You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ કોણ હતા?
મધ્ય-પૂર્વમાં લેબનોન સ્થિત કટ્ટરપંથી શિયા ઇસ્લામિક સંગઠન હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં સેંકડો લોકોનાં મોત થયાં છે. વધુમાં ઇઝરાયલે આજે એવો દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહના ટોચના નેતા હસન નસરલ્લાહનું મૃત્યુ થયું છે.
હિઝબુલ્લાહે પણ એક નિવેદન જાહેર કરીને તેમનાં મૃત્યુની પુષ્ટી કરી છે.
આ પરિસ્થિતિઓને કારણે લોકોમાં હિઝબુલ્લાહ અને તેના નેતાઓ વિશે જાણવામાં રસ જાગ્યો છે.
શેખ હસન નસરલ્લાહ એ લેબનોનમાં કટ્ટરપંથી શિયા ઇસ્લામિક હિઝબુલ્લાહ ચળવળના નેતા છે. તેઓ મધ્ય-પૂર્વમાં સૌથી જાણીતા તથા સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓ પૈકી એક ગણાય છે.
ઇઝરાયલ દ્વારા ગમે ત્યારે તેમની હત્યા કરવામાં આવશે તેવા ભયે નસરલ્લાહ વર્ષોથી જાહેરમાં જોવા નહોતા મળ્યા.
ઇઝરાયલી સેનાએ શનિવારે દાવો કર્યો હતો કે તેમણે લેબનોનના બૈરુત શહેરમાં એક ઍર-સ્ટ્રાઇકમાં નસરલ્લાહને મારી નાખ્યા છે. જો કે, હિઝબુલ્લાહે જાહેર કરેલા નિવેદનમાં તેણે જણાવ્યું, "રાજધાની બૈરુતમાં તેમની વડી કચેરી પર થયેલા ઇઝરાયલી હુમલામાં નસરુલ્લાહનું મૃત્યુ થયું છે.
ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેમણે આ હુમલાનું બહુ પહેલાં આયોજન કર્યું હતું. ઇઝરાયલે 64 વર્ષના નસરલ્લાહને ઘણા ઇઝરાયલી સૈનિકો અને સામાન્ય નાગરિકોની હત્યા માટે જવાબદાર ગણાવ્યા.
નસરલ્લાહ એ ઈરાન સાથે ગાઢ સંબંધ ધરાવતી રહસ્યમય વ્યક્તિ હતી, જેમણે હિઝબુલ્લાહને આજની રાજકીય અને સૈન્ય શક્તિમાં ફેરવી નાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ જૂથના સમર્થકો માટે તેઓ આદરણીય વ્યક્તિ હતી.
નસરલ્લાહના નેતૃત્વ હેઠળ હિઝબુલ્લાહે પેલેસ્ટાઈનના સશસ્ત્ર જૂથ હમાસના લડવૈયાઓને સૈન્ય તાલીમ આપી હતી. તેમણે ઇરાક અને યમનના ચરમપંથીઓને પણ તાલીમ આપી હતી. આ ઉપરાંત તેમણે ઇઝરાયલ સામે ઉપયોગ કરવા માટે ઈરાન પાસેથી મિસાઇલો અને રૉકેટો મેળવ્યાં હતાં.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)