You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇસ્લામાબાદ હાઇકોર્ટે પોલીસને કહ્યું ઇમરાન ખાન રજૂ થાય ત્યાં સુધી ધરપકડ ન કરશો
અદાલતે આ નિર્ણય ઇમરાન ખાનના વકીલોના એ સોગંદનામા બાદ સંભળાવ્યો જેમાં એવો વાયદો કરાયો હતો કે તેમના અસીલ શનિવારે કોર્ટમાં રજૂ થશે.
લાઇવ કવરેજ
ઇસ્લામાબાદ હાઇકોર્ટે પોલીસને કહ્યું ઇમરાન ખાન રજૂ થાય ત્યાં સુધી ધરપકડ ન કરશો
ઇસ્લામાબાદ હાઇકોર્ટે પોલીસને કહ્યું છે કે ઇમરાન ખાન કાલે કોર્ટમાં હાજર થાય એ પહેલાં તેમની ધરપકડ ન કરશો.
કોર્ટે કહ્યું છે કે ઇમરાન ખાનને કોર્ટમાં રજૂ થવા દેવા જોઈએ.
અદાલતે આ નિર્ણય ઇમરાન ખાનના વકીલોના એ સોગંદનામા બાદ સંભળાવ્યો જેમાં એવો વાયદો કરાયો હતો કે તેમના અસીલ શનિવારે કોર્ટમાં રજૂ થશે.
ઇસ્લામાબાદ હાઇકોર્ટના નિર્ણય બાદ તહરીક-એ-ઇન્સાફના નેતા શિબલી ફરાઝે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ઇમરાન ખાનને ઇસ્લામાબાદની જિલ્લા અદાલતમાં રજૂ કરતી વખતે પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે.
તેમણે કહ્યું કે ઇમરાન ખાને હંમેશાં અદાલતોનું સન્માન કર્યું છે.
શિબલી ફરાઝે એવું પણ કહ્યું કે લાહોરના ઝમાન પાર્કમાં ઑપરેશન દરમિયાન પીટીઆઈના કાર્યકર્તા ઈજાગ્રસ્ત થયા અને તેના માટે સરકાર જવાબદાર છે.
લાહોર હાઇકોર્ટ તરફ રવાના થયા ખાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન હવે હાઇકોર્ટમાં રજૂ થવા માટે નીકળી ચૂક્યા છે.
લાહોર હાઇકોર્ટમાં રજૂ થવાના આદેશ બાદ તેઓ નીકળ્યા છે. કોર્ટે એસએસપી ઑપરેશન્સને તેમને લાવવાના આદેશ આપ્યા હતા.
ખાનને પાકિસ્તાનના સમયાનુસાર સાડા પાંચ વાગ્યે કોર્ટમાં રજૂ થવાનું છે.
હિમંત બિસ્વા શર્માએ કહ્યું, હું 600 નહીં, તમામ મદરેસા બંધ કરવા માગું છું
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કહ્યું હતું કે, તેઓ આસામમાં 600 નહીં, પરંતુ તમામ મદરેસા બંધ કરવા માગે છે, કારણ કે દેશમાં સ્કૂલ, કૉલેજની જરૂર છે.
હિમંત બિસ્વા શર્માએ ગુરુવારે કર્ણાટકના બેલગાવીમાં એક રેલી દરમિયાન આ વાત કહી હતી.
તેઓએ કહ્યું હતું કે, “હું આસામ જેવા પ્રદેશમાંથી આવ્યો છું, જ્યાં બાંગ્લાદેશમાંથી લોકો રોજ આવે છે. તેઓ આપણી સભ્યતા અને સંસ્કૃતિ માટે જોખમ પેદા કરે છે. ટીવી ઍન્કરે મને કહ્યું કે તમે 600 મદરેસા બંધ કરી દીધા છે. તમારો ઇરાદો શું છે.”
“મેં કહ્યું હતું કે હજુ મેં 600 મદરેસા બંધ કર્યા છે, પરંતુ મારો ઇરાદો તમામ મદરેસા બંધ કરવાનો છે. તેઓએ કહ્યું કે તમે આવું કેવી રીતે બોલી શકો છો, ત્યારે મે કહ્યું કે અમારે મદરેસાની જરૂર નથી, અમને ડૉક્ટર, એન્જિનિયર બનાવવા માટે સ્કૂલ, કૉલેજ અને વિશ્વવિદ્યાલયની જરૂર છે. નવા ભારતમાં મદરેસાની જરૂર નથી.”
આ સિવાય તેઓએ કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “એક સમયે આપણા દિલ્હીના બાદશાહે મંદિર તોડવાની વાત કરી હતી. આજે વડા પ્રધાન મોદીના શાસનમાં આપણે મંદિર નિર્માણની વાત કરી રહ્યા છે.”
“આ નવું ભારત છે જેની અર્થવ્યવસ્થા બ્રિટન કરતાં વધુ મજબૂત છે, જે પોતાની વૅક્સિન જાતે બનાવી શકે છે. આજે કૉંગ્રેસ આ નવા ભારતને નબળું પાડવાનું કામ કરી રહી છે. જેમ પહેલા મુગલો ભારતને નબળું બનાવી રહ્યા હતા, તેમ કૉંગ્રેસ આજનું મુગલ છે.”
ભારત - ઑસ્ટ્રેલિયા વનડે : ભારતને વિજય માટે મળ્યું 189 રનનું લક્ષ્ય
વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પ્રથમ વનડે મૅચમાં ઑસ્ટ્રેલિયાની ટીમ 188 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી.
ભારતના બૉલિંગ આક્રમણની વાત કરીએ તો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનાં ખાતાંમાં ત્રણ-ત્રણ વિકેટો આવી હતી.
ભારતીય ટીમ સામે 189 રનનો પડકાર છે.
ત્રણ મૅચોની સિરીઝમાં ભારત પ્રથમ મૅચથી જ સરસાઈ હાંસલ કરવાના ઇરાદે બીજી ઇનિંગમાં બેટિંગ માટે ઊતરશે.
ભારતના કપ્તાન હાર્દિક પંડ્યાએ ઑસ્ટ્રેલિયા સામેની પહેલી વનડે મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ત્રણ વનડે મૅચની સિરીઝની પ્રથમ મૅચ મુંબઈમાં રમાઈ રહી છે.
ભારતે હાલમાં જ ટેસ્ટ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. આ વનડેમાં હાર્દિક પંડ્યા ભારતની કપ્તાની કરી રહ્યા છે, કારણ કે રોહિત શર્મા આ મૅચમાં હાજર નથી.
ભારતીય ટીમ: હાર્દિક પંડ્યા (કપ્તાન), ઈશાન કિશન, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.
ઑસ્ટ્રેલિયન ટીમ: સ્ટીવ સ્મિથ (કપ્તાન), ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, માર્નસ લબુશાને, જોશ ઇન્ગલિસ, કૅમરૂન ગ્રીન, ગ્લેન મૅક્સવેલ, માર્કસ સ્ટૉયનિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝેમ્પા અને સૉન એબૉટ.
સુરતની કોર્ટમાં રાહુલ સામે બદનક્ષીના કેસમાં આજે અંતિમ દલીલો
સુરતની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીના કેસની અંતિમ દલીલ પર શુક્રવારે સુનાવણી યોજશે. બચાવ પક્ષના વકીલ કિરીટ પાનવાલાએ ગુરુવારે આ માટે વધારે સમય માગ્યો હતો.
સુરત પશ્ચિમની વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્ણાટકના કોલારની એક ચૂંટણીસભા દરમિયાન રાહુલ ગાંધીની કથિત ટિપ્પણી વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો હતો.
એ ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે"શા માટે બધા ચોરોના નામમાં મોદી છે, પછી ભલે તે નીરવ મોદી હોય, લલિત મોદી હોય કે નરેન્દ્ર મોદી?"
મોદીના નામનો કોઈ સમુદાય નથી, એવી દલીલ કરતાં બચાવ પક્ષના વકીલે કહ્યું હતું, "ફરિયાદમાંસુરત મોઢવાણિક સમાજને મોદી સમાજ (સમુદાય) તરીકે દર્શાવ્યો છે.સુરત મોઢવાણિક સમાજના બંધારણના કોઈપણ દસ્તાવેજોમાં મોદી સમાજનો કોઈ પુરાવો નથી."
ફરિયાદી મુજબ ભારતમાં 13 કરોડથી વધુ મોદી લોકો રહે છે જે અંગે પાનવાલાની દલિત હતી કે તું કે, “કોર્ટમાં કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી."
'ઈન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતાં પાનવાલાએ કહ્યું હતું કે, "અમે કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે, અમને આશા છે કે અંતિમ નિર્ણય શુક્રવારે જાહેર થશે.."
28 ફેબ્રુઆરીના રોજ કોર્ટ સમક્ષ તેમની અંતિમ રજૂઆતમાં પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ અગાઉનાં ઉદાહરણો ટાંકીને ઉલ્લેખ કર્યો હતો કે,'રાહુલ ગાંધીને જાહેર સભાઓમાં બદનક્ષીભર્યા નિવેદનો આપવાની ટેવ છે અને તેમને રોકવા માટે કંઈક કરવું જોઈએ.'
ગુજરાતમાં 119 કોરોનાના નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 62 કેસ
ગુજરાતમાં ગુરુવારે 119 નવા કોરોના કેસ નોંધાયા છે. 155 દિવસ બાદ દૈનિક કેસ 100ને પાર કરી ગયા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, નવા કેસમાં અમદાવાદમાંથી 62, રાજકોટ અને સુરતમાંથી 10-10 અને મહેસાણામાંથી 9 મામલા સામેલ છે.
આ સાથે જ સક્રિય કેસની સંખ્યા 435 સુધી પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, કૂલ સક્રિય કેસમાંથી 4 વૅન્ટિલેટર પર હતા. અમદાવાદમાં 230 સક્રિય કેસ હતા, ત્યારબાદ સુરતમાં 42 અને રાજકોટમાં 40, મહેસાણામાં 31 ને વડોદરામાં 23 કેસ હતા.
ગુરુવારે ગુજરાતમાં સમગ્ર પરીક્ષણ પૉઝિટિવિટી દર 1.1 ટકા રહ્યો હતો, ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડાએ સંકેત આપ્યો છે કે બુધવારની સરખામણીએ ત્રણ જિલ્લામાં ટીપીઆર 5 ટકા વધારે હતો. ગીર- સોમનાથમાં 11.8 ટકા, બોટાદમાં 10 ટકા અને વડોદરામાં 5.9 ટકા રહ્યો છે, જ્યારે અમદાવાદમાં ટીપીઆર 3.8 ટકા હતો.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
16 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.