You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એશિયા કપ 2023માં ભારતના વલણ પર પાકિસ્તાનના પૂર્વ કપ્તાન મિયાંદાદે કહ્યું,“ન આવે તો ભાડમાં જાય”
એશિયા કપ 2023ની મેજબાનીને લઈને ભારત અને પાકિસ્તાન સામસામે આવી ગયાં છે.
લાઇવ કવરેજ
તુર્કીમાં ફરી એક વાર તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા, અત્યાર સુધી 1200નાં મૃત્યુ
સમાચાર એજન્સીઓ અનુસાર તુર્કીમાં ફરી એક વાર ભૂકંપના તીવ્ર ઝાટકા અનુભવાયા.
આ પહેલાં તુર્કીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 1200 લોકોનાં મૃત્ય થઈ ચૂક્યાં છે. ઉપરાંત 5,300 કરતાં વધુ ઈજાગ્રસ્ત છે. સીરિયામાં ભારે તબાહી થઈ હતી.
મોહન ભાગવતની ‘જાતિ વ્યવસ્થા પરની ટિપ્પણી’ અંગે આરએસએસનું નિવેદન, એએનઆઈએ કહ્યું- અનુવાદમાં થઈ ભૂલ
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ એટલે કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે જાતિ વ્યવસ્થાને લઈને શું કહ્યું હતું, તેને લઈને આરએસએસના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે નિવેદન જારી કર્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈએ મોહન ભાગવતના નિવેદન પર તેમનું ગઈકાલનું ટ્વીટ પાછું ખેંચી લીધું છે અને નવું ટ્વિટ કર્યું છે જેમાં કહ્યું છે કે "અનુવાદમાં ભૂલ થઈ છે."
સુનીલ આંબેકર અનુસાર મોહન ભાગવતે કહ્યું છે કે, "સત્ય એ છે કે હું દરેક પ્રાણીમાં છું, તેથી રૂપ-નામ કંઈ પણ હોય, પરંતુ યોગ્યતા એક છે, માન-સન્માન એક છે, દરેક માટે પોતાપણું છે. કોઈ પણ ઊંચ-નીચ નથી. શાસ્ત્રોનો આધારે પંડિત લોકો જે (જાતિ આધારિત ઊંચ-નીચની વાત) કરે છે તે ખોટી છે."
રવિવારે થયેલા હોબાળા બાદ સુનીલ આંબેકરે મોહન ભાગવતના ભાષણનો વીડિયો પણ શેર કર્યો છે.
જોકે તેમનું આ સંબોધન મરાઠી ભાષામાં છે.
સમાચાર એજન્સી એએનઆઈએ ભાગવતના નિવેદન પર થયેલા હોબાળા બાદ મંગળવારે સ્પષ્ટીકરણ જારી કર્યું છે. એજન્સીએ કહ્યું છે કે અનુવાદમાં ભૂલના કારણે આવું થયું છે.
આજે એએનઆઈએ જૂના ટ્વીટને હટાવીને નવું ટ્વિટ કર્યું છે, "જેમાં તેઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું સુધારેલું નિવેદન છાપ્યું છે."
નવા ટ્વીટ અનુસાર ભાગવતે કહ્યું હતું કે, "સત્ય જ ઈશ્વર છે, સત્ય કહે છે હું સર્વવ્યાપી છું, રૂપ ગમે તે રહે યોગ્યતા એક છે, ઊંચ-નીચ નથી, શાસ્ત્રોના આધારે કેટલાક પંડિતો જે કહે છે તે ખોટું છે. જાતિની શ્રેષ્ઠતાની કલ્પનામાં ઊંચ-નીચમાં અટવાઈને આપણે ગુમરાહ થઈ ગયા છે, ભ્રમ દૂર કરવાનો છે."
આ પહેલાં એએનઆઈએ ગઈકાલે ટ્વીટ કર્યું હતું જે મુજબ મોહન ભાગવતે કહ્યું હતું કે, “અમારી સમાજ પ્રત્યે પણ જવાબદારી છે. જ્યારે દરેક કામ સમાજ માટે છે, તો કોઈ ઊંચું, કોઈ નીચું અથવા કોઈ અલગ કેવી રીતે થઈ ગયું? ભગવાને હંમેશા કહ્યું છે કે મારા માટે બધા એક છે, તેમાં કોઈ જાતિ, વર્ણ નથી, પરંતુ પંડિતોએ શ્રેણી બનાવી, એ ખોટું હતું."
જુનિયર ક્લાર્કની 1181 બેઠકો માટે એપ્રિલ માસમાં પરીક્ષા યોજાશે : IPS હસમુખ પટેલ
આઈપીએસ અધિકારી હસમુખ પટેલે પંચાયત સેવા પસંદગીમંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાનું આયોજન એપ્રિલ માસમાં કરવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે 29 જાન્યુઆરીના રોજ ગુજરાત પંચાયત સેવા સરકારી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતાં પરીક્ષા મોકૂફ રખાઈ હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર તે બાદ સરકારે મંડળના અધ્યક્ષપદની જવાબદારી આઈપીએસ હસમુખ પટેલને સોંપતાં તેમણે પરીક્ષા ફરીથી યોજવાની જાહેરાત કરી હતી. સાથે જ પરીક્ષા યોગ્ય રીતે લેવાને પ્રાથમિકતા ગણાવી હતી.
નોંધનીય છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતાં લાખો ઉમેદવારોએ પરીક્ષાસ્થળેથી પાછા ફરવું પડ્યું હતું. પરીક્ષાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ગુજરાતમાં ઘણી જગ્યાએ યુવાનોએ પ્રદર્શન પણ કર્યાં હતાં અને કેટલીક જગ્યાએ તો ઉમેદવારો રડતાં નજરે પડતાં ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં.
પેપર ફૂટ્યા બાદ મંડળ દ્વારા કરાયેલી પત્રકારપરિષદમાં આગામી 100 દિવસમાં પરીક્ષાનું પુન:આયોજન કરવાની વાત કરાઈ હતી. આ મામલા સંદર્ભે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. સમગ્ર મામલાની હાલ પોલીસતપાસ ચાલી રહી છે.
તુર્કીમાં પરોઢે એક પછી એક બે ભૂકંપ, 100થી વધુ લોકોનાં મોત
તુર્કીમાં સોમવારે સવારે સતત ભૂકંપના બે શક્તિશાળી ઝાટકા આવ્યા છે. ત્યારબાદ તુર્કી સરકારે કટોકટી લાદવાની જાહેરાત કરી છે.
બીબીસી તુર્કી સેવાના સંવાદદાતાઓએ જણાવ્યું હતું કે, ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ઇમારતોને ભારે નુકસાન થયું છે.
અમેરિકી ભૂગર્ભીય સરવે ‘યૂએસજીએસ’ અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો સીરિયાની સરહદ નજીક ગાજિએનટેપમાં કહમાનમારશ પાસે અનુભવાયો હતો.
યૂએસજીએસ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો સ્થાનિક સમયાનુસાર સવારે 4.17 કલાકે આવ્યો હતો. તેની થોડી જ ક્ષણો બાદ ભૂકંપનો બીજો આંચકો મધ્ય તુર્કીમાં અનુભવાયો હતો.
ભૂકંપના આંચકા તુર્કીની રાજધાની અંકારા અને અન્ય શહેરો સહિત લેબનાન, સીરિયા, સાઇપ્રસમાં પણ અનુભવાયા છે.
ઝડપથી વધી રહ્યો છે મૃત્યુઆંક
તુર્કીના ગૃહમંત્રી સુલેમાન શોયલૂએ કહ્યું છે કે, “ભૂકંપનો મોટી અસર દેશના 10 શહેરો પર પડી છે. જેમાં કહમાનમારશ, હૅટે, ગાઝિએનટેપ, ઓસ્માનિયે, અદિયામાન, સનલિઉર્ફા, મલેટિયા, ઉદાના, દિયારબાકિએર અને કિલિસ છે.”
ભૂકંપ બાદ મળેલી માહિતી અનુસાર, તુર્કી અને તેના પડોશી સીરિયામાં આના કારણે 120થી વધુ લોકોનાં મોત થયાં છે.અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુનો આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.
તુર્કીની ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું છે કે, ભૂકંપના કારણે દેશમાં અત્યાર સુધીમાં 76 લોકોનાં મોત થયાં છે અને 440 લોકો ઘાયલ થયા છે.
સીરિયાના સરકારી મીડિયાએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે, અત્યાર સુધીમાં 42 લોકોનાં મોત થયાં છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે.અલેપ્પોમાં મોટી સંખ્યામાં ઈમારતો ધરાશાયી થવાના સમાચાર પણ છે.
સીરિયનના મલેટિયા શહેરના ગવર્નરનું કહેવું છે કે, ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થયાં છે.તેમનું કહેવું છે કે શહેરમાં 42 લોકો ઘાયલ થયા છે અને લગભગ 140 ઈમારતોને નુકસાન થયું છે.
ઉસ્માનિયે શહેરના ગવર્નરે પાંચ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.તેની સાથે સાનલીઉર્ફામાં 17 અને દિયારબાકીરમાં છ લોકોનાં મોતના સમાચાર છે.
અદાણી મામલે વિપક્ષની માગ, 'જેપીસી અથવા સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં તપાસ કરાવો'
અદાણી મામલે એકજુટ થઈને વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે. સોમવારે સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા પાસે વિપક્ષદળોના નેતા એકઠા થયા હતા.
વિપક્ષની માગ છે કે સરકાર આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિ એટલે જેપીસી અથવા સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં તપાસ કરાવે.
આની પહેલાં કેટલાંક વિપક્ષીદળોએ એક વખત ફરી સંસદભવનમાં કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ચૅમ્બરમાં મળ્યા અને આગળની રણનીતિ પર ચર્ચા કરી.
કૉંગ્રેસ પાર્ટી તરફથી પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે કૉંગ્રેસ, ડીએમકે, એનસીપી, બીઆરએસ, જેડીયુ, રાષ્ટ્રીય જનતાદળ, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, જેએમએમ, આરએલડી, આરએસપી, આપ, શિવસેના સહિત અન્ય કેટલાંક દળોના નેતાઓએ બેઠક કરી હતી.
કૉંગ્રેસે પોતાના ટ્વીટમાં કહ્યું કે અદાણી ગોટાળા પર સંસદ પરિસર સ્થિત ગાંધી પ્રતિમાની સામે પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.
કૉંગ્રેસે એક અન્ય ટ્વીટમાં પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું છે કે અદાણી જૂથની કથિત ગોટાળા અંગે રિપોર્ટ આવીને 13 દિવસ થઈ ગયા છે, પરંતુ વડા પ્રધાને અત્યાર સુધી એક શબ્દ પણ નથી કહ્યો.
વડા પ્રધાન મોદીની ચુપકીદી પર હુમલો કરતા એક અન્ય ટ્વીટમાં કૉંગ્રેસે આ મામલે સરકારની સંડોવણીનો આરોપ મૂક્યો છે.
કૉંગ્રેસે સરકાર પાસે દરરોજ ત્રણ સવાલ પૂછવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે આશા છે કે વડા પ્રધાન મોદી આ સવાલોના જવાબ આપશે.
તુર્કીમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
તુર્કીના દક્ષિણ તરફ સીરિયાની સીમા પાસેના વિસ્તારમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે.
અમેરિકન ભૂગર્ભીય સર્વે યુએસજીએસ અનુસાર, હાલ મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે.
યુએસજીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તુર્કીના 26 કિમી દૂર પૂર્વમાં નૂરદામાં છે. આ વિસ્તાર ગાઝિએનટેપ પાસે આવેલો છે.
ગાઝિએનટેપની વસતી અંદાજે 20 લાખ છે, જેમાં પાંચ લાખ સીરિયન શરણાર્થી છે. માનવામાં આવે છે કે ભૂંકપથી મોટા પાયે જાનમાલને નુકસાન થયું હોઈ શકે છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, જર્મન રિસર્ચ સેન્ટર ઑફ જિયોસાઇન્સિઝ (જીએફજી)ના હવાલાથી ભૂકંપની તીવ્રતા 7.7ની ગણાવી છે. જીએફજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
સમાચાર એજન્સી એએફપી 7.9ની તીવ્રતા દર્શાવી છે.
ગાઝિએનટેપ પાસે આવેલા ભૂકંપના ઝટકા આખા વિસ્તારમાં અનુભવાયા હતા. તુર્કીના સરકારી પ્રસારક ટીઆરટી અનુસાર ભૂકંપના આંચકા બાદ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને રસ્તા પર જમા થઈ ગયા હતા.
એક પ્રત્યક્ષદર્શીએ રૉયટર્સને કહ્યું કે ભૂકંપના આંચકા અંદાજે એક મિનિટ સુધી અનુભવાયા હતા.
મોહન ભાગવતે કહ્યું, 'જાતિ ભગવાને નહીં પંડિતોએ બનાવી જે ખોટું હતું'
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં જાતિ વ્યવસ્થા અંગે નિવેદન આપ્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર તેમણે કહ્યું કે, "આપણી સમાજ પ્રત્યે પણ જવાબદારી છે. જ્યારે દરેક કામ સમાજ માટે છે તો કોઈ ઊજળું કે કોઈ નીચ કે કોઈ અલગ કેવી રીતે થઈ ગયું? ભગવાને હંમેશાં કહ્યું કે મારા માટે બધા એક છે, એમાં કોઈ જાતિ, વર્ણ નથી, પરંતુ પંડિતોએ શ્રેણી બનાવી, જે ખોટું હતું."
તેમણે કહ્યું, "કાશી મંદિર તૂટ્યા બાદ છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગઝેબને પત્ર લખીને કહ્યું હતું કે હિંદુ મુસ્લિમ બધા એક જ ઈશ્વરનાં બાળકો છે. તમારા રાજમાં એક ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, એ ખોટું છે. બધાનું સન્માન કરવું તમારું કર્તવ્ય છે. જો આ ન રોકાયું તો તલવારથી આનો જવાબ આપીશ."
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
5 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.