કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ, ગુજરાતમાં પડી રહેલા વરસાદ બાબતે હવામાનવિભાગની શું છે આગાહી?

કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ, ગુજરાતમાં પડી રહેલા વરસાદ બાબતે હવામાનવિભાગની શું છે આગાહી?

કેરળમાં આજે એટલે કે 24મેના રોજ ચોમાસું બેસી ગયું છે અને તેની સાથે દેશના બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કેરળમાં આ વર્ષે આઠ દિવસ વહેલી ચોમાસાની શરૂઆત થઈ છે. કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન છે.

આ વર્ષે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે દેશમાં ચોમાસાની વહેલી શરૂઆત થશે અને 27મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચે એવી શક્યતા છે.

હવામાન વિભાગે જે તારીખ જાહેર કરી હતી તેના કરતાં પણ ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હવે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિઓ છે.

જોકે, અરબી સમુદ્રમાં આ સમય પહેલાં જ એક સિસ્ટમ સર્જાઈ અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. તેના કારણે ભારતના પશ્ચિમના દરિયાકાંઠા પર અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન