You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અમેરિકન બૅન્કોની ભારતીય શૅરબજારો પર અસર, રોકાણકારોને રૂ. 4.4 લાખ કરોડનું નુકસાન

અમેરિકામાં ત્રણ દિવસની અંદર બે બૅન્કની નિષ્ફળતાની અસર સોમવારે ભારતીય શૅરબજારોમાં જોવા મળી હતી.

લાઇવ કવરેજ

  1. અમેરિકન બૅન્કોની ભારતીય શૅરબજારો પર અસર, રોકાણકારોને રૂ. 4.4 લાખ કરોડનું નુકસાન

    અમેરિકામાં ત્રણ દિવસની અંદર બે બૅન્કની નિષ્ફળતાની અસર સોમવારે ભારતીય શૅરબજારોમાં જોવા મળી હતી.

    સોમવારે 30 શૅરવાળા બીએસઈના સેન્સેક્સમાં 900 પૉઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

    સેન્સેક્સ 58,237.85 પર બંધ રહ્યો હતો અને સ્થાનિક રોકાણકારોને રૂપિયા 4.4 લાખ કરોડનું નુકસાન થયું હતું.

    સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, શૅરબજારમાં અગાઉ બે ટ્રેડિંગ સેશનમાં પણ ઘટાડો નોંધાયો હતો.

    એનએસઈમાં પણ 256.60 પૉઇન્ટનો ઘટાડો નોંધાયો હતો અને 17,154.30 પર બંધ થયો હતો.

    બીએસઈમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ 3757 શૅરમાં 2915 કંપનીઓના શૅર ઘટ્યા, જ્યારે 695 કંપનીના શૅરના ભાવ વધ્યા હતા.

  2. રાજકોટના સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં દોષિતને ફાંસીની સજા સંભળાવાઈ

    રાજકોટના જેતપુરના જેતલસરનાં સગીરા સૃષ્ટિ રૈયાણીની હત્યાના કેસમાં જેતપુર સેશન્સ કોર્ટે દોષિત જયેશ સરવૈયાને ફાંસીની સજા કરવામાં આવી છે.

    નોંધનીય છે કે 16 માર્ચ 2021ના રોજ દોષિત જયેશ સરવૈયાએ સૃષ્ટિની 34 વખત છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.

    દોષિત જયેશ સરવૈયાએ એકતરફી પ્રેમમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

    નોંધનીય છે કે દોષિતે સગીરાના ઘરે જઈને તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું.

    આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતાં સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ હતી.

    સેશન્સ કોર્ટ બહાર મૃતક સૃષ્ટિના પરિવારજનો કોર્ટના ચુકાદા બાદ સંતોષ વ્યક્ત કર્યો હતો, પરિવારજનો ફરી એકવાર દીકરીને યાદ કરીને રડી પડતાં ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં.

  3. અમદાવાદ ટેસ્ટ ડ્રૉ થઈ,ભારતે જીતી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી

    ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાયેલી ટેસ્ટમેચ ડ્રૉ થઈ ગઈ છે.પાંચ દિવસ સુધી ચાલેલી આ ટેસ્ટમાંથી કોઈ પરિણામ ના નીકળ્યું અને છેલ્લે પાંચમા દિવસે મૅચને ડ્રૉ જાહેર કરવી પડી. જોકે, આ ટેસ્ટ ડ્રૉ થતાં જ ચાર ટેસ્ટમેચની આ સિરીઝ ભારતે 2-1થી પોતાના નામે કરી લીધી.

    અમદવાદમાં રમાયેલી આ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 480 રન કર્યા હતા.જેના જવાબમાં ભારતની ટીમે 571 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો અને એમાં વિરાટ કોહલીના 186 રને મોટી ભૂમિકા ભજવી હતી.

    ભારતીય ટીમને પ્રથમ ઇનિંગમાં 91 રનની લીડ મળી હતી. જેની સામે બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 2 વિકેટના નુકસાને 175 રન કર્યા હતા.

    હવે બન્ને ટીમો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ફાઇનલ મુકાબલામાં સાત જૂને ટકરાશે. ન્યૂઝીલૅન્ડને બે ટેસ્ટમેચોની સિરીઝની પ્રથમ મૅચમાં શ્રીલંકાને બે વિકેટે હરાવ્યું હતું. એ બાદ પૉઇન્ટ ટેબલમાં આગળ વધતાં ભારત ડબલ્યૂટીસીની ફાઇનલમાં પહોંચી ગયું હતું.

  4. IIT કૅમ્પસમાં જાતિગત ભેદભાવ SC/ST વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્યલક્ષી સમસ્યાનું મુખ્ય કારણ

    ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનૉલૉજી બૉમ્બેના એસસી એસટી સ્ટુડન્ટ સેલ દ્વારા જૂનમાં હાથ ધરવામાં આવેલા માનસિક સ્વાસ્થ્ય સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે કૅમ્પસમાં અનામત વર્ગના વિદ્યાર્થીઓને થતી માનસિક સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ માટે જાતિગત ભેદભાવ એ 'કેન્દ્રીય કારણ'છે.

    'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે સર્વેક્ષણમાં ભાગ લેનારા લગભગ એક ચતુર્થાંશ એસસી-એસટી વિદ્યાર્થીઓ માનસિક સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓથી પીડાતા હતા. તેમાંથી 7.5 ટકાએ ગંભીર સમસ્યાઓનો સામનો કર્યો હતો અને ખુદને નુક્સાન પહોંચાડવાની વૃત્તિ દર્શાવી હતી.

    આઈઆઈટી બૉમ્બેના એસસી એસટી સ્ટુડન્ટ્સ સેલમાં વિદ્યાર્થીઓ અને ફૅકલ્ટીના સભ્યો છે.

    તેમના દ્વારા ગત વર્ષે ફેબ્રુઆરી અને જૂનમાં બે સર્વેક્ષણો યોજાયાં હતાં. પ્રથમ સર્વેક્ષણ કૅમ્પસમાં એસસી-એસટી વિદ્યાર્થીઓનું જીવન અને તેમને પડતી સમસ્યાઓ પર કેન્દ્રિત હતું. જ્યારે બીજુ સર્વેક્ષણ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર કેન્દ્રિત હતું.

    આ સર્વેક્ષણ માટે કૅમ્પસના તમામ એસસી-એસટી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી ફેબ્રુઆરીના સર્વેક્ષણમાં 388 અને જૂનના સર્વેક્ષણમાં 134 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

  5. રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા નિવેદન પર સંસદમાં હોબાળો, ભાજપે માફીની કરી માગ

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડન મુલાકાત દરમિયાન આપેલા નિવેદનથી સંસદમાં હોબાળો થયો હતો અને સદનની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

    કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ અને રાજનાથ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશ જઈને ભારતનું અપમાન કર્યું છે. ભાજપ નેતાઓએ એમ પણ કહ્યું છે કે રાહુલ ગાંધી માફી માગે.

    રાહુલ ગાંધીએ બ્રિટનના સાંસદો સાથેના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે લોકસભામાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓના માઇક બંધ કરી દેવામાં આવે છે.

    કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું, "તેમણે (રાહુલ ગાંધી) વિદેશની ધરતી પર ભારતવાસીઓ અને સદનનું અપમાન કર્યું છે. ભારતમાં બોલવાની આઝાદી છે અને સંસદમાં તમામ લોકો પોતાની વાત મૂકે છે. તેમણે ભારત પર આ પ્રકારની ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે સદનની માફી માગવી જોઈએ."

    કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સદને રાહુલ ગાંધીના નિવેદનની નિંદા કરવી જોઈએ.

    તેમણે કહ્યું, "રાહુલ ગાંધી, જે આ સદનના સભ્ય છે. તેમણે લંડનમાં જઈને ભારતનું અપમાન કર્યું. મારી માગ છે કે સદનના તમામ સભ્યો તેમના નિવેદનની નિંદા કરે અને રાહુલ ગાંધીને માફી માગવા કહે."

    કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીને લઈને કહ્યું કે જો કોઈ વ્યક્તિ દેશની બહાર વડા પ્રધાનને અપમાનિત કરે તો તે દેશને અપમાનિત કરે છે. રાહુલ ગાંધી પર લોકસભા અધ્યક્ષે કાર્યવાહી કરવી જોઈએ.

    ગિરિરાજ સિંહે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી 'ટુકડે-ટુકડે ગૅન્ગ'ની ભાષા બોલે છે.

  6. અમદાવાદ ટેસ્ટ પૂર્ણ થતા પહેલાં જ WTCની ફાઇનલમાં પહોંચ્યું ભારત

    અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટમૅચ પૂર્ણ થાય તે પહેલાં જ ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે.

    ન્યૂઝીલૅન્ડે બે ટેસ્ટમૅચની સિરીઝની પ્રથમ મૅચમાં શ્રીલંકાને બે વિકેટથી હરાવ્યું છે. જેથી પૉઇન્ટ ટેબલમાં આગળ રહીને ભારત ડબલ્યુટીસીની ફાઇનલમાં પહોંચી ગયું છે.

    વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ સાતથી 11 જૂન વચ્ચે લંડનના ઓવલ સ્ટેડિયમમાં યોજાશે.

    ઑસ્ટ્રેલિયાએ ભારતને ઇંદોર ટેસ્ટમાં હરાવીને ડબલ્યુટીસીની ફાઇનલમાં જગ્યા પાક્કી કરી લીધી હતી. હવે ભારત અને ઑસ્ટ્રેલિયા જ ફાઇનલમાં આમનેસામને હશે.

    અમદાવાદ ટેસ્ટનો આજે પાંચમો દિવસ છે અને ભારત ચાર મૅચની સિરીઝમાં બે-એકથી આગળ છે.

    જો શ્રીલંકા આજે જીતી જતું તો ભારત માટે પણ આ ટેસ્ટમૅચ જીતવી જરૂરી હતી.

  7. ઑસ્કર 2023: 'એવરીથિંગ એવરીવેયર ઑલ એટ વન્સ બની બેસ્ટ ફિલ્મ

    'એવરીથિંગ ઑલ એટ વન્સને ઑસ્કરમાં બેસ્ટ ફિલ્મનો એવૉર્ડ મળ્યો છે.

    આ ફિલ્મ માટે મલેશિયન અભિનેત્રી મિશેલ યોને બેસ્ટ લીડ અભિનેત્રીનો ઍવૉર્ડ મળ્યો છે.

    મિશેલ યો એશિયલ મૂળનાં પ્રથમ અભિનેત્રી છે જેમને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ મળ્યો છે.

    હોલીવૂડ અભિનેતા બ્રેન્ડન ફ્રેઝર બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ જીત્યા હતા.

    તેમને ધ વ્હેલ ફિલ્મમાં તેમના અભિનય માટે આ ઍવૉર્ડ મળ્યો છે.

  8. RRR ફિલ્મમાં ગીત ગાનાર ગુજરાતી રાગ પટેલને મળો, જેમણે વર્ણવ્યા પોતાના અનુભવ

    ઑસ્કર ઍવૉર્ડમાં તેલુગુ ફિલ્મ 'આરઆરઆર'ના ગીત નાટૂ નાટૂને સન્માન મળ્યું છે ત્યારે મળો એક ગુજરાતી ગાયિકા રાગ પટેલને જેમણે ફિલ્મના એક ગીત માટે પોતાનો સ્વર આપ્યો છે.

  9. ઑસ્કર વિજેતા ભારતીય ફિલ્મોને અભિનંદન પાઠવ્યા

    ઑસ્કર 2023માં ભારતીય ફિલ્મોને મળેલી સફળતા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા છે.

    ઑસ્કર 2023માં બેસ્ટ ઓરિજિનલ સૉંગ કૅટેગરી ફિલ્મ 'આરઆરઆર'ના ગીત 'નાટુ-નાટુ'ને ઍવૉર્ડમાં મળ્યો છેય અને ગુનીત મોંગા અને કાર્તિકી ગોન્ઝાલ્વિસની 'ધ ઍલિફન્ટ વ્હિસ્પરર્સ'ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો છે.

    વડા પ્રધાન મોદીએ ધ એલિફન્ટ વિસ્પરરને મળેલા ઍવૉર્ડ માટેે શુભેચ્છા આપતાં લખ્યું કે, '@EarthSpectrum, @guneetm અને ‘દ એલિફન્ટ વિસ્પરર’ને મળેલા સન્માન માટે અભિનંદન. તેમનું કામ એ વાત પર ટકાઉ વિકાસ અને પ્રકૃતિ સાથે સામંજસ્ય સાથે રહેવા પર સુંદર રીતે પ્રકાશ પાળે છે.'

    આરઆરઆરના ગીત નાટૂ નાટૂને મળેલી સફળતા પર અભિનંદન પાઠવતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, નાટૂ નાટૂ ગીતની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. આ ગીત વર્ષો સુધી યાદ રહેશે. @mmkeeravaani, @boselyricistઅને સમગ્ર ટીમને આ સન્માન માટે અભિનંદન. ભારત ખુશી અને ગર્વ અનુભવે છે.

  10. 'નાટૂ નાટૂ' ગીતને ઑસ્કર ઍવૉર્ડ, એ અસલી 'રામ અને ભીમ', જેમણે આદિવાસીઓને એક કરી અંગ્રેજોને હંફાવ્યા હતા

  11. 'નાટુ-નાટુ' એ રચ્યો ઇતિહાસ, બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો ઍવોર્ડ જીત્યો

    ઑસ્કર 2023થી ભારતને જે આશા હતી તે પૂર્ણ થઈ છે. ફિલ્મ 'આરઆરઆર'ના ગીત 'નાટુ-નાટુ'ને 'બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ' કૅટેગરીમાં ઍવોર્ડ મળ્યો છે.

    'નાટુ-નાટુ' ભારતીય પ્રોડક્શનમાં બનેલું પ્રથમ ગીત છે જેને ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હોય.

    આ પહેલાં ભારતની 'ધ ઍલિફન્ટ વિસ્પરર્સ'ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો.

  12. ઑસ્કરના મંચ પર ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચ્યાં

    ઑસ્કર સૅરેમનીમાં નાટુ-નાટુ ગીત પર ડાન્સ પરફૉર્મન્સ પહેલાં ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ મંચ પર આવ્યાં અને તેમણે આ ગીત વિશે લોકોને જણાવ્યું.

    દીપિકાએ કહ્યું, "સમગ્ર વિશ્વમાં લોકો નાટુ-નાટુ ગીત પર ઝૂમી રહ્યા છે. જો તમે આ ગીત વિશે અત્યાર સુધી નથી જાણતા તો આ પરફૉર્મન્સ પછી જાણી જશો."

    તેમણે કહ્યું કે ભારતીય પ્રોડક્શનમાં બનનારું આ પ્રથમ ગીત છે જે ઑસ્કર માટે નૉમિનેટ થયું છે.

    દીપિકા પાદુકોણના ઑસ્કર લૂકના સોશિયલ મીડિયા પર ઘણા વખાણ કરવામાં આવી રહ્યા છે.

    'નાટુ-નાટુ' પર ડાન્સ પરફૉર્મન્સને ઑસ્કરમાં ઘણું પસંદ કરવામાં આવ્યું. લોકોએ ઊભા થઈને તાળીઓ વગાડી હતી.

  13. ઑસ્કર 2023 : ભારતની 'ધ ઍલિફન્ટ વ્હિસ્પરર્સ'ને મળ્યો 'બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મ' ઍવોર્ડ

    ઑસ્કર 2023થી ભારત માટે પ્રથમ ખુશખબરી આવી છે.

    ગુનીત મોંગા અને કાર્તિકી ગોન્ઝાલ્વિસની 'ધ ઍલિફન્ટ વ્હિસ્પરર્સ'ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો છે.

    આ ફિલ્મમાં હાથી અને માણસ વચ્ચેના પ્રેમ અને લાગણીને દર્શાવવામાં આવી છે.

    આ સિવાય 'બેસ્ટ ડૉક્યુમેન્ટરી' કૅટેગરીમાં શૌનક સેને બનાવેલી ડૉક્યુમેન્ટરી 'ઑલ ધૅટ બ્રીથ્સ' પણ નૉમિનેટ થઈ હતી.

    જોકે, તેને ઍવૉર્ડ મળી શક્યો ન હતો.

  14. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    12 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો