You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠા : 'અમારે સરકારનાં ફૂડ પૅકેજ નથી જોઈતાં, પણ અમારી ખબર તો લ્યો', ત્રણ દિવસ પાણીમાં રહેલા લોકોની વ્યથા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
બનાસકાંઠાના મોટા ભાગના તાલુકામાં ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે, ખેતીને પણ નુકસાન થયું છે.
બનાસકાંઠાના સૂઈગામમાં ભારે વરસાદ બાદ ડૅમમાંથી પાણી છોડાતા કમર સુધી પાણી ભરાઈ ગયાં છે.
અહીં એટલું પાણી ભરાયેલું હતું કે કેટલાંક ગામ સંપર્કવિહોણા થઈ ગયાં હતાં. ગામમાં જ હોવા છતાં લોકો એકબીજાનો સંપર્ક કરી શક્યા નહોતા.
બીબીસીની ટીમ જ્યારે આ વિસ્તારમાં પહોંચી તો લોકોએ પોતાની સમસ્યાને કહેવાનું શરૂ કરી દીધું હતું.
લોકોએ કહ્યું કે પાણીમાં બધી ઘરવખરી તણાઈ ગઈ છે અને ઢોરોને પણ છોડાવી શક્યા નથી. લોકોનું કહેવું છે કે અંદાજે 20થી 30 ટકા પશુઓ મરી ગયાં છે.
હાલમાં ગામનાં ખેતરોમાં પાણી છે, ઘરોમાં પાણી છે અને લોકોને જમવાનું પણ મળી નથી રહ્યું. ગામલોકોનું કહેવું છે કે સરકારી તંત્રે કોઈ નોંધ લીધી નથી.
ગામલોકોનું કહેવું છે કે તેમને ખેતીમાં મોટું નુકસાન થયું છે. મોટા ભાગનો પાક પાણીમાં ધોવાઈ ગયો છે.
જોકે ગુજરાતના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદની પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાનાં કેટલાંક ગામોમાં ભારે વરસાદને કારણે સંચાર-વ્યવસ્થા ખોરવાઈ જતા ટેકનિકલ સ્ટાફ સાથે સાત હેમ રેડિયો સેટઅપ થરાદ ખાતે મોકલવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદની અસર બાદ રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે અસરગ્રસ્ત તાલુકાઓ સુઈગામ, ભાભર, વાવ અને થરાદ ખાતેથી પોલીસ, વહીવટીતંત્ર, NDRF, SDRF અને હોમગાર્ડની સંયુક્ત ટીમો દ્વારા 1,678થી વધુ નાગરિકોનું સફળ રેસ્ક્યૂ અને સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આટલા પાણી વચ્ચે લોકો કેવા પડકારોનો સામનો કરી રહ્યા છે. જુઓ બીબીસીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં.
અહેવાલ – રૉક્સી ગાગડેકર છારા
શૂટ – પવન જયસ્વાલ
ઍડિટ – દિતિ બાજપેઈ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન