You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

પાકિસ્તાનમાં હાઈવૉલ્ટેજ ડ્રામા, ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે પહોંચેલી પોલીસ પર કાર્યકરોનો પથ્થરમારો

ઇસ્લામાબાદની એક કોર્ટે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ ગેરજામીન વૉરંટ જાહેર કર્યું છે.

લાઇવ કવરેજ

  1. ઝમાન પાર્કમાં હાઈવૉલ્ટેજ ડ્રામા

    લાહોરના ઝમાન પાર્ક વિસ્તારમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે.

    તોશાખાન કેસમાં ઇમરાન ખાનની ધરપકડ કરવા આવેલી પોલીસ હવે ઝમાન પાર્કમાં પ્રવેશી ગઈ છે.

    પોલીસ અધિકારીઓ જ્યારે ઇમરાન ખાનના ઘરમાં પ્રવેશ્યા ત્યારે પક્ષના કાર્યકરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

    આ અભિયાન દરમિયાન ઇસ્લામાબાદ પોલીસ ડીઆઈડી શેહબાઝ બુખારીને ઈજા પહોંચી છે.

    આ દરમિયાન ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે, "પોલીસ મને જેલમાં નાખવા માટે આવી ગઈ છે. એનું એવું માનવું છે કે ઇમરાન ખાન જેલમાં જતો રહેશો તો કોમ ઊંઘી જશે. તમારે એમને ખોટા સાબિત કરવા છે. તમારે સાબિત કરવાનું છે કે તમે ‘ઝિંદ કૌમ’ છો."

  2. પાકિસ્તાન : ઇમરાન ખાનની ધરપકડ માટે પહોંચી પોલીસ, કાર્યકરોનો પથ્થરમારો

    ઇસ્લામાબાદની એક કોર્ટે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ ગેરજામીન વૉરંટ જાહેર કર્યું છે. જેને લઈને ઇસ્લામાબાદ અને લાહોરની પોલીસ ઇમરાન ખાનના ઘર ઝમાન પાર્ક પહોંચી છે.

    ઇમરાન ખાન લાહોરના ઝમાન પાર્ક વિસ્તારનમાં રહે છે.પોલીસ ટીમની હાજરી ઉપરાંત મોટી સંખ્યામાં તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના કાર્યકરો પણ અહીં હાજર છે.

    પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર પોલીસની ટીમે ઝમાન પાર્ક વિસ્તારને ચોતરફથી ઘેરી લીધો છે.

    બીબીસી સંવાદદાતા તરહબ અસગરના જણાવ્યા અનુસાર પીટીઆઈના નેતા હુસૈન નિયાઝી અને ડીઆઈજી ઇસ્લામાબાદ શહઝાદ નદીમ વચ્ચે વાતચીત થઈ છે.

    ડીઆઈજીએ જણાવ્યું છે કે કોર્ટે બિનજામીન વૉરન્ટ જાહેર કર્યો છે અને આદેશનું પાલન કરવા માટે પોલીસને કહેવાયું છે.

    નિયાઝીએ જણાવ્યું છે કે ઇમરાન ખાન પોતાના ઘરે નથી અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઝમાન પાર્કમાં હાજર છે. જો કોઈ બળજબરી કરવામાં આવી તો હિંસા ફાટી નીકળવાનું જોખમ છે.

    અહેવાલો અનુસાર ખાનના સમર્થકોએ પથ્થરમારો પણ કર્યો છે અને પોલીસને ખાનના ઘર પહોંચતાં અટકાવાઈ રહી છે. સમર્થકોના હાથમાં લાકડીઓ પણ જોવા મળી છે.

  3. H3N2 : વડોદરમાં એક મહિલાનું મૃત્યુ, રિવ્યૂ કમિટી જણાવશે ખરું કારણ

    વડોદરામાં H3N2 વાઇરસની સારવાર લઈ રહેલી એક મહિલાનું મૃત્યુ થયું છે. 58 વર્ષની આ મહિલા બે દિવસ પહેલાં સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થઈ હતી.

    જોકે, એસએસજી હૉસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. ડી.કે. હેલૈયાએ જણાવ્યું છે કે કૉર્પોરેશનની રિવ્યૂ કમિટી આ મૃત્યુ ચકાસણી કરશે અને એ બાદ જ મૃત્યુનું ખરું કારણ જાણી શકાશે.

    જોકે, આ મૃત્યુ સાથે જ ભારતમાં H3N2થી થયેલાં મૃત્યુનો આંક સાત થઈ ગયો છે. કર્ણાટકના હસ્સાન જિલ્લામાં 82 વર્ષના એક દર્દીનું આ વાઇરસથી મૃત્યુ થયું હતું, જે દેશમાં આ વાઇરસથી થયેલું પ્રથમ મૃત્યુ હતું.

    આ પહેલાં શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધી દેશમાં H3N3 વાઇરસના 451 કેસ નોંધાયા હતા. મંત્રાલય આ વાઇરસ પર વિશેષ નજર રાખી રહ્યું હોવાનું પણ જણાવાયું છે અને માસના અંતમાં કેસમાં ઘટાડો આવવાનું પણ મનાઈ રહ્યું છે.

  4. ભોપાલ ગેસ દુર્ઘટના કેસ : પીડિતોની વળતર વધારવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

    સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને મળેલા વળતરની રકમ વધારવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે.

    વર્ષ 2010માં કેન્દ્ર સરકારે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે યુનિયન કાર્બાઇડ પાસેથી વધારાના વળતરની માગ કરતી ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી.

    વર્ષ 2010માં દાખલ કરવામાં આવેલી અરજીમાં યુનિયન કાર્બાઇડ પાસેથી લગભગ 7800 કરોડ રૂપિયાનું વધારાનું વળતર મેળવવાની માગ કરવામાં આવી હતી.

    ભોપાલ ગેસ દુર્ઘટના

    વર્ષ 1984માં બીજી અને ત્રીજી ડિસેમ્બરની રાત્રે યુનિયન કાર્બાઇડની ફૅક્ટરીમાંથી લગભગ 40 ટન મિથાઇલ આઈસોસાઇનેટ ગેસ લીક થવા લાગ્યો હતો.

    જેને લઈને સમગ્ર ભોપાલમાં ઉહાપોહ મચી ગયો હતો. સૌથી વધુ પ્રભાવિત ફૅક્ટરીની આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી.

    સત્તાવાર આંકડા અનુસાર, આ હોનારતમાં પાંચ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને હજારો લોકો તેની અસરના કારણે સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓથી પીડાતા રહ્યા હતા.

  5. કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીનું નિધન

    કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીનું સોમવારે નિધન થયું છે. જયપુરના સવાઈ માનસિંહ હૉસ્પિટલમાં લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી.

    સવાઈ માનસિંહ હૉસ્પિટલના અધીક્ષક ડૉ. અચલ શર્માએ તેમના નિધનની પુષ્ટિ કરી છે.

    અધીક્ષક ડૉ. અચલ શર્માએ બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું, "મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને કાર્ડિયાક ઍરેસ્ટ આવ્યો હતો."

    એસએમએસ હૉસ્પિટલના અધીક્ષક ડૉ. શર્માએ કહ્યું, "વર્ષ 2022માં બ્રેઇનસ્ટ્રોક આવ્યા બાદ એસએમએસ હૉસ્પિટલમાં જ તેમની સર્જરી થઈ હતી. તે સમયે દોઢ મહિનો દાખલ રહ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. હાલમાં તેમને પાછા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાવ આવી રહ્યો હતો. અચાનકથી થયેલ કાર્ડિયાક ઍરેસ્ટના લીધે તેમનું નિધન થયું છે."

    અંતિમ દર્શન માટે તેમનો પાર્થિવ દેહ જયપુરના રાજપૂત સભા ભવનમાં રાખવામાં આવશે.

    તેમના અંતિમ સંસ્કાર નાગોર જિલ્લાના પૈતૃક ગામ કાલવીમાં યોજાશે.

    વર્ષ 2022ના જૂન મહિનામાં બ્રેઇનસ્ટ્રોક આવ્યા બાદ તેમને જ્યારે માનસિંહ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે મુખ્ય મંત્રી અશોક ગેહલોત પણ તેમની મુલકાતે ગયા હતા.

    વર્ષ 2006માં લોકેન્દ્રસિંહ કાલવીએ 'શ્રી રાજપૂત કરણી સેના'ની સ્થાપના કરી હતી.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં કરણી સેનાએ પદ્માવત ફિલ્મનો વિરોધ કર્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન જયપુરમાં તેને લઈને હોબાળો પણ થયો હતો.

  6. ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આજે મંગળવારથી પ્રારંભ થયો છે.

    બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ધોરણ 10ની પરીક્ષા માટે રાજ્યમાં કુલ 9,56,753 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેઓનું આજે પ્રથમ ભાષાનું પેપર છે.

    ધોરણ 10ની પરીક્ષા માટે રાજ્યમાં કુલ 958 કેન્દ્રો રાખવામાં આવ્યાં છે.

    જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5,65,528 વિદ્યાર્થીઓ રાજ્યનાં 525 કેન્દ્રો પર પરીક્ષા આપશે. કૉમર્સના વિદ્યાર્થીઓ માટે આજે નામાનાં મૂળતત્ત્વોની પરીક્ષા યોજાશે.

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે રાજ્યમાં 140 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યાં છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે 1,10,380 નિયમિત અને 16,395 રીપિટર વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેમનું આજે ભૌતિક વિજ્ઞાનનું પેપર યોજાશે.

    ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં ચાર જેલકેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યાં છે. આ કેન્દ્રો, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની લાજપોર જેલમાં ઊભા કરવામાં આવ્યાં છે.

  7. H3N2 વાઇરસને લઈને ડૉક્ટરોની ચેતવણી, 'માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે'

    દિલ્હીની હૉસ્પિટલોમાં H3N2 વાઇરસના કારણે થતા ઇન્ફ્લુએન્ઝાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે ડૉક્ટરો તેને પ્રસરતો અટકાવવા માટે માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, H3N2 વાઇરસની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે અને દિલ્હીમાં તેના કારણે વૃદ્ધ દર્દીઓના આઈસીયુ એડમિશનમાં વધારો જોવા મળી રહ્યો છે.

    પીએસઆરઆઈ ઇન્સ્ટિટ્યુટ ઑફ પલ્મોનરી, ક્રિટિકલ કૅરના અધ્યક્ષ ડૉ. જી. સી. ખિલનાનીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે "અમે H3N2 વાઇરલ ન્યુમોનિયા સાથે આઈસીયુમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોઈ રહ્યા છે. મોટા ભાગના દર્દીઓ 75 વર્ષથી વધુ ઉંમર તેમજ કો-મૉર્બિડિટી ધરાવે છે."

    તેમણે લોકોને સલાહ આપી હતી કે વૃદ્ધો અને અન્ય બીમારીઓ ધરાવતા લોકોએ સામાજિક મેળાવડા ટાળવા જોઈએ અને વાઇરસને પ્રસરતો અટકાવવા માટે જાહેરમાં માસ્ક પહેરી રાખવું જોઈએ.

    મૅક્સ હેલ્થકૅરના મેડિકલ ડિરેક્ટર અને ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ટરનલ મેડિસિનના વરિષ્ઠ ડિરેક્ટર ડૉ. સંદીપ બુધિરાજાએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે H3N2 સામેના નિવારણ પગલાં કોવિડ જેવાં જ છે.

    તેમણે ઉમેર્યું, "લોકોએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને જ્યારે તેઓ બીમાર હોય. જો તમે અસ્વસ્થ હો, તો હાથ મિલાવવાનું અને ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ."

  8. રાજ્ય સરકારનો દાવો, આગામી બે વર્ષમાં તમામ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે

    ગુજરાતના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ સોમવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે.

    'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતી વખતે ઊર્જામંત્રીએ આ નિવેદન આપ્યું હતું.

    તેમણે કહ્યું, "રાજ્ય સરકાર હાલના ફીડરોનું વિભાજન કરવા અને નવા ફીડરો દ્વારા પૂરતા દબાણ સાથે વીજ પુરવઠો પૂરો પાડવા માટે કટિબદ્ધ છે અને આ માટે સતત કામ કરી રહી છે."

    તેમણે ઉમેર્યું હતું કે માત્ર વલસાડ જિલ્લામાં વર્ષ 2021-2022માં રૂપિયા 657.39 લાખના ખર્ચે 32 નવા ફીડર બનાવવામાં આવ્યા હતા.

  9. EDના દરોડાને લઈને બોલ્યા તેજસ્વી યાદવ, કહ્યું - 'ધૂળ મળી છે'

    બિહારના ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવને ત્યાં ઈડીના દરોડા બાદ તેમણે કહ્યું કે તેમની પાસેથી 'ધૂળ મળી છે.' તેમણે ઈડી પર સમાચાર પ્લાન્ટ કરવાનો આરોપ લગાવતા પંચનામુ જાહેર કરવાની માગ કરી છે.

    મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું, "600 કરોડથી પહેલાં આઠ હજાર કરોડનો તો હિસાબ આપો. 2017માં પણ આ જ રીતે તેમણે કર્યું હતું. લોકો કહેતા હતા કે મારી પાસેથી ખજાનો મળ્યો છે. ખજાનો નહીં, ધૂળ મળી છે. હું ચૅલેન્જ કરું છું કે તેઓ જપ્ત કરાયેલી વસ્તુઓનું લિસ્ટ જાહેર કરે. બાકી અમે કરીશું."

    તેમણે કહ્યું, "આ જૂઠ્ઠો પ્રચાર એ રીતે કરે છે કે જાણે અમે જ અદાણી હોઈએ. સીબીઆઈ અને ઈડી કન્ફ્યૂઝ થઈ ગયાં છે કે મારો ચહેરો અદાણીજી સાથે મળતો આવે છે કે શું?"

    શુક્રવારે દિલ્હી-એનસીઆર, પટના, મુંબઈ અને રાંચીમાં લાલુ યાદવ અને તેમના પરિવારના 24 ઠેકાણાઓ પર દરોડા પાડનારા ઈડીએ દાવો કર્યો છે કે 'જમીનના બદલે રેલવેમાં નોકરી' કેસમાં તેમની કાર્યવાહી દરમિયાન 600 કરોડ રૂપિયાની લેણદેણની માહિતી મળી છે.

    ઈડીએ શનિવારે દાવો કર્યો હતો કે તેમને એવા દસ્તાવેજો મળ્યા છે જેનાથી ખ્યાલ આવે છે કે 600 કરોડ રૂપિયાની સંપત્તિની લેણદેણ થઈ છે.

  10. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    13 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો