ફ્રાંસની દિગ્ગજ કંપનીએ અદાણીના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ મોકૂફ રાખ્યું
ગયા વર્ષે જૂનમાં ટોટલ એનર્જીએ અદાણી જૂથના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સાની જાહેરાત કરી હતી.
લાઇવ કવરેજ
બ્રેકિંગ, ફ્રાંસની દિગ્ગજ કંપનીએ અદાણીના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ મોકૂફ રાખ્યું

ઇમેજ સ્રોત, AFP
ભારતમાં અદાણી જૂથને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્રાંસની ટોટલ એનર્જીએ અદાણી જૂથના 50 અબજ ડૉલરના હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ કરવાનો ઈરાદો હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કંપનીના સીઈઓ પૅટ્રિક પોયને ટાંકીને કહ્યું છે કે અદાણી જૂથ પર લાગેલા આરોપોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગયા વર્ષે જૂનમાં ટોટલ એનર્જીએ અદાણી જૂથના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સાની જાહેરાત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે ટોટલ એનર્જીએ હજુ સુધી આને લગતા કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.
સીઈઓ પૅટ્રિકે કહ્યું છે કે જ્યાં સુધી હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અદાણી જૂથ બેદાગ બહાર નહીં આવે ત્યાં સુધી હાઈડ્રોજન પ્રોજેક્ટને રોકી દેવામાં આવશે.
આ ફ્રેન્ચ કંપની ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ માટે સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંની એક છે.
તે પહેલાથી જ અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી વેન્ચર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ટોટલ ગૅસ લિમિટેડમાં પહેલેથી રોકાણ કરી રાખ્યું છે.
અદાણી ગ્રુપ 10 વર્ષમાં હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 50 અબજ ડૉલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
તેનું લક્ષ્ય છે કે 2030 પહેલા તેનું પ્રારંભિક ઉત્પાદન 10 લાખ ટન થઈ જશે.
સંસદમાં વડા પ્રધાન મોદીના ભાષણ વિશે રાહુલ ગાંધીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI/Twitter
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ તેમના પર અદાણી સાથેના સંબંધો વિશે ફરી એક વાર શાબ્દિક પ્રહાર કર્યા છે.
ગાંધીએ સંસદના પરિસરમાં કહ્યું કે તેમના આજના ભાષણથી 'સચ્ચાઈ'ની ખબર પડે છે.
તેઓ સંસદ ભવનથી નિકળતી વખતે પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જવાબોથી સંતુષ્ટ છે અને શું તેમણે જે સવાલો કર્યા હતા, તેના જવાબો તેમને મળી ગયા?
પત્રકારોને જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ સંતુષ્ટ નથી અને વડા પ્રધાનના નિવેદનથી સચ્ચાઈની ખબર પડે છે.
ગાંધીએ આરોપ મૂક્યો કે, "તેમની સ્પીચથી સચ્ચાઈની ખબર પડે છે. જો (અદાણી) મિત્ર નથી, તો (વડા પ્રધાને) કહ્યું હોત કે ઠીક છે, ઇંક્વાયરી કરાવી દઉં છું, પરંતુ ઇંક્વાયરીની વાત નથી થઈ. "
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે દાવો કર્યો, "આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે, હિંદુસ્તાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મામલો છે. એટલા માટે વડા પ્રધાને કહી દેવું જોઈએ કે ઠીક છે ઇંક્વાયરી કરાવીશું. આ ખૂબ મોટો ગોટાળો છે, પરંતુ કહ્યું નહીં. તો એ એમને જરૂર બચાવવાની કોશિશ કરી રહ્યા છે. હું આ સમજું છું."
ગાંધીએ કહ્યું, "ડિફેંસ ઇન્ડ્સ્ટ્રીઝ છે, ત્યાં ઘણી શેલ કંપનીઓ છે, બેનામી નાણાં ફરી રહ્યાં છે, તેના વિશે વડા પ્રધાને કંઈ નથી કહ્યું. એનાથી સ્પષ્ટ થાય છે કે વડા પ્રધાન તેમનું રક્ષણ કરી રહ્યા છે. તેમને પ્રમોટ કરી રહ્યા છે."
સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ, કહ્યું "વિપક્ષોએ ઈડીને ધન્યવાદ કહેવું જોઈએ, ઈડીને કારણે વિપક્ષ એક થયો"

ઇમેજ સ્રોત, ANI
વિરોધ પક્ષ દ્વારા સંસદમાં થયેલા અદાણી ગ્રૂપ સાથે સાઠગાંઠના આક્ષેપો અને હિંડનબર્ગના રિપોર્ટની તપાસ સંબંધે સંયુક્ત સંસદીય સમિતિની રચનાની માંગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર પોતાનું ભાષણ આપ્યું.
વડા પ્રધાને પોતાના ભાષણમાં હાસ્યકવિ કાકા હાથરસ, હિંદી કવિ દુષ્યંતકુમાર અને વિવિધ સાહિત્યના શેર અને રમૂજી ટુચકા આવરી લઈને વિપક્ષે કરેલા આક્ષેપો સામે કટાક્ષમય નિવેદનો આપ્યા.
વડ પ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું, "આ સરકાર મજબૂરીમાં સુધારા નથી કરતી, મજબૂત માન્યતા સાથે સુધારા કરે છે."
તેમણે કહ્યું, "યુપીએના દસ વર્ષના શાસનમાં દેશમાં ચોતરફ આતંકવાદ, અને અસુરક્ષિતતાનું વાતાવરણ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને કોઈ ગંભીરતાથી નહોતું લઈ રહ્યું. જ્યારે હવે દેશનું સામર્થ્ય સામે આવી રહ્યું છે. દરેક અવસરને મુસીબતમાં ફેરવી નાખવાની બાબતો યુપીએની ઓળખ બની."
વડા પ્રધાને વધુમાં કહ્યું, "દેશ જ્યારે ટેકનૉલૉજીનો જમાનો હતો, ત્યારે તેઓ ટૂજીમાં ફસાયેલા રહ્યા, વર્ષ 2010માં કૉમનવેલ્થ ગેમ્સ યોજાઈ ત્યારે ભારતના યુવાનોની પ્રતિભાને દેખાડવાના એ મોકાને સીડબ્લ્યૂજી ગોટાળામાં ખોઈ નાખ્યો. "
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે, “એક વ્યક્તિની સંપત્તિ અઢી વર્ષમાં 13 ગણી થઈ ગઈ છે. 2014માં 50 હજાર કરોડ હતી, તે 2019માં એક લાખ કરોડ થઈ ગઈ છે. અચાનક એવું શું થયું કે તે 12 લાખ કરોડ સુધી વધી ગઈ. હિંડનબર્ગના રિપોર્ટને ભાજપ ગણતો નથી.”
તેમણે એ પણ કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે સંયુક્ત સંસદીય સમિતિ (JCP)ને બેસાડવામાં આવે અને અદાણી મામલે તપાસ થવી જોઈએ."
કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, અદાણીના નામથી ભાજપને આટલી ચિંતા કેમ થઈ રહી છે. ભારતમાં આટલા ઉદ્યોગપતિ છે, પરંતુ ભાજપ અદાણીના નામ સાથે આટલી લાગણી કેમ બતાવી રહ્યો છે કે રાહુલ ગાંધી દ્વારા અદાણીની ટીકા તેમને સારી લાગતી નથી.
આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે, એક ઉદ્યોગસાહસિક (અદાણી) જે ક્યાંય ન હતા, તે અચાનક અહીં પહોંચે છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં તે દખલ ન કરતા હોય. તાજેતરમાં આવેલા (હિંડનબર્ગ)ના રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની આસપાસ સત્તાની જાળ બનેલી હતી અને આ સત્તાની જાળ જાહેર કરવામાં આવી રહી છે.
ત્યારે આમ આદમી પાર્ટી, બીઆરએસ, શિવસેનાના સાંસદોએ અદાણીના વિવાદ સાથે સંબંધિત જેપીસી તપાસની માગને લઈને સંસદ બહાર ગાંધી પ્રતિમા સામે વિરોધપ્રદર્શન કર્યું છે.
શિવસેનાના એમપી સંજય રાઉતે કહ્યું છે કે, “અમે અધૂરાં કામ કરવા માગતાં નથી. જેપીસીની માગ અમે અધૂરી મૂકી શકતા નથી, જેપીસીની માગ હંમેશાં રહેશે. આ મામલે વિપક્ષ ભલે એક છે, પરંતુ અમે હંમેશાંથી એ જ કહેતા આવ્યા છે કે ચર્ચામાં ભાગ લેવાનો અર્થ અદાણીના શૅર વધારવાનો છે.”

ઇમેજ સ્રોત, ANI
'કાટમાળમાં અવાજ આવ્યો, ધૂળ સાફ કરી તો ગર્ભનાળ સાથે બાળકી મળી' તુર્કી ભૂકંપમાં પુત્રી બચી, માતા નહીં
'કેટલાક સાંસદો-મંત્રી માત્ર હિંદુ-મુસ્લિમ કરે છે' રાજ્યસભામાં કૉંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નિવેદન

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ પ્રમુખ અને સંસદમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે, "કેટલાક સાંસદો, મંત્રી હિંદુ મુસ્લિમ કરે છે. શું વાત કરવા માટે તેમની પાસે બીજો કોઈ મુદ્દો નથી."
"બીજી તરફ અનુસૂચિતના લોકોમાં મંદિરમાં જાય છે તો તેમને મારીએ છીએ. તેમની કોઈ સુનાવણી નથી થતી. અનુસૂચિત જાતિના લોકોને આપણે હિંદુ સમજીએ છીએ તો તેમને મંદિરમાં જવાથી કેમ રોકીએ છીએ."
"તેમને બરાબરીનું સ્થાન કેમ નથી આપતા. કેટલાક મંત્રીઓ તેમના ઘરે જઈને ભોજન કરે છે અને તસવીર ખેંચાવી કહે છે કે અમે ભોજન કર્યું."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એલઆઈસીએ અદાણીમાં રોકાણ કેમ અને કેવી રીતે કર્યું? સરકારે આપ્યો જવાબ, વિપક્ષની પાર્ટીઓએ અદાણી જૂથમાં એસબીઆઈ અને એલઆઈસીના રોકાણ અંગે સરકાર સામે સવાલ કર્યા છે.

ઇમેજ સ્રોત, SOPA IMAGES,GETTY
સરકારી ઇન્શ્યૉરેન્સ કંપની એલઆઈસી અદાણી જૂથમાં ઇક્વિટી અને દેવામાં માત્ર એક ટકો ભાગીદારી ધરાવે છે.
અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરીમાં અદાણી જૂથ પર ગેરરીતિ અને ઍકાઉન્ટિંગમાં છેતરપિંડી કરવાના ગંભીર આરોપ મૂક્યા હતા. હિંડનબર્ગે ઑફશોર શેલ એકમો મારફતે ગેરકાયદે વેપાર કરવાનો આરોપ મૂક્યો હતો.
ત્યાર બાદથી અદાણી જૂથના શૅરમાં જંગી ઘટાડો જોવા મળ્યો હતો.
વિપક્ષે અદાણી જૂથમાં એલઆઈસી અને સીબીઆઈના રોકાણને લઈને હોબાળો કર્યો છે.
રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન સામે અદાણી જૂથ અંગે આક્ષેપ કર્યા હતા. તેના જવાબમાં ભાજપે કૉંગ્રેસ પર વડતા આક્ષેપ કર્યા હતા.
હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર અનુસાર
રાજ્યસભીમાં મંગળવારે એક લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ભગવત કરાડે કહ્યું કે અદાણી જૂથની કંપનીઓમાં ઇક્વિટીની કુલ ખરીદ કિંમત રૂપિયા 30,127 કરોડ છે.
તેમણે કહ્યું કે, "જાન્યુઆરી 27ના બજાર બંધ થવાના સમયે તેની માર્કેટ વૅલ્યૂ 56,152 કરોડ રૂપિયા છે. 30 સપ્ટેમ્બર 2022 સુધી એલઆઈસી દ્વારા ટોટલ ઍસેસમેન્ટ અંડર મૅનેજમૅન્ટ 41.66 લાખ કરોડ રૂપિયા છે. એટલે એલઆઈસીના કુલ એયુએમમાં અદાણી જૂથમાં એલઆઈસીનું રોકાણ, હાલની તારીખ પ્રમાણે 0.975 ટકા છે."
અદાણી જૂથમાં એલઆઈસીના રોકાણ વિશે ભાજપના નેતા સુશીલકુમાર મોદીના પ્રશ્નના જવાબમાં કરાડે આ માહિતી આપી હતી.
કરાડે કહ્યું કે એલઆઈસીએ પુષ્ટિ કરી છે કે તેના રોકાણ વિશે મોટાભાગની માહિતી જાહેરમાં ઉપલબ્ધ છે.
તેમણે આ જવાબ એલઆઈસી વિશે ખાસ પ્રશ્ન સામે આપતા હતા કે શું છેલ્લાં ત્રણ વર્ષમાં અદાણી પોર્ટ્સમાં એલઆઈસીએ પોતાનું રોકાણ બે ટકા જેટલું ઘટાડ્યું છે.
કરાડે કહ્યું કે, “...એલઆઈસીએ જણાવ્યું છે કે ઇન્શ્યૉરન્સ ઍક્ટ, 1938 અને આઈઆરડી ઇન્વેસ્ટમેન્ટ રેગ્યુલેશન્સ,2016ના બંધારણીય માળખા હેઠળ જ કરવામાં આવે છે અને સરકારી તંત્રના માર્ગદર્શન હેઠળ કરાય છે.”
કૉંગ્રેસ અને અન્ય વિપક્ષીદળો અદાણી સામે કરાયેલા આક્ષેપો વિશે સંસદીય સમિતિની તપાસની માગ કરી છે. અદાણી જૂથે આ બધા આક્ષેપોને ફગાવ્યા છે.
ગીર સોમનાથના કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળિયા કોર્ટે ફટકારી 6 મહિનાની જેલની સજા

ઇમેજ સ્રોત, Facebook/Vimal Chaudhary
વર્ષ 2010માં એક મારામારીના કેસના સંદર્ભમાં માળિયા-હાટીના કોર્ટે કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 4 લોકોને દોષિત જાહેર કરીને 6 મહિનાની જેલની સજા ફટકારી છે.
વિગતો એવી છે કે વર્ષ 2010માં હૉલિડે કૅમ્પમાં મીત રોહન વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો થયાની પોલીસ ફરીયાદ થઈ હતી.
આ ફરીયાદ નોંધાયા બાદ 12 વર્ષે માળિયા-હાટીના કોર્ટે ગીર સોમનાથના કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહીત ચાર લોકોને 6-6 મહિનાની કેદની સજા ફટકારી છે.
વિમલ ચુડાસમા હાલમાં જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી તેમાં માત્ર 922 મતોથી ગીર-સોમનાથની બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછા મતથી વિજેતા બન્યા હોય તેવા ઉમેદવારોની યાદીમાં બીજા હતા.
કોર્ટના ચુકાદા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા વિમલ ચુડાસમાએ મીડિયામાં જણાવ્યું હતું કે, “7-11-2010ના રોજ ભારતીય જનતા પાર્ટીના ઇશારે ખોટી ફરીયાદ કરવામાં આવી હતી. તે સમયે હું ચોરવાડ નગરપાલિકામાં વિરોધપક્ષનો નેતા હતો. અને ફરીયાદ કરનારા મીત વૈદ્યના પિતા ભાજપના નેતા છે. અન્ય ફરીયાદી હરીશ ચુડાસમા હાલના સાંસદના નાના ભાઈ છે.”
“મને તે વખતે ભાજપમાં જોડાવાનું દબાણ હતું. હું ન ગયો એટલે મારી સામે આ પ્રકારે ફરીયાદ થઈ. કોર્ટે 6 મહીનાની જેલની સજાના સંદર્ભમાં કોર્ટે એક મહિનાનો સ્ટે આપ્યો છે જેથી અમે સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકીએ.”
વિમલ ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને સેશન્સ કોર્ટમાં તેમને ન્યાય મળશે.
બાઇડનની સ્ટેટ ઑફ યુનિયન સ્પીચ: પુતિન પર ભડક્યા, નાટોના કર્યા વખાણ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકી કૉંગ્રેસને સંબોધિત કરતા રશિયા- યૂક્રેન યુદ્ધ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે ઘણી વાતો કહી છે.
તેઓએ કહ્યું કે, “પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાના પ્રયાસો જેમ અમેરિકા કરે છે તે અમે સાથે મળીને કર્યું. અમે નેતૃત્વ કર્યું. અમે નાટોને સંગઠિત કર્યું અને વૈશ્વિક ગઠબંધન બનાવ્યું. અમે પુતિનની આક્રમકતા સામે ઉભા થયા. અમે યૂક્રેનના લોકો સાથે ઊભા રહ્યા.”
જો બાઇડને અમેરિકામાં યૂક્રેનના રાજદૂતની કૉંગ્રેસમાં હાજરીનો પણ ઉલ્લેખ કર્યો છે.
ગયા વર્ષના સંબોધનમાં પણ હાજર હતા. બાઇડને કહ્યું હતું કે, “અમેરિકા તમારા દેશની મદદ માટે એકજૂથ છે. ગમે તેટલો સમય લાગે તો પણ અમે તમારી સાથે ઊભા રહીશું.”
આ સિવાય તેમણે ચીન સાથેના અમેરિકાના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. બાઇડને કહ્યું કે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા મુકાબલો નહીં પરંતુ સ્પર્ધા ઈચ્છે છે.
તેઓએ અમેરિકામાં મળેલા ચીની 'જાસૂસી બલૂન'નો ખાસ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર હંમેશા તેની સાર્વભૌમત્વની રક્ષા કરશે.
ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં 7800થી વધુ લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
તુર્કીના સીરિયાઈ વિસ્તારમાં સોમવારે 6 ફેબ્રુઆરીએ લગભગ 4 વાગ્યે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે સીરિયા અને તુર્કીમાં 7,800થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. 15 હજારથી વધુ લોકો ઘાયલ છે. જેના કારણે મૃત્યાઆંક વધવાની આશંકા છે.
સોમવારે સવારે આવેલા ભૂકંપની તીવ્રતા 7.8 હતી. સવારે આવેલા ભૂકંપ બાદ બપોરે તુર્કીમાં વધુ એક ભૂકંપ અનુભવાયો હતો. નવા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 છે.
બીજો ભૂકંપ સ્થાનિક સમય મુજબ બપોરે 1.24 કલાકે આવ્યો હતો. પ્રથમ એલ્બિસ્તાન ખાતે આવ્યો હતો, જે કેન્દ્રથી 80 માઈલ દૂર આવેલું છે.
7 ફેબ્રુઆરી મંગળવારે મધ્યતુર્કીમાં વધુ એક આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર ગોલબાસી ખાતે 10 કિમી ભૂગર્ભમાં હોવાનું કહેવાય છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 હતી.
ભૂકંપની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ આર્દોઆને કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ આર્દોઆને કહ્યું છે કે, તેઓને દુનિયાના 70થી વધુ દેશોમાંથી રાહત અને બચાવ અભિયાનમાં મદદ માટેની ઑફર મળી છે. આર્દોઆને જે દેશો તેમની મદદે આવ્યા છે તેમનો આભાર માન્યો હતો.
નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
7 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.
