે જ તેની સારવાર કરાવવી પડે. વાંકા-ચૂંકા દાંતની સારવાર કરતા દાંતના નિષ્ણાતોના વિભાગને ઑર્થોડોન્શિયા કહે છે. આના નિષ્ણાત તબીબને ઑર્થોડોન્ટિસ્ટ કહેવાય છે.
આમાં દાંતની આડીઅવળી સ્થિતિને એકસમાન ગોઠવવા દાંતને ધીરે-ધીરે શીફ્ટ કરવાના હોય છે. તે માટે દાંત પર બ્રેસિસ અથવા અલાઇનર્સ લગાવાય છે. આ બ્રેસિસ કે અલાઇનર્સ જે દિશામાં દાંતને ખસેડવાનો છે તે દિશામાં દાંત જઈ શકે તે માટે યોગ્ય રીતે દબાણ ઊભું કરે તેવી રીતે ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયા થોડી જટિલ હોય છે અને ઘણો સમય માગી લે છે.
સારવારમાં કેટલો સમય લાગે છે?
આ સારવારનો સમયગાળો એકથી બે વર્ષનો હોઈ શકે છે. સારવાર દરમ્યાન દાંતની સ્થિતિમાં જે ફેરફાર કરાયો હોય તે જીવનપર્યંત જળવાઈ રહે તે માટે ઘણીવાર રીટેનર્સનો ઉપયોગ કરવો પડતો હોય છે. તે પણ એકથી બે વર્ષ માટે પહેરવા પડી શકે છે.
જેમ વ્યક્તિની ઉંમર વધારે હોય તેમ તેના પેઢાં મજબૂત થઈ ગયા હોય છે.
એવામાં દાંતને તેની જગ્યા પરથી ખસેડવા માટે ઑર્થોડોન્ટિસ્ટ પેઢાનું બંધારણ થોડું ઢીલું પડે તે માટે એક લિકવિડ દાંત પર નિયમિત રીતે ઘસવા માટે છે પણ તેનાથી દાંતના આયુષ્યને કોઈ નુકસાન નથી થતું કારણ કે તે FDIએ પ્રમાણિત કરેલું હોય છે.
આ રીતે પેઢાની સ્થિતિ સારવારયોગ્ય બને પછી બ્રેસિસ લગવવા સહિતની સારવાર શરૂ થાય છે.
આ સારવાર શરૂ કર્યા પછી કેટલીક વાર દાંતની સ્થિતિમાં થતા ફેરફારને કારણે થોડો દુખાવો પણ થતો હોય છે. પણ તે ગંભીર નથી હોતો. સારવાર શરૂ કર્યા પછી નિયમિત રીતે તબીબની મુલાકાત લેવી જરૂરી છે.
આ સમયગાળા દરમ્યાન દાંતના ઍક્સ-રે પણ કરાવતા રહેવું પડે છે.

બ્રેસિસ કેટલા પ્રકારના હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રેસિસના ઘણાં પ્રકારની હોય છે.
- ‘મેટાલિક બ્રેસિસ’ જે મૅટલમાંથી બનતી હોય છે, સ્ટીલ જેવી દેખાય છે.
- ‘સિરામિક બ્રેસિસ’ જે દાંત જેવા જ રંગની હોય છે સિરામિકમાંથી તે બનાવાય છે.
- ‘ક્લિયર બ્રેસિસ’ જે પારદર્શક હોય છે.
- ‘લિંગુઅલ બ્રેસિસ’ જે દાંતના અંદરના ભાગમાં લગાવાય છે જેથી બ્રેસિસ બહાર દેખાય નહીં.
- ‘અલાઇનર્સ’ એ પરંપરાગત બ્રેસિસનો પર્યાય છે. જે વાયર, મૅટલ કે બ્રેકેટ્સ વિના તબક્કાવાર દબાણ ઊભું કરી દાંતની જગ્યાને બદલે છે.
અલાઇનર્સની બીજી વિશેષતા એ છે કે તે ચોકઠાંની જેમ દાંતની ઉપર પહેરવાના હોય છે.
તેથી તમે જ્યારે જરૂર ના હોય ત્યારે મોં માંથી કાઢી પણ શકો છો.
આમાં કમ્પ્યૂટરના આધારે તમારે જેવો દેખાવ જોઈતો હોય તે મુજબ દાંતને ગોઠવવા હોય એ પ્રમાણેના અલાઇનર્સ ડિઝાઇન કરાતા હોય છે. જો કે ઇનલાઇનર્સ બ્રેસિસથી સારવારનો ખર્ચ વધારે આવે છે.
ખર્ચની દૃષ્ટિએ પરંપરાગત બ્રેસિસ એ ઓછો ખર્ચાળ પર્યાય છે.

વાંકા-ચૂંકા દાંતની સારવાર કરાવવી કે ના કરાવવી?
આનો નિર્ણય ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. તમારા ચહેરાના દેખાવને અસર કરતી બાબતો વ્યક્તિગત નિર્ણયનો વિષય છે છતાં જો માત્ર દેખાવ અને સ્માઇલને સુધારવા માટે આપ સારવાર કરાવવા ઈચ્છો છો તો કરાવી શકાય.
પણ એ સિવાય વાંકાચૂંકા દાંતની સારવાર કરવાના નિર્ણય કરતા અન્ય કયા કારણો છે જે વિશે ડૉ. અંકિત જણાવે છે કે, “જો વાંકાચૂંકા દાંતને કારણે ખોરાક દાંતમાં ભરાઈ રહેતો હોય, દાંતની સ્વચ્છતા જાળવવામાં મુશ્કેલી થતી હોય તો લાંબાગાળે તેના કારણે દાંત વહેલા સડી જવાની સંભાવના રહેલી છે. બીજું કે ખોરાક ચાવવામાં તકલીફ થતી હોય તો સારવાર કરાવવાનો નિર્ણય કરી શકાય.”
કેટલાક કિસ્સાઓમાં જ્યારે દાંતને તેની યોગ્ય જગ્યા પર લાવવા માટે કોઈ જગ્યા જ ના દેખાતી હોય પેઢામાં ત્યારે કોઈ એક દાંતને કાઢી બાકીના અન્ય દાંતને વ્યવસ્થિત ગોઠવવાનો નિર્ણય કરાતો હોય છે.
આથી સારવાર કરાવાવનો નિર્ણય કરતા પહેલા તબીબ સાથે જે પણ સારવાર પદ્ધતિ આપને સૂચિત કરવામાં આવી છે તેના સારા-નરસાં પાસા વિશે સ્પષ્ટ માહિતી મેળવી લેવી અત્યંત જરૂરી છે. આ પછી જ કઈ પદ્ધતિથી સારવાર કરાવવી છે તેનો નિર્ણય લેવો હિતાવહ છે.

ઇમેજ સ્રોત, Getty Images
વાંકા-ચૂંકાકાળજી કેવી રીતે રાખવી?
વાંકાચૂંકા કે દોઢીયા દાંત હોય ત્યારે બ્રશ કરતી વખતે વિશેષ કાળજી રાખવી જોઈએ.
સૌથી સોફ્ટ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ.
દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ પણ જમ્યા પછી તરત જ નહીં 20 મિનિટ બાદ.
બ્રશ કરવાની યોગ્ય રીતને પણ તબીબ પાસે સમજી લેવી જોઈએ.





