અમેરિકન
રાષ્ટ્રપતિ જો બાઇડને પોલૅન્ડની રાજધાની વૉરસોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર
પુતિન પર નિશાન સાધતા કહ્યું કે સરમુખત્યારો માત્ર એક જ શબ્દ સમજે છે: "ના, ના, ના."
નેટોને અગાઉ
કરતાં વધુ મજબૂત બનાવવાનું વચન આપતા બાઇડને કહ્યું, "પુતિને વિચાર્યું હતું કે દુનિયા પલટાઈ જશે, પણ તેઓ ખોટા
હતા."
તેમણે કહ્યું, "રશિયન હુમલા દરમિયાન યુક્રેન મજબૂત, ગર્વથી ભરપૂર અને આઝાદ છે અને યુક્રેનને
પશ્ચિમી દેશોનું સમર્થન બેકાર નહીં જાય."
બાઇડને
પશ્ચિમી દેશોનાં લોકતંત્રની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ સૌ રશિયન હુમલાના ઇરાદાનો
પર્દાફાશ કરવા એકજૂથ છે.
વૉર્સોના શાહી
મહેલમાં તેમણે વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો પર લગાવેલા આરોપોનો જવાબ આપ્યો. આ
પહેલાં તેમણે મંગળવારે પુતિને મૉસ્કોમાં યુક્રેન સંકટ માટે પશ્ચિમી દેશોની
ઉશ્કેરણીજનક કાર્યવાહીને જવાબદાર ઠેરવી હતી.
પોલૅન્ડના
રાષ્ટ્રપતિ આંદ્રેઝ ડૂડાએ જો બાઇડનનું સ્વાગત કરતાં કહ્યું કે યુક્રેનની રાજધાની
કિએવની યાત્રા કરીને બાઇડને દર્શાવ્યું કે આઝાદ વિશ્વને કોઈથી ડર નથી.
ડૂડાએ કહ્યું
કે નેટોનું કામ આઝાદ વિશ્વનું રક્ષણ અને મદદ કરવાનું રહ્યું છે. તેમના અનુસાર, યુક્રેને આ લડાઈ જીતવી પડશે.
વ્લાદિમીર પુતિનના ગંભીર આરોપ
આ પહેલાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં રશિયાના 'સ્પેશિયલ ઑપરેશન'ને એક વર્ષ પૂર્ણ થવા પર મંગળવારે રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું હતું.
મૉસ્કોના ગોસ્ટિની ડાવર હૉલમાં તેમનું સંબોધન સાંભળવા મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તેમણે શાંતિ સ્થાપવા માટે પશ્ચિમી દેશોની પ્રતિબદ્ધતાને દગો અને મોટું જૂઠ્ઠાણું ગણાવ્યું હતું.
તેમણે યુક્રેન પર જૈવિક અને પરમાણુ હથિયારો એકઠાં કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો હતો.