You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અફઘાનિસ્તાનમાં આજે ફરી તાલિબાન વિરુદ્ધ પ્રદર્શનો, કાબુલમાં પણ લોકો બહાર નીકળ્યા

અફઘાનિસ્તાન પર હવે ઇસ્લામિક સંગઠન તાલિબાનનો કબજો, 20 વર્ષ બાદ દેશ તાલિબાનના નિયંત્રણમાં. હાલ કેવી સ્થિતિ.

લાઇવ કવરેજ

  1. પશ્ચિમી દેશોને સાથ આપનારની શોધમાં તાલિબાનો

    સંયુક્ત રાષ્ટ્રને ગુપ્ત માહિતી પૂરી પાડતા સંગઠન નૉર્વેજિયન સેન્ટર ફૉર ગ્લૉબલ ઍનાલિસિસના ગુપ્ત રિપૉર્ટ પ્રમાણે, જે અફઘાનોએ નાટો રાષ્ટ્રો કે અમેરિકાને મદદ કરી હતી, તેમને શોધી કાઢવા માટે તાલિબાનોએ અભિયાન હાથ ધર્યું છે.આ મતલબનો ગુપ્ત અહેવાલ બીબીસીએ વાંચ્યો છે.

    દસ્તાવેજ મુજબ, "તાલિબાનો દ્વારા ચિહ્નિત કરાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે અને અથવા જો તેઓ તાલિબાનો સમક્ષ આત્મસમર્પણ ન કરે તો તેમના પરિવારજનોની ધરપકડ તથા હત્યાની ધમકી આપવામાં આવી રહી છે."

    જે લોકો સેના, પોલીસ અથવા તપાસ એકમો સાથે જોડાયેલા હતા, તેમના ઉપર વિશેષ જોખમ તોળાઈ રહ્યું છે.

    તાલિબાને મહત્ત્વપૂર્ણ શહેરો ઉપર કબજો મેળવ્યો તે પહેલાંથી જ તેણે ચોક્કસ લોકો વિશે માહિતી મેળવવાનું તથા તેમને ચિહ્નિત કરવાનું શરૂ કરી દીધું હતું.

    તાલિબાનો દ્વારા બાતમીદારોનું નવું નેટવર્ક પણ વિકસાવવામાં આવી રહ્યું છે.

    કાબુલ ઍરપૉર્ટ પર અંધાધૂંધીભરી સ્થિતિ છે. ત્યાં વિદેશી લોકોની સાથે જવા માગતા અફઘાનોને અટકાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે.

    ગુરુવારે ન્યૂઝ એજન્સી રૉઇટર્સ સાથે વાત કરતા તાલિબાનોએ કહ્યું કે તેઓ વચન પાળી રહ્યા છે અને કાબુલ ઍરપૉર્ટ પરથી અફઘાનોના પણ સલામત નિર્ગમનમાં સહાયતા કરી રહ્યા છે.

    તાલિબાનોનું કહેવું છે કે ઍરપૉર્ટ પર "વિદેશીઓ, અફઘાનો તથા તાલિબાન સભ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની હિંસા કે બોલાચાલીને અટકાવવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે."

  2. ગુજરાતસ્થિત અફઘાનિસ્તાનની યુવતીઓએ તાલિબાન અંગે શું કહ્યું?

  3. અફઘાનિસ્તાનમાં આજે ફરી તાલિબાન વિરુદ્ધ પ્રદર્શનો

    ગુરુવારે બ્રિટનના શાસનમાંથી અફઘાનિસ્તાનના 102મા સ્વતંત્રતાદિવસે કાબુલ, જલાલાબાદ સહિત અનેક શહેરોમાં નાગરિકો અફઘાન રાષ્ટ્રધ્વજ લઈને રસ્તા ઊપર ઉતરી આવ્યા હતા અને તાલિબાનોના આધિપત્ય સામે વિરોધ નોંધાવ્યો હતો.

    એકઠી થયેલી ભીડને વિખેરવા માટે ગોળીબાર કરવામાં આવ્યા, જેમાં કેટલાક લોકોનાં મૃત્યુ થયા, પરંતુ તેની ઔપચારિક પુષ્ટિ નથી થઈ.

    ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપૉર્ટ મુજબ, સોશિયલ મીડિયા ઉપર અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો એકઠા થયા છે અને તેમના હાથમાં અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ છે. તેઓ 'અમારો ઝંડો, અમારી ઓળખ'ના નારા લગાવી રહ્યા હતા.

    આ પ્રદર્શનમાં અમુક મહિલાઓ પણ સામેલ થઈ હતી, જેમાંથી એકના ખભા ઉપર અફઘાન રાષ્ટ્રધ્વજ હતો. નાગરિકો 'અલ્લાહ હો અકબર'ના નારા પોકારી કરી રહ્યા હતા. તાલિબાને આ અંગે ઔચપારિક રીતે કંઈ નથી જણાવ્યું.

    બીજી બાજુ, કુન્નાર પ્રાંતની રાજધાની અસદાબાદની રેલી દરમિયાન અનેક લોકોનાં મૃત્યુના અહેવાલ મળી રહ્યા છે. તેમના મૃત્યુ ગોળીબારને કારણે થયા કે નાસભાગને કારણે તે હજુ સ્પષ્ટ નથી થયું.

    બુધવારે દેખાવો દરમિયાન તાલિબાનોના ગોળીબારમાં ત્રણ લોકોનાં મૃત્યુના અહેવાલ છે.

  4. બ્રેકિંગ, કાબુલ ઍરપૉર્ટ પર રવિવારથી અત્યાર સુધી કુલ 12નાં મોત

    તાલિબાન અધિકારી અનુસાર રવિવારે જ્યારથી તાલિબાને કાબુલ પર કબજો જમાવ્યો છે ત્યારથી અત્યાર સુધી કાબુલ હવાઈમથક પર કુલ 12 લોકોનાં મોત નોંધાયા છે.

    નામ ન જણાવવાની શરતે અધિકારીએ રૉયટર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે મોટા ભાગનાં લોકો ગોળીબારથી અથવા તો ભાગદોડથી થયાં છે.

    તેમણે કહ્યું કે જેમની પાસે મુસાફરી કરવાનો અધિકાર નથી તેવા લોકો જેઓ ગેટ પાસે છે તેમને ઘરે પરત જવા કહ્યું છે. ‘તાલિબાન’ તેમને નુકસાન નથી પહોંચાડવા માગતું.

    અત્રે નોંધવું કે કાબુલ હવાઈમથક હવે અમેરિકી દળના નિયંત્રણમાં છે, પરંતુ આસપાસના વિસ્તાર અને માર્ગ પર તાલિબાનનું નિયંત્રણ છે.

  5. ભારતનું ધ્યાન ફસાયેલા ભારતીયોની સુરક્ષા પર કેન્દ્રીત છે – વિદેશ મંત્રી એસ. જયશંકર

    ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં થનારી ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે અને તેનું ધ્યાન યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા પર છે.

    એસ. જયશંકરે ન્યૂયૉર્કમાં બુધવારે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં આ જ વાત કહી.

    તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતે તાજેતરમાં તાલિબાન સાથે કોઈ સંપર્ક કર્યો છે કે કેમ.

    તેમણે સ્પષ્ટપણે જવાબ આપતા કહ્યું, “આ સમયે અમે કાબુલમાં બદલાતી સ્થિતિઓ પર નજર રાખી રહ્યા છીએ. તાલિબાન અને તેમના પ્રતિનિધિ કાબુલ પહોંચી ગયા છે આથી મને લાગે છે કે અમારે પણ શરૂઆત ત્યાંથી જ કરવાની જરૂર છે.”

    વિદેશમંત્રીને પૂછ્યું કે ભારત તાલિબાનના નેતૃ્ત્ત્વને કઈ રીતે જુએ છે અને તેની સાથે આગળ વધશે કે કેમ? તેના જવાબમાં તેમણે કહ્યું, ‘આ હજુ શરૂઆતી દિવસો છે.’

    શું ભારત અફઘાનિસ્તાનમાં રોકાણ ચાલુ રાખશે? તેના જવાબમાં તેમણે કહ્યું, “અફઘાનિસ્તાનના લોકો સાથે ઐતિહાસિક સંબંધો યથાવત છે.”

    તેમણે કહ્યું, “આના પરથી અમારો ભાવિ દૃષ્ટિકોણ તૈયાર થશે. મને લાગે છે કે આ શરૂઆતના દિવસો છે એટલે અમારું ધ્યાન ત્યાં રહેલા ભારતીયોની સુરક્ષા પર છે."

  6. બ્રેકિંગ, ‘પાકિસ્તાન કે તાલિબાન અફઘાનિસ્તાનને બાનમાં ન લઈ શકે’

    તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનના અમરુલ્લાહ સાલેહે પોતે હવે કાર્યકારી રાષ્ટ્રપતિ હોવાનો દાવો કર્યો હતો. તેઓ અફઘાનિસ્તાનમાં જ કોઈ અજ્ઞાત સ્થળે હોવાનું કહેવાય છે.

    તેમણે તાલિબાન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, “તમામ દેશોએ કાયદાઓનું સન્માન કરવું જોઈએ, હિંસાનું નહીં.

    તેમણે કહ્યું, અફઘાનિસ્તાન એટલું મોટું છે કે પાકિસ્તાન એને ગળી શકે તેમ નથી કે ન તાલિબાન તેના પર શાસન કરી શકે છે. અમાનવીય કૃત્ય અને આતંકવાદીઓ સામે શરણે થવાની બાબતને તમારા ઇતિહાસમાં સામેલ ન થવા દો.

    સાલેહે એમ પણ કહ્યું છે કે તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર લોકો અને દેશના સન્માન માટે આગળ આવનારાઓનું સન્માન કરે છે. સાલેહનું આ નિવેદન જલાલાબાદની ઘટના પછીથી આવ્યું છે, કારણ કે ગુરુવારે જલાલાબાદ સહિત કેટલાક વિસ્તારોમાંથી લોકો અફઘાનનો ધ્વજ લહેરાવે છે એવી તસવીરો સામે આવી હતી.

  7. બ્રેકિંગ, અહમદ મસૂદે કહ્યું, મુજાહિદ્દીન લડવૈયાઓ તાલિબાનનો સામનો કરવા તૈયાર

    એક ફ્રેન્ચ મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં અફઘાન નેતા 'શેર-એ-પંજશીર' અહમદશાહ મસૂદના દીકરા અહમદ મસૂદે પિતાના પગલે ચાલી તાલિબાન સામે યુદ્ધની જાહેરાત કરી હતી.

    અહમદ મસૂદ નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ઑફ અફઘાનિસ્તાનના વડા છે. એમના પિતા અહમદ શાહ મસૂદ 1992થી 2001 સુધી અફઘાનિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર હતા. એમણે 80ના દાયકાની શરૂઆતમાં સોવિયત સંઘના અતિક્રમણ સામે લડત આપી હતી. 90ના દાયકામાં એમણે ચરમપંથીઓ સામે સરકારી લશ્કરની આગેવાની કરી. તાલિબાન શાસનમાં તેઓ વિદ્રોહનો એક મોટો અવાજ બન્યા હતા. 2001માં એમની હત્યા કરવામાં આવી હતી.

    અહમદ મસૂદે ધ વૉશિગ્ટન પોસ્ટમાં એક ઓપનિયન આર્ટિકલ લખ્યો છે જેનું શીર્ષક છે'તાલિબાન સામે મુજાહિદ્દીનનો પ્રતિકાર હવે શરૂ થાય છે પણ અમને મદદ જોઈશે.'

    એમાં એમણે લખ્યું કે 'હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે મારા પિતા અને એના એમની કમાન્ડમાં સૈનિકો ફક્ત અફઘાનિસ્તાનના ભવિષ્ય માટે નહીં પણ પશ્ચિમના ભવિષ્ય માટે અલ-કાયદા અને તાલિબાન સામે લડ્યા હતા. હવે આ અંધકારભર્યા સમયમાં સહિયારો સંર્ઘષ અનિવાર્ય બની જાય છે.'

    એમણે લખ્યુ કે, 'હું પજશીરથી આ લખી રહ્યો છું અને મુજાહિદ્દીન લડવૈયાઓ સાથે મારા પિતાને પગલે ચાલવા તૈયાર છું. અમારી પાસે દારુગોળો અને હથિયારો છે જે અમે ખૂબ જ ધીરજથી એકત્રિત કરી રહ્યા હતા કારણ કે અમને ખબર હતી કે એક દિવસ આવો પણ આવી શકે છે.'

    જોકે, એમણે એમ પણ કહ્યું કે અમારી પાસે જે સંસાધનો છે એ પૂરતા નથી.

    એમણે પશ્ચિમના દેશોને અપીલ કરતાં કહ્યું કે, 'લાખો અફઘાનો તમારી જેવા જ મૂલ્યો ધરાવે છે. જ્યાં છોકરીઓ ડૉક્ટર બની શકે, પ્રેસ આઝાદ હોય, યુવાઓ નૃત્ય કરી શકે અને સંગીત સાંભળી શકે અને જે સ્ટેડિયમોમાં તાલિબાનોએ જાહેરમાં ફાંસીઓને અંજામ આપ્યો છે ત્યાં ખેલકૂદની મજા માણી શકે એવા એક મુક્ત સમાજ માટે અમે લાંબી લડત લડી છે.'

    એમણે લખ્યું કે 'તાલિબાન ફક્ત અફઘાનિસ્તાનની સમસ્યા નથી. તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાન બેશક ચરમપંથી ઇસ્લામિક આતંકવાદનું ગ્રાઉન્ડ ઝીરો બની શકે છે જ્યાંથી લોકશાહીઓ માટે મોટી ઘટનાઓનો તખતો ઘડાશે.'

    એમણે લખ્યું કે 'મુજાહિદ્દીન લડવૈયાઓ કોઈ પણ ભોગે પંજશીરની રક્ષા કરશે પણ અમને વધારે શસ્ત્રો જોઈશે, પુરવઠો જોઈશે.'

    હાલમાં દેશના મોટા ભાગના વિસ્તાર તથા મહત્ત્વપૂર્ણ સરહદો પર તાલિબાનનો કબજો છે.

    ઉલ્લેખનીય છે કે પંજશીર પ્રાંત કાબુલથી લગભગ ત્રણ કલાકના અંતરે આવેલો છે. તે તાલિબાનોને ટક્કર આપવા માટે પંકાયેલો છે.

    1996થી 2001માં અફઘાનિસ્તાન પરના શાસન દરમિયાન પણ તેઓ પંજશીરને પોતાના તાબા હેઠળ લઈ નહોતા શક્યા. ત્યાં નૉર્ધન અલાયન્સનો કબજો હતો, જે તાલિબાનોને ટક્કર આપતું હતું.

  8. તાલિબાનના નેતા કોણ છે અને તેનું સંગઠન માળખું કેવું છે?

    તાલિબાને આશરે આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી યુએઈમાં શરણ લીધું છે તો ઉપ રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહે અજ્ઞાત સ્થળેથી પોતે દેશમાં હોવાની અને તાલિબાનના પ્રતિકારની વાત કરી છે.

    હવે અફઘાનિસ્તાનની સત્તા કયા તાલિબાનના નેતાઓના હાથમાં જશે?

    આ સવાલના જવાબમાં જે બે નામોની સૌથી વધારે ચર્ચા છે તે છે – મુલ્લા અબ્દુલ ગની બરાદર અને હિબ્તુલ્લાહ અખુંદઝાદા.

    જાણો તાલિબાન લીડરશીપનું માળખું.

  9. બ્રેકિંગ, તાલિબાને ભારત સાથે વેપાર બંધ કરી દીધો - ભારત

    અફઘાનિસ્તાનની હાલની સ્થિતિની અસર હવે તેમના પાડોશી દેશોને પણ થઈ રહી છે. ભારતે કહ્યું છે કે, તાલિબાને ભારત સાથેનો સરહદી વેપાર બંધ કરી દીધો છે.

    સામાન્ય રીતે બંને દેશો વચ્ચે માલવાહક ગાડીઓ પાકિસ્તાનના માર્ગે થઈને પસાર થાય છે.

    ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍક્સપૉર્ટ ઑર્ગેનાઇઝેશન (FIEO)નું કહેવું છે કે ગાડીઓની અવરજવર હવે રોકી દેવાઈ છે જેના કારણે લાખો ડૉલર્સના સામાનની આયાત અને નિકાસ રોકી દેવાઈ છે.

    ભારત માટે વેપારના મામલામાં અફઘાનિસ્તાન તેનું સૌથી મોટું સાથી છે. અફઘાનિસ્તાનમાં ડૅમ, સ્કૂલ અને માર્ગના વિકાસ માટે ભારતે લાખો ડૉલર્સનું રોકાણ કર્યું છે.

    એફઆઈઈઓના ડિરેક્ટર ડૉ. અજય સહાયે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમે સતત નજર રાખી રહ્યા છીએ. ત્યાંથી આયાત કરવામાં આવતો સામાન પાકિસ્તાન થઈને ભારત આવે છે. હાલ તાલિબાન દ્વારા પાકિસ્તાન તરફે જતી તમામ માલવાહક ગાડીઓ રોકી દેવામાં આવી છે. કહી શકીએ કે એક રીતે આયાત સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે.”

    અફઘાનિસ્તાનની નિકાસની રણનીતિ પર ઇન્ટરનેશનલ ટ્રૅડ સેન્ટરના એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૂકામેવાના આયાતકારમાં ભારત પણ એક આયાતકાર દેશ છે.

    સૂકોમેવો આયાત કરવામાં અમેરિકા, જર્મની અને હૉંગકૉંગ પછી ભારત ચોથા ક્રમે છે.

    રિપોર્ટ અનુસાર ભારત મોટા પ્રમાણમાં સૂકો મેવો અફઘાનિસ્તાનથી આયાત કરે છે. તથા બદામ, દ્રાક્ષ, પિસ્તા અને અંજીર નિકાસ મામલે ભારત અફઘાનિસ્તાનનો સૌથી મોટો ખરીદદાર છે.

  10. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી ચીન અને પાકિસ્તાનને 'લૉટરી લાગી?'

  11. આ નિર્ણયની કિંમત ચુકવવી જ પડશે – બાઇડન

    અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પરત ખેંચવા અને તાલિબાનના કાબુલમાં કબજા બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી એક વાર પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે.

    અફઘાનિસ્તાન પર તાલિબાના કબજા બાદ પહેલી વખતના ઇન્ટરવ્યૂમાં બાઇડને કહ્યું કે આ સમગ્ર ઘટનાક્રમ માટે અફઘાન સરકાર અને અફઘાન સુરક્ષાદળો જવાબદાર છે.

    બુધવારે ‘એબીસી’ના સંવાદદાતા જ્યૉર્જ સ્ટીફાનોપોલસને આપેલા ઇન્ટરવ્યૂમાં બાઇડને કહ્યું કે, “અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનો હિસ્સો બનવામાં હજુ કેટલાક મહિનાઓ લાગશે એવી આશા હતી.”

    તેમણે કહ્યું કે ખૂફિયા સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વર્ષના અંત સુધી આવું થવાની સંભાવના છે એવું કહેવાયું હતું.

    જ્યૉર્જે બાઇડને સવાલ પણ કર્યો કે શું તેમણે જુલાઈમાં ખૂફિયા સૂત્રોના આધારે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તામાં આવે એની આશંકા ‘અશક્ય’ છે.

  12. ઑસ્ટ્રેલિયા માટે કામ કરતા અફઘાની દુભાષિયા પર કાબુલ ઍરપૉર્ટ બહાર ગોળીબાર

    ઑસ્ટ્રેલિયાના મીડિયા અનુસાર ઑસ્ટ્રેલિયાની સેના માટે કામ કરનાર અફઘાનિસ્તાનના દુભાષિયાને હવાઈમથક બહાર એક માર્ગ પર ગોળી મારવામાં આવી છે.

    આ ઘટના મંગળવારે ઘટી હતી, જ્યારે તેઓ રાત્રે અફઘાનથી બહાર જઈ રહેલી ફ્લાઇટ માટે કાબુલ હવાઈમથકલ જવાની કોશિશ કરી રહ્યા હતા.

    ‘એસબીએસ’ અને ‘ધ ગાર્ડિયન ઑસ્ટ્રેલિયા’માં જોવા મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ડૉક્ટર ગોળી વાગેલી એક વ્યક્તિનો ઇલાજ કરી રહ્યા છે. તેમને પગમાં ગોળી વાગી હતી.

    અફઘાનમાં ફસાયેલા ઘણા વિદેશી નાગરિકો ત્યાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે. પણ કાબુલ હવાઈમથક પહોંચવા માટે તેમને તાલિબાનની ચોકી પરથી પસાર થવું પડે છે.

    એવા અહેવાલ છે કે તાલિબાન માત્ર વિદેશી નાગરિકોને જ જવા દઈ રહ્યું છે. .

    જેમને ગોળી વાગી છે તેમનું કહેવું છે કે, તેઓ ઑસ્ટ્રેલિયા માટે નીકળનારી પ્રથમ સૈન્ય ટુકડી સાથે જવાના હતા, પરંતુ તેમને હવાઈમથક બહાર ગોળી મારવામાં આવી.

    ‘એસબીએસ’ અનુસાર તેમણે વર્ષ 2010 અને 2011 વચ્ચે ઉરુઝ્ગાનમાં ઑસ્ટ્રેલિયાની સેના માટે કામ કર્યું હતું.

  13. નમસ્કાર!

    બીબીસી ગુજરાતીના આ લાઇવ કવરેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને અફઘાનિસ્તાનમાં ફરીથી તાલિબાની શાસનથી લઈને દેશ અને દુનિયાના તમામ લેટેસ્ટ સમાચારો આપીશું. આ સાથે મહત્ત્વની બાબતો અંગે દૃષ્ટિકોણ પણ રજૂ કરીશું.