ઑસ્ટ્રેલિયા સામે વધુ બે ટેસ્ટ મૅચ માટે ભારતીય ટીમ જાહેર, કેએલ રાહુલને વધુ એક તક
બીસીસીઆઈએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની બાકીની બે ટેસ્ટ મૅચો અને ઑસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.
લાઇવ કવરેજ
ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ કેમ 40 ડિગ્રી સુધીની ગરમી પડી રહી છે?
ઑસ્ટ્રેલિયા સામેની વધુ બે ટેસ્ટ મૅચ માટે ભારતીય ટીમ જાહેર, કેએલ રાહુલને મળી વધુ એક તક

ઇમેજ સ્રોત, Getty Images
બીસીસીઆઈએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની બાકીની બે ટેસ્ટ મૅચ અને ઑસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર મૅચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેમાંથી રમાયેલી બંને મૅચમાં ભારતનો વિજય થયો છે.
આ બે મૅચની જેમ જ આગળ પણ ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી. વળી, ખરાબ પ્રદર્શન હોવા છતાં કેએલ રાહુલને વધુ એક તક આપવામાં આવી છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જયદેવ ઉનડકટની પ્રથમ બે ટેસ્ટ મૅચમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેમને રણજી ટ્રૉફીની ફાઇનલમાં બંગાળ સામે સૌરાષ્ટ્ર તરફથી રમવા માટે જવાનું હોવાથી ટીમમાંથી હઠાવાયા હતા.
જ્યારે ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ મૅચ અને વનડે સિરીઝ માટેની ટીમમાં સામેલ નથી. તેઓ ઇજાગ્રસ્ત થયા હોવાથી ડિસેમ્બર 2022થી આંતરરાષ્ટ્રીય મૅચમાં ભાગ લઈ રહ્યા નથી.
ત્રણ મૅચની વનડે સિરીઝની પ્રથમ મૅચમાં રોહિત શર્મા પારિવારિક કારણસર ઉપલબ્ધ રહેશે નહીં. તેમની જગ્યાએ હાર્દિક પંડ્યા કપ્તાન રહેશે.
ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મૅચ એકથી પાંચ માર્ચ અને ચોથી ટેસ્ટ મૅચ નવથી 13 માર્ચ દરમિયાન યોજાશે.
જ્યારે વનડે સિરીઝની પ્રથમ મૅચ 17 માર્ચ, બીજી મૅચ 19 માર્ચ અને ત્રીજી મૅચ 22 માર્ચે યોજાશે.
બે ટેસ્ટ મૅચ માટેની ટીમ
રોહિત શર્મા (કપ્તાન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કેએસ ભારત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.
વનડે સિરીઝ માટેની ટીમ
રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકપ્તાન), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર,અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.
કૉંગ્રેસે કહ્યું, 'અમારા વગર વિપક્ષી એકતાનો પ્રયાસ અસફળ રહેશે'

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ કૉંગ્રેસ પાર્ટીએ રવિવારે પોતાના ત્રણ દિવસીય ચિંતન સત્રની જાણકારી આપતા કહ્યું કે આ શિબિરમાં શીર્ષ નેતૃત્તવ વિપક્ષી એકતાને મજબૂત કરવાની દિશા બતાવશે. કૉંગ્રેસ વગર આવો કોઈ પ્રયાસ સફળ રહેશે નહીં.
રાયપુરમાં 24 ફેબ્રુઆરીથી કૉંગ્રેસનું ત્રણ દિવસીય ચિંતન સત્ર શરૂ થશે.
કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક પત્રકારપરિષદમાં કહ્યું કે પાર્ટીની સંચાલન સમિતિની બેઠક પ્રથમ દિવસે મળશે અને નિર્ણય લેશે કે કૉંગ્રેસ કાર્ય સમિતિ માટે ચૂંટણી થશે કે નહીં. આ સમિતિ કૉંગ્રેસમાં નિર્ણય લેનારી શીર્ષ સમિતિ છે.
તેમણે કહ્યું કે કૉંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી દળોને એકસાથે લાવવામાં પોતાની ભૂમિકા વિશે જાણે છે. જેથી ભાજપને સત્તામાંથી હઠાવી શકાય.
વેણુગોપાલે કહ્યું, "કૉંગ્રેસ અગાઉ પણ પહેલ કરી ચૂકી છે અને ઘણા રાજકીય દળોના સંપર્કમાં છે. વિપક્ષી દળોને એકજૂથ કરવા માટે કૉંગ્રેસે સ્પષ્ટપણે પહેલ કરી છે અને અમે તમામને સાથે લાવીશું."
અરવલ્લીનાં આ દંપતીની અનોખી પ્રેમકહાણી જોઈને તમારી આંખો ભીંજાઈ જશે
સુરતથી લઈ કંડલા સુધીના ગુજરાતના અનેક વિસ્તારો દરિયામાં ડૂબી જશે?
છત્રપતિ શિવાજીએ શું સૌપ્રથમ હિન્દુત્વની વોટબૅંક બનાવી હતી?
સીરિયાની રાજધાનિ દમાસ્કસ પર ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત

ઇમેજ સ્રોત, Getty Images
સીરિયાએ કહ્યું છે કે ઈઝરાયેલે તેની રાજધાની દમાસ્કસ અને તેની આસપાસના વિસ્તારો પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો મૃત્યુ પામ્યા છે.
આ હુમલામાં 28 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
સરકારી ટીવી પર દેખાડવામાં આવેલા વીડિયોમાં ક્ષતિગ્રસ્ત દશામાં એક 10 માળની ઇમારતને બતાવવામાં આવી છે.
ઈઝરાયેલે જે વિસ્તારમાં હુમલા કર્યા છે, ત્યાં સુરક્ષાના ભારે બંદોબસ્ત ધરાવતા રહેણાંક પરિસર છે. આ વિસ્તારમાં વસતી ઘનતા વધારે છે.
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર, ઈઝરાયેલે આ હુમલા પર પોતાનું નિવેદન આપવાથી ઇનકાર કર્યો છે.
ઈરાન અને હિઝબુલ્લા વિદ્રોહીઓથી જોડાયેલાં સીરિયાના વિસ્તારો પર ઈઝરાયેલ નિયમિત હુમલો કરતો રહ્યો છે. જોકે, તેણે ખૂબ જ ઓછી વખત પોતાની કાર્યવાહીને સ્વીકારી છે.
INDvsAUS: દિલ્હી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે રવીન્દ્ર જાડેજાનો તરખાટ સાત વિકેટો ઝડપીને ઑસ્ટ્રેલિયાને 113 રનમાં સમેટી લીધું

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીમાં રમાઈ રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે અપસેટ સર્જાયો છે. ઑસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 113 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું છે.
મૅચ શરૂ થવાના પ્રથમ કલાકમાં જ ઑસ્ટ્રેલિયાની પાંચ વિકેટો પડી ગઈ હતી. ઑસ્ટ્રેલિયાની કુલ આઠ વિકેટોમાંથી રવિચંદ્રન અશ્વિનને ચાર અને રવીન્દ્ર જાડેજાને પાંચ વિકેટો મળી છે.
અત્યાર સુધીમાં ઑસ્ટ્રેલિયાની કુલ લીડ 112 થઈ ગઈ છે.
ભારતને આજે રમતની પહેલી ઓવરમાં જ ટ્રેવિસ હેડની વિકેટ મળી. અશ્વિને તેમને 43 રનના વ્યક્તિગત સ્કોરે વિકેટ કીપર એસ ભરતને કેચ કરાવીને આઉટ કર્યા.
અશ્વિને સ્ટીવન સ્મિથને નવ રનના વ્યક્તિગત સ્કોર પર એલબીડબ્લ્યૂ આઉટ કરીને બીજી વિકેટ ઝડપી.
ઑસ્ટ્રેલિયાને ચોથો આંચકો રવીન્દ્ર જાડેજાએ આપ્યો. તેમણે લબુશાનેને 35 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યા.
ત્યારબાદ અશ્વિને પોતાની ઓવરના છેલ્લા બૉલે રેનશૉને આઉટ કર્યા અને ત્યારપછીની ઓવરમાં પહેલા અને બીજા બૉલે રવિન્દ્ર જાડેજાએ અનુક્રમે હૅન્ડ્સકૉમ્બ અને કમિન્સને આઉટ કરી દીધા હતા.
આ અગાઉ ભારતીય ટીમ શનિવારે પોતાની પહેલી ઇનિંગમાં 263 રનની સામે 262 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. એ રીતે ઑસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગમાં એક રનની લીડ મળી રહી.
મનીષ સિસોદિયાને દિલ્હીમાં એક્સાઇઝ નીતિના કેસ સંબંધે પૂછપરછ માટે સીબીઆઈનું તેડું

ઇમેજ સ્રોત, ANI
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને કથિત દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સંદર્ભે પૂછપરછ માટે સીબીઆઈ (સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા રવિવારે બોલાવવામાં આવ્યા હતા. જોકે, સિસોદિયાએ તપાસ એજન્સી પાસે વધુ સમયની માંગણી કરી છે.
સિસોદિયા સહિત કુલ 15 લોકો વિરુદ્ધ આ કથિત કૌભાંડમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને તેમને આરોપી દર્શાવવામાં આવ્યા છે.
સિસોદિયાએ દિલ્હી રાજ્યના બજેટની તૈયારીનું કારણ આપીને વધુ સમયની માંગણી કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસને તેમણે જણાવ્યું હતું કે, “આ ફેબ્રુઆરીનું અંતિમ સપ્તાહ છે, અને આ મારા માટે ખૂબ જ મહત્ત્વનો સમય છે કારણકે હાલમાં દિલ્હીનું વાર્ષિક બજેટ તૈયાર થઈ રહ્યું છે. મેં તેમને ફેબ્રુઆરીના અંત સુધીનો સમય માંગ્યો છે, જેથી બજેટ અંતિમ સ્વરૂપ આપી શકાય.”
કમલા હૅરિસનો આરોપ, રશિયાએ માનવતા વિરુદ્ધ ગંભીર અપરાધો આચર્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે કહ્યું કે તેમના દેશે ઔપચારિક રીતે નક્કી કરી લીધું છે કે રશિયાએ યુક્રેનમાં માનવતા વિરુદ્ધ ગંભીર અપરાધો આચર્યા છે.
મ્યૂનિક સિક્યોરિટી કૉન્ફરન્સમાં કમલા હૅરિસે રશિયા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે જ્યારે યુક્રેન પર હુમલા થયા છે, ત્યારથી રશિયાએ 'હત્યા, અત્યાચાર, બળાત્કાર જેવા જઘન્ય'કાર્યો કર્યા છે.
આ સંમેલન દરમિયાન દુનિયાના તમામ નેતાઓએ યુક્રેનનું લાંબા સમય સુધી સમર્થન કરવાની અપીલ કરી છે.
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે યુક્રેનને સૈન્ય સહકાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે યુક્રેનના પશ્ચિમી સહયોગીઓને તેના ભવિષ્યની સુરક્ષા માટે યોજના બનાવવા અને યુક્રેનને હથિયાર મોકલવાની જરૂરિયાત છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક કમલા હૅરિસના આરોપ
આ કૉન્ફરન્સમાં કમલા હૅરિસે કહ્યું હતું કે યુક્રેનમાં થયેલા કથિત અપરાધો માટે જવાબદાર લોકો પાસેથી તેમના કૃત્યો વિશેનો ખુલાસો માગવો જોઇએ.
હૅરિસે ક્હ્યું, "તેમના કૃત્યો આપણા સહિયારા મૂલ્યો અને આપણી માનવતા પર હુમલો છે."
તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, એક ખાસ નાગરિક સમાજ પર 'વ્યાપક અથવા સુનિયોજિત હુમલો' માનવતા વિરુદ્ધનો અપરાધ છે.
અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, "યુક્રેનમાં રશિયાની કાર્યવાહી સંદર્ભે અમે પુરાવા તપાસ્યા છે. અમે કાનૂની માપદંડોને જાણીએ છીએ અને તેમાં કોઈ શંકા નથી કે એ માનવતા વિરુદ્ધના અપરાધ છે."
તેમણે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન બૂચા અને મારિયોપોલમાં થયેલાં 'બર્બર અને અમાનવીય' અમાનવીય અપરાધોનો હવાલો આપ્યો છે.
કમલા હૅરિસે કહ્યું, "અમે સહમત છીએ કે જાણીતા અને અજાણ્યા તમામ પીડિતો (યુદ્ધ પીડિતો) માટે ન્યાય થવો જોઈએ."
જોકે, રશિયાએ પોતાના હુમલાઓમાં નાગરિકોને નિશાન બનાવવાના આરોપને વારંવાર નકાર્યા છે.
જર્મનીના મ્યૂનિકમાં આ કૉન્ફરન્સનું આયોજન ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર થયેલા રશિયાના હુમલાને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે કરવામાં આવ્યું છે.
હરિયાણામાં ઉત્તર ભારતનો પ્રથમ પરમાણું વીજ ઉત્પાદન પ્લાન્ટ બનશે

ઇમેજ સ્રોત, Alamy
ઉત્તર ભારતના પ્રથમ પરમાણુ વીજ ઉત્પાદન પ્લાન્ટ હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ગોરખપુર ગામમાં સ્થાપવામાં આવશે. આ સ્થાન દિલ્હી 150 કિલોમિટર દૂર છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનૉલૉજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે શનિવારે આ બાબતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, પ્લાન્ટ તૈયાર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
મોટાભાગના પરમાણુ ઊર્જા આધારિત વીજ ઉત્પાદન કેન્દ્રો દેશના દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં જ હતાં. હવે અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
જિતેન્દ્ર સિંહે આ બાબતે વધુ વિગતો આપતા કહ્યું કે ભારતની પરમાણુ ક્ષમતા વધારવા માટે છેલ્લાં આઠ વર્ષોમાં ઘણાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, ભારત સરકારે 10 પરમાણુ રિએક્ટરોની સ્થાપના માટે મંજૂરી આપી દીધી છે. સાથે જ પરમાણુ ઊર્જા આધારિત વીજ પ્લાન્ટ બનાવવા માટે સાર્વજનિક ઉપક્રમો સાથે સંયુક્ત સાહસ સ્થાપવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
તેમણે ગોરખપુર હરિયાણા અણુ વિદ્યુત યોજના વિશે માહિતી આપતા કહ્યું કે તેમાં 700 મેગાવૉટ ક્ષમતાનાં બે એકમ છે, જેમાં દેશમાં જ ડિઝાઈન કરવામાં આવેલા પ્રેશરાઇઝ્ડ હેવી વૉટર રિએક્ટર છે.
આ પ્લાન્ટની સ્થાપના માટે 20594 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જેમાં 4906 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
18 ફેબ્રુઆરીના સમાચારવાંચવા માટે ક્લિક કરો.
