You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા IPLમાં પહોંચ્યા, અહીં પહોંચવા શું કરવું પડે?
16 ડિસેમ્બરે જ્યારે આઈ.પી.એલ. એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ક્રિકેટરોની હરાજી ચાલુ થઈ એટલે જૂનાગઢના માળિયા નામના ટચુકડા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક એક પાનની દુકાનમાં 75 વર્ષના વલ્લભભાઈ ફુલેત્રા અને તેમના નાના દીકરા અતુલે લોકોને પાન અને માવા વેચતા વેચતા ટીવી પર નજર રાખવાનું શરૂ કર્યું.
માળિયાથી 160 કિલોમીટર દૂર રાજકોટ શહેરમાં વલ્લભભાઈના મોટા દીકરા ભાવેશભાઈ, ભાવેશભાઈનાં પત્ની જ્યોતિબહેન અને અતુલભાઈની દીકરીઓ ગ્રેસી અને બાર્બી તેમના ઘરે ટીવી સામે ગોઠવાઈ ગયાં.
પરિવાર એક ટસે હરાજી જોઈ રહ્યો હતો ત્યારે હરાજીકાર મલ્લિકા સાગરે ભાવેશભાઈના પુત્ર ક્રેન્સ ફુલેત્રાના નામની જાહેરાત કરી અને કહ્યું કે આ ઑલરાઉન્ડર 30 લાખ રૂપિયે આઈપીએલની કોઈ પણ ટીમમાં જોડાવા તૈયાર છે.
મલ્લિકા સાગરે લેફ્ટ આર્મ ચાઇનામૅન બૉલિંગ અને જમણેરી બેટિંગ કરતા ક્રેન્સ માટે બોલી લગાવવા આમંત્રણ આપ્યું. થોડીક સેકન્ડો માટે દસમાંથી એકેય ટીમે બોલી લગાવી નહીં. બંને જગ્યાએ પરિવારના હૃદયના ધબકારા વધી ગયા. પરંતુ થોડીક ક્ષણો બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે કાર્ડ ઊંચું કરી ક્રેન્સને 30 લાખ રૂપિયે ખરીદવાની તૈયારી બતાવી. કોઈ અન્ય ટીમે બોલી ન બોલતાં મલ્લિકા સાગરે હથોડી મારી જાહેરાત કરી કે ક્રેન્સ હૈદરાબાદને વેચાય છે.
રાજકોટના ઘરમાં આનંદની લહેર દોડી ગઈ ત્યારે જ દરરોજની જેમ પ્રેક્ટિસ કરીને ઘરે પહોંચેલા ક્રેન્સે બારણું ખોલ્યું.
ભાવેશભાઈની આંખમાં આસું આવી ગયાં. હજારો દર્શકોથી ખીચોખીચ ભરેલાં મેદાનોમાં આઇપીએલની મૅચો રમતા ક્રિકેટરોમાં હવે પોતાનો 21 વર્ષનો દીકરો પણ હશે તેવી કલ્પના કરતા 53 વર્ષના ભાવેશભાઈ ભાવુક થઈ ગયા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન