You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

શાળામાં ખાવાનું બનાવે છે મા, પુત્રને મળી 1 કરોડ 70 લાખની ફૅલોશિપ

રાઉઝ ઍવેન્યૂ કોર્ટે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને 4 માર્ચ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

લાઇવ કવરેજ

  1. માતા શાળામાં રસોઈ બનાવે છે, પુત્રને રૂ. 1 કરોડ 70 લાખની ફેલોશિપ મળી

    મહારાષ્ટ્રના બીડ જિલ્લાના રોહતવાડી ગામના યુવક ડૉ.મહેશ નાગરગોજેને વિશ્વ પ્રસિદ્ધ 'મૅરી ક્યુરી ફૅલોશિપ' મળી છે.

    આ ફૅલોશિપ યુરોપિયન કમિશન આપે છે, જેમાં એક લાખ 89 હજાર યુરો (લગભગ 1 કરોડ 70 લાખ રૂપિયા) મળે છે.

    આ ફૅલોશિપ હેઠળ મહેશ આગામી બે વર્ષ સુધી બ્રેઈન સ્ટ્રોક પર સંશોધન કરશે.

    જોકે મહેશ માટે આ સફર એટલી સરળ ન હતી. મહેશ અગિયાર મહિનાના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું.

    મહેશ અને તેમના મોટા ભાઈની જવાબદારી તેમનાં માતા ગયાબાઈ નાગરગોજે પર આવી પડી હતી.

    ગયાબાઈએ ક્યારેક મજૂરી કરી તો ક્યારેક ખેતરમાં કામ કર્યું અને બાળકોને ભણાવ્યાં. ગયાબાઈ 15 વર્ષથી વધુ સમયથી ગામની જિલ્લા પરિષદ શાળામાં રસોઈ બનાવવાનું કામ કરે છે.

    મહેશે પોતે પણ પ્રાથમિક શિક્ષણ ગામની જિલ્લા પરિષદ શાળામાંથી જ લીધું હતું. ત્યારબાદ તેમણે શિવાજી યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું અને પીએચડી માટે આઈઆઈટી ગૌહાટી ગયા હતા.

  2. 'એક મહિના સુધી હું રોજ રડતો હતો અને ધોનીએ આવીને કહ્યું...'

    વૅટરન ક્રિકેટર ઈશાંત શર્માને ટેસ્ટ ક્રિકેટના એમના યોગદાન બદલ હંમેશાં યાદ રાખવામાં આવશે. જોકે, ટેસ્ટમાં એમણે મેળવેલી સિદ્ધિનું પુનરાવર્તન તેઓ વનડે ક્રિકેટમાં નહોતા કરી શક્યા.વન ડે ક્રિકેટમાં એમણે પોતાના જીવનનો 'સૌથી નબળો' તબક્કો નિહાળ્યો અને એ વેળાએ કઈ રીતે મહેન્દ્ર સિંહ ધોનીએ એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હોવા અંગે એમણે વાત કરી છે.

    'ક્રિકબઝ' સાથેની વાતચીતમાં ઈશાંતે 2013ની ઑસ્ટ્રેલિયા સામેની એ વનડે મૅચની વાત વાગોળી હતી, જેમાં જૅમ્સ ફૉકનરે એમની એક ઓવરમાં જ 30 રન ફટકારી ભારતને હરાવી દીધું હતું.

    એ વખતે છેલ્લી ત્રણ ઓવરમાં ઑસ્ટ્રેલિયાને જીતવા માટે 44 રનની જરૂર હતી અને વિજય એના માટે મુશ્કેલ જણાઈ રહ્યો હતો.ક્રિઝ પર ઍડમ વૉગસ અને જૅમ્સ ફૉકનર હતા અને વૉગસ 72 રન કરી ચૂક્યા હતા.

    એવામાં ફૉકનર ઑસ્ટ્રેલિયા માટે હીરો બનીને ઊભર્યા અને એમણે ઈશાંતની એક જ ઓવરમાં ચાર સિક્સર અને એક બાઉન્ડ્રી ફટકારી દીધી.ફૉકનરની આ સિદ્ધિ ઈશાંત માટે નાલેશીમાં ફેરવાઈ ગઈ હતી. એ મૅચ ત્રણ બૉલ બાકી હતા ત્યારે જ ઑસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી.

    એ ઘટના ઈશાંતના કૅરિયર માટે સેટબૅક બની રહી હતી.જેવાતે ઈશાંતને સૌથી વધુ દુખી કર્યા હતા એ હતી કે એમની ઓવરમાં ફૉકનરે ફટકારેલા એ 30 રન હતા જેના લીધે ભારતનો પરાજય થયો હતો.ઈશાતે જણાવ્યું હતું કે એ મૅચ પછી લગભગ એક મહિના સુધી તેઓ રડ્યા હતા.

    ફાસ્ટ બૉલરે ઉમેર્યું હતું, "ઑસ્ટ્રેલિયા સામેની એ મૅચ મારો સૌથી નબળો તબક્કો હતી.એ મારા માટે ભારે મુશ્કેલ હતું. મેં ઘણા રન આપ્યા એ નહીં, પણ હું ટીમના પરાજયનું કારણ બન્યો એ વાત મને સૌથી વધુ ડંખી હતી.એ વખતે હું મારી પત્નીને ડૅટ કરી રહ્યો હતો. હું એમની સાથે વાત કરતો અને લગભગ એક મહિના સુધી રડતો રહ્યો હતો. હું એમને રોજ ફોન કરતો અને રડતો કે ટીમ મારા લીધે હારી ગઈ."

    "જોકે, સારી બાબત એ હતી કે માહીભાઈ (એમ.એસ. ધોની) અને શીખર ધવન મારા રૂમમાં આવ્યા હતા અને એમણે કહ્યું હતું, 'જો, તું સારું રમી રહ્યો છે.માત્ર એ એક મૅચના લીધે લોકો એવું માનવા લાગ્યા હતા કે હું વનડેનો બૉલર નથી.'

    એ સિરીઝમાં ઈશાંતને ટીમ11માંથી બહાર કરી દેવાયા હતા અને 2016માં એમણે પોતાની છેલ્લી મૅચ રમી હતી.

  3. બ્રેકિંગ, સિસોદિયા 4 માર્ચ સુધી રિમાન્ડ પર

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર રાઉઝ ઍવેન્યૂ કોર્ટેદિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને 4 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

    સીબીઆઈએ સિસોદિયાની દિલ્હીમાં શરાબનીતિ અંતર્ગત આચરવામાં આવેલા કથિત કૌભાંડના મામલે ધરપકડ કરી હતી.

  4. મનીષ સિસોદિયાની સીબીઆઈ રિમાન્ડની માગ પર કોર્ટનો ફેંસલો સુરક્ષિત

    સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને ધરપકડ બાદ રાઉઝ ઍવેન્યૂ કોર્ટમાં રજૂ કર્યા.

    સીબીઆઈએ સિસોદિયા માટે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા છે. સુનાવણી બાદ કોર્ટે ફેંસલો સુરક્ષિત રાખ્યો છે.સીબીઆઈએ કહ્યું છે કે આ મામલે પૂછપરછ કરવાની છે એટલે રિમાન્ડ જરૂરી છે.

    સિસોદિયા પર 2021માં શરાબનીતિ ઘડવા અને એને લાગુ કરતી વખતે આચરવામાં આવેલી કથિતિ ગેરરીતિમાં સામેલ હોવાનો આરોપ છે.બીજી તરફ, સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે.

    દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આ વિરોધપ્રદર્શનને પહોંચી વળવા માટે કોર્ટ સંકુલની આસપાસ સુરક્ષાવ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે.

  5. મનીષ સિસોદિયાની ધરપકડ કયા આરોપ હેઠળ થઈ છે? શું આખો મામલો?

  6. મેઘાલય-નાગાલૅન્ડમાં ચૂંટણી : બપોર સુધીમાં કેટલું નોંધાયું મતદાન?

    મેઘાલય અને નાગાલૅન્ડની વિધાનસભાની યોજાઈ રહેલી ચૂંટણીમાં બપોરે એક વાગ્યા સુધી ક્રમશ: 44.73 અને 57.06 ટકા લોકોએ મતદાન નોંધાયું.

    સમાચાર સંસ્થા એએનઆઈના અનુસાર સવારે નવ વાગ્યા સુધી ક્રમશ 12 અને 16 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

    બન્ને રાજ્યોમાં સવારે સાત વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે.

    બન્ને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. જોકે, રાજ્યોમાં એક-એક બેઠક માટે મતદાન નથી થઈ રહ્યું.

    મેઘાલયમાં એક બેઠક પર યુડીપીના ઉમેદવાર એચડીઆર લિંગદોહના મૃત્યુના લીધે ચૂંટણી અટકી ગઈ. તો નાગાલૅન્ડમાં ભાજપના એક ઉમદેવાર બિનહરીફ ચૂંટાઈ ગયા.

  7. ઐતિહાસિક સ્થળોના નામ બદલવાની ભાજપ નેતાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

    સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોના મૂળ નામ જાણીને તેને હાલના નામની જગ્યાએ રાખવાની માગ કરવાની એક અરજી ફગાવી દીધી છે.

    ભાજપ નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયની આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિદેશોથી આવેલા આક્રમણકારીઓએ ઘણી જગ્યાના નામ બદલી નાખ્યા હતા.

    આ સાથે કેન્દ્ર સરકારને 'પુન: નામકરણ આયોગ' સ્થાપિત કરવાનો આદેશ આપવાની માગ કરવામાં આવી હતી.

    જસ્ટિસ કેએમ જોસેફના નેતૃત્વની બૅન્ચે પોતાના આદેશમાં કહ્યું, "હિંદુ કોઈ ધર્મ નહી પણ જીવન જીવવાની રીત છે. આ ધર્મમાં કોઈ કટ્ટરતા નથી. ઇતિહાસને ન ખોદવો જોઈએ જેથી વૈમનસ્ય ઊભું ન થાય."

    આ બૅન્ચના અન્ય એક સભ્ય જસ્ટિસ બીવી નાગરત્નએ કહ્યું કે અંગ્રેજોની 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિથી આપણા સમાજમાં ભાગલા પડ્યા. હવે ફરીથી એ સમયમાં ન જઈ શકાય.

  8. “મોદીસાહેબ એવું કહે છે કે ખેડૂતોને ડબલ ભાવ મળ્યા, તો આમાં...” ગુજરાતના ડુંગળી વાવનારા ખેડૂતોની ફરિયાદ

  9. આ મહિલા ક્રિકેટરે બાળકના જન્મ બાદ વિમેન્સ પ્રીમિયર લીગમાં રમવા માટેની ફિટનેસ કેવી રીતે મેળવી?

  10. મેઘાલય અને નાગાલૅન્ડમાં નવ વાગ્યા સુધી કેટલું થયું મતદાન?

    મેઘાલય અને નાગાલૅન્ડની વિધાનસભા ચૂંટણી માટે આજે સોમવારે સવારે નવ વાગ્યા સુધીમાં ક્રમશઃ 12 અને 16 ટકા મતદાન થયું છે.

    સમાચાર એજન્સી એએનઆઈએ ચૂંટણીપંચને ટાંકીને જણાવ્યું છે કે મેઘાલયમાં સવારે નવ વાગ્યા સુધીમાં 12.06 ટકા મતદાન થયું છે. જ્યારે નાગાલૅન્ડમાં 15.76 ટકા મતદાન નોંધાયું છે.

    બંને રાજ્યોમાં સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે.

    બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. જે પૈકી એક-એક બેઠક પર મતદાન યોજાયું નથી.

    મેઘાલયમાં એક બેઠક પર યુડીપીના ઉમેદવાર એચડીઆર લિંગદોહનાં મૃત્યુનાં લીધે ચૂંટણી ટાળવામાં આવી છે. જ્યારે નાગાલૅન્ડમાં ભાજપના એક ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે.

  11. ઇટલી : શરણાર્થીઓને લઈને આવી રહેલી બોટ ડૂબી, 60ના મૃત્યુ, ઘણા લોકો ગુમ

    દક્ષિણ ઇટલીના તટ પાસે એક બોટ ડૂબી જતા અંદાજે 60 શરણાર્થીઓનાં મૃત્યુ થયા છે. મૃતકોમાં 12 બાળકો પણ હતા. જ્યારે ઘણાબધા લોકો હજી ગુમ છે.

    ઇટલીની ન્યુઝ એજન્સી એન્સા પ્રમાણે, મૃતકોમાં થોડાક મહિના પહેલાં જન્મેલું બાળક પણ છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર શરણાર્થીઓને લઈને તુર્કીથી ઇટલી જઈ રહેલી બોટ મધદરિયે તૂટી પડી હતી.

    આ દુર્ઘટના ઇટલીના કાલાબ્રિયાના ક્રોટોન શહેરના તટ પાસે થઈ હતી.

    ઇટલીના રાષ્ટ્રપતિ સર્જિયો મૅટરેલા અનુસાર, બોટ પર સવાર ઘણા લોકો ખરાબ પરિસ્થિતિઓથી બચીને ઇટલી જઈ રહ્યા હતા.

    બોટમાં સવાર લોકોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સોમાલિયા અને ઈરાનના નાગરિકો સામેલ હતા.

    આ બોટ પર કેટલા લોકો સવાર હતા, અત્યાર સુધી તેની જાણ થઈ શકી નથી. પણ રાહત અને બચાવકાર્ય સાથે જોડાયેલા લોકોએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે આ બોટ પર 200થી વધુ લોકો સવાર હતા.

    તેનો અર્થ એ થાય છે કે હજી પણ 60થી વધુ લોકો ગુમ હોઈ શકે છે. ઘટનાસ્થળની મુલાકાત લેનારા ઇટલીના ગૃહમંત્રી મૅટિયો પિયાનટેડોસીએ જણાવ્યું કે હજી 30 જેટલા લોકો ગુમ છે.

    કોસ્ટગાર્ડે જણાવ્યું કે 80 લોકોને જીવતા બચાવી લેવાયા છે. ઘણા લોકો જાતે તરીને બચવામાં સફળ રહ્યા હતા.

    ગરીબી અને યુદ્ધથી બચીને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આફ્રિકન દેશોમાંથી ચોરીછૂપે ઇટલી પહોંચે છે. આ દરમિયાન ઘણી વખત બોટ ડૂબવા જેવી દુર્ઘટનાઓ સર્જાય છે.

  12. પંજાબના CM ભગવંત માને ગુજરાતના ખેડૂતોને કહ્યું, 'ડુંગળી ફેંકશો નહીં, અમે ખરીદીશું'

    હાલ ડુંગળીનો ભાવ ખૂબ જ નજીવો મળી રહ્યો હોવાથી ગુજરાતમાં ડુંગળી ઉગાડતા ખેડૂતો ત્રસ્ત છે. ત્યારે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને રવિવારે ભાવનગરમાં ખેડૂતોને ખાતરી આપી હતી કે પંજાબ અને દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર ટ્રેન મોકલીને તેમની ડુંગળી ખરીદશે.

    એનડીટીવીના અહેવાલ પ્રમાણે, ગુજરાત મુલાકાતે આવેલા પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનને મળવા માટે ભાવનગરના કેટલાક ખેડૂતો સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.

    જ્યાં ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે ડુંગળીનો ભાવ ન મળતો હોવાથી તેને નષ્ટ કરવાના પગલાં ભરવા મજબૂર થઈ ગયા છે.

    મુખ્ય મંત્રી માને તેમને કહ્યું હતું કે તેઓ પંજાબ અને દિલ્હીમાં ડુંગળીની માગ વિશે જાણકારી મેળવશે અને બાદમાં વિશેષ ટ્રેનો મોકલીને ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદશે.

    તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે આવનારા થોડાક દિવસો માટે પાકને નષ્ટ કરશો નહીં.

    ભગવંત માનને મળવા ગયેલા એક ખેડૂત નિકુલસિંહ ઝાલાને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભાવનગરમાં ઊગતી ડુંગળી તેની ઉચ્ચ ગુણવત્તા માટે જાણીતી છે પરંતુ જથ્થાબંધ વેપારીઓની ઇજારાશાહીના કારણે તેનો યોગ્ય ભાવ મળતો નથી.

    થોડા દિવસ પહેલાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે બમ્પર ઉપજના કારણે ખેડૂતોને એપીએમસીમાં ડુંગળીના એક કિલોદીઠ માત્ર બે રૂપિયા મળે છે.

  13. મેઘાલય અને નાગાલૅન્ડ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, બીજી માર્ચે પરિણામ

    ઉત્તર-પૂર્વ ભારતના રાજ્ય મેઘાલય અને નાગાલૅન્ડની વિધાનસભા ચૂંટણી માટે સોમવારે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ આ બંને રાજ્યોમાં સાંજે ચાર વાગ્યા સુધી મતદાન ચાલશે.

    બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે પણ બંને રાજ્યોમાં એક-એક બેઠક પર મતદાન યોજાઈ રહ્યું નથી.

    મેઘાલયમાં એક બેઠક પર યુડીપીના ઉમેદવાર એચડીઆર લિંગદોહનાં મૃત્યુનાં લીધે ચૂંટણી ટાળવામાં આવી છે. જ્યારે નાગાલૅન્ડમાં ભાજપના એક ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે.

    મેઘાલયમાં અંદાજે 22 લાખ મતદાર

    મેઘાલાયમાં મતદારોની સંખ્યા 21.75 લાખ છે, જેમાંથી 10.99 લાખ મહિલા અને 10.68 લાખ પુરુષો છે. રાજ્યમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોની સંખ્યા 81 હજાર છે.

    અહીં ગારો પર્વતીય વિસ્તારમાં બેઠકોની કુલ સંખ્યા 24 છે. જ્યારે ખાસી અને જયંતિયા પર્વતીય વિસ્તારોમાં બેઠકોની કુલ સંખ્યા 36 છે.

    નાગાલૅન્ડમાં 13 લાખ મતદાર

    નાગાલૅન્ડમાં મતદારોની સંખ્યા 13.17 લાખ છે. જેમાં 6.61 લાખ મહિલા અને 6.56 લાખ પુરુષોનો સમાવેશ થાય છે.

    નાગાલૅન્ડમાં આ વખતે કુલ 183 ઉમેદવારો મેદાને છે. જેમાંથી ચાર મહિલાઓ પણ છે.

    હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ વખતે પણ નાગાલૅન્ડમાં કોઈ મહિલા ધારાસભ્ય ચૂંટાય છે કે કેમ.

    છેલ્લા 60 વર્ષમાં નાગાલૅન્ડમાં એક પણ વખત મહિલા ઉમેદવાર ચૂંટણી જીત્યાં નથી.

    આજે જાહેર થશે ઍક્ઝિટ પોલ

    ત્રિપુરા વિધાનસભા સહિત આ ત્રણેય રાજ્યોના ઍક્ઝિટ પોલ સોમવારે સાંજે જાહેર થશે.

    ત્રણેય વિધાનસભાના પરિણામો ગુરુવારે એટલે કે બીજી માર્ચે સામે આવશે.

  14. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ સરકારી કર્મચારીઓ 'રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ' કરવા બદલ નોકરીમાંથી બરતરફ

    જમ્મુ-કાશ્મીર સરકારે રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરવાના આરોપસર સરકારી કર્મચારીઓને રવિવારે નોકરીમાંથી બરતરફ કર્યા છે.

    આ કાર્યવાહી ભારતીય બંધારણના અનુચ્છેદ 311 અંતર્ગત કરવામાં આવી છે.

    બંધારણના આ અનુચ્છેદ અંતર્ગત કોઈ પણ રાજ્ય કે કેન્દ્રીય સરકારના કર્મચારીને બરતરફ કરવામાં આવી શકે છે.

    સ્થાનિક પ્રશાસને જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સામેલ હતા અને તેમની ગતિવિધિઓ તપાસ એજન્સીઓની નજરમાં આવી હતી.

    નિવેદન મુજબ આ લોકો 'આતંકવાદ અને ડ્રગ્ઝ' સંબંધિત ગતિવિધિઓમાં સામેલ હતા.

    બરતરફ કરાયેલા કર્મચારીઓમાં એક પીડબલ્યુડીના જુનિયર એન્જિનિયર, સમાજ કલ્યાણ વિભાગના એક કર્મચારી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે.

    આ પૈકી એક કર્મચારી પર યુવાનોને 'આતંકવાદી ગતિવિધિઓ'માં સામેલ કરવા માટે ભડકાવવાનો આરોપ છે.

    અન્ય એક કર્મચારી પર ડ્રગ્ઝ તસ્કરી અને ત્રીજા કર્મચારી પર વિસ્ફોટકો લગાવવાનો આરોપ છે.

    જમ્મુ-કાશ્મીરમાં આ પ્રકારના આરોપો અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 44 સરકારી કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

  15. જ્યારે પણ અન્યાય થાય ત્યારે દરમિયાનગીરી કરવી અમારી ફરજ : ચીફ જસ્ટિસ ચંદ્રચુડ

    ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે રવિવારે કહ્યું કે અદાલતો હંમેશા નીતિ વિષયક બાબતોમાં દખલ ન કરી શકે.

    તેમણે કહ્યું કે "સુપ્રીમ કોર્ટે એડમિશન પહેલાં પણ દરમિયાનગીરી કરવી પડી છે. મારી પાસે એક કેસ આવ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીને વિકલાંગ હોવાને કારણે એમબીબીએસમાં એડમિશન મળતું ન હતું. આ સિવાય નીટ (NEET) જેવા મામલા પણ મારી બૅન્ચ સમક્ષ આવ્યા હતા."

    રવિવારે દિલ્હીમાં સર ગંગારામ હૉસ્પિટલ દ્વારા આયોજિત 19મા સર ગંગારામ ભાષણ શ્રેણીમાં ચીફ જસ્ટિસે કહ્યું, "જ્યારે પણ અન્યાય થાય ત્યારે દરમિયાનગીરી કરવી અમારી ફરજ છે."

    તેમણે કહ્યું કે ન્યાયનો સિદ્ધાંત કાયદો અને મેડિસિન બંને ક્ષેત્રોમાં લાગુ પડે છે.

    કાયદામાં દરેક વ્યક્તિ સાથે નિષ્પક્ષતા રાખવામાં આવે છે અને મેડિસિન ક્ષેત્રમાં દરેકને સમાન સેવા મેળવવાનો અધિકાર છે.

  16. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ કવરેજ પેજ પર આપનું સ્વાગત છે.

    અહીં ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના મહત્ત્વના સમાચારો સતત મળતા રહેશે.

    આપ અમારી સાથે જોડાયેલા રહો.

    26 ફેબ્રુઆરીની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો