મયૂર નાડિયાને તેમના મિત્ર દેવ પગલીએ કેવી રીતે યાદ કર્યા?

વીડિયો કૅપ્શન, Mayur Nadiya ને તેમના મિત્ર દેવ પગલીએ કેવી રીતે યાદ કર્યા?
મયૂર નાડિયાને તેમના મિત્ર દેવ પગલીએ કેવી રીતે યાદ કર્યા?

મયૂર નાડિયાની ઉંમર પાંત્રીસેક વર્ષ હતી. તેમની કારકિર્દી પૂનમની જેમ ખીલી હતી ત્યાં જ અકાળે તેમનું અવસાન થયું છે, તેમના અવસાનથી ગુજરાતી લોકસંગીતજગતમાં શોકની લહેર ફરી વળી છે. 14 એપ્રિલે મયૂર નાડિયાએ છેલ્લા શ્વાસ લીધા હતા.

મયૂર નાડિયાના ભાઈએ બીબીસીને જણાવ્યું કે કાર્ડિયાક અરેસ્ટથી મયૂરનું અવસાન થયું છે.

વર્ષ 2017માં માર્ચ મહિનામાં ગીતા રબારીએ ગાયેલું 'એકલો રબારી...' ગીત યૂટ્યૂબ પર રજૂ થયું હતું એ પછી એપ્રિલ મહિનામાં ગીતા રબારીનું જ 'રોણા શેરમાં રે...' ગીત યૂટ્યૂબ પર રજૂ થયું હતું. આ બંને ગીતોએ ગુજરાતમાં ધૂમ મચાવી હતી.

બંને ગીતોના સંગીતકાર મયૂર નાડિયા હતા. 'એકલો રબારી...' ગીત યૂટ્યૂબ પર નિહાળનારા દર્શકોની સંખ્યા 48 મિલિયનથી વધારે છે.

'રોણા શેરમાં રે...' ગીત યૂટ્યૂબ પર રજૂ થયું એ પછી લગ્નના વરઘોડામાં ધૂમ મચાવવા માંડ્યું હતું. એ વખતે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી અને એના પ્રચારમાં પણ કેટલાક નેતાની રેલીમાં એ ગીત સાંભળવા મળતું હતું. એ ગીત પછી ગીતા રબારીનું નામ વધારે ગુજરાતમાં જાણીતું થયું હતું.

રોણા શેરમાં ગીત યૂટ્યૂબ પર 593 મિલિયનથી વધારે એટલે કે 59 કરોડથી વધારે દર્શકોએ નિહાળ્યું છે.

ગાયક દેવ પગલીએ ગાયેલું 'મા મારી આબરૂનો સવાલ' ગીતે પણ યૂટ્યૂબ પર ધૂમ મચાવી હતી અને છ વર્ષમાં આ ગીતે યૂટ્યૂબ પર 161 મિલિયનથી વધારે દર્શકોએ જોયું-માણ્યું છે. તે ગીત પણ મયૂર નાડિયાએ જ સ્વરબદ્ધ કર્યું હતું.

કિંજલ દવેએ ગાયેલું ગીત 'છોટારાજા'ને અત્યાર સુધીમાં યૂટ્યૂબમાં 397 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ ગીતનું સંગીત પણ મયૂર નાડિયાએ જ આપ્યું હતું.

કિંજલ દવેએ ગાયેલું 'અમે ગુજરાતી લેરી લાલા...' તેમજ જિજ્ઞેશ કવિરાજે ગાયેલું 'હાથમાં વ્હિસ્કી' ગીત પણ લોકપ્રિય થયું હતું, જે મયૂર નાડિયાએ જ સંગીતબદ્ધ કર્યાં હતાં. આ ગીતના યૂટ્યૂબ પર દશ લાખથી વધુ દર્શકો એટલે કે મિલિયનના આંકડા વટાવી ચૂક્યા છે. જિજ્ઞેશ કવિરાજે ગાયેલું 'વ્હિસ્કીવાળું' ગીત 231 મિલિયનથી વધુ દર્શકોએ નિહાળ્યું છે.

ગુજરાતી ગીતોનો ટ્રેન્ડ બદલી દેનાર સંગીતકાર મયૂર નાડિયાનું નિધન થતાં તેમના મિત્ર દેવ પગલીએ તેમને કેવી રીતે યાદ કર્યા અને તેમના વિશે શું કહ્યું? તે જુઓ આ વીડિયોમાં.

અહેવાલ - તેજસ વૈદ્ય

ઍડિટ - પવન જયસ્વાલ

દેવ પગલી કહે છે કે "જ્યારે મિલિયનના નામની કોઈ કલાકારને ખબર નહોતી ત્યારે મયૂર નાડિયાએ ગુજરાતી સંગીત ઇન્ડસ્ટ્રીને મિલિયન બતાવ્યા હતા." દેવ પગલી કહે છે કે, "હું હોઉં કે જિજ્ઞેશ કવિરાજ કે ગીતા રબારી કે કિંજલ દવે, રાકેશ બારોટ, વિજય સુંવાળા- આ બધાનાં નામ ઊંચકાયાં હોય તો તેમાં મયૂરના સંગીતનો મોટો ફાળો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.