"મને લાગે છે કે તેઓ મને સંસદમાં નહીં બોલવા દે." રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને આવું કેમ કહેવું પડ્યું?

રાહુલ ગાંધીનો આક્ષેપ છે કે આજે તેઓ સંસદમાં સરકારના ચાર મંત્રીઓએ તેમના વિરુદ્ધ કરેલા આક્ષેપોનો જવાબ આપવા માટે સંસદ ભવન પહોંચ્યા હતા, પરંતુ તેમના પહોંચતા પહેલાં જ આજની બેઠક પૂર્ણ કરી દેવામાં આવી.

લાઇવ કવરેજ

  1. અરૂણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, બન્ને પાઇલોટના મૃતદેહ મળ્યા, પિનાકી દાસ, બીબીસી માટે

    અરૂણાચલ પ્રદેશમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું હેલિકૉપ્ટર

    ઇમેજ સ્રોત, Pinaki Das / BBC

    અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ચીતા હેલિકૉપ્ટરના કાટમાળમાંથી બે પાઇલટના મૃતદેહ મળી આવ્યા છે. સેનાના પ્રવક્તાએ આ મુદ્દે માહિતી આપી છે.

    ભારતીય સેનાનું એક ચીતા હેલિકૉપ્ટર ગુરુવારે અરૂણાચલ પ્રદેશમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

    ભારતીય સેનાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના બોમડિલાની પશ્ચિમે મંડાલા પાસે થઈ હતી.

    સેનાના જણાવ્યા અનુસાર આ હેલિકૉપ્ટર ઑપરેશનલ ડ્યૂટી પર હતું. સવારે સવા નવ વાગ્યે તેનો ઍર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

    ત્યારબાદ બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સેનાના પ્રવક્તાએ સવારે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસથી લાગે છે કે ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે રહેલી ઓછી વિઝિબિલિટી આ અકસ્માતનું કારણ હોઈ શકે છે.

    સેનાએ આ દુર્ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.

  2. "મને લાગે છે કે તેઓ મને સંસદમાં નહીં બોલવા દે." રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને આવું કેમ કહેવું પડ્યું?

    Rahul Gandhi

    ઇમેજ સ્રોત, ANI

    રાહુલ ગાંધીએ કહ્યું- મેં ભારત વિરુદ્ધ કંઈ કહ્યું નથી, જો સ્પીકર પરવાનગી આપશે તો સંસદમાં...

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે સંસદ પહોંચ્યા અને કહ્યું કે તેઓ લંડનમાં ભારત કે દેશની સંસદ વિરુદ્ધ કંઈ બોલ્યા નથી.

    તેમણે કહ્યું કે અધ્યક્ષ પરવાનગી આપશે તો તેઓ સંસદમાં બોલશે.

    સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર તેમણે પત્રકારોને કહ્યું, "જો મને સંસદમાં બોલવાની તક મળશે, તો હું જે વિચારું છું તે બોલીશ."

    તેમણે કહ્યું કે ભાજપને તેમનું બોલવાનું ગમશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમને સંસદમાં બોલવાની તક નહીં મળે તો તેઓ સંસદની બહાર બોલશે.

    પોતાના વિદેશ પ્રવાસ પર રાહુલે ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીની ટીકા કરતા કહ્યું હતું કે, "મોદી ભારતની ધરોહરને નષ્ટ કરી રહ્યા છે. તેઓ ભારત પર એક એવો વિચાર લાદી રહ્યા છે જેને ભારત સ્વીકારી શકતું નથી."

    તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકશાહીના માળખા પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને સંસ્થાઓ પર હુમલો કરવામાં આવી રહ્યા છે.

    આ પછી ભાજપ તેમના પર વિદેશી ધરતી પર દેશ વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવી રહ્યો છે અને ગૃહમાં તેમની માફીની માંગ કરી રહ્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    સંસદમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધીએ બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવી.

    આ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું, "આજે સવારે હું સંસદમાં ગયો અને મેં અધ્યક્ષને કહ્યું કે હું સંસદમાં બોલવા માંગું છું. સરકારના ચાર મંત્રીઓએ મારી સામે આક્ષેપ લગાવ્યો છે, તો મારો હક્ક છે કે મને મારો જવાબ રજૂ કરવા દેવામાં આવે."

    તેમણે વધુમાં કહ્યું, "સ્પષ્ટતા નથી પણ મને નથી લાગતું કે મને બોલવા દેવામાં આવશે. આજે મારા સંસદમાં આવવાના એક મિનિટ પહેલાં સંસદની કાર્યવાહી બરખાસ્ત કરાવી દેવાઈ. આશા રાખું કે કાલે મને બોલવા દેવામાં આવશે."

    તેમણે વધુમાં ઉમેર્યું કે, "મેં સંસદમાં અદાણી અને નરેન્દ્ર મોદીના સંબંધ અંગે મેં જે કંઈ કહ્યું તેમાં એવી કોઈ બાબત નહોતી જે જાહેર માધ્યમમાં ન હોય. તેને રદ્દ કરી દેવાયું. આ મામલો ધ્યાન ભટકાવવાનો છે."

    રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું, "સરકાર અને વડા પ્રધાન, અદાણી મામલે ડરેલાં છે અને એટલે તેમણે આ આયોજન કર્યું છે. મને લાગે છે કે તેઓ મને સંસદમાં નહીં બોલવા દે. અદાણી અને વડા પ્રધાન વચ્ચેનો સંબંધ શું છે? શા માટે અદાણીજીને ડિફેન્સના કૉન્ટ્રૅક્ટ્સ આપવામાં આવે છે, શ્રીલંકામાં અને બાંગ્લાદેશમાં કોણે વાત ચલાવી? ઑસ્ટ્રેલિયામાં વડા પ્રધાન, અદાણી અને સ્ટેટ બૅન્કના ચૅરમૅન વચ્ચે શું વાતો થઈ? આ બધા સવાલોના વડા પ્રધાન જવાબ આપી શક્યા નથી. હું સંસદ સભ્ય છું, તો મારી પહેલી જવાબદારી સંસદમાં જવાબ રજૂ કરવાની છે."

    Ravishankar Prasad

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, રવિશંકર પ્રસાદ

    રાહુલ ગાંધીની આ પ્રેસ કૉન્ફરન્સના પ્રત્યુત્તરમાં ભારતીય જનતા પક્ષે પણ પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું. આ પ્રેસ કૉન્ફરન્સમાં વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું, "રાહુલનો અહંકાર દેશથી મોટો નથી."

    પૂર્વ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, "રાહુલ ગાંધી ફરી અવતરિત થઈ ગયા છે અને અવતરિત થઈને જ ફરીથી જૂઠ બોલવાનું શરૂ કરી દીધું છે. 6 માર્ચથી રાહુલ ગાંધી વિદેશમાં હતા. રાહુલ ગાંધી, તમે ક્યાં સુધી દેશને ગેરમાર્ગે દોરશો?"

    તેમણે વધુમાં કહ્યું, "ભાજપ કહે છે કે તમે વિદેશમાં કહ્યું કે, યુરોપ અને અમેરિકાએ ભારતનાં પતન પર પગલાં લેવાં જોઈએ. રાહુલ ગાંધીને આદત પડી ગઈ છે કે વિદેશ જાય ત્યારે લોકશાહીનું, ભારતની 140 કરોડ જનતાનું અપમાન કરશે. ભારતના લોકતંત્રનું રાહુલ ગાંધીએ અપમાન કર્યું છે."

    ભાજપનો સ્પષ્ટ આરોપ છે કે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ એ માટે અમે દેશભરમાં કૅમ્પેન કરતા રહિશું. તમે ભારતના લોકમતનું અપમાન કરતા રહેશો? આજે ભારતની લોકપ્રિયતા અને મોદીજીના કામની જનપ્રિયતાના દુનિયા વખાણ કરી રહી છે. ભારતનું અર્થતંત્ર આજે દુનિયાનું પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે.

    પ્રેસ કૉન્ફરન્સનો ઉલ્લેખ કરીને રવિશંકર પ્રસાદે કહ્યું કે, "આજની પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ તેમણે જે યુકેમાં કહ્યું અને ભારતમાં અમેરિકા અને યુરોપના હસ્તક્ષેપની વાત કરી હતી તેનો એકપણ વાર રદિયો આપ્યો નથી. તમારો અહંકાર દેશથી મોટો નથી. આજકાલ રાહુલ ગાંધીજીને ચીન સાથે બહુ પ્રેમ થઈ ગયો છે. કેમ? તમે ઇંગ્લૅન્ડમાં કહી દીધું કે ચીનની વિદેશનીતિમાં સદ્ભાવ છે. તમે ભાજપ અને નરેન્દ્ર મોદીની ટીકા કરી શકો પણ ભારતના લોકતંત્ર પર સવાલો ઉઠાવી શકશો?"

  3. તમે નોકરી શોધી રહ્યા છો? અહીં તમને કોઈ પણ ફી વિના મળી શકે છે જૉબના હજારો વિકલ્પ

  4. BBC She: એ ગામ જ્યાં, આઝાદી બાદ યુવતીઓ પહેલી વખત કૉલેજ ગઈ

  5. મનીષ સિસોદિયા અને અન્ય સામે સીબીઆઈએ 'જાસૂસી મામલે' કેસ નોંધ્યો

    મનીષ સિસોદિયા

    ઇમેજ સ્રોત, ani

    કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિસોદિયા સામે કેસ ચલાવવાની મંજૂરી મળ્યાના 14 દિવસ બાદ સીબીઆઈએ 14 માર્ચે કેસ દાખલ કર્યો છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ સત્તાધારી આમ આદમી પાર્ટીના કથિત 'ફીડબેક યુનિટ' (FBU) સાથે સંબંધિત એક જાસૂસી કેસના સંબંધે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી સહિત સાત લોકો સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી છે.

    તેમની સામે ગુનાહિત કાવતરું, મિલકતનો અપ્રમાણિક દુરુપયોગ, છેતરપિંડી કરવાના હેતુસર બનાવટ, ખોટાં એકાઉન્ટ્સ બનાવવા વગેરે આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    સીબીઆઈના ઇન્સ્પેક્ટર ફરિયાદી વિજય એ દેસાઈએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે એફબીયુ યુનિટે જરૂરી માહિતી એકત્રિત કરવા ઉપરાંત રાજકીય ગુપ્ત માહિતી પણ એકત્રિત કરી હતી અને તેનું પ્રમાણ યુનિટ દ્વારા બનાવવામાં આવેલા રિપોર્ટ્સમાં 40 ટકા જેટલું છે અને તે તેમના કાર્યક્ષેત્ર બહારનું હતું.

    તેમણે આક્ષેપ કરતા કહ્યું, “પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું છે કે પી.કે. પુંજ દ્વારા આગળ વધારવામાં આવેલી દરખાસ્ત પરની 22 એપ્રિલ, 2016ની નોંધ સાથે એફબીયુ માટે વિશેષ ભથ્થાને સિસોદિયાએ મંજૂરી આપી હતી. આ પ્રમાણેના એફબીયુના ગેરકાયદેસર ગઠન અને કાર્યપદ્ધતિને કારણે સરકારી તિજોરીને 36 લાખ રૂપિયા જેટલી રકમનું ખોટી રીતે નુકસાન થયું છે.”

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં લવાયેલી શરાબનીતિમાં કથિત ગોટાળાના આરોપમાં બીબીસીએ કલાકોની પૂછપરછ બાદ સિસોદિયાની ધરપકડ કરી હતી.

  6. ગુજરાતમાં બોર્ડની પરીક્ષા વચ્ચે 24 કલાકમાં કોરોનાના 90 કેસ

    કોરોના

    ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES VIS GETTY IMAGES

    ગુજરાતમાં H3N2ના ભય વચ્ચે ફરી વાર કોરોનાના કેસમાં વધારો થયો છે. સરકારની અખબારી યાદી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસ નોંધાયા છે.

    તેમજ છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓ સાજા થયા છે.

    અમદાવાદ કૉર્પોરેશનમાં સૌથી વધુ 49 દર્દીઓ કોરોનાના નોંધાયા છે. બીજા નંબરે મહેસાણામાં 10 દર્દી છે.

    જ્યારે એક પણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 99.11 ટકા છે.

    રાજ્યમાં કુલ 336 કેસ સક્રિય છે અને પાંચ દર્દીઓ વૅન્ટિલેટર પર છે. રાજ્ય કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 11047 દર્દીનાં મૃત્યુ થયાં છે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વાઇરલ તાવનું કારક ઇન્ફ્લુએન્ઝા વાઇરસનો વૅરિયન્ટ H3N2 દિવસે દિવસે ચિંતા જન્માવી રહ્યો છે.

    આ વાઇરસથી ગ્રસ્ત દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફો, કળતર, ઊલટી અને ડાયરિયા જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.

    એવા સમયે ફરી કોરોનાના કેસમાં પણ વધારો થયો છે.

  7. મલાવીમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 220 લોકોનાં મૃત્યુ

    મલાવી

    ઇમેજ સ્રોત, Reuters

    વાવાઝોડા બાદ પૂર અને ભૂસ્ખલનથી ઝૂઝી રહેલા આફ્રિકન દેશ મલાવીમાં અત્યાર સુધીમાં અંદાજે 220 લોકોનાં મોત થયાં છે.

    તેમજ આગામી સમયમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

    સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનને કારણે દેશમાં વારેવારે આવાં વાવાઝોડાં આવી રહ્યાં છે.

    મલાવીમાં યુનિસેફ માટે કામ કરનારા મૌગાબે કોસલેંગરે બીબીસીને જણાવ્યું કે વાવાઝોડાથી થનારી તબાહી દેશમાં મોજુદ હૈઝાના પ્રકોપને વધારી દેશે.

    ઉષ્ણકટિબંધીય વાવાઝોડાને કારણે લોકો પ્રચંડ પાણીમાં વહી ગયાં છે અથવા ભૂસ્ખલન હેઠળ દટાઈ ગયા છે.

    સરકારે ઓછામાં ઓછા 20,000 લોકો માટે 30 કટોકટી શિબિરોની ઊભી કરી છે, જેમને તેમના ઘર છોડવા પડ્યાં છે.

    આ વાવાઝોડાથી મલાવીની ડુંગરાળ વ્યાપારી રાજધાની બ્લેન્ટાયર સૌથી વધુ પ્રભાવિત થઈ છે, જેમાં રહેવાસીઓ ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યાં છે અને ઘરો પૂરનાં પાણીમાં તૂટી પડ્યાં છે.

    આરોગ્યમંત્રી ખુમ્બિઝે કેન્ડોડો ચિપોંડાએ બીબીસીના ફોકસ ઑન આફ્રિકા પ્રોગ્રામને કહ્યું કે "અમારા આરોગ્ય કર્મચારીઓને પણ મદદની જરૂર છે."

    પરિસ્થિતિને "ખૂબ જ નાજુક" વર્ણવતા તેમણે કહ્યું કે 50 લાખથી વધુ લોકો વાવાઝોડાથી પ્રભાવિત થયા છે.

    તેમણે કહ્યું કે "અમે હજુ પણ મૃતદેહોને બહાર કાઢી રહ્યા છીએ. એક બાળક બહાર કાઢવામાં આવ્યું હતું, સદનસીબે હજુ પણ જીવિત છે."

    સરકારની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું હતું કે 41 લોકો હજુ પણ ગુમ છે અને 700થી વધુ ઘાયલ થયા છે, કારણ કે વાવાઝોડું બ્લેન્ટાયર અને દક્ષિણ મલાવીના અન્ય ભાગોમાં ફંટાઈ ગયું છે.

    આ વાવાઝોડા બાદ દેશમાં 14 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરાયો છે.

  8. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    15 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો