'મોદી સમાજ' વિરુદ્ધની ટિપ્પણી બદલ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારતા
તેમનું સંસદ સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે.
આ મામલે ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ
પ્રતિક્રિયા આપી છે.
કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ મીડિયાને
સંબોધતા કહ્યું, "અપીલ કરવા માટે 30 દિવસનો સમય હોય છે
પણ ગઈકાલે જ સજા સંભળાવી અને આજે સભ્યપદેથી દૂર કરવાની કાર્યવાહી કરી દેવાઈ. એ
સૂચવે છે કે ભાજપ ડરી ગયો છે."
તેમણે આગળ કહ્યું, "રાહુલ ગાંધીએ જે રીતે સંસદમાં નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીએ
મિલીભગતથી આચરેલા કૌભાંડ વિશે ગૃહમાં ચર્ચા કરી એ માટે જ તેમની સાથે આમ કરવામાં
આવ્યું છે."
જ્યારે ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું, "ભાજપના પણ ઘણા નેતાઓ રાહુલ ગાંધીથી વધુ ખરાબ રીતે બોલ્યા છે. તેના પુરાવા પણ ઉપલબ્ધ છે. તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ."
તેમણે આગળ કહ્યું, "રાહુલ ગાંધીએ જે રીતે 'ભારત જોડો યાત્રા' કરીને લોકપ્રિયતા મેળવી છે અને આગામી વર્ષે આવી રહેલી લોકસભાની ચૂંટણીના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે."
ગેનીબહેન અંતે કહે છે, "તેઓ પાયાના કાર્યકરોને ડરાવવા માગે છે કે અમે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ છીએ તો તમારી સાથે પણ થઈ શકે છે."
ભાજપના ધારાસભ્ય જિતુ વાઘાણીએ કહ્યું,
"બંધારણની જે જોગવાઈઓ છે તેનાથી હું કે અન્ય કોઈ
પણ વ્યક્તિ બાકાત નથી. કાયદાને માન આપવું અને તેને અનુસરવું એ તમામ નાગરિકોની ફરજ
છે."
તેમણે આગળ કહ્યું, "જો કોઈને લાગે કે તેમની સાથે અન્યાય થયો છે તો આપણા બંધારણ મુજબ તેની
સામે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે છે અને પોતાની વાત મૂકી શકે છે."
જ્યારે તેમને કૉંગ્રેસ નેતાઓ દ્વારા
કરવામાં આવેલા આક્ષેપો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "કોર્ટમાં તમામ પક્ષોની દલીલો સાંભળવામાં આવતી હોય છે. તમામ પક્ષોને
પૂરતો સમય અને તક આપવામાં આવે છે અને બાદમાં ચુકાદો સંભળાવવામાં આવતો હોય
છે."
"જો કહેવાતી સૌથી જૂની પાર્ટીના
નેતાઓ હવે આક્ષેપો કરતા હોય તો તે નામદાર હાઇકોર્ટનું અપમાન છે. આ ચુકાદો નામદાર
હાઇકોર્ટે આપ્યો છે, ન કે કોઈ રાજકીય પાર્ટીએ."