You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો, ક્યાં-ક્યાં પડ્યો કમોસમી વરસાદ?

ગુરુવારે મોડી સાંજે રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

લાઇવ કવરેજ

  1. ગુજરાતમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો, ક્યાં-ક્યાં પડ્યો વરસાદ?

    ગુરુવારે મોડી સાંજે રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.

    અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

    ગુજરાતમાં છેલ્લા દસેક દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જોકે, આગામી દિવસોમાં તેનાથી રાહત મળી શકે તેમ છે.

    હવામાનવિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

  2. શ્રીનગર કોર્ટે કિરણ પટેલના જામીન ફગાવ્યા

    વડા પ્રધાન કાર્યાલયના અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં 'સરકારી આતિથ્ય' માણનારા કિરણ પટેલની જામીન અરજી શ્રીનગરની સ્થાનિક કોર્ટે ફગાવી છે.

    જમ્મુ કાશ્મીર પોલીસે લલિત હોટલમાંથી કિરણ પટેલની 3 માર્ચ, 2023ના રોજ ધરપકડ કરી હતી. જોકે, આ મામલો તેના 15 દિવસ પછી રિમાન્ડ પૂર્ણ થયા બાદ સામે આવ્યો હતો.

    રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા.

    તેઓ ગત ઑક્ટોબર મહિનાથી અત્યાર સુધી પીએમઓના ઍડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી ઍન્ડ કૅમ્પેન્સ) તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં અનેક વખત ફરી આવ્યા છે. તેમને ત્યાં ઝેડ પ્લસ સિક્યૉરિટી પણ મળી હતી. આ સિવાય કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ત્રણ કેસ નોંધાયેલા છે.

    હાલ પોલીસ તેમને મદદ કરનારા લોકો અને તેમની સાથે હોટલમાંથી મળી આવેલા ત્રણ લોકો વિશે તપાસ હાથ ધરી રહી છે.

  3. ગઝવા-એ-હિંદ કેસમાં ગુજરાત સહિત 3 રાજ્યોમાં એનઆઈએના દરોડા

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા ગઝવા-એ-હિંદ (જિહાદ દ્વારા ભારતમાં ઇસ્લામિક રાજ્ય કાયમ કરવા)ના કેસમાં થઈ રહેલી તપાસમાં ગુજરાત સહિત દેશનાં ત્રણ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ગુજરાત, મહારાષ્ટ્રના નાગપુર અને મધ્ય પ્રદેશના ગ્વાલિયરની સાત જગ્યાઓ પર દરોડા પડ્યા છે.

    જણાવાઈ રહ્યું છે કે દેશવિરોધી ચરમપંથી ગતિવિધિઓમાં સામેલ સંદિગ્ધોની તપાસમાં દરોડા પાડવામાં આવ્યા છે.

    આ કેસ સોશિયલ મીડિયાના વિભિન્ન પ્લૅટફૉર્મ દ્વારા મુસ્લિમ યુવાઓનું બ્રેનવોશ કરીને તેમનો હિંસક ચરમપંથી ગતિવિધિઓમાં ઉપયોગ કરવા સાથે સંકળાયેલો છે. જેથી ભારતમાં તથાકથિત રીતે ઇસ્લામી શાસનની સ્થાપના થઈ શકે.

    એનઆઈએ દ્વારા ગત વર્ષે 22 જુલાઈએ પટનાના ફુલવારી શરીફ થાણામાં આ કેસ નોંધાયો હતો.

    એ મામલામાં ધરપકડ કરાયેલા આરોપી મરગબ અહમદ દાનિશ વિશે એનઆઈએ દ્વારા પહેલા દાવો કરાયો હતો કે તેઓ ગઝવા-એ-હિંદ નામના વૉટ્સૅપ ગ્રૂપ મારફતે કેટલાય લોકો અને વિદેશી સંસ્થાઓના સંપર્કમાં હતા.

  4. કૉંગ્રેસનો સીબીઆઈ ડાયરેક્ટરને પત્ર, મેઘાલયના સીએમ પર અમિત શાહના નિવેદનની તપાસની માગ

    કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સીબીઆઈ ડાયરેક્ટર સુબોધ જયસ્વાલને પત્ર લખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પુછપરછ કરવાની માગ કરી છે.

    કૉંગ્રેસે સીબીઆઈ નિદેશકને કહ્યું હતું કે, “અમિત શાહે મેઘાલયના મુખ્ય મંત્રી કોનરાડ સંગમાના અગાઉના કાર્યકાળને ભ્રષ્ટ ગણાવ્યો હતો અને આ દાવાની તપાસ થવી જોઈએ.”

    પત્રમાં જયરામ રમેશે જણાવ્યું હતું કે,17 ફેબ્રુઆરી 2023ના રોજ શાહે એક રેલી દરમિયાન કહ્યું હતું કે, "તત્કાલીન મેઘાલય સરકાર 'દેશની સૌથી ભ્રષ્ટ સરકાર' હતી.”

    તેઓએ લખ્યું હતું કે, “અમિત શાહ દેશના ગૃહમંત્રી પણ છે. ગૃહમંત્રી હોવાના કારણે તેમની પાસે જરૂરી માહિતી અને તથ્યો હશે, જેના આધારે તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા.”

    21 માર્ચે લખાયેલા આ પત્રમાં જયરામ રમેશે કહ્યું હતું કે, "કેટલાક કારણોસર ગૃહમંત્રી, જે ભાજપના પૂર્વ અધ્યક્ષ પણ હતા, આ ભ્રષ્ટાચારની માહિતી મળ્યા બાદ પણ તત્કાલીન મેઘાલય સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરી શક્યા ન હતા.

    કૉંગ્રેસ નેતાએ સીબીઆઈ ડાયરેક્ટરને કહ્યું કે, “તેથી દેશના હિતમાં અમે તમને અમિત શાહને સમન્સ આપવા તમામ માહિતી, તથ્યો રજૂ કરવા માટે કહીએ છીએ.”

    “અમે તમારી પાસેથી એ પણ માગ કરીએ છીએ કે એ વાતની તપાસ થવી જોઈએ કે શું ગૃહમંત્રી મેઘાલય સરકારમાં ભ્રષ્ટાચાર સંબંધિત માહિતી છુપાવવા માટે તેમની પાર્ટી અથવા અન્ય દળોના દબાવમાં તો નથી ને, જેના કારણે તેમની પાર્ટી ભાજપને તાજેતરમાં યોજાયેલી મેઘાલય ચૂંટણી બાદ એ જ કોનરાડ સંગમા સાથે મળીને સરકાર બનાવવી પડી હતી.”

  5. ‘મોદી’ સમાજ વિશેની ટિપ્પણી બદલ રાહુલ ગાંધી દોષિત, બે વર્ષની કેદની સજા, કોર્ટે જામીન આપ્યા

  6. બનાસકાંઠા: શહેરીજીવનમાંથી ગાયબ થઈ ગયેલી ચકલીને પાછી બોલાવવા બાળકોનો અનોખો પ્રયાસ

  7. ચીને પહેલીવાર સ્વદેશી MRNA કોવિડ વૅક્સિનને મંજૂરી આપી

    કોવિડ મહામારી સાથે સંકળાયેલા કડક નિયમોને ખતમ કર્યાના કેટલાક મહિના બાદ ચીને તેની પ્રથમ સ્વદેશી એમઆરએનએ કોવિડ વૅક્સિનને મંજૂરી આપી દીધી છે.

    આ વૅક્સિન બનાવનાર કંપની સીએસપીસી ફાર્માસ્યુટિકલે કહ્યું હતું કે, દવા નિયામકોએ ઇમરજન્સી ઉપયોગ વૅક્સિનને મંજૂરી આપી છે.

    ચીનની પ્રયોગશાળાઓ વર્ષોથી એમઆરએનએ વૅક્સિન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ચીને વ્યાપક ઘરેલું ઉપયોગ માટે વિદેશ બનાવટની વૅક્સિન મંજૂર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

    એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, મૃત્યુ અને ગંભીર બીમારીને રોકવામાં ચીની રસીઓ એમઆરએનએ રસી કરતાં ઓછી અસરકારક રહી છે.

    ચીને મુખ્યત્વે પોતાના દેશમાં જ બનાવેલી રસીઓનો ઉપયોગ કર્યો છે- કોરોનાવૅક જેને સિનોવૅક કંપની દ્વારા બનાવવામાં આવી છે અને સિનોફાર્મા.

    એમઆરએન ટેકનૉલૉજીમાં મૅસેન્જર આરએનએ નામના જિનેટિક કોડનો ઉપયોગ થાય છે. તે વાયરસના સંપર્કમાં આવે ત્યારે તે શરીરને વાસ્તવિક વાયરસ સામે લડવા માટે તૈયાર કરે છે.

  8. ત્રીજી વનડેમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 21 રનથી હરાવ્યું, 2-1થી સિરીઝ પોતાના નામે કરી

    ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ વનડે મૅચની સિરીઝની અંતિમ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારત સામે 21 રને જીત મેળવી છે. આ જીત સાથે જ ઑસ્ટ્રેલિયન ટીમે 2-1થી સિરીઝ જીતી લીધી હતી.

    છેલ્લા ચાર વર્ષમાં ઘરઆંગણે વનડે સિરીઝમાં ભારતની આ બીજી હાર છે. ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 49 ઓવરમાં 269 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ ભારતીય ટીમ 270 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 248 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

    વિરાટ કોહલીની 54 રનની અડધી સદીની ઇનિંગ પણ ભારતને હારતા ન બચાવી શકી.

    ઑસ્ટ્રેલિયા તરફથી જમણા હાથના સ્પિનર ​​એડમ જુમ્પાએ ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ બે વિકેટ એશ્ટન અગરના નામે હતી. જ્યારે માર્કસ સ્ટોનિસ અને સીન એબૉટે એક-એક વિકેટ લીધી હતી.

    આ પહેલા ભારત તરફથી બૉલિંગ દરમિયાન કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

  9. ભગતસિંહ : ફાંસી પહેલાં લાહોર જેલમાં શું થયું હતું? છેલ્લા 12 કલાકની કહાણી

  10. બ્રિટનમાં ભારતીય હાઈકમિશનની બહાર ખાલિસ્તાનના ઝંડા સાથે વિરોધ પ્રદર્શન

    લંડનમાં ભારતીય હાઈકમિશનની બહાર પ્રદર્શનકારીઓના એક મોટા જૂથે ભારત વિરુદ્ધ ખાલિસ્તાનની માંગણીના ટેકામાં વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં સમગ્ર યુકેમાંથી શીખ સમુદાયના ઘણા લોકો પણ સામેલ હતા.

    તેમાંથી ઘણા લોકોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા, ઘણા લોકોએ અમૃતપાલ સિંહ વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહી રોકવાની માગ કરી હતી.

    ઘણા લોકોએ કહ્યું કે તેઓ પંજાબમાં તેમના પરિવાર અને મિત્રોની સુરક્ષાને લઈને ચિંતિત છે, તેઓએ સરકાર પાસે કાર્યવાહી રોકવા અને ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવાની માગ કરી હતી.

    વિરોધ પ્રદર્શનનું આયોજન ફેડરેશન ઑફ શીખ ઑર્ગેનાઇઝેશન અને બ્રિટનમાં વિવિધ શીખ યુવા સમુહ દ્વારા કરવામાં આવ્યું હતું.

    આ લોકોએ બ્રિટિશ સરકાર પાસે માગ કરી હતી કે તેઓ ભારતીય અધિકારીઓ સામે તેમની ચિંતાઓ રજૂ કરે.

    આ પહેલા સોમવારે ભારતીય હાઈ કમિશનની બહાર ભારતના રાષ્ટ્રધ્વજના અપમાનની ઘટના સામે આવી હતી.

    આ ઘટનાના વિરોધમાં ભારતને સમર્થન આપવા માટે મંગળવારે ભારતીય સમુદાયના ઘણા લોકો તિરંગા સાથે ત્યાં પહોંચ્યા હતા.

  11. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    22 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.