દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અંગે અત્યાર સુધી શું જાણવા મળ્યું, વિસ્ફોટને નજરે જોનારાએ શું કહ્યું?
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે એક કાર બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.
આ વિસ્ફોટ પાછળનું કારણ 'આતંકવાદી હુમલો' હતો કે કેમ? એ અંગે અને અન્ય ઍંગલ સંદર્ભે તપાસ ચાલી રહી છે.
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં થયેલા વિસ્ફોટ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, "સાત વાગ્યા નજીક લાલ કિલ્લા પાસે સુભાષમાર્ગ ટ્રાફિક સિગ્નલ પાસે i-20 હ્યુન્ડાઈ ગાડીમાં બ્લાસ્ટ થયો છે. "
દિલ્હી ફાયર સર્વિસે બીબીસીને જણાવ્યું હતું કે કે તેમને કૉલ કરીને જણાવાયું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં બ્લાસ્ટ થયો છે.
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની નજીક રેડ લાઇટ પર સાંજ 6.52 વાગ્યે એક સ્લો મૂવિંગ વિહિકલ રોકાયું હતું, જેમાં બ્લાસ્ટ થયો છે અને ત્યારે ગાડીમાં મુસાફરો પણ હતા.
દેશનાં પ્રખ્યાત સ્મારકો પૈકી એક લાલ કિલ્લા પાસે થયેલા આ બ્લાસ્ટને કારણે સૌને આંચકો લાગ્યો છે.
આ ઘટના બની ત્યારે ઘટનાને નજરે જોનારા પ્રત્યક્ષદર્શીઓએ તેમણે જોયેલાં ભયાનક દૃશ્યો અંગે વાત કરી હતી.
વલી ઉર રહમાન નામના એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું કે, "બ્લાસ્ટ થયો ત્યારે હું દુકાને બેઠો હતો. મેં આજ દિન સુધી ક્યારેય ન સાંભળ્યો હોય એવો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટનો અવાજ સાંભળ્યા બાદ હું ત્રણ વખત પડ્યો. એ બાદ આસપાસના બધા લોકો ભાગવા લાગ્યા."
અન્ય એક વ્યક્તિ રાજધર પાંડેએ કહ્યું, "મેં મારા ઘરની છત પરથી આગની મોટી જ્વાળા જોઈ. તેથી હું તપાસ કરવા માટે નીચે આવ્યો. બ્લાસ્ટનો અવાજ ખૂબ મોટો હતો, ઇમારતની બારીઓ સુધ્ધાં હલી ગઈ."
બીજા એક પ્રત્યક્ષદર્શીએ એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે કોઈને શું થયું એ સમજાતું નહોતું અને કેટલીક કારો બળી ગઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



