'મને એમ હતું કે હું મરી જઈશ...' એ થૅરપી જે અસાધ્ય લોહીના કૅન્સરમાં કારગત નીવડી

- લેેખક, જેમ્સ ગેલાઘર
- પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
લ્યુકેમિયા એટલે કે લોહીના કૅન્સરના નિવારણને એક સમયે વિજ્ઞાનકથાઓની સિદ્ધિ ગણવામાં આવતું હતું, પરંતુ હવે ડૉક્ટરો કહે છે કે અત્યંત આક્રમક અને અસાધ્ય ગણાતા આ કૅન્સરના કેટલાક દર્દીઓને એક ઉપચાર વડે રોગમુક્ત કરી શકાયા છે.
આ સારવારમાં શ્વેત રક્તકણોમાં ડીએનએને ચોકસાઈપૂર્વક ઍડિટ કરીને તેને કૅન્સર સામે લડતી 'જીવંત ઔષધ'માં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે.
આ ઉપચાર પદ્ધતિ વડે જે સૌપ્રથમ દર્દી છોકરીની સારવાર કરવામાં આવી હતી તેનો અહેવાલ અમે 2022માં પ્રકાશિત કર્યો હતો. એ છોકરી હવે રોગમુક્ત થઈ ગઈ છે અને તે હવે કૅન્સર વિજ્ઞાની બનવા ઇચ્છે છે.
હવે ટી-સેલ એક્યુટ લિમ્ફોબ્સાસ્ટિક લ્યુકેમિયા ધરાવતાં આઠ બાળકો તથા પુખ્ત વયના બે લોકોની સારવાર કરાઈ રહી છે અને તેઓ 64 ટકા રોગમુક્ત છે.
ટી-સેલ્સ શરીરના રક્ષકો હોવાનું માનવામાં આવે છે. તેમનું કામ જોખમને શોધવાનું અને તેનો નાશ કરવાનું છે, પરંતુ લ્યુકેમિયાના આ સ્વરૂપમાં ટી-સેલ્સ અમર્યાદ રીતે વિકસતા હોય છે.
પરીક્ષણ હેઠળના દર્દીઓમાં કીમોથૅરપી અને બૉન-મેરો ટ્રાન્સપ્લાન્ટ્સ નિષ્ફળ રહ્યાં હતાં. એ દર્દીઓ માટે પ્રાયોગિક દવા સિવાયનો એકમાત્ર વિકલ્પ તેમના મૃત્યુને વધારે આરામદાયક બનાવવાનો હતો.
લેસ્ટરની 16 વર્ષીય એલિસા ટેપલીએ કહ્યું હતું, "મને લાગતું હતું કે હું મરી જઈશ અને દરેક બાળક મોટા થઈને જે કરવાનો અધિકાર હોય છે એ બધું હું કરી શકીશ નહીં."
એલિસા ટેપલી ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હૉસ્પિટલમાં આવી સારવાર કરાવનારી વિશ્વની પહેલી વ્યક્તિ હતી અને હવે તે જીવનનો આનંદ માણી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'એક દિવસ હું બ્લડ કૅન્સર સંબંધી સંશોધન પણ કરીશ'

ત્રણ વર્ષ પહેલાં ક્રાંતિકારી સારવારમાં એલિસાની જૂની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરીને નવી રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવાનો સમાવેશ થતો હતો. એલિસાએ ચાર મહિના હૉસ્પિટલમાં વિતાવ્યા હતા. ક્યાંક પોતાના ભાઈને પણ ચેપ ન લાગે એવા ભયથી એલિસા તેમના ભાઈને ચાર મહિના સુધી મળી શક્યાં નહોતાં.
હવે એલિસાના શરીરમાં કૅન્સરનાં લક્ષણો જોવા મળતાં નથી. હવે તેમણે વાર્ષિક ચેક-અપ કરાવવું પડે છે. એલિસા એ-લેવલ, ડ્યુક ઑફ ઍડિનબર્ગ ઍવૉર્ડને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ શીખી રહ્યાં છે અને ભવિષ્યનું આયોજન કરી રહ્યાં છે.
એલિસાએ કહ્યું હતું, "હું બાયૉમેડિકલ સાયન્સમાં એપ્રેન્ટિસશિપ કરવા વિચારી રહી છું. મને આશા છે કે એક દિવસ હું બ્લડ કૅન્સર સંબંધી સંશોધન પણ કરીશ."

યુનિવર્સિટી કૉલેજ લંડન અને ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હૉસ્પિટલની ટીમે સારવારમાં બેઝ ઍડિટિંગ નામની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હતો.
બેઝ જીવનની ભાષા છે. એડેનાઇન (એ), સાયટોસિન (સી), ગુઆનાઇન (જી) અને થાઇમીન (ટી) આ ચાર પ્રકારના બેઝ આપણા જીનેટિક કોડના બિલ્ડિંગ બ્લૉક્સ છે. મૂળાક્ષરો મળીને એક અર્થસભર શબ્દ બનાવે છે તેમ આપણા ડીએનએમાં અબજો બેઝ મળીને આપણા શરીર માટે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ બનાવે છે.
વિજ્ઞાનીઓ બેઝ ઍડિટિંગ વડે જેનેટિક કોડના એક ચોક્કસ હિસ્સા પર ઝીણવટપૂર્વક કામ કરી શકે છે અને માત્ર એક બેઝના મોલિક્યૂલર સ્ટ્રક્ચરને બદલી શકે છે. તેના પ્રકારમાં ફેરફાર કરી શકે છે અને ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ નવેસરથી બનાવી શકે છે.
સંશોધકો સ્વસ્થ ટી-સેલ્સની કુદરતી શક્તિનો ઉપયોગ કરીને જોખમ શોધવા તથા તેને ખતમ કરવા ઇચ્છતા હતા અને તેનો ઉપયોગ ટી-સેલ એક્યૂટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા વિરુદ્ધ કરવા ઇચ્છતા હતા.
આ બહુ મુશ્કેલ કામ છે. તેમણે ટી-સેલ્સનો ઉપયોગ એવી રીતે કરવાનો હતો કે તે ખરાબ સેલ્સ, ટ્રીટમેન્ટની કોઈ જરૂર વિના ખતમ થઈ જાય.
કૅન્સરના દર્દી પર આ કેવી રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંશોધકોએ એક દાતા પાસેથી સ્વસ્થ ટી-સેલ્સ મેળવ્યા હતા અને તેને મૉડિફાઇ કરવાનું શરૂ કર્યું હતું.
પહેલા બેઝ ઍડિટમાં ટી-સેલ્સની ટાર્ગેટિંગ મિકનિઝમને નકામી બનાવી દેવાઈ હતી, જેથી તે દર્દીના શરીર પર હુમલો ન કરી શકે.
બીજા ઍડિટમાં સીડી7 નામનું એક કેમિકલ માર્કિંગ હઠાવી દેવામાં આવ્યું હતું. (કેમિકલ માર્કિંગ દરેક ટી-સેલ પર હોય છે) થૅરપી આપમેળે ખતમ ન થઈ જાય એટલા માટે તેને હઠાવવું જરૂરી છે. ત્રીજું ઍડિટ એક 'ઇનવિઝિબિલિટી ક્લોક' હતું, જેણે સેલ્સને કીમોથૅરપી દવાથી મરતા બચાવ્યા હતા.
જેનેટિક મૉડિફિકેશનના છેલ્લા તબક્કામાં, સીડી7 માર્કિંગવાળી તમામ ચીજોને શોધવાની સૂચના ટી-સેલ્સને આપવામાં આવી હતી.
એ પછી મૉડિફાઇડ ટી-સેલ્સ, કૅન્સરયુક્ત કે કૅન્સરવિહોણા બીજા ટી-સેલ્સને ખતમ કરી નાખશે, પરંતુ એકમેક પર આક્રમણ નહીં કરે.
યુસીએલ અને ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હૉસ્પિટલના પ્રોફેસર વસીમ કાસિમે કહ્યું હતું, "થોડાં વર્ષો પહેલાં આ વિજ્ઞાનકથા જેવું લાગતું હતું."
તેમણે ઉમેર્યું હતું, "વાસ્તવમાં સમગ્ર ઇમ્યૂન સિસ્ટમને મૂળસોતી ખતમ કરવાની હોય છે. આ એક સઘન, ઇન્ટેન્સિવ સારવાર છે. દર્દીઓ માટે તે બહુ મુશ્કેલ હોય છે, પરંતુ આ પદ્ધતિ બહુ સારું કામ કરે છે."
ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવેલા આ અભ્યાસમાં ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ અને કિંગ્સ કૉલેજમાં જે પહેલાં 11 દર્દીઓની સારવાર કરાઈ હતી તેનું પરિણામ જણાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે નવ દર્દીઓ એટલી હદે સાજા થઈ ગયા હતા કે તેઓ બૉન-મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવી શક્યા છે.
સાત દર્દીઓ ત્રણ મહિનાથી ત્રણ વર્ષ સુધીની સારવારથી રોગમુક્ત થઈ ગયા છે.
આ સારવારનાં સૌથી મોટાં જોખમો પૈકીનું એક ઇન્ફેક્શન છે, જ્યારે ઇમ્યુન સિસ્ટમ સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે.
બે કેસમાં કૅન્સરે તેના સીડી7 માર્કિંગ ગુમાવ્યાં હતાં અને ઇલાજથી છુપાઈ ગયાં હતાં અને શરીરમાં રિબાઉન્ડ થયાં હતાં.
ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હૉસ્પિટલના બૉન-મેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગના ડૉ. રૉબર્ટ ચિએસાએ કહ્યું હતું, "લ્યુકેમિયાનું આ સ્વરૂપ આક્રમક હોવાના સંદર્ભમાં પ્રસ્તુત સારવારનું ક્લિનિકલ પરિણામ શાનદાર છે. જે દર્દીઓ આશા ગુમાવી ચૂક્યા હતા તેમને અમને આશા બંધાવી શક્યા એ વાતથી હું દેખીતી રીતે બહુ ખુશ છું."
કિંગ્સ કૉલેજનાં કન્સલ્ટન્ટ હેમેટોલૉજિસ્ટ ડૉ. ડેબોરા યેલોપે કહ્યું હતું, "અસાધ્ય જણાતા લ્યુકેમિયાના દર્દીઓને સાજા કરવામાં અમને પ્રભાવશાળી પ્રતિસાદ મળ્યો છે. આ બહુ શક્તિશાળી અભિગમ છે."
આ સંશોધન વિશે પ્રતિભાવ આપતાં યુકે સ્ટેમ સેલ ચેરિટી એન્થની નોલનના વરિષ્ઠ મેડિકલ ઑફિસર ડૉ. તાનિયા ડેક્સટરે કહ્યું હતું, "પરીક્ષણ પહેલાં આ દર્દીઓના બચવાની શક્યતા ઓછી હતી તેને ધ્યાનમાં લેતાં આ પરિણામ એવી આશા જગાવે છે કે આ પ્રકારની સારવાર વધતી રહેશે અને વધારે ને વધારે દર્દીઓને મળતી રહેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












