અંગ્રેજી અખબાર ધ ઇકૉનોમિક ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ અનુસાર, અદાણી ગ્રૂપના શૅરના ભાવ સતત ઘટી રહ્યા છે, ત્યારે ગુરુવારે નેશનલ સ્ટૉક
ઍક્સચેન્જે અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓને એડિશનલ સર્વેલન્સ મેઝર ફ્રેમવર્ક
એટલે કે એએસએમની યાદીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.
ગ્રૂપની આ ત્રણ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને
અંબુજા સીમેન્ટનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ નિર્ણય આજે એટલે કે 3 ફેબ્રુઆરી શુક્રવારથી
લાગુ થશે.
એએસએમ એક એવી યાદી છે, તેમાં જે કંપનીઓના શૅર ઘણા
અસ્થિર હોય, તે કંપનીઓને સ્ક્રૂટની માટે રાખવામાં આવે છે.
કંપનીઓને એએસએમ ફ્રેમવર્કની યાદીમાં મૂકવી એ રોકાણકારો માટે
એક ચેતવણી સમાન હોય છે, આ એ કંપનીઓની શૅરની કિંમતોમાં અણધારી વધઘટ વિશે રોકાણકારોને ચેતવણી આપે છે.
આ પગલાં પાછળનું મુખ્ય કારણ અદાણી ગ્રૂપના શૅરમાં થઈ રહેલા સમાચારની અસરને ઘટાડવાનું છે. હવે આ શૅરો પર નેશનલ સ્ટૉક ઍક્સચેન્જ તેની દેખરેખ પણ વધારશે.
ફ્રેમવર્કને લઈને એનએસઈએ તેની સત્તાવાર વેબસાઈટ પર માહિતી
આપી હતી કે, કંપનીઓએ કિંમત, વૉલ્યુમ વેરિએશન, શૅરની વધઘટ પર પર દેખરેખ રાખવા
માટે એડિશનલ સર્વેલન્સ મેઝર્સમાં મૂકવામાં આવી છે.
આરબીઆઈએ બૅન્ક પાસેથી માગી અદાણી ગ્રૂપને આપવામાં
આવેલી લૉનની માહિતી
અંગ્રેજી અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર, રિઝર્વ
બૅન્ક ઑફ ઇન્ડિયાએ વ્યવસાયિક બૅન્કોને સંભવિત જોખમોથી બચાવવા માટે અદાણી ગ્રૂપને
આપવામાં આવેલી લૉનની માહિતી માગી છે.
અમેરિકી શૉર્ટ-સેલર રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ આવ્યા
પછી અદાણી ગ્રૂપના શૅરમાં થઈ રહેલા સતત ઘટાડાને જોતા કેન્દ્રીય બૅન્કે આ પગલાં લીધા છે.
અખબાર લખે છે કે બૅન્કરો અનુસાર, ગુરુવારે આરબીઆઈએ બૅન્કોને
કહ્યું હતું કે 31 જાન્યુઆરી સુધી અદાણી ગ્રૂપને કેટલી લૉન આપવામાં આવી છે, તેની
વિસ્તૃત માહિતી નિયામક બૅન્કને આપે.
એક બૅન્કના અધિકારીએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું
હતું કે, “અમે બુધવારે આ
માહિતી આરબીઆઈને આપી છે.”
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ
બૅન્ક ઑફ ઇન્ડિયાએ અદાણી ગ્રૂપને 21 હજાર કરોડની લૉન આપી છે. તેમાંથી 20 કરોડની લૉન
બૅન્કની ઓવરસીસ બ્રાન્ચમાંથી આપવામાં આવી છે.
મીડિયાના રિપોર્ટ અનુસાર, અન્ય એક સરકારી બૅન્ક, પંજાબ
નેશનલ બૅન્કે અદાણી ગ્રૂપને 7 હજાર કરોડની લૉન આપી છે.
આ અઠવાડિયામાં 100 બિલિયન ડૉલરનું નુકસાન
ધ ટેલીગ્રાફના અહેવાલ અનુસાર, એફપીઓ પાછો ખેંચ્યા બાદ
ગુરુવારે પણ અદાણી ગ્રૂપના શૅર સ્થિર થવાનું નામ નથી લેતા.
જ્યારથી અદાણી ગ્રૂપને લઈને વિવાદાસ્પદ રિપોર્ટ સામે આવ્યો છે, ત્યારથી
અત્યારસુધી અદાણીને 100 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે.
અદાણી એન્ટરપ્રાઇઝ બીએસઈ પર 26.5 ટકા ઘટીને 1,564.70 રૂપિયા
થઈ ગયો છે. જેનો અર્થ એ થાય છે કે શૅરની કિંમત એફપીઓ ફ્લોર પ્રાઇઝના 3,112 રૂપિયાથી
અડધી થઈ ગઈ છે.
ગ્રૂપની અન્ય કંપનીઓના શૅર પણ ઝડપથી ઘટી રહ્યા છે. અદાણી
ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગૅસ અને અદાણી ગ્રીન એનર્જી ત્રણેયના શૅરમાં 10 ટકાનો
ઘટાડો થયો છે. અદાણી પોર્ટને 6.13 ટકાનું નુકસાન થયું છે. અદાણી વિલ્મર, એનડીટીવી,
અદાણી પાવરના શૅર 5 ટકા ઘટ્યા છે.
અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ જાહેર કરેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અદાણી ગ્રૂપના શૅરનું મૂલ્ય વધુ છે, સાથે જ અનિયમિતતાના ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારથી જ અદાણી ગ્રૂપને માર્કેટમાં સતત નુકસાન થઈ રહ્યું છે.
મંગળવારે અદાણી ગ્રૂપે તેના 20,000 કરોડનો પૂર્ણ સબસ્ક્રાઇબ
એફપીઓ પણ આ કારણે પાછો ખેંચી લીધો છે.