'મારે ત્યાં જ મરવું છે...' ભારતમાં સુખી જીવન જીવતાં એ લોકો જેમને દેશ છોડીને ઇઝરાયલ જવું છે

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
- લેેખક, ઇલ્મા હસન
- પદ, બીબીસી સંવાદદાતા, મિઝોરમના ઐઝવલથી
- વાંચવાનો સમય: 8 મિનિટ
ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય મિઝોરમમાં રહેનાર બેને મનાશે સમુદાયના લોકો હવે કાયમ માટે ઇઝરાયલ જવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ પોતાને યહૂદી સમુદાયની ખોવાયેલી જનજાતિઓમાંથી એક જાતિના વંશજ માને છે.
2025માં ઇઝરાયલની સરકારે એક યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ ભારતના બેને મનાશે સમુદાયના તમામ લોકો આવનારાં વર્ષોમાં ઇઝરાયલમાં સ્થળાંતર કરશે. કેટલાક લોકો પહેલાં પણ અહીંથી ગયા છે.
હાલમાં, ભારતમાં તેમની સંખ્યા લગભગ 5800 છે. ઇઝરાયલમાં તેમનું સ્થળાંતર ફેબ્રુઆરી, 2026માં સુધીમાં શરૂ થઈ શકે છે.
આ સમુદાય મુખ્યત્વે મિઝોરમ અને તેના પાડોશી રાજ્ય મણિપુરમાં રહે છે.
છેલ્લા બે દાયકામાં, આશરે 4000 બેને મનાશે ઇઝરાયલમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. આ સ્થળાંતર પ્રક્રિયા 2005માં શરૂ થઈ હતી જ્યારે એક મુખ્ય રબ્બી (યહૂદી ધર્મગુરુ)એ આ સમુદાયને યહૂદી ધર્મની ખોવાયેલા આદિજાતિ તરીકે માન્યતા આપી હતી.
આ સંદર્ભમાં મિઝોરમમાં રહેતા બેને મનાશે સમુદાયના લગભગ છસો લોકોએ પણ ઇઝરાયલ જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ લોકો ઇઝરાયલ કેમ જવા માગે છે એ સમજવા માટે બીબીસીની ટીમે મિઝોરમની રાજધાની ઐઝવલના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી
'હું પણ ત્યાં જ મરવા માગું છું'

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
બેને મનાશે સમુદાયના સભ્ય એવા 76 વર્ષીય મુસાઈ હનામટે મિઝોરમના ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને કુસ્તીબાજ છે. તેઓ મિઝોરમની રાજધાની ઐઝવલના સેન્ટ્રલ વિસ્તારમાં એક મોટા ઘરમાં રહે છે. તેમના ઘરની દીવાલો પર તેમના પરિવારના સાથેની તસવીરોથી શણગારેલી છે. અમારી મુલાકાત તેમની સાથે તેમના ઘરે જ થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "અમને મિઝોરમની યાદ આવશે. આ અમારી જન્મભૂમિ છે, પરંતુ આ અમારી આખરી મંઝિલ નથી. આથી જ અમને લાગે છે કે અમારે અહીંથી જવું પડશે."
મુસાઈ હનામટેનાં માતાપિતા લગભગ 20 વર્ષ પહેલાં ઇઝરાયલ ચાલ્યાં ગયાં હતાં. હવે તેમના પરિવારના બાકીના સભ્યો પણ ત્યાં જવા માગે છે.
તેઓ કહે છે, "મારાં માતાપિતા ત્યાં મૃત્યુ પામ્યાં હતાં અને ત્યાં જ દફનાવાયાં છે. હું પણ ત્યાં જ મરવા માગું છું."
તેમનું કહેવું છે કે ઇઝરાયલ જવું એ તેમના માટે ફક્ત સારા આર્થિક ભવિષ્ય માટે નથી, પરંતુ આ નિર્ણય તેમની ધાર્મિક માન્યતાઓ અને ઓળખ પર આધારિત નિર્ણય છે. તેમના કહેવા પ્રમાણે સરકાર તેમને ઇઝરાયલમાં પેન્શન આપશે. વધુમાં, તેઓ ત્યાં પોતાનો વ્યવસાય પણ શરૂ કરવા માગે છે.
બેને મનાશે સમુદાયનો ઇતિહાસ શું છે?

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બેને મનાશે સમુદાય મિઝોરમના આદિવાસી સમુદાયનો એક ભાગ છે. આ સમુદાયના લોકો માને છે કે તેમના પૂર્વજોને આશરે 2700 વર્ષ પહેલાં પ્રાચીન ઇઝરાયલમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
તેઓ દાવો કરે છે કે દેશનિકાલ પછી તેમના પૂર્વજો પૂર્વ તરફ ગયા, ચીન થઈને ઉત્તરપૂર્વ ભારતમાં ગયા અને પહાડીઓમાં સ્થાયી થયા. તેમનો ઇતિહાસ મૌખિક પરંપરાઓ દ્વારા આગળ વધે છે. તેમનો કોઈ લેખિત ઇતિહાસ મળતો નથી.
નિષ્ણાતોનું કહેવું છે કે લેખિત પુરાવાના અભાવે આ લોકોની મૂળ ઉત્પત્તિ વિશે નવા નવા દાવાઓને જન્મ આપ્યો છે. વિદ્વાનોનું કહેવું છે કે મિઝો અથવા ચિન-કુકી સમુદાયોને પ્રાચીન ઇઝરાયલ સાથે જોડતા કોઈ દસ્તાવેજી પુરાવા નથી.
ઐઝવલની સરકારી ટી રોમાના કૉલેજના ઇતિહાસના પ્રોફેસર મલસાવમલિયામા બીબીસીને જણાવે છે કે, "અમારી પાસે કોઈ લેખિત પુરાવા નથી. આ મૌખિક ઇતિહાસ છે. બેને મનાશેના દાવા કેટલાક રિવાજોમાં સમાનતા પર આધારિત છે, પરંતુ તેમના ઇઝરાયલી મૂળના કોઈ ઐતિહાસિક પુરાવા નથી."
મિઝોરમ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે પર્વતીય સમુદાયોમાં યહૂદી ધર્મ જેવા ઘણા રિવાજો જેમ કે પ્રાણીઓનું બલિદાન, ધાર્મિક ગીતો વ્યાપકપણે પ્રચલિત હતાં.
બીજી તરફ, બેને મનાશે સમુદાય કહે છે કે મિઝો સમુદાયમાં સદીઓથી કેટલાક રિવાજો છે જે યહૂદી ધર્મ જેવા જ છે.
જોકે, મિઝોરમમાં યહૂદી ધર્મનો ઔપચારિક સ્વીકાર ફક્ત 20મી સદીના અંતમાં જ જાણીતો છે. એ પણ મિશનરીઓ અને ધાર્મિક ઉપદેશકોના પ્રભાવને કારણે હતું. સિનેગોગ બનાવવામાં આવ્યા, હિબ્રૂ ભાષા શીખવામાં આવી, અને યહૂદી ધાર્મિક નિયમો અને પરંપરાઓનું પાલન થવા લાગ્યું.
મિઝોરમના બેને મનાશે સમુદાયના સભ્ય જેરેમિયાહ આ પરિવર્તનને સ્વીકારે છે. તેઓ કહે છે, "અમે 1976માં યહૂદી ધર્મ વિશે શીખવાનું શરૂ કર્યું. 1995ની આસપાસ, અમે અમારા જીવનને યહૂદી ધોરણો અનુસાર સ્વીકારવાનું શરૂ કર્યું. પહેલા અમારી સુન્નત નહોતી થઈ, પરંતુ જ્યારે અમે યહૂદી કાયદા વિશે શીખ્યા, ત્યારે અમે સુન્નત કરી."

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
સમય જતાં એવા પુરાવા બહાર આવ્યા જે મિઝો રિવાજો અને યહૂદી પરંપરાઓ વચ્ચે સમાનતા સૂચવે છે, જેમાં ગીતો, સ્તોત્રો, તહેવારો અને ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે.
લેખક પીસી બિયાક્સામા બીબીસીને કહે છે, "મિઝો સમાજમાં ખ્રિસ્તી ધર્મ મુખ્ય ધર્મ છે. તેથી, બેને મનાશે સમુદાય મુખ્ય પ્રવાહના સમાજ અને મુખ્ય પ્રવાહના ધર્મથી અલગ થઈ ગયો.
તેમણે કહ્યું, "મિઝોરમ અમારું નથી. અમારું ઘર ઇઝરાયલ છે. આ જાગૃતિ 1950ના દાયકામાં આવી. ત્યાં સુધીમાં મિઝોરમમાં ખ્રિસ્તી ધર્મ સારી રીતે સ્થાપિત થઈ ગયો હતો."
તેમના મતે, જ્યારે તેમણે બેને મનાશે સમુદાયે બાઇબલનો અભ્યાસ કર્યો અને ઇઝરાયલીઓની સંસ્કૃતિનું અવલોકન કર્યું, ત્યારે કેટલાક વર્ગને સમજાયું કે તેઓ યહૂદી ધર્મના ખોવાયેલા આદિજાતિ હોઈ શકે છે. આ અનુભૂતિ લગભગ 70 વર્ષ જૂની છે."
યહૂદી ધાર્મિક પરંપરામાં, યહૂદીઓના ઇઝરાયલમાં સ્થળાંતરને 'આલિયાહ' કહેવામાં આવે છે. 'આલિયાહ'નો અર્થ ફક્ત દેશ બદલવો જ નથી, પરંતુ તેનો અર્થ ઇઝરાયલની ભૂમિમાં ધાર્મિક રીતે રહેવું પણ થાય છે.
ઇઝરાયલમાં 'લૉ ઑફ રિટર્ન' નામનો એક કાયદો છે. આ કાયદા હેઠળ જે લોકો યહૂદી તરીકે ઓળખાય છે તેમને સ્થળાંતર કરવાનો અને નાગરિકતા મેળવવાનો અધિકાર છે.
આ અંતર્ગત, બેને મનાશે સમુદાય ઇઝરાયલ જઈ રહ્યો છે.
ડિસેમ્બર 2025માં રબ્બીઓ, ઇઝરાયલ માટેની યહૂદી એજન્સીના સભ્યો અને ઇઝરાયલી દૂતાવાસના પ્રતિનિધિઓએ બેને મનાશે સમુદાયના સભ્યોની તપાસ કરી.
અહેવાલો અનુસાર, મણિપુરના 1000થી વધુ લોકોએ અને મિઝોરમના આશરે 600 લોકોએ ઇઝરાયલની મુસાફરી માટે નોંધણી કરાવી હતી.
જેરેમાયા જણાવે છે કે, "સ્ક્રીનિંગમાં એ નક્કી થાય છે કે અમે યહૂદી ધર્મ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ કે નહીં અને ખ્રિસ્તી ધર્મ સાથે આપણો કોઈ સંબંધ છે કે નહીં. પહેલું પગલું યહૂદી ધર્મ વિશેના પ્રશ્નોના જવાબ આપવાનું છે. તે પછી, અમારા પાસપૉર્ટ બનાવવામાં આવશે. અમારા નામ યહૂદી એજન્સી દ્વારા ઇઝરાયલી સરકારને મોકલવામાં આવશે. તે પછી, અમે ક્યાં રહીશું તે નક્કી કરવામાં આવશે."
જેરેમાયાએ ઇઝરાયલ જવા માટે ઇન્ટરવ્યૂ પણ આપ્યો છે. તેઓ સમુદાય વતી 'આલિયાહ' પ્રક્રિયાના મુખ્ય સંયોજકોમાંના એક છે. તેઓ મિઝોરમમાં પ્રિન્ટિંગની દુકાન ચલાવતા હતા. જેરેમાયા કહે છે કે ઇઝરાયલ જવાની તૈયારીમાં તેમણે પોતાનો બધો સામાન અને સંપત્તિ વેચી દીધાં છે.
બીજી બાજુ, એવા અહેવાલો છે કે ઇઝરાયલમાં સ્થળાંતર કરનારા બેને મનાશે સમુદાય માટે જીવન હંમેશાં સરળ રહ્યું નથી. ઇઝરાયલી સમાજમાં આત્મસાત્ થવાની પ્રક્રિયા તેમના માટે એક મોટો પડકાર રહ્યો છે. ઇઝરાયલી મીડિયા અહેવાલોમાં ભારતીય યહૂદી ઇમિગ્રન્ટ્સ સાથે ભેદભાવના કિસ્સાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઇઝરાયલી મંજૂરી અને યોજના શું છે?

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
એક અહેવાલ મુજબ, બેને મેનાશે સમુદાયના ઇઝરાયલ સ્થળાંતરની પ્રક્રિયા તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આશરે 300 લોકો ઇઝરાયલ જશે .
2026ના અંત સુધીમાં લગભગ 1200 લોકો ઇઝરાયલ જશે તેવી અપેક્ષા છે. ઇઝરાયલી સરકારના મતે, 2030 સુધીમાં આશરે 5800 લોકો ત્યાં સ્થળાંતર કરશે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ પગલાને 'એક મહત્ત્વપૂર્ણ નિર્ણય' ગણાવ્યો હતો. ઇઝરાયલી સરકાર ભારતમાંથી બેને મનાશે સમુદાયના પુનર્વસનમાં મદદ કરવા માટે પ્રારંભિક નાણાકીય સહાય, હિબ્રૂ ભાષાની તાલીમ, રોજગાર સહાય, કામચલાઉ રહેઠાણ અને સામાજિક કલ્યાણ કાર્યક્રમોના લાભો પ્રદાન કરશે.
ઇઝરાયલી સરકારના નિવેદન મુજબ, આ નવા ઇમિગ્રન્ટ્સને નોફ હાગાલિલ અને ઉત્તરનાં અન્ય શહેરોમાં સ્થાયી કરવામાં આવશે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કહે છે કે આનાથી ઉત્તર અને ગલિલી પ્રદેશો મજબૂત બનશે. આ એ વિસ્તારો છે જ્યાં ઇઝરાયલી સરકાર યહૂદી વસ્તીને ફરીથી વસાવવા માગે છે.
આ વિસ્તારો ઓછા વિકસિત અને ઓછી વસ્તીવાળા છે. તેઓ હિંસાથી પ્રભાવિત થયા છે. અહેવાલો અનુસાર, લેબનોનના હિઝબુલ્લાહ સાથેના સંઘર્ષથી તેઓ નોંધપાત્ર રીતે પ્રભાવિત થયા છે, અને તાજેતરનાં વર્ષોમાં ઘણા લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે.
તાજેતરમાં ગાઝામાં પણ ઇઝરાયલી હુમલાઓ થયા છે, જેમાં હજારો લોકો માર્યા ગયા છે.
2024માં પશ્ચિમ કાંઠે ભારતીય મૂળના ઇઝરાયલી સૈનિક માર્યા ગયાના અહેવાલો પછી બેને મનાશે સમુદાય ચિંતિત છે.
આ બધું થયું હોવા છતાં બેને મનાશે સમુદાયનો ઇઝરાયલ જવાનો ઇરાદો મક્કમ છે.

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
મિઝોરમનાં 31 વર્ષીય યા-એલ પણ ત્યાં જવાની તૈયારી કરી રહ્યાં છે.
તેઓ કહે છે, "ઇઝરાયલ ભગવાનની ભૂમિ છે, તેથી મને ત્યાં જવાની તીવ્ર ઇચ્છા છે. મેં પહેલેથી જ તૈયારી શરૂ કરી દીધી છે, મારા ઘરનો સામાન પૅક કરી રહી છું અને જે વસ્તુઓ છોડીને જવાની જરૂર છે તેને અલગ કરી રહી છું."
તેમને એક દીકરો અને એક દીકરી છે. તેમનો દીકરો આઠ વર્ષનો છે અને દીકરી છ વર્ષની છે.
યા-એલ તેમના પતિ, દીકરા અને દીકરી સાથે એક બેડરૂમવાળા ઘરમાં રહે છે. તેમનું આખું જીવન પરિવારની સંભાળ રાખવામાં સમર્પિત છે. પરિવાર અહીં આરામદાયક જીવન જીવી રહ્યો છે.
દીવાલો તેમના દીકરા અને દીકરીના પોસ્ટરોથી શણગારેલી છે, જેમાં તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમનાં રમકડાં ઘરમાં પથરાયેલાં છે. ઘરનો દરેક ખૂણો એક સુસ્થાપિત પરિવારની હાજરીને પ્રતિબિંબિત કરે છે.
તેઓ કહે છે કે તેમનાં પુત્ર અને પુત્રીને પણ આ નિર્ણયની જાણ છે.
પુત્રે કહ્યું છે કે તે હવે અહીં શાળાએ નહીં જાય અને ઇઝરાયલમાં જ શાળામાં જશે.
જ્યારે અમે તેમને તે વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષ અને ભય વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેમના પરિવારને સલામતીનો કોઈ ડર નથી.
તેઓ કહે છે, "અમને કોઈ ડર નથી. મારા પતિએ કહ્યું છે કે જો જરૂર પડે તો, તે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષનો ભાગ બનવા તૈયાર છે."
41 વર્ષીય રૂથ તેમનાં પાડોશી અને મિત્ર છે. તેમને પાંચ પુત્રી છે. રૂથનાં માતાપિતા અને મોટી પુત્રી પહેલેથી જ ઇઝરાયલમાં છે. હવે, તેઓ પણ તેમની બાકીની ચાર પુત્રીઓ સાથે ઇઝરાયલ જવા માગે છે.
આથી, રૂથની 18 અને 19 વર્ષની પુત્રીઓએ પણ ઇઝરાયલ જવા માટે ઇન્ટરવ્યૂ આપ્યા છે.
રૂથ કહે છે, "બાઇબલમાં પણ લખ્યું છે કે ઇઝરાયલને યુદ્ધનો સામનો કરવો પડશે. તેથી આપણને આ બાબતમાં કોઈ ખચકાટ કે ડર નથી. એવું નથી કે અમે બિલકુલ ડરતા નથી. જો મોટા અવાજો આવે અને આપણને કંઈક સંભળાય, તો આપણને ડર લાગી શકે છે. પરંતુ આ સમયે અમે ડરતા નથી. ગમે તે હોય, આપણે બધાંએ એક દિવસ મરવાનું છે. જો એ આપણા મૃત્યુનું કારણ હશે તો હું ત્યાં મરવાનું પસંદ કરીશ. પછી ભલે તે યુદ્ધને કારણે હોય કે અન્ય કોઈ કારણ હોય."
અમારું 'ઘર' ઇઝરાયલ છે

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
ઐઝવલમાં રહેતા બેને મનાશે સમુદાયના આશરે 400 સભ્યો સુખી જીવન જીવે છે, છતાં ઇઝરાયલ જવાનું તેમના માટે ખૂબ મહત્ત્વ છે. તેઓ તેના માટે પોતાના ઘર, પોતાનો દેશ અને પોતાના પરિચિતો સાથેનું જીવન છોડવા તૈયાર છે.
બીબીસી સાથે વાત કરતા, આ સમુદાયના ઘણા સભ્યોએ કહ્યું કે ઇઝરાયલ જવાનું અને યહૂદી ધર્મ પાળવાનું તેમના માટે ખાસ મહત્ત્વ છે.
તેમનું 'આલિયાહ' એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઇઝરાયલ યુદ્ધ, રાજકીય તણાવ અને સામાજિક વિભાજનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. આમ છતાં, સમુદાયના સભ્યો કહે છે કે તેમની ધાર્મિક શ્રદ્ધા અને યહૂદી ઓળખ સર્વોપરી છે.
રૂથ કહે છે, "અમે ક્યારેય ક્યાંય મુસાફરી કરી નથી. અમે સિલચરથી આગળ પણ ગયાં નથી." જોકે, મને ખબર નથી કે અમારું ભવિષ્ય શું છે. અમે ત્યાં એકલતા અનુભવી શકીએ છીએ, પરંતુ અમને આશા છે કે બીજાઓની મદદથી બધું સારું થઈ જશે."
યા-એલ કહે છે, "અમે શું છોડી રહ્યા છીએ? ત્યાં શું થશે? આ વિચાર મારા મનમાં ક્યારેય આવ્યો નહીં. મને ન તો દુઃખ થયું કે ન તો મને એવું લાગ્યું કે હું એકલી રહી જઈશ. ઘણાં વર્ષોથી અમે ત્યાં જવા માગીએ છીએ અને તેની તૈયારી કરી રહ્યાં છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












