You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂનાગઢ : લીલી પરિક્રમાની શરૂઆત કોણે અને કેમ કરી હતી?
દરવર્ષે શ્રદ્ધાળુઓ કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારના પર્વતની પરિક્રમા હાથ ધરે છે, જેને 'લીલી પરિક્રમા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત, દીવ, દમણ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત દેશભરમાંથી 'લાખોની સંખ્યા'માં શ્રદ્ધાળુઓ એકઠા થાય છે.
સામાન્ય પદયાત્રીઓએ પરિક્રમા શરૂ કરતા પહેલાં કેટલીક બાબતો ધ્યાને લેવી જોઈએ, તો વૃદ્ધો અને મેડિકલ હિસ્ટ્રી ધરાવારાઓને વિશેષ કાળજી લેવાની ભલામણ કરવામાં આવે છે, જેની મદદથી તેઓ આ યાત્રા સુપેરે પાર પાડી શકે છે.
લીલી પરિક્રમા ક્યારે શરૂ થઈ અને કોણે શરૂ કરાવી એ અંગે પૌરાણિક સંદર્ભો મળે છે, પરંતુ તેનો ઇતિહાસ અર્વાચીન છે. આ સિવાય મધ્યકાલીન ઉલ્લેખ પણ મળે છે.
હિંદુધર્મમાં પરિક્રમાનું મહત્ત્વ રહેલું છે, જેમાં શ્રદ્ધાના કેન્દ્રરૂપ પ્રતિમા, સ્થાન કે મંદિરને કેન્દ્રમાં રાખીને તે જમણી બાજુ રહે તે મુજબ ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે. આવી જ રીતે લીલી પરિક્રમાના કેન્દ્રમાં ગિરનારનો પર્વત હોય છે, જે હિમાલય કરતાં પણ જૂનો છે.
લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થાય છે. જેને દેવઊઠી અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુઓની માન્યતા છે કે આ દિવસે દેવતાઓ લાંબી ઊંઘમાંથી જાગે છે. આ દિવસ દેવદિવાળી તરીકે પણ ઓળખાય છે.
તિથિ મુજબ આ દિવસે મધ્યરાત્રિએ લીલી પરિક્રમાની શરૂઆત કરાવવામાં આવે છે. હોદ્દાની રૂએ જિલ્લા કલેક્ટર તથ સંત સમાજના અગ્રણીઓ શ્રીફળ વધેરીને યાત્રાની સફળતા માટે કામના કરે છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત પોલીસના જવાનો દ્વારા હવામાં ગોળીબાર કરીને સન્માન પ્રગટ કરવામાં આવે છે.
જોકે, દરવર્ષની જેમ આ સાલ પણ યાત્રાને વહેલી શરૂ કરાવી દેવામાં આવી હતી, જેથી કરીને ભીડને નિવારી શકાય.
ચાલુ (2024) વર્ષે યાત્રા દરમિયાન ભીડ થતી નિવારવા 42 કલાકે અગાઉથી રૂટને ખોલી નખાયો હતો અને શ્રદ્ધાળુઓને ઇટવા ઘોડીથી મઢી તરફથી આગળ વધવાની છૂટ આપવામાં આવી હતી.
શ્રદ્ધાળુઓના ધસારાને આધારે તેને નિર્ધારિત સમયમર્યાદા પછી પણ ચાલુ રાખવામાં આવે છે. કેટલાક લોકો શરૂ કરવાની સાથે જ અવિરત ચાલીને પૂર્ણ કરે છે.
સૌરાષ્ટ્રવિસ્તારમાં ચોમાસું અને દીવાળીનો તહેવાર પૂરો થયા પછીનો આ સૌથી પહેલો અને મોટો ધાર્મિક-સાંસ્કૃતિક મેળાવડો હોય છે. ચોમાસા દરમિયાન વરસાદને કારણે ગિરનાર તથા પરિક્રમાના માર્ગ ઉપર હરિયાળી છવાયેલી હોય છે એટલે તેને 'લીલી પરિક્રમ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
36 કિલોમીટર લાંબી પરિક્રમા ઔપચારિક રીતે ભવનાથની તળેટીથી શરૂ થાય છે. પદયાત્રી દૈનિક સરેરાશ આઠ કિલોમીટર જેટલી યાત્રા કરે છે. ગિરનારને દેવતુલ્ય ગણીને તેની પૂજા થતી હોવાથી ઘણાં શ્રદ્ધાળુઓ પરિક્રમા પહેલાં અને પછી ગિરનાર ચઢતા નથી.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)