You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

દિલ્હી દારૂ ગોટાળો : ઈડીની કલાકો પૂછપરછ બાદ ઑફિસમાંથી બહાર નીકળ્યાં કે. કવિતા

ઈડી ઑફિસમાં લગભગ અનેક કલાકો બાદની પૂછપરછ પછી ભારત રાષ્ટ્ર સમિતિનાં નેતા કે. કવિતા ઑફિસમાં બહાર આવ્યાં છે.

લાઇવ કવરેજ

  1. દિલ્હી દારૂ ગોટાળો : ઈડીની કલાકો પૂછપરછ બાદ ઑફિસમાંથી બહાર નીકળ્યાં કે. કવિતા

    ઈડી ઑફિસમાં લગભગ અનેક કલાકો બાદની પૂછપરછ પછી ભારત રાષ્ટ્ર સમિતિનાં નેતા કે. કવિતા ઑફિસમાં બહાર આવ્યાં છે.

    પ્રવર્તન નિદેશાલય (ઈડી) તેલંગણાના મુખ્ય મંત્રીનાં પુત્રી અને એમએલસી સભ્ય કે. વિરુદ્ધ દિલ્હીમાં કથિત દારૂ ગોટાળા મામલે તપાસ ચાલી કરી રહી છે.

    શનિવારે પ્રવર્તન નિદેશાલયે કે. કવિતાને પૂછપરછ માટે તેની ઑફિસમાં બોલાવ્યાં હતાં.

    બીઆરએસના કાર્યકરોએ હૈદરાબાદ અને તેલંગણાનાં અનેક શહેરોમાં કવિતાની પૂછપરછના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

    દિલ્હીમાં પણ કે. ચંદ્રશેખર રાવના ઘરની બહાર બીઆરએસના ધારાસભ્યો અને સાંસદો એકઠા થયા હતા.

    પ્રવર્તન નિદેશાલયનો દાવો છે કે કે. કવિતા દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સામેલ છે.

    6 માર્ચે ઈડીએ કે. કવિતાના નજીકના બિઝનેસમૅન અરુણ પિલ્લઈની ધરપકડ કરી હતી.

    ઈડીનો આરોપ છે કે પિલ્લઈ કે. કવિતા માટે કામ કરતા હતા અને દિલ્હીની દારૂની નીતિને લઈને તેના વતી મીટિંગમાં હાજરી આપતા હતા.

    ઈડીનો આરોપ છે કે 'સાઉથ કાર્ટેલ'એ દારૂનીતિને પોતાના પક્ષમાં પ્રભાવિત કરવા માટે દિલ્હીની આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા હતા.

    ઈડીનો દાવો કે 'સાઉથ કાર્ટેલ' પાછળ કે. કવિતા કારણભૂત છે.

    દિલ્હીમાં કથિત દારૂ ગોટાળા મામલે સીબીઆઈ દિલ્હીના નાયબ મુખ્ય મંત્રીની ધરપકડ કરી ચૂકી છે. મનીષ સિસોદિયા હાલમાં EDની કસ્ટડીમાં છે. ઈડી તેમના પર અલગ કેસ ચલાવી રહી છે.

    દારૂનીતિ પર વિવાદ બાદ દિલ્હી સરકારે ગયા વર્ષે ઑગસ્ટમાં તેને પાછી ખેંચી લીધી હતી.

    ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે દિલ્હીની દારૂની નીતિમાં મોટું કૌભાંડ થયું છે અને તે દારૂના ખાસ ધંધાદારીઓને ફાયદો પહોંચાડવા માટે બનાવી હતી.

  2. દારૂ ન પીતા હોય તો પણ લીવર ખરાબ કેવી રીતે થઈ શકે?

  3. દિલ્હી એક્સાઇઝ પૉલિસી કેસ : આરોપીએ કહ્યું – ઇડીએ નિવેદન પર પરાણે સહી કરાવી

    દિલ્હીમાં થયેલ કથિત દારૂ ગોટાળામાં પૈસાની ગેરરીતિ સાથે જોડાયેલા મામલે હૈદરાબાદના વેપારી અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરાઈ હતી, તેમણે આરોપ લગાવ્યો હતો કે પ્રવર્તન નિદેશાલયે નિવેદન પર પરાણે સહી કરાવી હતી.

    સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, અરુણ પિલ્લઈએ હૈદરાબાદની એક કોર્ટમાં અરજી દાખલ કરીને આ આરોપ લગાવ્યા છે.

    ઇડીનો દાવો છે કે પિલ્લઈ ભારત રાષ્ટ્ર સમિતિની એમએલસી અને તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવનાં દીકરી કવિતાની નિકટની વ્યક્તિ છે.

    ઇડીનો દાવો છે કે પિલ્લઈ જ કથિત સાઉથ કાર્ટેલના ચહેરા છે.

    ઈડીનો દાવો છે કે સાઉથ કાર્ટેલે દિલ્હીની સત્તાધારી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા અને દિલ્હીની શરાબ નીતિ અંતર્ગત દિલ્હીમાં દારૂના વેપારમાં મોટી ભાગીદારી પ્રાપ્ત કરી.

    આમ આદમી પાર્ટી સરકારે ગોટાળાના આરોપ લાગ્યા બાદ પોતાની નવી શરાબ નીતિ રદ કરી હતી.

    હૈદરાબાદની કોર્ટના વિશેષ જજ એમ. કે. નાગપાલે ઇડીને નોટિસ આપીને આ મામલે 13 માર્ચ સુધી જવાબ આપવાની વાત કરી છે.

    અરજીમાં પિલ્લઈના વકીલે ઇડી સમક્ષ દાખલ કરાયેલાં નિવેદનો રદ કરવાની માગ કરી છે.

    આરોપી પિલ્લઈએ દાવો કર્યો છે કે ઇડીએ નવેમ્બર 2022માં તેમને બે દસ્તાવેજો પર સહી કરવા માટે મજબૂર કર્યા અને એ દસ્તાવેજોને તેમનાં નિવેદન સ્વરૂપે રજૂ કરાયાં.

    ઇડીએ 6 માર્ચના રોજ પિલ્લઈની ધરપકડ કરી હતી કોર્ટે તેમને ઇડીની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા જે 13 માર્ચના રોજ સમાપ્ત થઈ રહી છે.

    ઇડીનું કહેવું છે કે પિલ્લઈ કવિતાના નિકટના સહયોગી છે. ઇડીએ શનિવારે કવિતાને પૂછપરછ માટે બોલાવ્યાં છે.

    ઇડીએ દાવો કર્યો છે કે જ્યારે દિલ્હીની શરાબ નીતિ બનાવાઈ રહી હતી ત્યારે તેની સાથે જોડાયેલી બેઠકોમાં પિલ્લઈ ‘સાઉથ કાર્ટેલ’ના પ્રતિનિધિ તરીકે સામેલ થયા હતા.

    નવી શરાબ નીતિમાં ગોટાળાના આરોપ લાગ્યા બાદ દિલ્હી સરકારે ગત વર્ષે ઑગસ્ટમાં આ નીતિ પાછી ખેંચી લીધી હતી.

    દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા પણ કથિત શરાબ ગોટાળાના આરોપમાં ઇડીની કસ્ટડીમાં છે. પહેલાં તેમની સીબીઆઇએ ધરપકડ કરી હતી.

  4. વહાલનો વડલો ધીરુબહેન : તેજસ્વી સિતારો ખરે છે ત્યારે પણ આકાશને ઝળહળ કરે છે

  5. INDvAUS: ત્રીજા દિવસના અંત સુધી ભારતનો સ્કોર 289 રન

    ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી મૅચનો ત્રીજો દિવસ પૂરો થયા સુધી ભારતીય ટીમે ત્રણ વિકેટના નુકસાને 289 રન બનાવ્યા.

    ભારતીય ટીમ હજુ પણ ઑસ્ટ્રેલિયાથી પાછળ ચાલી રહ્યા છે.

    શુભમન ગિલે પોતાની કારકિર્દીની બીજી સદી નોંધાવી.

    ચેતેશ્વર પૂજારાએ 42 રન બનાવ્યા તો રોહિત શર્મા એ 35 રન નોંધાવ્યા.

    વિરાટ કોહલી 59 રનના સ્કોરે રન આઉટ થયા.

    ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 480 રન બનાવ્યા.

  6. 50 વર્ષની ઉંમર વટાવી ગયેલાં આ નણંદ-ભાભીને તેમના શોખે બનાવી દીધાં સફળ ઉદ્યોગસાહસિક

  7. INDvAUS : શુભમન ગિલે ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી, ભારતનો સ્કોર બે વિકેટના નુક્સાને 188 રન

    અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મૅચમાં શુભમન ગિલે સદી ફટકારી છે.

    હાલ તેઓ 103 રન બનાવીને ક્રીઝ પર છે. તેમની સાથે વિરાટ કોહલી રમી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં નોંધાવેલા 481 સામે ભારતે બે વિકેટના નુક્સાને 188 રન બનાવી લીધા છે.

    મૅચના બીજા દિવસે ત્રીજા હાફમાં જ ભારતે પોતાની ઇનિંગ શરૂ કરી દીધી હતી અને દિવસના અંત સુધીમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 36 રન બનાવ્યા હતા.

    આજે ત્રીજા દિવસની શરૂઆત રોહિત શર્મા અને શુભમન ગિલે કરી હતી. જોકે, રોહિત શર્મા 58 બૉલમાં 35 રન બનાવીને કૅચ આઉટ થઈ ગયા હતા.

    ત્યાર બાદ ક્રીઝ પર આવેલા ચેતેશ્વર પૂજારાએ લાંબા સમય સુધી શુભમન ગિલનો સાથ આપ્યો હતો.

    શુભમન ગિલે જે ઓવરમાં પોતાની સદી પૂર્ણ કરી, એ જ ઓવરમાં ચેતેશ્વર પૂજારા 42 રન (121 બૉલ) બનાવીને એલબીડબલ્યૂ થયા હતા.

    મૅચના પ્રથમ દિવસે ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ ઇનિંગમાં 480 રન બનાવ્યા હતા.

    ઑસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ 180 રન ઉસ્માન ખ્વાજાએ બનાવ્યા હતા. તેમના બાદ કૅમરૂન ગ્રીને 114 રન બનાવ્યા હતા.

    હાલમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટમૅચ અમદાવાદમાં રમાઈ રહી છે. અગાઉ ભારત બે અને ઑસ્ટ્રેલિયા એક મૅચ જીતી ચૂક્યા છે.

  8. તેલંગણાના મુખ્ય મંત્રીનાં પુત્રી કે. કવિતાની ઈડી દ્વારા પૂછપરછ

    દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં પૂછપરછ માટે તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવના પુત્રી કે. કવિતા ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ઓફિસે પહોંચ્યાં છે.

    હાજર થતા પહેલાં દિલ્હીમાં કેસીઆરના નિવાસસ્થાને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) નેતાઓ અને સાંસદો તેમજ ધારાસભ્યો એકઠા થઈ ગયા અને તેલંગણા ભાજપના પ્રમુખ બંદી સંજયનું પૂતળુ પણ સળગાવ્યું હતું.

    ભાજપના તેલંગણા પ્રમુખે કથિતપણે કે. કવિતા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી પણ કરી હતી.

    હાલ ઈડીની ઓફિસ બહાર મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈન્યબળોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

    ઈડીએ કવિતાને નવ માર્ચે હાજર રહેવા માટે કહ્યું હતું પણ તેમણે પોતાની એક દિવસીય હડતાળનું કારણ આપીને નવી તારીખ માગી હતી.

    કે. કવિતાની આ ભૂખ હડતાળ સંસદમાં લાંબા સમયથી પૅન્ડિંગ મહિલા આરક્ષણ બિલને લઈને હતી.

    કે. કવિતાને પૂછપરછ માટે એટલા માટે બોલાવવામાં આવ્યા છે, જેથી તેમને કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલ હૈદરાબાદના વેપારી અરુણ રામચંદ્રન પિલ્લઈ સામે બેસાડીને પૂછપરછ કરી શકાય.

    ઈડીનો આરોપ છે કે પિલ્લઈ દક્ષિણના એ જૂથનો ભાગ હતા, જેમણે કથિત રીતે આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. જેથી દિલ્હીના દારૂના ધંધામાં તેઓ મોટો ભાગ મેળવી શકે.

    ઈડી પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ અંતર્ગત કે. કવિતાનું નિવેદન પણ નોંધશે. આ કેસમાં સીબીઆઈ પણ તેમની પૂછપરછ કરી ચૂક્યું છે.

  9. ચીનના અબજપતિઓ કેમ અદૃશ્ય થઈ રહ્યા છે?

  10. અમેરિકાની સિલિકૉન વૅલી બૅન્કને લાગ્યાં તાળાં, બૅન્કિંગ ક્ષેત્ર મુશ્કેલીમાં મુકાશે?

    કૅલિફોર્નિયાના બૅન્કિંગ નિયામકોએ આર્થિક સંકટમાં ઘેરાયેલી સિલિકૉન વૅલી બૅન્ક (એસવીબી)ને બંધ કરી દીધી છે. આ ઘટના બાદ અમેરિકામાં ફરી એક વાર મોટું બૅન્કિંગ સંકટ આવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.

    સમાચાર સંસ્થા એએફપીના અહેવાલ અનુસાર સિલિકૉન વૅલી બૅન્ક વર્ષ 2008માં આવેલી આર્થિક મંદી બાદ બંધ થનારી સૌથી મોટી બૅન્ક છે.

    નિયામકોએ ફૅડરલ ડિપોઝિટ ઇંસ્યોરન્સ કૉર્પોરેશન (એફડીઆઈસી)ને રિસીવર તરીકે નિયુક્ત કરી છે, જે આ મામલે આગળની કાર્યવાહી કરશે. આ અગાઉ એસવીબીના શેરોની કિંમતમાં પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં 66 ટકા જેટલું ધોવાણ થયા બાદ તેમના સોદા અટકાવી દેવામાં આવ્યા હતા.

    ટેકનૉલૉજી કંપનીઓને ધિરાણ કરનારી એસવીબીના બંધ થવાના સમાચાર આવતા જ વૈશ્વિક શેરબજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા અને ઘણી બૅન્કોના શેરની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો.

    જોકે, અમેરિકાની કેટલી મોટી બૅન્કોના શેરની કિંમતો શુક્રવારે થોડી સારી જળવાઈ રહી.

    એસવીબી આ વર્ષે બંધ થનારી પ્રથમ એફડીઆઈસી ઇંસ્યોર્ડ સંસ્થા છે. અઢી વર્ષ પહેલાં 23 ઑક્ટોબર 2020ના રોજ અલ્મેના સ્ટેટ બૅન્કને બંધ કરી દેવામાં આવી હતી.

  11. ગુજરાતના ત્રણ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોમાં 152 શ્રમિકોનાં મૃત્યુ

    ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું છે કે ગુજરાતના ત્રણ સૌથી મોટા ઔદ્યોગિક શહેરો સુરત, ભરૂચ અને અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં થયેલા ઔદ્યોગિક અકસ્માતોમાં 152 શ્રમજીવીઓનાં મૃત્યુ થયાં છે.

    'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઔદ્યોગિક એકમોમાં શ્રમજીવીઓનાં મૃત્યુ અને તેમના પરિવારને મળતા વળતર અંગે પ્રશ્નો પૂછ્યા હતા.

    જેના લેખિત જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે વર્ષ 2021 અને 2022માં ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલાં 152 પૈકી 77 શ્રમજીવીઓ સુરતમાં, 65 શ્રમજીવીઓ ભરૂચમાં અને બાકીના શ્રમજીવીઓ અમદાવાદમાં મૃત્યુ પામ્યા હતા.

    જ્યારે મૃત્યુના કિસ્સામાં શ્રમજીવીઓના પરિવારને મળેલા વળતર અંગે સરકારે જણાવ્યું કે "સરકાર દ્વારા એક પણ કિસ્સામાં વળતરની ચુકવણી કરવામાં આવી નથી. કારણ કે કાયદા મુજબ ઔદ્યોગિક એકમોએ વળતર ચુકવવાનું થતું હોય છે."

  12. ભારત સરકારે છ યૂટ્યુબ ચેનલ પર લગાવી રોક, ખાલિસ્તાન સમર્થક હોવાનો આરોપ

    ભારત સરકારે ખાલિસ્તાન સમર્થનના આરોપસર છ યૂટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લાદ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ અંગે જાણકારી આપી હતી.

    સૂચના અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રએ કહ્યું કે વિદેશથી ચાલી રહેલી છથી આઠ યૂટ્યુબ ચેનલો પર છેલ્લા 10 દિવસોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

    તેમણે કહ્યું કે આ ચેનલો પંજાબી ભાષામાં સીમાવર્તી રાજ્યમાં પરેશાની ઊભી કરવાનો પ્રયાસ કરી રહી હતી.

    સરકારના આ નિર્ણય અગાઉ પણ ભારતમાં ખાલિસ્તાનનો મુદ્દો ચર્ચામાં છે. ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે' જૂથના પ્રમુખ અમૃતપાલ સિંહે પોતાના સમર્થકો સાથે અજનાલામાં એક પોલીસમથક પર હલ્લાબોલ કર્યો હતો. તેઓ પોતાના એક સાથીને છોડવાની માગ કરી રહ્યા હતા.

    એક અન્ય વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે યૂટ્યુબ સરકારના અનુરોધ પર કાર્યવાહી કરી રહ્યું છે. યૂટ્યુબને 48 કલાકમાં આ ચેનલો બ્લૉક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

    અધિકારી પ્રમાણે સરકારે યૂટ્યુબને આ પ્રકારના આપત્તિજનક કન્ટેન્ટને શોધવા અને રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અલ્ગોરિધમનો ઉપયોગ કરવા કહ્યું છે.

  13. INDvAUS : ઑસ્ટ્રેલિયાના 480 રન સામે ભારતનો સ્કોર 36 પર શૂન્ય

    ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને અંતિમ ટેસ્ટમેચના બે દિવસ પૂરા થઈ ગયા છે. મૅચના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ 480 રન ફટકારીને પ્રથમ ઇનિંગ પૂર્ણ કરી છે.

    મૅચના બીજા દિવસે ત્રીજા હાફમાં જ ભારતે પોતાની ઇનિંગ શરૂ કરી દીધી હતી અને દિવસના અંત સુધીમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 36 રન બનાવ્યા હતા.

    આજે ત્રીજા દિવસની રોહિત શર્મા અને શુભમન ગિલ શરૂઆત કરશે. મૅચના પ્રથમ દિવસે ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

    પ્રથમ દિવસના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયાએ ચાર વિકેટના નુક્સાને 255 રન બનાવ્યા હતા.

    ઑસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ 180 રન ઉસ્માન ખ્વાજાએ બનાવ્યા હતા. તેમના બાદ કૅમરૂન ગ્રીને 114 રન બનાવ્યા હતા.

    હાલમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટમેચ અમદાવાદમાં રમાઈ રહી છે. અગાઉ ભારત બે અને ઑસ્ટ્રેલિયા એક મૅચ જીતી ચૂક્યા છે.

  14. જયરામ રમેશે ત્રિપુરામાં કૉંગ્રેસ કાર્યકર્તાઓ પર હુમલાનો ભાજપ પર લગાવ્યો આરોપ

    કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ત્રિપુરામાં કૉંગ્રેસ કાર્યકર્તાઓના એક જૂથ પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે.

    તેમણે કહ્યું કે ત્રિપુરાના બિશાલગઢ અને મોહનપુરમાં ભાજપ કાર્યકર્તાઓએ કૉંગ્રેસ કાર્યકર્તાઓ પર હુમલો કર્યો છે.

    જયરામ રમેશ મુજબ, પોલીસ કૉંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે હતી અને કૉંગ્રેસ કાર્યકર્તાઓએ કશું ખોટું કર્યું નથી.

    તેમના કહેવા પ્રમાણે શનિવારે ભાજપ આ વિસ્તારમાં વિજય રેલી કાઢી રહ્યો હતો. તેમને શંકા છે કે કાર્યકર્તાઓ પર હુમલા બાદ હિંસા પણ થઈ શકે છે.

    ત્રિપુરામાં રાજનૈતિક દળોના કાર્યકર્તાઓ વચ્ચે હિંસાનો જુનો ઇતિહાસ રહ્યો છે.

    કૉંગ્રેસના આસામના સાંસદ અબ્દુલ ખાલિકે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે હુમલામાં ત્રણ-ચાર ગાડીઓને નુક્સાન પહોંચ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.

    હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ત્રિપુરામાં વામપંથીઓ અને કૉંગ્રેસના ગઠબંધનને હરાવ્યું હતું.

    પૂર્વોત્તરના નાગાલૅન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ગઠબંધનોની જીત થઈ છે.

  15. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    10 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો