ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવાં કરાયાં બાદ કેવી પરિસ્થિતિ?
ચીનમાં કોરોનાની પરિસ્થિતિને લાદવામાં આવેલાં નિયંત્રણોનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો.
આ વિરોધના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા હતા.
કેટલીક ઘટનાઓમાં સરકાર દ્વારા લાદવામાં આવેલાં કડક નિયંત્રણોના કારણે લોકોનાં મૃત્યુ થયાં હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા.
જોકે, તાજેતરમાં જ સરકાર દ્વારા કોરોના નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાં હતાં.
ચીનમાં ઘણા કોવિડ પ્રતિબંધોને અચાનક હટાવવાથી દેશવ્યાપી કોરોના ફાટી નીકળ્યો છે. તેમજ સોશિયલ મીડિયા પર મૂંઝવણ અને ગુસ્સો ફાટી નિકળ્યાં છે.
રેપિડ ટેસ્ટ કિટની ભારે અછત વચ્ચે ચીનના ઝેજિયાંગ અને અનહુઇ, તેમજ ચોંગકિંગ જેવા કેટલાક પ્રાંતો એક નવી નીતિ અમલમાં મૂકી, જેમાં હળવાં લક્ષણોવાળા અથવા કોઈ લક્ષણો નહીં ધરાવતા લોકોને કામ પર પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે.
જોકે, ચીનના સાર્વજનિક આરોગ્ય અધિકારીઓ ચેતવણી ઉચ્ચારી ચૂક્યા છે કે આવનારા કેટલાક મહિનામાં કોરોનાથી 80 કરોડ લોકો સંક્રમિત થશે અને મૃત્યુઆંક પાંચ લાખ થઈ શકે છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍૅન્ડ પ્રિવેન્શનના અધિકારી શુ વેન્બોએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વાઇરસનો નવો વૅરિયન્ટ ઝડપથી મ્યૂટેટ થશે, પરંતુ તેમણે તેના જોખમને ઓછું આંક્યું છે.
અમેરિકન મીડિયા સંસ્થા એનપીઆરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, યેલ યુનિવર્સિટીના જાહેર આરોગ્ય પર સંશોધન કરનાર અને ચીનની સ્વાસ્થ્ય-પ્રણાલીના નિષ્ણાત શી ચેને કહ્યું હતું કે ચીનના આરોગ્ય અધિકારી ડૉ. શાઓફેંગ લિયાંગનું કહેવું છે કે કોરોનાની આ લહેરથી ચીનમાં લગભગ 60 ટકા વસ્તી પ્રભાવિત થઈ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "આનો અર્થ થયો કે પૃથ્વીની 10 ટકા વસ્તી આવનારા 90 દિવસમાં કોરોનાથી સંક્રમિત થઈ શકે છે."
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ચીને તેની સખત ઝીરો કોવિડ નીતિ હળવી કરી અને ત્યારથી ત્યાં કોરોનાના કેસોનું જાણે કે પૂર આવ્યું છે.
સમાચાર એજન્સી રૉયટર્સ લખે છે કે વર્ષ 2019થી જ્યારે વુહાનમાં કોરોના આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ચીનના સત્તાવાર આંકડા અનુસાર, સંક્રમણને લીધે માત્ર 5242 લોકોનાં મોત થયાં છે.
ચીન જે આંકડા રજૂ કરી રહ્યું છે તેના પર પણ શંકા વ્યક્ત કરાઈ છે અને માનવામાં આવે છે કે વાસ્તવિક આંકડા આના કરતાં ઘણા વધારે છે.
સાત ડિસેમ્બરથી ચીનમાં કોરોનાના સંક્રમણમાં મોટો ઉછાળો આવ્યો છે.





