એકસાથે બે સિસ્ટમ બનશે, ગુજરાત પર શું અસર જોવા મળશે?

વીડિયો કૅપ્શન, એકસાથે બે સિસ્ટમ બનશે, ગુજરાત પર શું અસર જોવા મળશે?
એકસાથે બે સિસ્ટમ બનશે, ગુજરાત પર શું અસર જોવા મળશે?

બંગાળની ખાડીમાં ફરીથી વાવાઝોડું બનવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસમાં સેન્યાર નામનું વાવાઝોડું બનવાની શક્યતા છે.

ભારતમાં સામાન્ય રીતે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાની સિઝન આવે છે એટલે કે આ એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી વાવાઝોડાં સર્જાતાં હોય છે.

હાલ આંદામાન સાગર અને તેની આસપાસના દરિયામાં આ સિસ્ટમ બની ગઈ છે અને આગામી દિવસોમાં તે આગળ વધીને બંગાળની ખાડીમાં આવશે. જે બાદ તે વધારે મજબૂત બને એવી શક્યતા છે.

હવામાન વિભાગ પ્રમાણે 26 નવેમ્બરની આસપાસ હાલનો વેલમાર્ક્ડ લૉ-પ્રેશર એરિયા મજબૂત બનશે અને પછી તે વાવાઝોડું બને એવી શક્યતા છે.

આગામી દિવસોમાં આ સિસ્ટમ સેન્યાર વાવાઝોડું બને એ પહેલાં જ આંદામાન અને નિકોબાર ટાપુ પર તેની અસર શરૂ થઈ જશે અને ત્યાં ભારે વરસાદની સાથે ઝડપી પવન ફૂંકાશે.

સેનયાર વાવાઝોડું કઈ તરફ જશે?

હાલની સ્થિતિ પ્રમાણે એકાદ બે દિવસમાં આ સિસ્ટમ બંગાળની ખાડીમાં આવશે અને પછી તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે.

હવામાનનાં વિવિધ મૉડલો અલગ અલગ રસ્તા દર્શાવી રહ્યાં છે, હાલની સ્થિતિ પ્રમાણે શક્યતા એવી છે કે પહેલાં તે સીધું જ પશ્ચિમ તરફ એટલે કે દક્ષિણ ભારત તરફ આવશે.

જે બાદ આ સિસ્ટમ ભારતના દરિયાકાંઠાની નજીક આવતાની સાથે જ વળાંક લેશે અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. એટલે કે તે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ વળી શકે છે.

હાલની સ્થિતિ પ્રમાણે તે ખરેખર ક્યાં ત્રાટકશે તે કહેવું મુશ્કેલ છે, એક વખત વાવાઝોડું બન્યા બાદ જ ખબર પડશે કે એ કઈ તરફ જશે.

સામાન્ય રીતે વાવાઝોડાંના ટ્રેક અગાઉથી નક્કી કરવા ખૂબ મુશ્કેલ હોય છે અને તેમાં સતત ફેરફાર થતો હોય છે.

સેન્યાર વાવાઝોડું બને તો એની ગુજરાતને કોઈ અસર થશે?

હાલ ગુજરાતમાં શિયાળાની ઠંડી શરૂ થવાની રાહ જોવાઈ રહી છે અને તાપમાન હજી પણ ઝડપથી ઘટી રહ્યાં નથી.

રાજ્યમાં ચોમાસા બાદ પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું હતું. હાલ રાજ્યમાં શિયાળુ પાકના વાવેતરનો સમય ચાલી રહ્યો છે.

જો આ સિસ્ટમ વાવાઝોડું બને તો એની સીધી અસર રાજ્ય પર થવાની શક્યતા ખૂબ ઓછી છે. બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાં સીધા ગુજરાત પર ત્રાટકતાં નથી.

બંગાળની ખાડીનાં વાવાઝોડાંની બાકી રહેલી ગયેલી સિસ્ટમો પણ ભાગ્યે જ ગુજરાત પર આવતી હોય છે.

આ સિસ્ટમ પણ જો વાવાઝોડું બનશે તો તે વળાંક લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ જવાની શક્યતા છે અને ઉપરાંત દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પણ ત્રાટકે તો પણ એની અસર હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં થવાની શક્યતા નથી.

ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસોમાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી અને તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા દેખાતી નથી.

ગુજરાત હવામાન શિયાળો વાવાઝોડું સેન્યાર સિસ્ટમ વરસાદ ચોમાસું ઠંડી ગરમી ખેતી ખેડૂત બીબીસી દીપક ચુડાસમા હવામાન સમાચાર વેધર ન્યૂઝ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન