ગુજરાત : અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમમાં મોટો ફેરફાર, હજી કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગુજરાત : અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમમાં મોટો ફેરફાર, હજી કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે પાછલા અમુક દિવસોથી વરસાદ પડી રહ્યો છે.

ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે સતત વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે અને સવારે તો શિયાળાની માફક ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે.

જોકે, એક તરફ રાજ્યનાં મોટાં શહેરોમાં વાતાવરણ કેટલાકને 'મનમોહક' લાગી રહ્યું છે, તો બીજી બાજુ ખેડૂતો માટે વરસાદ 'મુસીબત' બની ગયો છે.

રાજ્યમાં ઠેકઠેકાણેથી ખેડૂતો આ 'કમોસમી' વરસાદને પગલે 'ભારે નુકસાન' થયું હોવાની ફરિયાદ કરી રહ્યા છે અને રાજ્ય સરકાર પાસેથી તાત્કાલિક ધોરણે રાહતલક્ષી પગલાં લેવાની માગણી કરી રહ્યા છે.

હવે આ સ્થિતિમાં ભારતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે એ અંગે માહિતી આપી છે.

આગામી કેટલા દિવસ સુધી વરસાદનું જોર યથાવત્ રહેશે? શું ગુજરાતમાં વરસાદ લાવનારી સિસ્ટમમાં કોઈ ફેરફાર થયો ખરો?

આ બધું જાણીએ એ પહેલાં ગુજરાતમાં ગત 24 કલાકમાં વરસાદની સ્થિતિ કેવી રહી એ અંગે માહિતી મેળવી લઈએ.

પાછલા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સારી એવી વરસાદી પ્રવૃત્તિ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કેટલાંક સ્થળોએ તો ભાવનગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ જોવા મળ્યો.

કચ્છમાં હવામાન મોટા ભાગે શુષ્ક જોવા મળ્યું હતું.

મધ્યપૂર્વ અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનો વેલમાર્ક્ડ લૉ પ્રેશર એરિયા અને દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર રહેલું અને તેની સાંથે સંકળાયેલું સાયક્લૉનિક સર્ક્યુલેશન શનિવારે 2.30 વાગ્યે આ જ ક્ષેત્રમાં રહેવા પામ્યું હતું. આ આખી સિસ્ટમ પૂર્વ અને ઉત્તરપૂર્વ દિશામાં દક્ષિણ ગુજરાત સુધી અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં નિકટના ઉત્તર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં તરફ આગળ વધી આગામી 24 કલાકમાં લૉ પ્રેશર એરિયામાં પરિવર્તિત થવાની સંભાવના હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન