રાહુલ ગાંધીએ કહ્યું- મેં ભારત વિરુદ્ધ કંઈ કહ્યું નથી, જો સ્પીકર પરવાનગી આપશે તો સંસદમાં...
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે સંસદ પહોંચ્યા અને કહ્યું કે તેઓ લંડનમાં ભારત કે દેશની સંસદ વિરુદ્ધ કંઈ બોલ્યા નથી.
તેમણે કહ્યું કે અધ્યક્ષ પરવાનગી આપશે તો તેઓ સંસદમાં બોલશે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર તેમણે પત્રકારોને કહ્યું, "જો મને સંસદમાં બોલવાની તક મળશે, તો હું જે વિચારું છું તે બોલીશ."
તેમણે કહ્યું કે ભાજપને તેમનું બોલવાનું ગમશે નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમને સંસદમાં બોલવાની તક નહીં મળે તો તેઓ સંસદની બહાર બોલશે.
પોતાના વિદેશ પ્રવાસ પર રાહુલે ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીની ટીકા કરતા કહ્યું હતું કે, "મોદી ભારતની ધરોહરને નષ્ટ કરી રહ્યા છે. તેઓ ભારત પર એક એવો વિચાર લાદી રહ્યા છે જેને ભારત સ્વીકારી શકતું નથી."
તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકશાહીના માળખા પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને સંસ્થાઓ પર હુમલો કરવામાં આવી રહ્યા છે.
આ પછી ભાજપ તેમના પર વિદેશી ધરતી પર દેશ વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવી રહ્યો છે અને ગૃહમાં તેમની માફીની માંગ કરી રહ્યો છે.
સંસદમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધીએ બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવી.
આ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું, "આજે સવારે હું સંસદમાં ગયો અને મેં અધ્યક્ષને કહ્યું કે હું સંસદમાં બોલવા માંગું છું. સરકારના ચાર મંત્રીઓએ મારી સામે આક્ષેપ લગાવ્યો છે, તો મારો હક્ક છે કે મને મારો જવાબ રજૂ કરવા દેવામાં આવે."
તેમણે વધુમાં કહ્યું, "સ્પષ્ટતા નથી પણ મને નથી લાગતું કે મને બોલવા દેવામાં આવશે.
આજે મારા સંસદમાં આવવાના એક મિનિટ પહેલાં સંસદની કાર્યવાહી બરખાસ્ત કરાવી દેવાઈ. આશા રાખું કે કાલે મને બોલવા દેવામાં આવશે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "મેં સંસદમાં અદાણી અને નરેન્દ્ર મોદીના સંબંધ અંગે મેં જે કંઈ કહ્યું તેમાં એવી કોઈ બાબત નહોતી જે જાહેર માધ્યમમાં ન હોય. તેને રદ્દ કરી દેવાયું.
આ મામલો ધ્યાન ભટકાવવાનો છે."
રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું, "સરકાર અને વડા પ્રધાન, અદાણી મામલે ડરેલાં છે અને એટલે તેમણે આ આયોજન કર્યું છે. મને લાગે છે કે તેઓ મને સંસદમાં નહીં બોલવા દે.
અદાણી અને વડા પ્રધાન વચ્ચેનો સંબંધ શું છે? શા માટે અદાણીજીને ડિફેન્સના કૉન્ટ્રૅક્ટ્સ આપવામાં આવે છે, શ્રીલંકામાં અને બાંગ્લાદેશમાં કોણે વાત ચલાવી? ઑસ્ટ્રેલિયામાં વડા પ્રધાન, અદાણી અને સ્ટેટ બૅન્કના ચૅરમૅન વચ્ચે શું વાતો થઈ? આ બધા સવાલોના વડા પ્રધાન જવાબ આપી શક્યા નથી.
હું સંસદ સભ્ય છું, તો મારી પહેલી જવાબદારી સંસદમાં જવાબ રજૂ કરવાની છે."
રાહુલ ગાંધીની આ પ્રેસ કૉન્ફરન્સના પ્રત્યુત્તરમાં ભારતીય જનતા પક્ષે પણ પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું. આ પ્રેસ કૉન્ફરન્સમાં વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું, "રાહુલનો અહંકાર દેશથી મોટો નથી."
પૂર્વ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, "રાહુલ ગાંધી ફરી અવતરિત થઈ ગયા છે અને અવતરિત થઈને જ ફરીથી જૂઠ બોલવાનું શરૂ કરી દીધું છે. 6 માર્ચથી રાહુલ ગાંધી વિદેશમાં હતા. રાહુલ ગાંધી, તમે ક્યાં સુધી દેશને ગેરમાર્ગે દોરશો?"
તેમણે વધુમાં કહ્યું, "ભાજપ કહે છે કે તમે વિદેશમાં કહ્યું કે, યુરોપ અને અમેરિકાએ ભારતનાં પતન પર પગલાં લેવાં જોઈએ.
રાહુલ ગાંધીને આદત પડી ગઈ છે કે વિદેશ જાય ત્યારે લોકશાહીનું, ભારતની 140 કરોડ જનતાનું અપમાન કરશે.
ભારતના લોકતંત્રનું રાહુલ ગાંધીએ અપમાન કર્યું છે."
ભાજપનો સ્પષ્ટ આરોપ છે કે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ એ માટે અમે દેશભરમાં કૅમ્પેન કરતા રહિશું. તમે ભારતના લોકમતનું અપમાન કરતા રહેશો?
આજે ભારતની લોકપ્રિયતા અને મોદીજીના કામની જનપ્રિયતાના દુનિયા વખાણ કરી રહી છે. ભારતનું અર્થતંત્ર આજે દુનિયાનું પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે.
પ્રેસ કૉન્ફરન્સનો ઉલ્લેખ કરીને રવિશંકર પ્રસાદે કહ્યું કે, "આજની પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ તેમણે જે યુકેમાં કહ્યું અને ભારતમાં અમેરિકા અને યુરોપના હસ્તક્ષેપની વાત કરી હતી તેનો એકપણ વાર રદિયો આપ્યો નથી. તમારો અહંકાર દેશથી મોટો નથી.
આજકાલ રાહુલ ગાંધીજીને ચીન સાથે બહુ પ્રેમ થઈ ગયો છે. કેમ? તમે ઇંગ્લૅન્ડમાં કહી દીધું કે ચીનની વિદેશનીતિમાં સદ્ભાવ છે.
તમે ભાજપ અને નરેન્દ્ર મોદીની ટીકા કરી શકો પણ ભારતના લોકતંત્ર પર સવાલો ઉઠાવી શકશો?"