પશ્ચિમી દેશોને સાથ આપનારની શોધમાં તાલિબાનો

ઇમેજ સ્રોત, EPA
સંયુક્ત રાષ્ટ્રને ગુપ્ત માહિતી પૂરી પાડતા સંગઠન નૉર્વેજિયન સેન્ટર ફૉર ગ્લૉબલ ઍનાલિસિસના ગુપ્ત રિપૉર્ટ પ્રમાણે, જે અફઘાનોએ નાટો રાષ્ટ્રો કે અમેરિકાને મદદ કરી હતી, તેમને શોધી કાઢવા માટે તાલિબાનોએ અભિયાન હાથ ધર્યું છે.આ મતલબનો ગુપ્ત અહેવાલ બીબીસીએ વાંચ્યો છે.
દસ્તાવેજ મુજબ, "તાલિબાનો દ્વારા ચિહ્નિત કરાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે અને અથવા જો તેઓ તાલિબાનો સમક્ષ આત્મસમર્પણ ન કરે તો તેમના પરિવારજનોની ધરપકડ તથા હત્યાની ધમકી આપવામાં આવી રહી છે."
જે લોકો સેના, પોલીસ અથવા તપાસ એકમો સાથે જોડાયેલા હતા, તેમના ઉપર વિશેષ જોખમ તોળાઈ રહ્યું છે.
તાલિબાને મહત્ત્વપૂર્ણ શહેરો ઉપર કબજો મેળવ્યો તે પહેલાંથી જ તેણે ચોક્કસ લોકો વિશે માહિતી મેળવવાનું તથા તેમને ચિહ્નિત કરવાનું શરૂ કરી દીધું હતું.
તાલિબાનો દ્વારા બાતમીદારોનું નવું નેટવર્ક પણ વિકસાવવામાં આવી રહ્યું છે.
કાબુલ ઍરપૉર્ટ પર અંધાધૂંધીભરી સ્થિતિ છે. ત્યાં વિદેશી લોકોની સાથે જવા માગતા અફઘાનોને અટકાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે.
ગુરુવારે ન્યૂઝ એજન્સી રૉઇટર્સ સાથે વાત કરતા તાલિબાનોએ કહ્યું કે તેઓ વચન પાળી રહ્યા છે અને કાબુલ ઍરપૉર્ટ પરથી અફઘાનોના પણ સલામત નિર્ગમનમાં સહાયતા કરી રહ્યા છે.
તાલિબાનોનું કહેવું છે કે ઍરપૉર્ટ પર "વિદેશીઓ, અફઘાનો તથા તાલિબાન સભ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની હિંસા કે બોલાચાલીને અટકાવવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે."







