You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના ક્વેટામાં સ્ટેડિયમમાં બૉમ્બવિસ્ફોટ, મૅચ રોકવી પડી
બૉમ્બધડાકાને કારણે પેશાવર ઝાલ્મી અને ક્વેટા ગ્લૅડિઍટર્સ વચ્ચે ચાલી રહેલ મૅચ અમુક સમય માટે રોકવી પડી હતી.
લાઇવ કવરેજ
એક એવો કિંમતી પર્વત જેને 'ખાઈ શકાય' અને લાલ માટીની ચટણી બને
દાઉદ ઇબ્રાહીમનો 'ગુટકા પ્રોજેક્ટ' અને ભારતીય બિઝનેસમૅનને થયેલી સજાની કહાણી
પાકિસ્તાનના ક્વેટામાં સ્ટેડિયમમાં થયો બૉમ્બ વિસ્ફોટ, રોકવી પડી પીસીએલની મૅચ
પાકિસ્તાનના ક્વેટામાં ક્રિકેટ સ્ટેડિયમથી થોડા અંતરે થયેલ બ્લાસ્ટ બાદ બાબર આઝમસહિતના ટોચના ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં લઈ જવાયા.
બ્લાસ્ટ સમયે બુગતી સ્ટેડિયમમાં પીસીએલની પર્ફૉર્મન્સ મૅચ ચાલી રહી હતી. જ્યા બાબર આઝમ સહિત મોટા ખેલાડીઓ હાજર હતા.
બૉમ્બ ધડાકાને કારણે પેશાવર ઝાલ્મી અને ક્વેટા ગ્લૅડિઍટર્સ વચ્ચે ચાલી રહેલ મૅચ અમુક સમય માટે રોકવી પડી હતી.
ક્વેટા પોલીસના ડીઆઇજી અઝફર મહેસરે બીબીસી ઉર્દૂને ફોન પર જણાવ્યું કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.
તેમણે કહ્યું કે વિસ્ફોટ આત્મઘાતી હુમલાના કારણે નહીં પરંતુ ગ્રેનેડ હુમલાથી થયો છે.
યોગગુરુ બાબા રામદેવ સામે ફરિયાદ, મુસલમાન પર 'વિવાદિત નિવેદન' આપવાનો આરોપ, મોહરસિંહ મીણા, જયપુરથી બીબીસી માટે
રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચૌહટન પોલીસ સ્ટેશનમાં રવિવારે યોગગુરુ બાબા રામદેવ સામે એફઆઈઆર નોંધાઈ છે.
બાડમેરનિવાસી પઠાઈ ખાનની ફરિયાદ પર આઈપીસીની કલમ હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. આ મામલાની તપાસ ચૌહટન પોલીસ સ્ટેશનના વડા બુટાસિંહ બિશ્નોઈ કરી રહ્યા છે.
બાડમેર જિલ્લા પોલીસ અધીક્ષક દીપક ભાર્ગવે બીબીસી હિન્દીને ફોન પર કહ્યું કે "રવિવારે સવારે અંદાજે 11 વાગ્યે ચૌહટન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં બાબા રામદેવ સામે 153એ, 295એ અને 298 હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
એફઆઈઆર નોંધાવનાર પઠાઈ ખાને બીબીસીને ફોન પર કહ્યું કે "હિન્દુભાઈઓની એક સભામાં બાબા રામદેવ અમારા ધર્મ અંગે ખોટું બોલ્યા. આથી અમે ફરિયાદ નોંધાવી છે."
યોગગુરુ બાબા રામદેવ બે ફેબ્રુઆરીએ એક ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવા બાડમેર પહોંચ્યા હતા. અહીં તેમણે સંબોધન કરતા ઇસ્લામ અને મુસલમાનોને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.
તેમણે મંચ પરથી કહ્યું, "તેમને એ જ શીખવાડ્યું છે કે બસ નમાજ પઢો, બાકી જે કરવું હોય એ કરો. મુસ્લિમ સમાજમાં ઘણા લોકો આવું કરે છે, બસ નમાજ જરૂર પઢે છે. આતંકવાદી અને ગુનેગાર બનીને ઊભરી આવે છે."
"તેમના માટે સ્વર્ગનો મતલબ છે એડી પર પાયજામો પહેરો, મૂછ કપાવો, ટોપી પહેરો. આવું કુરાન કહે છે અથવા ઇસ્લામ કહે છે! હું નથી કહેતો. આ લોકો આવું જ કરી રહ્યા છે. પછી કહે છે કે જન્નતમાં તમારી જગ્યા પાકી થઈ ગઈ છે. જન્નતમાં શું મળશે! જન્નતમાં અપ્સરાઓ મળે છે. આવી જન્નત તો જહન્નમથી પણ બેકાર."
તેમણે સનાતન ધર્મ અંગે કહ્યું, "સનાતન ધર્મનો એજન્ડા છે કે સવારે શુભ મુહૂર્તમાં ઊઠો. ઊઠીને ભગવાનનું નામ લો, બાદમાં યોગ કરો. પોતાના આરાધ્યનું નામ લઈને સારું કાર્ય અને સારું કર્મ કરો."
"આ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ આપણને સારામાં સારું જીવન જીવતા શીખવાડે છે, સાત્ત્વિક જીવન કેવી રીતે જીવવું જોઈએ. આપણા વ્યવહાર અને કાર્યમાં સાત્ત્વિકતા હોવી જોઈએ. હિંસા, જૂઠ, લડાઈ-ઝઘડા ન કરવાં, આ બધું સનાતન ધર્મ શીખવાડે છે."
બાબા રામદેવે મુસ્લિમ ધર્મ પર વિવાદિત ટિપ્પણીની સાથે જ ઈસાઈ ધર્મને લઈને પણ નિવેદન આપ્યું.
તેમણે કહ્યું, ચર્ચમાં જાઓ અને દિવસે પણ મીણબત્તી પ્રગટાવીને ઈસા મસીહ સામે ઊભા થઈ જાઓ, બધાં પાપ ધોવાઈ જાય છે. ઈસાઈ ધર્મ આ શીખવાડે છે. પણ હિન્દુ ધર્મમાં આવું નથી."
અદાણી પર સરકારનું રહસ્યમય મૌન, સાઠગાંઠ તરફ ઇશારો કરે છે : કૉંગ્રેસ
કૉંગ્રેસ પાર્ટીએ અદાણી સમૂહ પર લાગેલા આરોપોને લઈને કેન્દ્ર સરકાર પર હુમલા તેજ કરી દીધા છે.
જયરામ રમેશે ટ્વીટ કરતાં લખ્યું, “અદાણી સમૂહ પર લાગેલા ગંભીર આરોપો વચ્ચે મોદી સરકારે મૌન જાળવ્યું છે, જેનાથી સાઠગાંઠ તરફ ઇશારો મળી રહ્યો છે.”
“વડા પ્રધાન એવું કહીને બચી ન શકે કે ‘હમ અદાની કે હૈં કોન’”
કૉંગ્રેસ પાર્ટીએ કહ્યું કે તેઓ આજે એટલે કે રવિવારે આ મુદ્દે કેન્દ્ર સરકારને ત્રણ પ્રશ્ન પૂછશે.
ડોભાલ સાથેની બ્રિટિશ એનએસએની બેઠકમાં અચાનક વડા પ્રધાન ઋષિ સુનક જોડાયા
વડા પ્રધાન ઋષિ સુનકે શનિવારે લંડનમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ અને તેમના બ્રિટિશ સમકક્ષ ટિમ બેરો વચ્ચેની બેઠકમાં ટૂંક સમય માટે હાજરી આપી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઋષિ સુનકે બેઠકમાં ખાતરી આપી હતી કે તેમની સરકાર સંરક્ષણ અને વેપાર જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપશે.
બ્રિટિશ કૅબિનેટ ઑફિસમાં આયોજિત આ બેઠક અંગે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું છે.
આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, "પીએમ ઋષિ સુનકે એક ખાસ પહેલ કરી અને બ્રિટિશ કૅબિનેટ ઑફિસમાં સર ટિમ બેરો અને ડોભાલ વચ્ચેના એનએસએ સંવાદમાં ટૂંક સમય માટે ભાગ લીધો."
"અમે વેપાર, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેક્નૉલૉજી જેવાં ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની સરકારના સમર્થનની તેમણે આપેલી ખાતરીને અમે ઘણી મહત્ત્વની ગણીએ છીએ. અમે સર ટિમની જલદી મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ."
બ્રિટનના પ્રવાસ પહેલાં અજિત ડોભાલ અમેરિકાના પ્રવાસે પણ ગયા હતા. ત્યાં તેઓ મંગળવારે યુએસ એનએસએ જેક સુલિવાનને મળ્યા હતા.
પાકિસ્તાન પાસેથી એશિયા કપની મેજબાની છીનવાઈ શકે છે, ક્યારે થશે નિર્ણય?
એશિયા કપ ક્રિકેટની મેજબાનીને લઈને ભારત અને પાકિસ્તાન સામસામે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિંગ પાકિસ્તાનમાં થનારી એશિયા કપ ટુર્નામેન્ટ કોઈ અન્ય દેશમાં ટ્રાન્સફર કરી શકે છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, શનિવારે બીસીસીઆઈ સચિવ જય શાહ અને પીસીબી અધ્યક્ષ નઝમ સેઠીએ બહરીનમાં એક ઔપચારિક બેઠક દરમિયાન આ મામલે ચર્ચા કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, માર્ચ મહિનામાં એ નક્કી થઈ જશે કે એશિયા કપ ક્યાં યોજાશે.
સપ્ટેમ્બરમાં થનાર એશિયા કપની મેજબાની માટે શરૂમાં પાકિસ્તાનને પસંદ કરવામાં આવ્યું હતું, પરંતુ જય શાહે ઑક્ટોબરમાં બોર્ડની વાર્ષિક બેઠક બાદ કહ્યું હતું કે એશિયા કપ 2023 કોઈ ત્રીજા દેશમાં આયોજિત થશે, કેમ કે ભારત પાકિસ્તાન ન જઈ શકે.
ત્રિભુવનદાસ કે. ગજ્જર: રાણી વિક્ટોરિયાનાં પૂતળા પર દૂર કરવા અશક્ય મનાતા ડાઘને સાફ કરી આપનારા ગુજરાતી રસાયણશાસ્ત્રી
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પર પત્નીને માર મારવાનો આરોપ, એફઆઈઆર નોંધાઈ
મુંબઈ પોલીસે ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી સામે બાંદ્રા સ્થિત તેમના ઘરે નશાની અસર હેઠળ તેમની પત્ની સાથે મારામારી કરવાનો અને તેમને અપશબ્દો કહેવાનો કેસ દાખલ કર્યો છે.
તેમનાં પત્ની એન્ડ્રિયાએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કાંબલી વિરુદ્ધ નોંધાવેલી એક એફઆઈઆરમાં કહ્યું છે કે આ ઘટના શુક્રવારે બપોરે એકથી દોઢ વાગ્યાની વચ્ચે બની હતી.
એક પોલીસ અધિકારીએ સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું કે તેમની પત્નીની ફરિયાદ પર બાંદ્રા પોલીસે શુક્રવારે કાંબલી વિરુદ્ધ એક એફઆઈઆર નોંધી છે.
તેમના પર આઈપીસીની કલમ 324 (જાણીજોઈને ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી) અને કલમ 504 (શાંતિનો ભંગ કરવાના ઇરાદાથી જાણીજોઈને અપમાન કરવું) હેઠળ આરોપ નોંધવામાં આવ્યા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે હજી પોલીસ તપાસ ચાલું છે અને હજી સુધી ધરપકડ થઈ નથી.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ અવસાન
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ સૈન્ય વડા પરવેઝ મુશર્રફનું દુબઈની હૉસ્પિટલમાં લાંબી માંદગી બાદ નિધન થયું છે તેઓ 79 વર્ષના હતા.
બ્રિટિશ રાજ દરમિયાન દિલ્હીમાં જન્મેલા અને કરાચી અને ઈસ્તંબુલમાં ઉછરેલા પરવેઝ મુશર્રફ 1964માં પાકિસ્તાન આર્મીમાં જોડાયા હતા અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત હતા.
1998માં વડા પ્રધાન નવાઝ શરીફ દ્વારા તેમને ફોર-સ્ટાર જનરલ તરીકે બઢતી આપવામાં આવી હતી.
1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના કારગીલ યુદ્ધને નોતરું આપનાર આર્મી ચીફ મુશર્રફે 1999માં જ નવાજ શરીફની સરકારને ઉથલાવીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળી હતી.
તેમની નોંધપાત્ર કામગીરી તરીકે તેમના 1998થી 2001 દરમિયાન પાકિસ્તાનના યુએસ આર્મી સાથે વિકસાવેલા મૈત્રીપૂર્ણ સંબંધોને ગણાવાઈ રહ્યા છે.
કૉંગ્રેસ સાંસદ શશી થરૂરે ટ્વીટ કરતા લખ્યું છે, “ભૂતપૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દુર્લભ બીમારીથી મૃત્યુ પામ્યા”:એક સમયે ભારતના અક્કડ શત્રુ, તેઓ 2002-2007 શાંતિ માટે એક વાસ્તવિક બળ બન્યા હતા. તે દિવસોમાં હું તેમને દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં મળતો હતો. તેઓ સ્માર્ટ, આકર્ષક અને તેમની વ્યૂહાત્મક વિચારધારામાં સ્પષ્ટ જણાયા હતા. આરઆઈપી"
અમેરિકાએ આખરે ચીનનું 'જાસૂસી બલૂન' તોડી પાડ્યું, ચીનની આકરી પ્રતિક્રિયા
અમેરિકાએ ચીનના 'જાસૂસ બલૂન'ને તોડી પાડ્યું છે જેને લઈને અમેરિકાનું કહેવું છે કે તે અમેરિકાના મોટા સૈન્ય મથકોની જાસૂસી કરી રહ્યું હતું.
યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીએ એ વાતની પુષ્ટિ કરી છે કે તેના ફાઈટર જેટે એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકી જળસીમામાં ઉડી રહેલા ચીનના બલૂનને તોડી પાડ્યું છે.
શનિવારે અમેરિકી સેના દ્વારા ચલાવવામાં આવેલા આ અભિયાનને કારણે ત્યાંના ત્રણ ઍરપોર્ટ અને નોર્થ અને સાઉથ કેરોલિનાના દરિયાકાંઠાની નજીકની ઍરસ્પેસ બંધ કરવી પડી હતી.
અમેરિકન ટેલિવિઝન ચૅનલો પર પ્રસારિત થઈ રહેલા ફૂટેજમાં નાના વિસ્ફોટ બાદ બલૂન સમુદ્રમાં પડતું દેખાઈ રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાની આ હરકત સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે "નાગરિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા માનવરહિત બલૂન પર અમેરિકાના બળપ્રયોગનો અમે વિરોધ કરીએ છીએ."
વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "ચીને સ્પષ્ટપણે અમેરિકાને કહ્યું હતું કે સંયમ રાખે અને આ સમસ્યાનો શાંતિપૂર્ણ અને વ્યાવસાયિક રીતે આ સમસ્યાનો ઉકેલ લાવે. પરંતુ અમેરિકાએ બળપ્રયોગ કર્યો, જે સ્પષ્ટ કરે છે કે તે જરૂર કરતા વધુ પ્રતિક્રિયા આપી રહ્યો છે."
અમેરિકાના એક સંરક્ષણ અધિકારીએ આ બલૂન તોડવાની પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે F-22 ફાઇટર ઍરક્રાફ્ટથી છોડવામાં આવેલી AIM-9X સાઇડવિન્ડર મિસાઇલે આ બલૂનને નિશાન બનાવ્યું હતું.
ભારતીય સમય અનુસાર, સવારે 1.09 વાગ્યેઅમેરિકાના દરિયાકાંઠેથી લગભગ છ નોટિકલ માઈલ (11 કિલોમિટર) દૂર આ બલૂનને નિશાન બનાવવામાં આવ્યું હતું.
અમેરિકી સંરક્ષણ અધિકારીઓએ ત્યાંના મીડિયાને જણાવ્યું કે આ બલૂનનો કાટમાળ દક્ષિણ કેરોલિનાના મર્ટલ બીચ પાસે પડ્યો હતો. પડ્યા પછી, તે સમુદ્રમાં 47 ફૂટ (14 મિટર) નીચે ગયો હતો.
યુએસ આર્મી હવે 11 કિલોમિટરમાં ફેલાયેલા આ કાટમાળને હટાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કામમાં નૌકાદળના બે જહાજો રોકાયેલા છે. તેમાંથી એક પર ભારે ક્રેન પણ તૈનાત છે.
બલૂન તોડવાનું દબાણ હતું
યુએસ સંરક્ષણ અધિકારીઓએ ગુરુવારે પહેલીવાર જાહેરાત કરી હતી કે તેઓ બલૂનને ટ્રેક કરી રહ્યાં છે, ત્યારે યુએસ પ્રમુખ જો બાયડન પર તેને તોડી પાડવાનું દબાણ હતું.
બલૂનને તોડી પાડ્યા બાદબાયડને કહ્યું, "તેમણે તેને સફળતાપૂર્વક તોડી પાડ્યું. તે માટે હું આપણા એવિએટર્સને અભિનંદન આપું છું."
રાજદ્વારી કટોકટી સર્જાઈ
આ અઠવાડિયે અમેરિકામાં આ ચાઈનીઝ બલૂન મળ્યા બાદ રાજદ્વારી સંકટ ઊભું થયું છે.
અમેરિકી સંરક્ષણ મંત્રાલયનું માનવું હતું કે આ બલૂન સંવેદનશીલ વિસ્તારોમાં જાસૂસીનું કામ કરી રહ્યું હતું.
અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને તેને 'બેજવાબદાર કૃત્ય' ગણાવીને ચીનની પ્રસ્તાવિત મુલાકાતને રદ કરી દીધી હતી.
ચીને એ વાતનો ઇનકાર કર્યો હતો કે તે જાસૂસી ઍરક્રાફ્ટ હતું અને કહ્યું હતું કે તે હવામાનની આગાહી કરતું બલૂન હતું, જે રસ્તો ભટકી ગયું હતું.
અમદાવાદમાં ઝેરી ગૅસ લીકેજથી લગ્ન સમારંભમાં આવેલા મહેમાનોની તબિયત બગડી
અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં યોજાયેલા લગ્ન સમારોહમાં આશરે 800 મહેમાનોને ઔદ્યોગિક ગૅસ લીકેજની અસર થઈ હોવાનો ટાઇમ્સ ઑફ ઈન્ડિયાનો અહેવાલ છે.
આ મહેમાનોને લગ્નની મહેફિલમાં ખાવાપીવાની વાત તો દૂર રહી, શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.
તેનું કારણ હતું, વિંઝોલની નજીક આવેલી વટવા જીઆઈડીસી.
વિંઝોલના પીરનો ટેકરો વિસ્તારમાં રહેતા મહેશ ભરવાડના ભત્રીજા અંકિતના શનિવારે લગ્ન હતા.
મહેશ ભરવાડને ટાંકીને ટાઇમ્સ ઑફ ઈન્ડિયા લખે છે કે લગ્ન નિમિત્તે શુક્રવારે ભોજન સમારંભ અને સંગીત સંઘ્યાનું આયોજન કરાયું હતું. જેમાં રાત્રિના આઠના સૂમારે મહેફિલમાં ઝેરી ગૅસનો ધૂમાડો ફરી વળ્યો હતો. ગૅસ આમંત્રિત મહેમાનોના શ્વાસમાં જતા ઘણા મહેમાનોએ કરેલા ભોજનની ઊલટી થવા લાગી હતી, તેમની આંખોમાં બળતરા થવા લાગી હતી અને નાક બળી રહ્યા હતા.
તેમણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બૉર્ડને ગૅસ છોડવા માટે જવાબદાર કંપની સામે કાર્યવાહીની માગ કરી હતી.
મહેશ ભરવાડે કહ્યું હતું કે ઝેરી ગૅસને કારણે મોટાભાગના મહેમાનોએ રૂમાલ કે ટૂવાલથી મોઢા ઢાંકી લીધા હતા એટલે ભોજનની તો વાત જ દૂર રહી ગઈ હતી.
તેમણે કહ્યું કે જીપીસીબીની ટીમે વિસ્તારની મુલાકાત લીધી હતી અને ઘટનાની તપાસ કરી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કાઉન્સિલર અતુલ પટેલના હવાલે અખબાર લખે છે કે વટવા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટની કેમિકલ ફેક્ટરીઓમાંથી ઝેરી ગૅસ છૂટ્યો હોય એવું આ વિસ્તારમાં કંઈ પહેલીવાર નથી થયું અને જીપીસીબીના અધિકારીઓ ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ કારણે વટવા અને વિંઝોલમાં રહેતા નાગરિકોને ઘણુ સહન કરવું પડે છે.
ત્રણ હાઇકોર્ટમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની જાહેરાત
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ત્રણ હાઇકોર્ટમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરી છે. આ ત્રણ હાઈકોર્ટમાં રાજસ્થાન, પટના અને મણિપુરનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા હુકમમાં જણાવવામાં આવ્યું છે કે જસ્ટિસ મણીંદ્ર મોહન શ્રીવાસ્તવને રાજસ્થાન હાઈકોર્ટ, જસ્ટિસ ચક્રધારી શરણ સિંહને પટના હાઈકોર્ટ અને જસ્ટિસ એમવી મુરલીધરનને મણિપુરની હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવે છે.
સ્થાયી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થાય ત્યાં સુધી હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજને કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવે છે.
આ અગાઉ પહેલાં શનિવારે જ કેંદ્ર સરકારે આ ત્રણેય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી.
સરકારે જે પાંચ જજોને સુપ્રીમ કોર્ટ મોકલવાની મંજૂરી આપી છે, તેમાંથી બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.
આ ન્યાયાધીશોમાં રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પંકજ મિત્તલ, પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજય કરોલ અને મણીપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીવી સંજય કુમાર ઉપરાંત પટના હાઈકોર્ટના જજ અમાનુલ્લાહ અને ઇલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં સ્થાવર મિલકતોની જંત્રીના દરો બમણા કરાયા
ગુજરાત સરકારે રવિવારથી રાજ્યભરમાં સ્થાવર મિલકતો માટે જંત્રીના દરો બમણા કરવાની જાહેરાત કરી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 12 વર્ષ પછી જંત્રીના દરોમાં સુધારો કરતા નોંધણી મહાનિરીક્ષક અને સ્ટેમ્પના અધિક્ષક તરફથી એક અખબારી નિવેદનમાં જણાવાયું છે કે, “ઝડપી ઔદ્યોગિકીકરણ, શહેરી અને ગ્રામીણ વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને કારણે બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્યમાં સ્થાવર મિલકતોના ભાવોમાં ઘણો વધારો થયો છે. રાજ્યના વિકાસને સતત વેગ મળતો રહે અને આ વધેલા ભાવો મુજબ નાગરીકોની સ્થાવર મિલકતોને યોગ્ય બજારભાવ નક્કી થઈ શકે તે માટે જંત્રીના દરો જે 18 એપ્રિલ, 2011થી અમલમાં હતા તે 5 ફેબ્રુઆરી, 2023થી બમણા કરવામાં આવ્યા છે. એટલે કે હાલમાં 2011થી અમલી જંત્રીનો દર પ્રતિ ચોરસમિટર દીઠ 100 રુપિયા છે તે તારીખ 5 ફેબ્રુઆરી 2023થી રુપિયા 200 ગણવાનો રહેશે."
રિવિઝન પછી હાલના 100 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના જંત્રીના દરો પ્રતિ ચોરસ મીટર રૂપિયા 200 થઈ જશે એમ નિવેદનમાં જણાવાયું છે.
જંત્રી એ એવો સંદર્ભ છે જે પ્રોપર્ટીના બજારભાવ નક્કી કરે છે.
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા શનિવારે જંત્રીના દરોમાં સુધારો કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
4 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.