ગુજરાત પર આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજ્યના હવામાન પર શું થશે અસર?
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી એકથી બે દિવસ સુધી ઠંડીમાં ઘટાડો થશે અને કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસોથી ભારે ઠંડી પડી રહી છે અને ઘણા વિસ્તારોમાં રાત્રીનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. જોકે, ફરી આ તાપમાનમાં વધારો જોવા મળશે.
હવામાન વિભાગ પ્રમાણે આગામી એકથી બે દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો જોવા મળે તેવી સંભાવના છે.
ઠંડી ઘટવા પાછળનું કારણ ભારત પર આવી રહેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેના કારણે રાજ્ય પર આવતા ઠંડા પવનોની દિશા પલટાઈ ગઈ છે અને હાલ ગુજરાતમાં દરિયા પરથી પવનો આવી રહ્યા છે.
ગુજરાતમાં વરસાદ થશે?
ભારત પર નવી સિસ્ટમ આવી રહી છે તેની અસર 10 જાન્યુઆરીથી ઉત્તર અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં થવાની શક્યતા છે.
આ સિસ્ટમને કારણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ગુજરાતનાં ત્રણેય પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી કરી નથી, પરંતુ રાજસ્થાન અને પાડોશી રાજ્યોમાં વરસાદની સ્થિતિને જોતાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં એક-બે દિવસ બાદ ફરીથી ઠંડી વધશે અને કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધે તેવી શક્યતા છે.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



