અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ
પર ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પની આગામી દિવસોમાં ધરપકડ થઈ શકે છે. પોર્નસ્ટાર કેસમાં ટ્રમ્પ સામે કેસ
ચાલશે.
આ મુકદ્દમો 2016ની અમેરિકી
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને ચુકવણીના મામલામાં
ચાલશે.
આ મામલામાં ટ્રમ્પને કેવા આરોપોનો
સામનો કરવો પડશે તેની માહિતી હાલ આપવામાં આવી નથી. જ્યૂરીના વોટિંગ બાદ ટ્રમ્પ
સામે કાર્યવાહી કરવાનો રસ્તો શક્ય બન્યો છે.
76 વર્ષીય ટ્રમ્પ આ મામલામાં તેમના પર
લાગેલા આરોપોને ફગાવી રહ્યા છે. ટ્રમ્પ એવા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ છે જેમની
સામે અપરાધિક કેસ ચાલશે.
ટ્રમ્પ ફ્લોરિડામાં રહે છે અને
માનવામાં આવે છે કે તેઓ કોર્ટમાં પ્રથમ સુનાવણી માટે આવી શકે છે.
ટ્રમ્પની ડિફેન્સ ટીમના મતે અમેરિકાના
પૂર્વ રાષ્ટ્રપતિ આવતા અઠવાડિયે આત્મસમર્પણ કરી શકે છે.
કોર્ટમાં ટ્રમ્પની સુરક્ષાની જવાબદારી
અમેરિકાની સિક્રેટ સર્વિસને મળી છે.
જાન્યુઆરી 2018માં અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલે એક લેખ પ્રકાશિત કર્યો અને તેમાં દાવો કરાયો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના તત્કાલીન સલાહકાર માઈકલ કોહેને યુએસ પ્રમુખપદની ચૂંટણીના એક મહિના પહેલાં ઑક્ટોબર 2016માં પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને એક લાખ 30 હજાર ડૉલર ચૂકવ્યા હતા.
જર્નલના જણાવ્યા અનુસાર, આ પૈસા એ કરાર હેઠળ આપવામાં આવ્યા હતા જે મુજબ તેમણે ટ્રમ્પ સાથેના અફેર વિશેની વાત સાર્વજનિક કરવાની નહોતી.
કાયદાદીય રીતે આ ચુકવણી અવૈધ નહોતી. પરંતુ જ્યારે ટ્રમ્પે કોહેનને ચુકવણી કરી, ત્યારે તેમણે તેને કાનૂની ફી તરીકે નોંધી હતી.
ન્યૂયૉર્ક પ્રશાસનના વકીલોના જણાવ્યા અનુસાર, આ ટ્રમ્પ દ્વારા તેમના દસ્તાવેજો સાથે ચેડાં કરવાનો મામલો છે, જે ન્યૂયૉર્કમાં એક ગુનાહિત કૃત્ય છે.
સરકારી વકીલ આ કેસમાં ટ્રમ્પ પર ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવી શકે છે, કારણ કે ટ્રમ્પ દ્વારા સ્ટૉર્મી ડેનિયલ્સને કરવામાં આવેલી ચુકવણીને એટલા માટે છુપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તેઓ પોતાના અને ડેનિયલ્સ વચ્ચેના સંબંધોને મતદારોથી છુપાવી શકે.