દક્ષિણ ગુજરાત જળબંબાકાર : ઉમરગામમાં 35 ઇંચ, કપરાડામાં 28 ઇંચ, નાના પોંઢામાં 25 ઇંચ વરસાદ, સુરત અને નવસારીમાં પણ પાણી જ પાણી

ઇમેજ સ્રોત, IMD
સુરત, વલસાડ, નવસારી અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસથી સતત વરસાદ ચાલુ છે અને તેમાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં આ જિલ્લાઓમાં અતિશય ભારે વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભયંકર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 35.67 ઇંચ વરસાદ ખાબક્યો છે. કપરાડામાં 28.78 ઇંચ, નાના પોંઢામાં 25.31 ઇંચ, ઘરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડમાં 15.87 ઇંચ વરસાદ પડ્યો છે.
સુરતમાં પણ ઉમરપાડા, અંબિકા, પલસાણા, મહુવા, બારડોલીમાં રેલમછેલ છે. નવસારીમાં વાંસદા તાલુકામાં 17, ખેરગામમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે. ચીખલી, ગણદેવી, જલાલપોર અને નવસારી તાલુકામાં પણ 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
તાપી જિલ્લામાં ડોલવણમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે. સાથે વાલોડમાં 10 ઇંચ, વ્યારામાં 9 ઇંચ વરસાદ છે. સુરતમાં વરાછાના બંને ઝોનમાં 5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.
ડાંગના વઘણીમાં 14 ઇંચ, સાપુતારામાં 8 ઇંચ અને આહવામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતની બધી નદીઓની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
સુરતની ભેદવાડ અને સીમાડા ખાડી છલકાઈ ગઈ હોવાના અહેવાલ છે.
સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની તમામ સ્કૂલોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે. તાપી અને ભરુચ જિલ્લામાં પણ ભારે વરસાદ છે.
વરસાદની કઇ સિસ્ટમ સક્રિય છે

ઇમેજ સ્રોત, Snehal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે હાલમાં બિકાનેર, બનાસ્થલી, ગુણા, પેન્ડ્રા રોડ, મિડનાપોર પરથી એક મૉન્સુન ટ્રફ પસાર થાય છે જે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી પહોંચે છે અને સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ સ્થિત છે.
મધ્ય પ્રદેશ પર 7.6 કિમીની ઉંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. જ્યારે જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં એક વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના થઈ છે.
હવે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદસ્થિત હવામાન કચેરીએ હજુ પણ સાત દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
23 જુલાઈ, ગુરુવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
તેવી જ રીતે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ અને તાપી જિલ્લા માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
રાજ્યના બાકીના કેટલાક વિસ્તારો માટે યલો ઍલર્ટ જારી છે જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, બોટાદ, દીવ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં મોટા ભાગની જગ્યાએ આજે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ચોવીસ કલાકની અંદર જ્યારે બેથી 6 સેન્ટીમીટર વરસાદ પડે તો તેને મધ્યમ વરસાદ કહેવામાં આવે છે. 24 કલાકમાં 7થી 11 સેમી વરસાદને ભારે વરસાદ કહેવાય છે જ્યારે 12થી 20 સેમી વરસાદને અતિભારે વરસાદ ગણવામાં આવે છે. 24 કલાકમાં 21 સેમી કરતા વધુ વરસાદ પડે તો તે અત્યંત ભારે વરસાદની કેટેગરીમાં આવે છે.
24 જુલાઈ, શુક્રવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે અને આ જિલ્લાઓને રેડ ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. શુક્રવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીને ઑરેન્જ ઍલર્ટ હેઠળ જાહેર કરવામાં આવ્યા છે અને આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
શુક્રવારે બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, આણંદ, ભરુચ, સુરતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે અને આ જિલ્લાઓને યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 24 જુલાઈ, શુક્રવારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદ પડશે.

ઇમેજ સ્રોત, APurva Parekh
25 જુલાઈ, શનિવારે દાહોદ અને મહીસાગર રેડ ઍલર્ટ હેઠળ છે અને આ બંને જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં શનિવારે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે.
શનિવારે અમદાવાદ, વાવ-થરાદ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
ત્યાર પછી રવિવારે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે આગામી સોમવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તેની સાથે સાથે વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને એકથી બે ઝાપટા પડવાની સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















