ગુજરાત : અરવલ્લીમાં પહાડો વચ્ચે ઘરમાં લોકો કેવી રીતે જીવે છે?
'અમારે પહાડ નથી આપવા, પહાડ આપીશું તો અમે ક્યાં જઈશું...?' આ કહેવું છે અરવલ્લી જિલ્લાનાં ઓડ ગામનાં બબુબહેનનું.
તેમનો પરિવાર વર્ષોથી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા પહાડો પર ઘરમાં રહે છે. ગિરિમાળાની ટેકરીઓ પર આવા અનેક લોકો રહે છે.
તેમને હવે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે અરવલ્લીની ગિરિમાળાઓ અંગે આપેલા ચુકાદાથી ભય છે.
આ ડિસેમ્બરની સવારે જ્યારે દિલ્હીની અંધારી ધુમ્મસ રસ્તા-લાઇટો અને આખેઆખી આકૃતિઓને જાણે ગળવા લાગે છે અને ગુરુગ્રામના હાઇવે પર કારો અને બીજાં વાહનો ધાતુના બનેલા સાપની માફક સરકતાં દેખાય છે, ત્યાંથી થોડે દૂર કાર્ટઝાઇટની પુરાણી રેખાઓ ઊભરી આવી છે.
કોઈ હિમરેખા નહીં, ના કોઈ પોસ્ટકાર્ડ -શિખર; માત્ર ઘસાયેલી, છોલાયેલી, કોતરાયેલી અને ધ્વસ્ત ટેકરીઓ, જેમ કે, પૃથ્વીએ પોતાની સૌથી પુરાણી હસ્તલિપિ પથ્થર પર જ લખી મૂકી હોય.
અરવલ્લીમાં આવાં પોસ્ટકાર્ડ-શિખર ઓછાં છે, એનો અર્થ એ છે કે આ ટેકરીઓ એટલી બધી નાટકીય ઊંચાઈવાળી નથી દેખાતી; પણ તેનું પર્યાવરણીય કામ ખૂબ મોટું છે. ધૂળને રોકવું, પાણીને રિચાર્જ કરવું, જૈવ વૈવિધ્યનું રક્ષણ કરવું અને પોતાના ખોળે વન્ય જીવોને ઉછેરવાં.
આ જ અરવલ્લી છે. ઉત્તર-પશ્ચિમ ભારતની આ પર્વતમાળા, જેને વૈજ્ઞાનિક સાહિત્ય અને લોકપ્રિય ભૂ-જ્ઞાન બંને 'ભારતની સૌથી પુરાણી ફોલ્ડ-માઉન્ટેન બેલ્ટ' તરીકે ઓળખે છે.
લોકઇતિહાસકાર શ્રીકૃષ્ણ જુગનૂ જણાવે છે, આ એ પર્વતમાળા છે, જેમાં લુણી, બનાસ, સાબરમતી, સાહિબી, બેડચ (આયડ), ખારી, સૂકડી, કોઠારી, સોમ, જાખમી, કમલા નદીઓ અને નક્કી, પુષ્કર, જયસમંદ, માતૃકુંડિયા અને બેણેશ્વર જેવાં તળાવ છે.
અરવલ્લી ભારતની કરોડરજ્જુ છે, જે ચાર રાજ્યોમાંથી પસાર થાય છે. એ ઉત્તર-પશ્ચિમ ભારતમાં લગભગ 670 કિમી લાંબી મનાય છે.
આ દિલ્હી પાસેથી શરૂ થઈને દક્ષિણ હરિયાણા અને રાજસ્થાનમાં ઊંડે સુધી જાય છે અને બાદમાં ગુજરાતમાં અમદાવાદની આસપાસ મેદાનો સુધી પહોંચે છે.
તેનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જે લગભગ 1722 મીટર છે અને એ રાજસ્થાનના માઉન્ટ આબુમાં છે. આ શિખર પર તમે ઊભા રહો તો વાદળ તમને અડકીને પસાર થતાં હોય એવું અનુભવાશે.
કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે 100 મીટરની ઉંચાઈ વાળા પહાડોને જ હવે અરવલ્લીની ગિરિમાળાના પહાડ ગણાશે. હવે અહીં રહેતા લોકોને એ ચિંતા છે કે પહાડનો દરજ્જો જતો રહેશે તો તેમનું શું થશે? તેઓ શું કહી રહ્યા છે? જુઓ વીડિયો.
અહેવાલ : અંકિત ચૌહાણ
ઍડિટ : અવધ જાની

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



