You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા : ઇન્દોરની પીચને આઇસીસીએ ગણાવી ખરાબ
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ રહેલી બૉર્ડર ગાવસ્કર સિરીઝની ત્રીજી ટેસ્ટમૅચ ઇન્દોરમાં રમાઈ હતી. જેમાં પાંચ દિવસની રમત ત્રીજા જ દિવસે પૂરી થઈ ગઈ હતી.
લાઇવ કવરેજ
ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા : ઇન્દોરની પિચને આઇસીસીએ ગણાવી ખરાબ
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ રહેલી બૉર્ડર ગાવસ્કર સિરીઝની ત્રીજી ટેસ્ટમૅચ ઇન્દોરમાં રમાઈ હતી. જેમાં પાંચ દિવસની રમત ત્રીજા જ દિવસે પૂરી થઈ ગઈ હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ ઇન્દોરની પિચને ખરાબ ગણાવી છે. બંને ટીમોના સ્પિનરોને પ્રથમ દિવસથી જ પિચ પાસેથી મદદ મળવાની શરૂઆત થઈ ગઈ હતી.
તેનું પરિણામ એ આવ્યું કે સમગ્ર મૅચમાં પડેલી 31 વિકેટો પૈકી 26 સ્પિનરોના ખાતામાં ગઈ. અને મૅચ ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં જ સમાપ્ત થઈ ગઈ.
ઝડપી બૉલરોને માત્ર ચાર જ વિકેટથી સંતોષ માનવો પડ્યો જ્યારે એક ખેલાડી રન આઉટ થયો. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમને આઇસીસીના મૅચ રેફરીએ ત્રણ ડિમૅરિટ પૉઇન્ટ આપ્યા છે.
બીસીસીઆઈ પાસે આ રિપોર્ટને પડકારવા માટે 14 દિવસનો સમય છે.
આઇસીસીની પિચ ઍન્ડ આઉટફિલ્ડ મૉનિટરિંગ પ્રોસેસ અનુસાર જો પાંચ વર્ષમાં કોઈ વેન્યૂને પાંચ કે તેથી વધુ ડિમેરિટ પૉઇન્ટ મળે તો તે વેન્યૂની ઇન્ટરનેશનલ ક્રિકેટ મૅચનું આયોજન માટેની માન્યતા 12 મહિના માટે રદ કરી દેવાશે.
સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાની અરજી ફગાવી, શું છે મામલો?
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કારોબારી વિજય માલ્યાની એક અરજી ફગાવી દીધી છે.
આ અરજીમાં વિજય માલ્યાએ મુંબઈની એક કોર્ટમાં તેમને 'ભાગેડુ આર્થિક અપરાધી' જાહેર કરવાના અને તેમની સંપત્તિનો કબજો સંબંધિત ચાલી રહેલી કાર્યવાહીને પડકાર આપ્યો હતો.
વિજય માલ્યાની પેરવી કરી રહેલા વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેમને આ અરજીને લઈને પોતાના અસીલ તરફથી કોઈ નિર્દેશ મળી રહ્યા નથી.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટે માલ્યા તરફથી અપાયેલી અરજી ફગાવી દીધી હતી.
જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ રાજેશ બિંદલે કહ્યું, "અરજદારના વકીલે જણાવ્યું કે તેમને તેમના (અસીલ) તરથી કોઈ નિર્દેશ મળી રહ્યા નથી. આ સ્ટેટમેન્ટ બાદ અરજીને ફગાવામાં આવે છે."
મુંબઈની એક પીએમએલએ (પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ) કોર્ટમાં પ્રવર્તન નિદેશાલયે વિજય માલ્યાને ફ્યુઝિટિવ ઇકૉનૉમિક ઑફેન્ડર્સ એક્ટ, 2018 હેઠળ 'ભાગેડુ' જાહેર કરાવવા માટે અરજી દાખલ કરી હતી.
પાંચ જાન્યુઆરી, 2019માં કોર્ટે આ કાયદા હેઠળ વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યા હતા.
આ કાયદા હેઠળ કોઈ વ્યક્તિને ભાગેડુ જાહેર કરવામાં આવે તો અભિયોજન એજન્સી તેમની સંપત્તિ જપ્ત કરી શકે છે.
વિજય માલ્યા માર્ચ, 2016માં બ્રિટન ચાલ્યા ગયા હતા. ભારતમાં તેમના પર 9000 કરોડ રૂપિયાની લોન ડિફૉલ્ટની કાર્યવાહી ચાલી રહી છે.
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યના ઘરે-ઓફિસે દરોડા, અત્યાર સુધી 10 કરોડ મળ્યા
ગુરુવારે કર્ણાટક ભાજપના ધારાસભ્ય મદાલ વિરુપકક્ષાપ્પાના ઘરે દરોડા પાડવામાં આવ્યા, જે શુક્રવાર સુધી ચાલ્યા. આ મામલે અત્યાર સુધી 10 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
કર્ણાટકમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચારના મામલે ભાજપના ધારાસભ્ય મદાલ વિરુપકક્ષાપ્પા અને એમના પુત્રના પુત્રને મુખ્ય આરોપી બનાવ્યા છે.
ધારાસભ્યમદાલ વિરુપકક્ષાપ્પાએ કર્ણાટક સોપ્સ એન્ડ ડિટરજન્ટ લિમિટિડેના ચૅરમૅનપદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. આ એક સરકારી કંપની છે, જે પ્રખ્યાત મૈસુર સૅન્ડલ સોપ બનાવે છે.
કર્ણાટકમાં ચૂંટણના બે મહિના પહેલાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે, જેનાથી ભાજપની મુશ્કેલીઓ વધી શકે એમ છે.
નોંધનીય છે કે કૉંગ્રેસ કર્ણાટકમાં '40 ટકા કમિશનની સરકાર'ના નામે અભિયાન ચલાવી રહી છે.
સોનિયા ગાંધી હૉસ્પિટલમાં દાખલ, ડૉક્ટરોએ જણાવ્યું, 'હાલત સ્થિર'
કૉંગ્રેસ પાર્ટીનાં નેતા સોનિયા ગાંધીને દિલ્હીમાં સર ગંગારામ હૉસ્પિટલમાં ભરતી કરાવાયાં છે. સાોનિયા ગાંધીને તાવ હોવાની ડૉક્ટરોએ માહિતી આપી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર હૉસ્પિટલે આ અંગે હેલ્થ બુલેટિન જાહેર કરીને એમની હાલત સ્થિર હોવાની જાણકારી આપી છે.
હૉસ્પિટલના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે ગુરુવારે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.
શ્વાસ સંબંધિત વિભાગમાં સિનિયર કન્સલટન્ટ અરૂપ બાસુએ જણાવ્યું છે, "ગાંધીના સ્વાસ્થ્ય પર નજર રખાઈ રહી છે અને તપાસ ચાલી રહી છે. એમની હાલત સ્થિર છે."
અમેરિકા, ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયાના વિદેશમંત્રીએ કહ્યું - રશિયાને તેની પરવાનગી ન આપી શકાય...
અમેરિકા, ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયાના વિદેશમંત્રીઓની શુક્રવારે નવી દિલ્હીમાં એક બેઠક થઈ હતી અને બાદમાં નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.
સમાચાર સંસ્થા રૉયટર્સના રિપોર્ટ અનુસાર, ક્વૉડ દેશોના આ જૂથે એવું પણ કહ્યું છે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ અથવા ઉપયોગની ધમકીને સ્વીકાર ન કરી શકાય.
ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઐતિહાસિક પરમાણુ હથિયાર નિયંત્રણ સમજૂતીને નિલંબિત કરી દીધી છે અને ન્યૂક્લિયર ટેસ્ટ ફરીથી કરવાની ધમકી આપી હતી.
અમેરિકન વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકને ભારતમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, "જો અમે રશિયાને કોઈ દંડ વગર યુક્રેનમાં જે કરી રહ્યું છે તે કરતા રહેવાની છૂટ આપતા રહ્યા તો દુનિયામાં હુમલાખોરોને આવો સંદેશ જશે કે તેઓ આવું કરીને બચી જશે."
જી20 દેશોની નવી દિલ્હીમાં મીટિંગથી અલગ બ્લિંકને ક્વૉડ જૂથના દેશોએ પોતાના સમકક્ષ નેતાઓ સાથે મુલાકાત કરી. આના એક દિવસ પહેલાં બ્લિંકને દિલ્હીમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરૉવ સાથે મુલાકાત કરી.
એક વર્ષ પહેલાં યુક્રેનના સંઘર્ષની શરૂઆત બાદ બંને નેતાઓની આ પ્રથમ બેઠક હતી. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે આ સંક્ષિપ્ત મુલાકાતમાં બ્લિંકને રશિયાને અપીલ કરી કે તેઓ યુદ્ધ ખતમ કરી દે.
જોકે રશિયન સમાચાર સંસ્થાએ રશિયન વિદેશમંત્રીને ટાંકતા કહ્યું કે લાવરોવ અને બ્લિંકનની મુલાકાત દસ મિનિટ કરતા પણ ઓછા સમય માટે થઈ હતી અને દરમિયાન કોઈ સોદા પર ચર્ચા થઈ નહીં.
બ્રેકિંગ, #IndvsAus: ઑસ્ટ્રેલિયા સામે ભારતનો 9 વિકેટે શરમજનક પરાજય
બૉર્ડર-ગાવસ્કર સિરીઝની ત્રીજી ટેસ્ટમેચ ઑસ્ટ્રેલિયાએ જીતી લીધી છે અને ભારતને 9 વિકેટે હરાવી દીધું છે.ભારતે જીતવા માટે ઑસ્ટ્રેલિયાને 76 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ઑસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ટ્રેવિસ હેડ 49 અને લાબુશેન 28 રન બનાવીને અણનમ રહ્યા હતા. ત્રીજા દિવસે અશ્વિને ખ્વાજાને આઉટ કરીને પ્રથમ સફળતા તો અપાવી પણ એ બાદ કોઈ ભારતીય બૉલર પોતાની બૉલિંગથી પ્રભાવિત ના કરી શક્યા અને કોઈ વિકેટ ના લઈ શક્યા.
આ વિજયની સાથે જ ઑસ્ટ્રેલિયા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
આ પહેલાં ટેસ્ટમેચના બીજા દિવસેભારતના બૅટ્સમૅન માત્ર 163 રનનો સ્કૉર નોંધાવી શક્યા હતા. અને એ રીતે ઑસ્ટ્રેલિયાને માત્ર 76 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો. જે એણે સરળતાથી હાંસલ કરી લીધો હતો.
ઑસ્ટ્રેલિયાના સ્પીનર નાથન લિઓને ભારતની સામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે - 'ન્યાયપાલિકા અને ભારતીય મીડિયા નિયંત્રણમાં છે'
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટનની મુલાકાતે ગયા છે. ત્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી.
યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ લગભગ એક કલાક લાંબું લેક્ચર આપ્યું હતું. આ લેક્ચરનો વીડિયો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સૅમ પિત્રોડાએ પોસ્ટ કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મીડિયા અને ન્યાયપાલિકા નિયંત્રણમાં છે. મારા ફોનમાં પેગાસસ છે. ઘણા અન્ય નેતાઓના ફોનમાં પણ પેગાસસ છે. કેટલાક ખુફિયા અધિકારીઓએ મને ફોન પર વાત કરતી વખતે સાવધાન રહેવાનું કહ્યું છે કારણ કે મારો ફોન રેકૉર્ડ થઈ રહ્યો છે. મારી ઉપર ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ બીજું શું કહ્યું?
·મારી વિરુદ્ધ કેટલાક ગુનાહિત મામલાના કેસ દાખલ કરવામાં આવ્યા છે જેને ગુનાની શ્રેણીમાં ન મૂકી શકાય.
·અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતજોડો યાત્રા કરી. યાત્રામાં ભારે સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા.
·આ યાત્રા મને સમજાયું કે મારી પાસે મારી આસપાસની જગ્યા સુરક્ષિત હોય જેથી યાત્રામાં જોડાયેલા લોકો સુરક્ષિત અનુભવી શકે.
·જ્યારે હું કાશ્મીર પહોંચ્યો તો સિક્યૉરિટી ગાર્ડ્સ્ આવ્યા અને કહ્યું કે – તમે કાશ્મીરમાં યાત્રા ન કરી શકો કારણ કે તમારી પર હૅન્ડ ગ્રેનેડથી હુમલો થઈ શકે છે.
·પછી અમે આપસમાં જ વાત કરી અને કાશ્મીરમાં યાત્રા શરૂ કરી. અમે જોયું કે હજારો લોકો તિરંગો લઈને યાત્રામાં જોડાતા ગયા.
·ત્યારે જ એક રસપ્રદ વાત થઈ. એક વ્યક્તિ અમારી પાસે આવી. તેણે યુવકો તરફ ધ્યાન દોરતાં કહ્યું કે તેઓ ઉગ્રવાદી છે. તેમણે મારી તરફ તાકીને જોયું. મેં તેમની તરફ જોયું પરંતુ તેઓ કંઈ કરી શક્યા નહીં. આ લોકોની વાત સાંભળવા અને અહિંસાની તાકાત છે.
નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
2માર્ચ સમાચાર વાંચવા માટેઅહીં ક્લિકકરો.