અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અચાનક જ કિએવ પહોંચ્યા

બાઇડન યુક્રેનના પડોશી રાષ્ટ્ર પોલૅન્ડની મુલાકાતે ગયા હતા ત્યાંથી તેમણે આ 'સરપ્રાઇઝ વિઝિટ' કરી હતી.

લાઇવ કવરેજ

  1. ગુજરાતમાં આ વર્ષે ચોમાસા પર ખતરો તોળાઈ રહ્યો છે? ચોમાસા પર અસર કરતી અલ નીનો સિસ્ટમ શું છે?

  2. પતિની હત્યા કરીને પત્નીએ તેના અંગોને બીજા રાજ્યમાં ફેંકી દીધા

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    જઘન્ય હત્યાના કિસ્સાઓ હાલમાં સમાચારોમાં ચમકી રહ્યા છે. શ્રદ્ધા વાલકરની તેના બૉયફ્રેન્ડ અને લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલા દ્વારા હત્યા કે પછી નિક્કી યાદવની તેના કથિત પતિ અને લિવ-ઇન પાર્ટનર સાહિલે કરેલી હત્યા, આ તમામ કિસ્સાએ દેશમાં હલચલ મચાવી દીધી હતી. આવી જ એક જઘન્ય હત્યાની ઘટના આસામમાં પ્રકાશમાં આવી છે, જેમાં એક મહિલાએ તેના પતિની હત્યા કરીને તેના શરીરના ટુકડા અન્ય રાજ્યમાં ફેંકી દીધા.

    હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે ગુવાહાટી પોલીસે ગત વર્ષે હત્યા કરાયેલા બે પીડિતોને શોધવા માટે એક સ્પેશિયલ ટીમની રચના કરી છે. આ રચના ત્યારે કરવામાં આવી છે જ્યારે હત્યાનાં મુખ્ય શકમંદ બંદના કાલિટાએ પોલીસ કમિશનરની ઑફિસમાં ફરિયાદ કરી કે તેમણે કરેલી ફરિયાદ પર તપાસ કરવામાં આવી નથી રહી.

    હિંદુસ્તાન ટાઇમ્સના આ અહેવાલ અનુસાર આસામની ગુવાહાટી પોલીસે એક મહિલા અને તેના બે પુરુષ મિત્રોની કથિત રીતે ગત વર્ષે તેમની સાસુ અને પતિની જુલાઈ-ઑગસ્ટમાં હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી છે.

    પોલીસે હિંદુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે એક જીમ ઇન્સ્ટ્રક્ટર બંદના કાલિટાએ કથિત રીતે તેમનાં સાસુ શંકરી ડેની ગત વર્ષે 26 જુલાઈ અને તેમના બેરોજગાર પતિ અમરજ્યોતી ડેની ઑગસ્ટ 17ના રોજ પોતાના બે મિત્રો ધાંતી દેકા અને અરૂપ દેકાની મદદથી હત્યા કરી નાખી હતી.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    કાલિટાનાં સાસુ શંકરી ડે એક નિવૃત્ત સરકારી કર્મચારી હતાં. જ્યારે કાલિટાને મદદ કરનારા ધાંતી દેકા એક ટેક્સી ડ્રાઇવર છે અને અરૂપ દેકા શાકભાજીનો ફેરિયો છે.

    બંદના કાલિટા અને તેના બે મિત્રોએ ભેગા મળીને શંકરી ડે અને અમરજ્યોતી ડેના શરીરના ટુકડા કર્યા હતા અને તેમનો નિકાલ કરવા માટે પાડોશમાં આવેલા રાજ્ય મેઘાલયમાં બે વખત પ્રવાસ કર્યો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની કબૂલાતના આધારે મૃતક શંકરી ડેના શરીરના ટુકડા શોધી કાઢવામાં આવ્યા છે અને તેમના પુત્ર અમરજ્યોતીના શરીરની શોધ ચાલી રહી છે.

    હિંદુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં ગુવાહાટીના પોલીસ કમિશનર દિગંતા બારાહે કહ્યું હતું કે, ‘જ્યારે બંદના કાલિટાએ નૂનમતી પોલીસ સ્ટેશનમાં 29 ઑગસ્ટના રોજ તેમના પતિ અને સાસુ ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસમાં બન્ને વ્યક્તિને શોધી કાઢવા માટેના તમામ પ્રયત્નો કર્યાં પરંતુ તેમને શોધવામાં નિષ્ફળતા મળી હતી.’

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ત્યારબાદ 21 નવેમ્બરે શંકરી ડેના ભત્રીજા નિર્માલ્ય ડેએ નૂરમતી પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ દાખલ કરી હતી કે તેમના ગૂમ થયેલાં કાકીના બૅન્ક એકાઉન્ટમાંથી એટીએમ કાર્ડના ઉપયોગથી નાણા ઉપાડવામાં આવી રહ્યા છે. તેમણે એવી શંકા વ્યક્ત કરી હતી કે તેમનું અને તેમના પુત્રનું અપહરણ થયું હોઈ શકે. પોલીસે ફરીવાર તપાસ કરી અને ત્યારબાદ પણ તેમને કોઈ ખાસ સફળતા ન મળી.

    ત્યારબાદ ગત 14 ફેબ્રુઆરી 2023ના રોજ કાલિટાએ ગુવાહાટી પોલીસ કમિશનર ઑફિસમાં એવી ફરિયાદ આપી હતી કે પોલીસ તેમણે નોંધાવેલી તેમના સાસુ અને પતિના ગુમ થઈ જવાની ફરિયાદમાં કોઈ કામગીરી નથી કરી રહી. એ જ દિવસે નિર્માલ્ય ડેએ પણ પોલીસના સીઆઈડીમાં ફરિયાદ કરી હતી કે તેમની ફરિયાદમાં કોઈ તપાસ નથી થઈ.

    આ બન્ને ફરિયાદોને આધારે પોલીસે બન્ને કેસની તપાસ કરવા માટે એક ટીમની રચના કરી હતી. જેની તપાસમાં બંધના કાલિટા અને નિર્માલ્ય ડેની પોલીસે સઘન પૂછપરછ કરી હતી. જેમાં બંદના કાલિટાના નિવેદનોમાં એકરૂપતા જોવા મળી નહોતી અને સતત બે દિવસની પૂછપરછ બાદ બંદનાએ તેની સાસુ અને પતિની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી.

  3. એ કવિ, જેણે 20 રૂપિયાના પગારે ગુજરાતનાં ગામડાં ખૂંદ્યાં અને ઇતિહાસ એકઠો કર્યો

    દલપતરામ

    21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે. માતૃભાષામાં જે-તે પ્રદેશ અને તેને બોલનારા જનસમૂહની સંસ્કૃતિ, આચારવિચાર અને મૂલ્યો સમાયેલાં હોય છે.

    ગુજરાતી ભાષા પણ ગુજરાતની સંસ્કૃતિ અને જનસમૂહની ખાસિયતોથી સિંચાયેલી છે. ગુજરાતી ભાષાને અનેક સાહિત્યકારો, વિદ્વાનો, લેખકો, અભ્યાસુઓ અને તેને બોલનારા કરોડો લોકોએ સતત વહેતી રાખી છે. ગુજરાતી સાહિત્યના એક અદના કવિએ અંગ્રેજી શાસનકાળ દરમિયાન ગુજરાતી ભાષા બોલનારા સમાજ અને સંસ્કૃતિને સમગ્ર પ્રદેશમાં ફરીને, પરસેવો પાડીને તેનું દસ્તાવેજીકરણ કર્યું હતું.

    વાંચો એ કવિ દલપતરામની ભાષા અને સંસ્કૃતિ માટેના રઝળપાટની અનોખી કહાણી...

  4. આયર્લૅન્ડ સામે ભારતનાં 6 વિકેટે 155 રન, સ્મૃતિની વિસ્ફોટક 87 રનની ઈનિંગ

    સ્મૃતિ મંધાના

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સ્મૃતિ મંધાના

    આઈસીસી મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપમાં આજે ગ્રૂપ-બીમાં ભારત અને આયર્લૅન્ડ વચ્ચે મૅચ રમાઈ રહી છે.

    દક્ષિણ આફ્રિકાના કેબેરાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં ભારત અને આયર્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી મૅચમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.

    ભારતની ઇનિંગનાં અંતે આયર્લૅન્ડ સામે 6 વિકેટે 155 રન નોંધાવ્યા.

    ભારતનાં ઑપનર સ્મૃતિ મંધાના અને શફાલી વર્માએ મજબૂત શરૂઆત કરી હતી.

    બંને વચ્ચે 9.3 ઓવરમાં 62 રનની પાર્ટનરશીપ નોંધાઈ હતી અને શફાલી 29 બૉલમાં 24 રન ફટકારીને આઉટ થયા હતા.

    સ્મૃતિ મંધાનાએ માત્ર 56 બૉલમાં 87 રન નોંધાવ્યાં હતાં. આ ઈનિંગમાં તેમણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યાં હતાં. સ્મૃતિની સ્ફોટક ઈનિંગને કારણે ભારત 155 રનનો સન્માનજનક સ્કૉર કરી શક્યું હતું.

    કપ્તાન હરમનપ્રીત 20 બૉલમાં 13 રન બનાવીને આઉટ થયાં હતાં.

    જેમિમાં ઈનિંગના આખરી બૉલમાં આઉટ થયાં હતાં. તેમણે 12 બૉલમાં 19 રન નોંધાવ્યાં હતાં.

    આયર્લૅન્ડ તરફથી બૉલિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કપ્તાન લૌરા ડૅલૅનીએ 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

    ઑર્લાએ સસ્તી બૉલિંગ ફેંકીને 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

    ગ્રૂપ-એમાં ઑસ્ટ્રેલિયા ટોચ પર છે. ઑસ્ટ્રેલિયાની ટીમે 4 મૅચમાંથી તમામમાં જીત મેળવી છે અને 8 પૉઈન્ટ અંકે કર્યા છે.

    જ્યારે ગ્રૂપ-બીમાં ઈંગ્લૅન્ડની ટીમ 6 પૉઈન્ટ સાથે ટોચ પર છે.

    ભારત અત્યાર સુધીમાં ત્રણ પૈકી બે મૅચમાં જીત્યું છે અને 4 પૉઈન્ટ સાથે ગ્રૂપ બીમાં બીજા ક્રમે છે.

    ભારતનું કટ્ટર હરીફ મનાતી પાકિસ્તાનની ટીમ 3 મૅચમાંથી એકમાં જ જીત મેળવી શકી છે. આમ તે ચોથા ક્રમે છે.

  5. રાજકોટ : 'તમારી ગાડીમાં દારૂ છે', નકલી પોલીસ ત્રાટકી અને મિનિટોમાં દોઢ ટન ઘરેણાં લૂંટી લેવાયાં

    રાજકોટ

    રાજકોટની ન્યૂઝ ઍર સર્વિસ નામની કુરિયર કંપનીમાં ડ્રાઇવર તરીકે છેલ્લાં આઠ વર્ષથી નોકરી કરતા અમિત કહાર અને તેમના સાથી ત્રિવેણી રાબેતા મુજબ 17 ફેબ્રુઆરીની સાંજે રાજકોટથી કુરિયરનો સામાન લઈને અમદાવાદ ઍરપોર્ટ પહોંચાડવા માટે નીકળ્યા.

    પરંતુ તેઓ અમદાવાદ પહોંચી ન શક્યા. અને તેમની કંપનીને તથા એમની કંપની મારફતે કુરિયરનો સામાન મોકલનારા વેપારીઓને કુલ મળીને 3 કરોડ 93 લાખ 61 હજાર 318 રૂપિયાનો ફટકો પડ્યો.

    આ નુકસાન પાછળનું કારણ હતું રાજકોટ અમદાવાદ હાઇવે પર સાયલા નજીક મોડર્ન હાઇસ્કૂલ પાસે ડ્રાઇવર અમિત કહાર અને ક્લિનર ત્રિવેણીને રોકીને મારીને તેમની બંધ બૉડીની એસયુવીમાંથી કરવામાં આવેલી 992 કિલોગ્રામ ચાંદી અને 704 કિલોગ્રામ ઇમિટેશન જ્વેલરીની લૂંટ.

    જાણો કેવી કરવામાં આવી લૂંટ જેમાં હજી પણ પોલીસ લૂંટારાઓને શોધી રહી છે...

  6. મહિલા ટી-20 વર્લ્ડ કપ: આયર્લૅન્ડ સામે ભારતનાં 7.3 ઓવરમાં વિના વિકેટે 50 રન

    હરમનપ્રીત કૌર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, હરમનપ્રીત કૌર

    આઈસીસી મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપમાં આજે ગ્રૂપ-બીમાં ભારત અને આયર્લૅન્ડ વચ્ચે મૅચ રમાઈ રહી છે.

    દક્ષિણ આફ્રિકાના કેબેરાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં ભારત અને આયર્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી મૅચમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.

    ભારતનાં ઑપનર સ્મૃતિ મંધાના અને શફાલી વર્માએ મજબૂત શરૂઆત કરી છે.

    બંનેએ 7.3 ઓવરમાં 50 રનની પાર્ટનરશીપ નોંધાવી છે.

    ગ્રૂપ-એમાં ઑસ્ટ્રેલિયા ટોચ પર છે. ઑસ્ટ્રેલિયાની ટીમે 4 મૅચમાંથી તમામમાં જીત મેળવી છે અને 8 પૉઈન્ટ અંકે કર્યા છે.

    જ્યારે ગ્રૂપ-બીમાં ઈંગ્લૅન્ડની ટીમ 6 પૉઈન્ટ સાથે ટોચ પર છે.

    ભારત અત્યાર સુધીમાં ત્રણ પૈકી બે મૅચમાં જીત્યું છે અને 4 પૉઈન્ટ સાથે ગ્રૂપ બીમાં બીજા ક્રમે છે.

    ભારતનું કટ્ટર હરીફ મનાતી પાકિસ્તાનની ટીમ 3 મૅચમાંથી એકમાં જ જીત મેળવી શકી છે. આમ તે ચોથા ક્રમે છે.

  7. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન

    ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીનું 88 વર્ષની વયે નિધન થયું છે

    ઇમેજ સ્રોત, www.governor.mp.gov.in

    ઇમેજ કૅપ્શન, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીનું 88 વર્ષની વયે નિધન થયું છે

    ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીનું અવસાન થયું છે. તેઓ વર્ષ 2014થી 2019 દરમિયાન ગુજરાતના રાજ્યપાલ હતા. તેઓ 88 વર્ષના હતા.

    ઓપી કોહલીએ દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કૉલેજ અને દેશબંધુ કોલેજમાં 37 વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું હતું અને રીડર તરીકે નિવૃત્ત થયા હતા.

    તેઓ વર્ષ 1994થી 2000 દરમિયાન રાજ્યસભાના સભ્યપદે રહ્યા હતા.

    ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

    તેમના પરિવારમાં પત્ની અવિનાશ કોહલી તથા એક પુત્ર અને બે દીકરીઓ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. 'કેબલ કટાયેલો હતો, 22 તાર પહેલાંથી તૂટેલા હતા', મોરબી પુલદુર્ઘટનાના SIT રિપોર્ટમાં કેવા ખુલાસા કરાયા?

    મોરબી પુલ દુર્ઘટના

    ઇમેજ સ્રોત, GUJARATTOURISM

    30 ઑક્ટોબર 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજ તૂટી પડતાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ મામલે સરકાર દ્વારા ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) પ્રાથમિક રિપોર્ટ જમા કરાવ્યો છે.

    રિપોર્ટ અનુસાર, મોરબી ઝૂલતા પુલના મુખ્ય બે કેબલ પૈકીનો એક કટાયેલી હાલતમાં હતો અને દુર્ઘટના પહેલાં જ તેના અડધા વાયરો તૂટી ગયા હતા.

    આઈએએસ ઑફિસર રાજકુમાર બેનીવાલ, આઈપીએસ ઑફિસર સુભાષ ત્રિવેદી, રાજ્યના માર્ગ-મકાન વિભાગના સૅક્રેટરી તેમજ ચીફ ઍન્જિનિયર અને સ્ટ્રક્ચરલ ઍન્જિનિયરિંગ વિભાગના પ્રોફૅસર આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્યો હતા.

    એસઆટીએ કરેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ ગત ડિસેમ્બર મહિનામાં રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો. આ મામલે હજી પણ કેટલાક મુદ્દાને લઈને તપાસ બાકી હોવાથી શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગે મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવીને સત્વરે જવાબ આપવા કહ્યું છે.

    પ્રાથમિક તપાસનાં તારણો અનુસાર યોગ્ય રીતે રિનોવેશન કર્યા વગર અને કોઈ પણ જાતના ટેસ્ટ કે પરવાનગી વગર પુલ લોકો માટે ખુલ્લો મૂકાયો હતો.

    આપણે જાણીશું મોરબી પુલદુર્ઘટના ઘટી ત્યારથી લઈને તેનું સંચાલન કરનારી કંપની તેમજ તેના સંચાલકને લઈને થયેલા વિવાદો અને તાજેતરમાં આવેલા એસઆઈટીના રિપોર્ટમાં બીજું શું-શું છે.

  9. બ્રેકિંગ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અચાનક જ કિએવ પહોંચ્યા

    બ્રેકિંગ
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કિએવ પહોંચ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધ શરૂ થયું એ બાદ બાઇડને લીધેલી આ પ્રથમ મુલાકાત છે.

    બાઇડન યુક્રેનના પડોશી રાષ્ટ્ર પોલૅન્ડની મુલાકાતે ગયા હતા ત્યાંથી તેમણેઆ 'સરપ્રાઇઝ વિઝિટ' કરી હતી.

    બાઇડન કિએવ પહોંચ્યા એ પહેલાં કોઈ મહત્ત્વના મહેમાન કિએવની મુલાકાત લે એવી શક્યતા વ્યક્ત કરાઈ હતી,જે બાઇડનની મુલાકાત બાદ ખરી સાબિત થઈ છે.

  10. સાબરમતી એક્સપ્રેસના દોષિતોને વહેલા છોડી ન શકાય, સુપ્રીમમાં ગુજરાત સરકારની રજૂઆત

    ગોધરાકાંડ

    ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP/GETTY IMAGES

    સોમવારે ગુજરાત સરકારે દેશની સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું હતું કે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કૉચ નંબર એસ-છને સળગાવવાના દોષિતોને રાજ્ય સરકારની નીતિ મુજબ સજામાફી આપીને વહેલા છોડી શકાય તેમ નથી.

    રાજ્ય સરકારનું કહેવું છે કે ગુનાની ગંભીરતા અને 'જ્વલ્લે કરતાં પણ જ્વલ્લે' જોવા મળતી ઘટના છે એટલે તેમનેછોડવા અંગે વિચારણા થઈ શકે તેમ નથી.

    દિલ્હીથી અમારા પ્રતિનિધિ સુચિત્રા મોહંતી જણાવે છે કે સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ રાજ્ય સરકારનો પક્ષ રજૂ કરતી વખતે આ વાત કહી હતી અને ઉમેર્યું હતું, "રાજ્ય સરકારની નીતિ મુજબ દોષિતોની ઉપર ટાડાની (ટૅરરિસ્ટ ઍન્ડ ડિસ્ટરપ્ટિવ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ) કલમો લગાડવામાં આવી છે અને રાજ્ય સરકારની નીતિ મુજબ ટાડાના દોષિતોને વહેલા છોડવા અંગે વિચારણા ન થઈ શકે."

    મહેતાએ કહ્યું હતું, "આ કેસમાં 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, કૉચને બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો."

    મહેતાએ કહ્યું હતું કે સજાને પડકારનાર પ્રથમ દોષિતને ઓળખપત્ર દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યો હતો.તેણે પથ્થરમારો કર્યો હતો, જેથી કરીને મુસાફર બહાર નીકળી ન શકે. બીજા દોષિતની ભૂમિકા પણ સ્પષ્ટ છે, જ્યારે ત્રીજા દોષિતની પાસેથી જીવલેણ હથિયાર મળી આવ્યું હતું. ચોથા દોષિતે કાવતરું ઘડવામાં, પેટ્રોલ ખીદવામાં, તેનો સંગ્રહ કરવામાં અને સળગાવવા માટે તેનો ઉપયોગ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

    દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના નેતૃત્વમાં જસ્ટિસ પી. એસ. નરસિંહ્મા અને જે. બી. પારડીવવાલાની બેન્ચ બેઠી હતી અને ગુજરાત સરકારની નીતિ મુજબ આ દોષિતોને વહેલા છોડી શકાય કે કેમ તેના વિશે સુનાવણી હાથ ધરી હતી.

    વરિષ્ઠ વકીલ કે. ટી. એસ. તુલસી એક દોષિત વતી હાજર રહ્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે તેમના અસીલ ગુજરાતી જાણતા નથી અને તેમણે વાંચ્યા વગર જ નિવેદન ઉપર અંગૂઠો મારી દીધો હતો.સર્વોચ્ચ અદાલતે ત્રણ અઠવાડિયા પછી આ કેસની સુનાવણી મોકૂફ કરી છે, જેમાં તમામ કેસ અને સંબંધિત વિગતો સાથેનો એક સંકલિત ચાર્ટ માગ્યો છે.

    માર્ચ-2011માં નીચલી અદાલતે 31 શખ્સોને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે 63ને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. નીચલી અદાલતે 11ને મૃત્યુદંડ અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી.

    2017માં ગુજરાત હાઈકોર્ટે 20 દોષિતોની આજીવન કેદની સજાને યથાવત્ રાખી હતી અને 11 દોષિતોની ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી નાખી હતી. 2018થી આ દોષિતોનો સજા સામેનો કેસ સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી,2002ના દિવસે સાબરમતી એક્સપ્રેસમાં 59 કારસેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જે પછી રાજ્યભરમાંરમખાણો ફાટી નીકળ્યાં હતાં.

  11. ગૌતમ અદાણી બાદ તેમના ભાઈ અંગે કેમ પૂછાઈ રહ્યા છે પ્રશ્નો?

    અદાણી મોદી વિવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

    કૉંગ્રેસ પાર્ટીએ રવિવારે અદાણી ગ્રૂપ અંગેના વિવાદ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચૂપકીદીને લઈને નવા સવાલ કર્યા છે.

    અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, કૉંગ્રેસે રવિવારે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીને લઈને પ્રશ્નો પૂછ્યા છે.

    અમેરિકન ફૉરેન્સિક ફાઇનાન્શિયલ કંપની હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ ભારતીય અબજપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વના અદાણી ગ્રૂપ પર નાણાકીય ગેરરીતિઓનો આરોપ મૂક્યો હતો.

    ત્યાર પછી અદાણી ગ્રૂપની કંપનીઓના શૅરની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. કૉંગ્રેસ પાર્ટી સતત સંસદથી લઈને રસ્તા સુધી આ મુદ્દે ભાજપ અને તેના કેન્દ્રીય નેતૃત્વને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

    તેના ભાગરૂપે કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, "હિંડનબર્ગ રિસર્ચે આરોપ લગાવ્યો છે કે વિનોદ અદાણી વિદેશી શૅલ કંપનીઓના એક વિશાળ નેટવર્કને નિયંત્રિત કરે છે. જેનાંથી અદાણી જૂથની અનેક સૂચીબદ્ધ અને ખાનગી કંપનીઓમાં અબજો ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું છે."

    તેમણે દાવો કર્યો છે કે વિનોદ અદાણી અને તેમના દ્વારા નિયંત્રિત કંપનીઓએ આ રીતે રોકાણને લગતી જાણકારીઓને યોગ્ય સમયે અને યોગ્ય રીતે જાહેર કરી નથી.

    હિંડનબર્ગ દ્વારા કરાયેલા દાવામાં પણ વિનોદ અદાણીનો ઉલ્લેખ છે. જોકે, અદાણી ગ્રૂપે 29 જાન્યુઆરીએ જણાવ્યું કે વિનોદ અદાણી પાસે ગ્રૂપની કોઈ પણ લિસ્ટેડ સંસ્થા કે સહાયક કંપનીમાં પ્રબંધક તરીકેનું પદ નથી અને તેમની રોજિંદા કામગીરીમાં પણ કોઈ ભૂમિકા નથી.

    કૉંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે નિયામક સંસ્થાઓ અદાણી ગ્રૂપના આ દાવા પર કેવી રીતે ભરોસો કરે જ્યારે અદાણી ગ્રૂપે 2020માં બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જને વિનોદ અદાણી તેમના ગ્રૂપના અભિન્ન અંગ હોવાનું જણાવ્યું હતું.

  12. મોરબી : 'પુલ દુર્ઘટના સર્જાઈ તે પહેલાં જ 22 વાયર તૂટી ગયા હતા', SITના રિપોર્ટમાં ખુલાસો

    મોરબી પુલ દુર્ઘટના

    ઇમેજ સ્રોત, AFP

    30 ઑક્ટોબર 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજ તૂટી પડતા 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ મામલે સરકાર દ્વારા ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) પ્રાથમિક રિપોર્ટ જમા કરાવ્યો છે.

    એનડીટીવીના અહેવાલ પ્રમાણે, ડિસેમ્બર 2022માં રાજ્ય સરકાર દ્વારા ગઠિત એસઆઈટીની તપાસમાં મોરબી ઝૂલતા પુલમાં હોનારત અગાઉ જ ક્ષતિ હોવાનું સામે આવ્યું હતું.

    અહેવાલ પ્રમાણે, એસઆઈટીએ નોંધ્યું છે કે પુલના મુખ્ય બે કેબલ (જે પુલ બન્યો તે સમયના હતા) તે પૈકીના એકમાં કાટ લાગી ગયો હતો અને પુલ તૂટતા પહેલાં જ તેના લગભગ અડધા વાયરો તૂટી ગયા હોઈ શકે છે.

    એસઆઈટી અનુસાર, પુલનો મુખ્ય કેબલ તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

    પુલની અન્ય ક્ષતિ વિશે જણાવવામાં આવ્યું છે કે, "પુલના તમામ કેબલ સાત સ્ટ્રેન્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ કેબલ બનાવવા માટે કુલ 49 વાયરને સાત સ્ટ્રેન્ડમાં એકસાથે જોડવામાં આવ્યા હતા."

    મોરબી પુલ દુર્ઘટના

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

    એસઆઈટીના અહેવાલ મુજબ 'આ 49 વાયરોમાંથી 22 કાટવાળા હાત. જે સૂચવે છે દુર્ઘટના પહેલાં જ તેમાંથી ઘણા તૂટી ગયા હશે. બાકીના 27 વાયર દુર્ઘટના સમયે તૂટ્યા હોઈ શકે છે.'

    એસઆઈટીએ એ પણ શોધી કાઢ્યું હતું કે રિનોવેશન દરમિયાન કેબલને પુલના પ્લેટફૉર્મ સાથે જોડતા સસ્પેન્ડર્સને લઈને પણ ઉદાસીનતા રાખવામાં આવી હતી.

    આ પ્રકારના પુલમાં સામાન્ય રીતે ભાર સહન કરવા સક્ષમ સિંગલ રૉડ સસ્પેન્ડર્સ હોવા જોઈએ પરંતુ રિનોવેશન દરમિયાન જૂના સસ્પેન્ડર્સનું નવા સસ્પેન્ડર્સ સાથે વેલ્ડિંગ કરવામાં આવ્યું હતું.

    આ સિવાય એ પણ ધ્યાને આવ્યું છે કે પુલનું વૉકિંગ સ્ટ્રક્ચર લાકડાના લવચીક પાટિયાની જગ્યાએ કઠોર ઍલ્યુમિનિયમ પૅનલ્સમાંથી બનાવેલું હતું. એસઆઈટીના રિપોર્ટ મુજબ, જો એ લાકડાનું હોત તો જાનહાનિ ઘટી શકી હોત.

    આ ઉપરાંત પુલ ખુલ્લો મૂકાય તે પહેલાં તે ભાર સહન કરી શકે છે કે કેમ? તે માટે કોઈ ટેસ્ટ કરાયા ન હતા.

  13. ઉદ્ધવ ઠાકરેનો અમિત શાહ પર પ્રહાર, કહ્યું - "ચૂંટણીચિહ્ન લઈને મોગૅમ્બો ખુશ હુઆ"

    ઉદ્ધવ ઠાકરે

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ઉદ્ધવ ઠાકરે

    શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તેમનું હિંદુત્વ દેશ, પરિવાર અને પાર્ટીમાં ઝઘડા કરાવે છે. જેથી તેઓ સત્તા આંચકી શકે.

    તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પણ પરોક્ષ રીતે પ્રહાર કરતા તેમની તુલના મિસ્ટર ઇન્ડિયા ફિલ્મના વિલન 'મોગૅમ્બો' સાથે કરી હતી.

    મુંબઈના અંધેરીમાં એક જાહેર સભામાં તેમણે કહ્યું, "ભાજપનો અર્થ હિંદુત્વ છે અને તેમનું જે હિંદુત્વ છે તે અમને મંજૂર નથી. મારા પિતાજીએ મને શીખવાડ્યું છે તે આ હિંદુત્વ નથી. અમારું હિંદુત્વ દેશ સાથે જોડાયેલું છે. તેમના હિંદુત્વનો અર્થ છે પરિવારો, પાર્ટીઓમાં અંદરોઅંદર ઝઘડા કરાવો અને સત્તા હાંસલ કરો."

    તેમણે આગળ કહ્યું, "ગઈ કાલે કોઈ આવ્યું હતું પુણેમાં. તેમણે પૂછ્યું, મહારાષ્ટ્રમાં કેવું ચાલી રહ્યું છે તો કહ્યું કે આજે ઘણો સારો દિવસ છે કારણ કે શિવસેનાનું નામ અને ચૂંટણીચિહ્ન અમે અમારી સાથે જે ગુલામ આવ્યા હતા તેમને આપી દીધું છે. તો એ વ્યક્તિએ કહ્યું,'ઘણું સારું, મોગૅમ્બો ખુશ હુઆ.' આ મોગૅમ્બો છે. મિસ્ટર ઇન્ડિયામાં મોગૅમ્બો એ જ ઇચ્છતો હતો કે દેશમાં લોકો અંદરોઅંદર લડતા રહે. તેઓ લડાઈમાં વ્યસ્ત રહેશે તો હું રાજ કરીશ."

    તેમણે કહ્યું કે ભાજપ એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યો છે કે તેઓ અમારી 'મશાલ' (ચૂંટણીચિહ્ન) પણ છીનવી શકે છે. તેઓ 'ધનુષ અને બાણ' છીનવી શકે છે પણ લોકોના દિલોમાંથી ભગવાન રામને ન નીકાળી શકે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી બે દિવસ માટે પુણેની મુલાકાતે હતા. રવિવારે છત્રપતિ શિવાજી જયંતિ નિમિત્તે અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

    ચૂંટણીપંચે શુક્રવારે એકનાથ શિંદે જૂથને સત્તાવાર શિવસેના તરીકે માન્યતા આપી હતી. તેમને 'શિવસેના' નામ અને ચૂંટણીચિહ્ન 'ધનુષ અને બાણ'નો ઉપયોગ કરવા માટે અનુમતિ મળી હતી.

    ઉદ્ધવ ઠાકરે જૂથ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે અને ભાજપ પર ચૂંટણીચિહ્ન ચોરી કરવાનો આરોપ લગાવી રહ્યું છે. આ નિર્ણયના વિરોધમાં શનિવારે ઉદ્ધવ જૂથના સમર્થકોને તેમના નિવાસસ્થાન 'માતોશ્રી' બહાર પ્રદર્શન પણ કર્યું હતું.

  14. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    19 ફેબ્રુઆરીનાસમાચારવાંચવા માટે ક્લિક કરો.