અદાણી મામલે વિપક્ષની ઇડી ઑફિસ સુધીની કૂચ અટકાવાઈ, ખડગેએ મોદી સરકારની ઝાટકણી કાઢી
વિપક્ષની કૂચ દરમિયાન કલમ 144 લાગુ કરવાના નિર્ણયની ટીકા કરતાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિર્ણયને “લોકતંત્ર ખતરામાં હોવાની વાતનું વધુ એક ઉદાહરણ” ગણાવ્યો.
લાઇવ કવરેજ
ગુજરાત હવામાન : રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી, કયા જિલ્લામાં થશે માવઠું?
માતાના મૃતદેહના ટુકડા સાથે ત્રણ મહિના રહેનારી દીકરીની ધરપકડ, શું છે મામલો?
રાજકોટ : 11મા ધોરણની વિદ્યાર્થિનીએ "I hate you Papa" લખીને આપઘાત કેમ કર્યો?
અદાણી મામલે વિપક્ષની ઇડીની ઑફિસ સુધીની કૂચ અટકાવાઈ, ખડગેએ સરકારની ઝાટકણી કાઢી

ઇમેજ સ્રોત, ANI
બુધવારે વિપક્ષની કૂચ દરમિયાન ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 લાગુ કરવાના નિર્ણયની ટીકા કરતાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિર્ણયને “લોકતંત્ર ખતરામાં હોવાની વાતનું વધુ એક ઉદાહરણ” ગણાવ્યો.
સમાચાર સંસ્થા એએનઆઈના એક અહેવાલ અનુસાર તેમનું આ નિવેદન અદાણી સ્ટૉક મામલે આવેદન આપવા માટે પ્રવર્તન નિદેશાલય(ઇડી)ની ઑફિસ સુધી કૂચ કરીને જતાં વિપક્ષના સાંસદોને વિયજ ચોક ખાતે રોકી દેવાયા બાદ આવ્યું હતું.
એએનઆઈ સાથેની વાતચીતમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “એક તરફ ભાજપ લોકશાહીમાં વિશ્વાસ કરતો હોવાની વાત કરે છે, તો બીજી બાજુ તેઓ શાંતિપૂર્વક કૂચ કરી રહેલા સાંસદોને રોકી રહ્યા છે, અને એ પણ જાહેરમાં. જે વ્યક્તિ એવું કહે છે કે લોકશાહી ખતરામાં છે તેને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવે છે.”
“અમને આવેદન આપતાં રોકાયા, અમે આ કાર્યવાહીની નિંદા કરીએ છીએ.”
નોંધનીય છે કે વિપક્ષ આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવાની માંગણી કરી રહ્યો છે.
ખડગેએ આરોપ મૂક્યો હતો કે સરકાર સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાથી બચી રહી છે.
બિહાર : લાડવા જોઈને ભાજપ અને આરજેડીના ધારાસભ્યો બાખડ્યા
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બિહાર વિધાનસભાની બહાર ભાજપ અને આરજેડીના ધારાસભ્યો એકબીજા સાથે બાખડી પડ્યા.
વાત એમ હતી કે મંગળવારે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન માઇક તોડવાના આરોપમાં ભાજપના ધારાસભ્ય લખેન્દ્ર પાસવાનને બે દિવસ માટે નિલંબિત કરી દીધા હતા.ભાજપના ધારાસભ્યો આને 'લોકશાહીની હત્યા' ગણાવીને બુધવારે વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.
આ દરમિયાન આરજેડીના ધારાસભ્યો પ્રદર્શન કરી રહેલા ભાજપના ધારાસભ્યો પાસે લાડવા લઈને પહોંચી ગયા. આ લાડવા જોઈને ભાજપના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા અને બન્ને પક્ષો વચ્ચે ધક્કામુક્કી થઈ ગઈ.
'લૅન્ડ ફૉર જૉબ' મામલે લાલુપ્રસાદ યાદવ,રાબડીદેવી તથા તેમનાં પુત્રી મીસા ભારતીને દિલ્હીની એક કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આરજેડીના ધારાસભ્યો મિઠાઈ વહેંચવા માટે ભાજપના ધારાસભ્યો પાસે પહોંચ્યા હતા.
નોંધનીય છે કે બિહારના પૂર્વ મુખ્ય મંત્રી અને વર્ષ 2004-09 દરમિયાન રેલમંત્રી રહેલા લાલુપ્રસાદ યાદવ પર સીબીઆઈએ રેલવે નોકરીના બદલે જમીન લેવાનો આરોપ લગાવ્યો હતો.આ મામલે સીબીઆઈ લાલુપ્રસાદ, તેમનાં પત્ની રાબડીદેવી સહિત આરજેડીના કેટલાય નેતાઓની પુછપરછ કરી ચૂકી છે.
બિહારમાં શાસનની ધૂરા સંભાળી રહેલા મહાગઠબંધનને સીબીઆઈ અને ઈડીની કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર પર એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
H3N2 વાઇરસના કેસમાં વધારો,ગુજરાત અસરગ્રસ્ત ત્રણ રાજ્યોમાં સામેલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં હાલમાં N3H2 વાઇરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.દેશમાં 28 ફેબ્રુઆરી સુધીમાં 995 ચેપગ્રસ્ત કેસો નોંધવામાં આવ્યા છે.
અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ 'ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વિલન્સ પ્રોગ્રામ' (IDSP)નેં ટાંકીને સંબંધિત આંક જણાવ્યો છે.
આમાના મોટા ભાગના કેસ તામિલનાડુ (545), મહારાષ્ટ્ર (170), ગુજરાત (170), કેરળ (42) અને પંજાબ(28)માં નોંધાયા છે.
આ પહેલાં મંગળવારે વડોદરામાં H3N2 વાઇરસની સારવાર લઈ રહેલી એક મહિલાનું મૃત્યુ થયું હતું. 58 વર્ષની આ મહિલા બે દિવસ પહેલાં સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થઈ હતી.
જોકે, એસએસજી હૉસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે કૉર્પોરેશનની રિવ્યૂ કમિટી આ મૃત્યુ ચકાસણી કરશે અને એ બાદ જ મૃત્યુનું ખરું કારણ જાણી શકાશે.
આ મૃત્યુ સાથે જ ભારતમાં H3N2થી થયેલાં મૃત્યુનો આંક સાત થઈ ગયો છે. કર્ણાટકના હસ્સાન જિલ્લામાં 82વર્ષના એક દર્દીનું આ વાઇરસથી મૃત્યુ થયું હતું, જે દેશમાં આ વાઇરસથી થયેલું પ્રથમ મૃત્યુ હતું.
આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય આ વાઇરસ પર વિશેષ નજર રાખી રહ્યું હોવાનું પણ જણાવાયું છે અને માસના અંતમાં કેસમાં ઘટાડો આવવાનું પણ મનાઈ રહ્યું છે.
H3N2 વાઇરસ કેટલો ખતરનાક?
આ વાઇરસથી ગ્રસ્ત દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફો, કળતર, ઊલટી અને ડાયરિયા જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.
શરૂઆતના અમુક દિવસોમાં યોગ્ય સારવાર બાદ H3N2ના કારણે આવતા વાઇરલ તાવમાં રાહત મળી રહી હોવા છતાં અમુક કિસ્સામાં ખૂબ લાંબા ગાળા સુધી શરદી, ખાંસી અને ગળામાં તકલીફ રહી રહી હોવાની ફરિયાદ હતી.
હવે જ્યારે H3N2ને કારણે સર્જાયેલી વાઇરલ તાવ અને શરદી, ખાંસીની તકલીફો લાંબી માંદગીથી આગળ વધીને મૃત્યુનું કારણ બની રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે આ વાઇરસ કેટલો ખતરનાક છે અને આ વાઇરસના ચેપમાં કોણે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે તે અંગે બીબીસી ગુજરાતીએ નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
અહીં ક્લિક કરીને વાંચો, નિષ્ણાત ડૉક્ટરો શું કહે છે?
લોકપ્રિય ધારાવાહિક 'નુક્કડ'માં 'ખોપડી'નું પાત્ર ભજવનારા અભિનેતા સમીર ખખ્ખરનું નિધન, સુપ્રિયા સોગલે, બીબીસી માટે

ઇમેજ સ્રોત, Ganesh Khakkar
ઇમેજ કૅપ્શન, અભિનેતા સમીર ખખ્ખર નુક્કડ અને સર્કસ જેવી લોકપ્રિય ધારાવાહિકોમાં પોતાના અભિનયની છાપ છોડનારા દિગ્ગજ અભિનેતા સમીર ખખ્ખરનું મુંબઈમાં નિધન થયું છે.
સમીર ખખ્ખરને તેમના 'ખોપડી'ના પાત્ર માટે ઘણી પ્રસિદ્ધિ મળી હતી. તેમણે ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું હતું.
તેમની ઉંમર 71 વર્ષ હતી અને છેલ્લા કેટલાક સમયથી તેઓ ઘણી બીમારીથી પીડાઈ રહ્યા હતા.
તેમના નાના ભાઈ ગણેશ ખખ્ખરે નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે ગઈ કાલે સવારથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.
તેમણે આગળ કહ્યું, "ડૉક્ટરના કહેવા પર અમે તેમને આઈસીયુમાં દાખલ કર્યા. મલ્ટીઑર્ગન ફેઇલિયર થવાથી આજે સવારે સાડા ચાર વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા."
યોગી સરકારે આઝમ ખાનની સ્કૂલ સીલ મારી
યોગી સરકારે ગત મંગળવારે રામપુર જિલ્લામાં પૂર્વ સાંસદ અને સપા નેતા આઝમ ખાનની જૌહર ટ્રસ્ટ તરફથી ચલાવાતી સ્કૂલને સીલ મારી દીધી છે.
રામપુર સદરના એસડીએમે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે 'જૌહર ટ્રસ્ટ તરફથી ચલાવાતી સ્કૂલની લીઝ રદ કરી દેવામાં આવી છે. 15 દિવસ પહેલાં સ્કૂલ ખાલી કરવાની નોટિસ અપાઈ હતી. પરંતુ બે નોટિસ મળ્યા બાદ પણ સ્કૂલને ખાલી નહોતી કરાઈ, આથી સીલ મારી દીધી છે.'
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સ્કૂલના મુખ્ય આચાર્યે કહ્યું કે "તેમને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જે હજુ પૂરો થયો નથી. અમને જે સમયાવધિ આપી હતી તેનું વિભાગે સન્માન કરવું જોઈએ."
"અમને 6 માર્ચે નોટિસ મળી હતી અને 18 માર્ચ સુધી બાળકોની પરીક્ષા ચાલી રહી છે. અને આ સીલિંગને લઈને કોઈ માહિતી મળી નથી."
ઇમરાન ખાનના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ, ઇમરાને કહ્યું, ‘ધરપકડનો કોઈ આધાર નથી’, શુમાયલા જાફરી, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા લાહોર પહોંચેલા પોલીસકર્મીઓ હજુ પણ ઇમરાનના સમર્થકો સાથે લડી રહ્યા છે.
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ઇસ્લામાબાદ પોલીસ ઇમરાન ખાનની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે અને ઇમરાન ખાનના સમર્થકો સતત પોલીસકર્મીઓનો વિરોધ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક કલાકોમાં પોલીસકર્મીઓ અને ઇમરાન ખાનના સમર્થકો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે.
આ સંઘર્ષમાં પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, સ્થાનિક ડીઆઈજી સહિત ત્રીસ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પાકિસ્તાનના મીડિયાના અનુસાર ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના 15 સમર્થકોની પોલીસે અટકાયત કરી છે.
પીટીઆઈના નેતા મુરાદ સઈદે આજે સવારે દાવો કર્યો કે પોલીસે ફરી એક વાર લાહોરના પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા ઇમરાન ખાનના નિવાસસ્થાન ઝમન પાર્કને ઘેરી લીધું છે.
આ પહેલાં ઇમરાન ખાને તેમના સમર્થકોને કહ્યું હતું કે, ‘તેઓએ આગામી 18 માર્ચે કોર્ટમાં હાજર થવાનું લેખિત આશ્વાસન આપ્યું છે. આ આશ્વાસનપત્ર પર તેમની સહી છે. આવી સ્થિતિમાં તેમની ધરપકડ માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો કોઈ આધાર નથી.’
ઇમરાન ખાને એ પણ જણાવ્યું છે કે, તેઓએ લાહોર હાઈકોર્ટના બાર ઍસોસિયેશનના અધ્યક્ષ ઇશ્તિયાક-એ-ખાનને સ્યોરિટી બૉન્ડ આપ્યા છે, જેને તેઓ કોર્ટમાં રજૂ કરશે.
તેમણે કહ્યું હતું કે, “મેં અફરાતફરીથી બચવા માટે સ્યોરિટી બૉન્ડ પર હસ્તાક્ષર કર્યા છે. આવામાં હવે મારી ધરપકડનો કોઈ આધાર નથી. તેઓ લંડન પ્લાનના અમલ માટે ગેરકાયદેસર પગલાં લેવા માટે તૈયાર છે.”
લંડનની યોજનાથી તેનો ઉદ્દેશ પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફ તરફ હતો. તેમનો દાવો છે કે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના કહેવા પર તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સંવાદદાતા ફરહત જાવેદ સાથે વાત કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે, “તેઓ જેલમાં જવા માટે તૈયાર છે. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે ઝમન પાર્કમાં પોલીસની કાર્યવાહી સુરક્ષા એજન્સીઓની સંમતિ વિના શક્ય ન હતી.”
પાકિસ્તાન સરકારે ઇમરાન ખાનના આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે, પૂર્વ વડા પ્રધાન કોર્ટમાં હાજર ન થવા માટે હિંસા ભડકાવી રહ્યા છે.
ગુજરાત સરકારનો 'બરડા અભયારણ્ય'માં સિંહો માટે આશ્રયસ્થાન ઊભું કરવાનો પ્રસ્તાવ

ઇમેજ સ્રોત, Getty Images
બરડા અભયારણ્યમાં વર્ષ 1879 બાદ 18 જાન્યુઆરી, 2023ના રોજ સિંહની હાજરી જોવા મળી હતી. આટલાં વર્ષો બાદ સિંહે દેખા દેતા વન્ય તજજ્ઞો બરડા અભયારણ્યને ગીર સિવાય અન્ય વૈકલ્પિક કુદરતી આશ્રયસ્થાન તરીકે જોવા લાગ્યા હતા.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, ગુજરાત સરકારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પોતાના વર્તમાન ઘરથી લગભગ 100 કિલોમીટર દૂર બરડા વન્ય જીવ અભયારણ્યમાં એશિયાટિક સિંહો માટે એક નવા ઘરનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ ઘટનાક્રમથી વાકેફ એક અધિકારીએ હિંદુસ્તાન ટાઇમ્સને જણાવ્યું, "કેન્દ્ર સરકારે પણ આ પરિયોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે."
ગુજરાત સરકાર માટે ભારતીય વન્ય જીવ સંસ્થાન દ્વારા 'લાયન@2047 : અમૃતકાળ માટે એક દૃષ્ટિ' પર તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં બરડા અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ અને ચકાસણી કરવામાં આવી હતી, જ્યાં 40 જેટલાં સિંહો દરિયાકાંઠાના જંગલમાં સરળતાથી રાખી શકાય તેમ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2020માં સ્વતંત્રતા દિવસના ભાષણમાં પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી અને દેશમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
અધિકારીઓને ટાંકીને અહેવાલમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર કેન્દ્ર પાસેથી નાણાકીય સહાય મેળવીને પ્રોજેક્ટ લાયન લાગુ કરશે. અગાઉ પ્રોજેક્ટ લાયન માટે કુલ બજેટ બે હજાર કરોડ રૂપિયા હતું, જે ઘટાડીને એક હજાર કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું હતું.
રશિયન ફાઇટર જેટ સાથે અથડામણ બાદ અમેરિકાનું ડ્રોન તૂટ્યું, જેમ્સ લૅન્ડેલ અને હૅનરી ઍસ્ટિયર દ્વારા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન સૈન્યનું કહેવું છે કે રશિયન ફાઇટર જેટ અને અમેરિકન ડ્રોન વચ્ચે અથડામણ થયા બાદ તેમનું ડ્રોન 'બ્લૅક સી'માં તૂટી પડ્યું છે.
આ ઘટના યુક્રેન યુદ્ધને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે સીધા સંઘર્ષના વધતા જોખમને દર્શાવે છે.
અમેરિકન સૈન્ય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે સવારે મધ્ય યુરોપિયન સમય અનુસાર સવારે લગભગ સાત વાગ્યે તેમનું એમક્યૂ-9 ઍરક્રાફ્ટ (ડ્રોન) આંતરરાષ્ટ્રીય ઍરસ્પેસમાં નિયમિત કામગીરી કરી રહ્યું હતું. તે સમયે રશિયન ઍરક્રાફ્ટ દ્વારા તેને અટકાવવામાં આવ્યું હતું અને ટક્કર મારીને તોડી પડાયું હતું.
તેમણે એમ પણ દાવો કર્યો છે કે ડ્રોન તોડી પાડતા પહેલાં રશિયન વિમાનોએ તેના પર બળતણ ફેંક્યું હતું.
ઘટના બાદ અમેરિકાએ વૉશિંગ્ટનમાં રશિયાના રાજદૂત ઍનાટોલી ઍન્ટોનોવને બોલાવ્યા હતા અને રશિયાના આ પગલાનો વિરોધ કર્યો હતો.
મુલાકાત બાદ રશિયન મીડિયાએ ઍન્ટોનોવને ટાંકીને કહ્યું કે રશિયા આ ડ્રોનની ઘટનાને "ઉશ્કેરણી" તરીકે જોઈ રહ્યું છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે તેમના ફાઇટર જેટ આ ડ્રોનના સીધા સંપર્કમાં આવ્યા ન હતા.
તેમણે કહ્યું, "અમેરિકાનું એમક્યૂ-9 ડ્રોન ટ્રાન્સપૉન્ડર્સ બંધ રાખીને ઊડી રહ્યું હતું."
ટ્રાન્સપૉન્ડર્સ એ સંચાર ઉપકરણો છે, જેનાથી ડ્રોનને ટ્રૅક કરી શકાય છે.
અમેરિકાના એમક્યૂ-9 રીપર ડ્રોન 20 મીટરની પાંખો ધરાવતા માનવરહિત સર્વેલન્સ ઍરક્રાફ્ટ છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
14 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
