ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરાશે તો દેશ દેવાળિયો થઈ જશે- મનોહરલાલ ખટ્ટર

હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ)ની ટીકા કરતા કહ્યું કે જો તેને લાગુ કરાશે તો દેશ દેવાળિયો થઈ જશે.

લાઇવ કવરેજ

  1. ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરાશે તો દેશ દેવાળિયો થઈ જશે- મનોહરલાલ ખટ્ટર

    મનોહરલાલ ખટ્ટર

    ઇમેજ સ્રોત, ANI

    હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ)ની ટીકા કરતા કહ્યું કે જો તેને લાગુ કરાશે તો દેશ દેવાળિયો થઈ જશે.

    તેમણે કહ્યું કે ઓલ્ડ પેન્શન સ્કીમની માત્ર જાહેરાતો કરાય છે, પણ તેને માત્ર સંસદમાં પાસ કરાવી શકાય છે.

    ખટ્ટરે કહ્યું, "મારી પાસે કાલેજ એક વૉટ્સઍપ ગ્રૂપ આવ્યું છે. તેમાં કેન્દ્રના એક અધિકારીએ સ્પષ્ટ લખ્યું છે કે જો ઓલ્ડ પેન્શન સ્કીમને લાગુ કરાશે તો 2030 સુધી દેશ દેવાળિયો થઈ જશે."

    તેમણે કહ્યું, "સંસદ વિના તેને લાગુ ન કરી શકાય. રાજસ્થાને આ પણ વિષયને પાછો લઈ લીધો છે કે અમે ન કરી શકીએ. જાહેરાત તો એક રાજકીય હોય છે. તમારે મનમોહનસિંહજીનું 2006નું નિવેદન સાંભળવું જોઈએ. તેઓ વડા પ્રધાન ભલે ગમે તેવા હતા, પણ અર્થશાસ્ત્રી સારા હતા."

    "તેમનું નિવેદન છે કે આગળ સિસ્ટમમાં કર્મચારી તરીકે જે લોકો જશે તેનાથી એક દબાણ ઊભું થશે. તેના હિસાબે જે વેતન અને પેન્શન વધે છે, તે પેન્શનને લીધે આગામી સમયમાં આપણે બધાં કામ રોકીને એના ચક્કરમાં રહી જશું."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તાજેતરમાં ભારતીય રિઝર્વ બૅન્કે કેટલાંક રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાવવા અંગે સાવધ કર્યા હતા. આરબીઆઈએ તેનાથી ફંડ વિનાની દેણદારીઓ વધવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

    આ અગાઉ રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડની સરકારોએ કેન્દ્ર સરકારને ઓલ્ડ પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરવાના નિર્ણયની જાણકારી આપી હતી.

  2. 'બાબા' ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં ખરેખર શું થાય છે?

  3. અદાણી મામલે હિંડનબર્ગ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, તપાસની માગ,

    અદાણી

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    અદાણી જૂથને લઈને આવેલા અમેરિકન રિસર્ચ એજન્સી હિંડનબર્ગના રિપોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે.

    આ અરજીમાં મામલાની તપાસ કરાવવા માટે ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (સેબી) અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા અને હિંડનબર્ગ રિસર્ચના સંસ્થાપક નાથન એન્ડરસન અને તેમના સહયોગીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાય તેવી માગણી કરી છે.

    વકીલ મનોહરલાલ શર્માએ આ અરજી દાખલ કરી છે જેમાં હિંડનબર્ગના રિપોર્ટથી ‘નિર્દોષ રોકાણકારો’ને નુકસાન થયાની વાત કરાઈ છે.

    મનોહરલાલ શર્માની અરજીમાં કહેવાયું છે કે ભારતમાં એન્ડરસન અને તેમના સહયોગીઓએ અદાણી સમૂહ સાથે સંબંધિત બનાવટી સંશોધન રિપોર્ટ પ્રસિદ્ધ કરે એ પહેલાં સેંકડો અબજ ડૉલરમાં અદાણીના શૅરોને વેચીને એક કથિત અપરાધિક કાવતરું રચ્યું જેથી બજાર ક્રૅશ થાય અને તેમની શૉર્ટ સેલની સ્થિતિની સૌથી ઓછા દરે બરોબરી કરી શકાય.

    તેમણે કહ્યું કે, “તેમણે ભારતીય નાગરિકોને નુકસાન પહોંચાડીને અબજોનો ફાયદો મેળવ્યો. જોકે, સેબીએ અદાણીની કંપનીઓની સ્ટૉકમાર્કેટમાં ટ્રેડિંગ સસ્પેન્ડ ન કરી તેથી નિર્દોષ રોકાણકારોને શૉર્ટ સેલિંગથી નુકસાન થઈ રહ્યું છે.”

    તેમણે રોકાણકારોને તેમના નુકસાનનું વળતર અપાવવા માટે એન્ડરસન પર દંડ લાદવાની પણ માગ કરી.

  4. ભારતીયોનાં મોઢે જે પાણીપૂરીનો ચટાકો લાગેલો છે, તે ભારતમાં આવી ક્યાંથી?

  5. અદાણી ગ્રૂપને 100 અબજ ડૉલરનું નુકસાન, આરબીઆઈએ બૅન્કો પાસે માગી લૉનની માહિતી

    ગૌતમ અદાણી

    ઇમેજ સ્રોત, ANI

    અંગ્રેજી અખબાર ધ ઇકૉનોમિક ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ અનુસાર, અદાણી ગ્રૂપના શૅરના ભાવ સતત ઘટી રહ્યા છે, ત્યારે ગુરુવારે નેશનલ સ્ટૉક ઍક્સચેન્જે અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓને એડિશનલ સર્વેલન્સ મેઝર ફ્રેમવર્ક એટલે કે એએસએમની યાદીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

    ગ્રૂપની આ ત્રણ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને અંબુજા સીમેન્ટનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ નિર્ણય આજે એટલે કે 3 ફેબ્રુઆરી શુક્રવારથી લાગુ થશે.

    એએસએમ એક એવી યાદી છે, તેમાં જે કંપનીઓના શૅર ઘણા અસ્થિર હોય, તે કંપનીઓને સ્ક્રૂટની માટે રાખવામાં આવે છે.

    કંપનીઓને એએસએમ ફ્રેમવર્કની યાદીમાં મૂકવી એ રોકાણકારો માટે એક ચેતવણી સમાન હોય છે, આ એ કંપનીઓની શૅરની કિંમતોમાં અણધારી વધઘટ વિશે રોકાણકારોને ચેતવણી આપે છે.

    આ પગલાં પાછળનું મુખ્ય કારણ અદાણી ગ્રૂપના શૅરમાં થઈ રહેલા સમાચારની અસરને ઘટાડવાનું છે. હવે આ શૅરો પર નેશનલ સ્ટૉક ઍક્સચેન્જ તેની દેખરેખ પણ વધારશે.

    ફ્રેમવર્કને લઈને એનએસઈએ તેની સત્તાવાર વેબસાઈટ પર માહિતી આપી હતી કે, કંપનીઓએ કિંમત, વૉલ્યુમ વેરિએશન, શૅરની વધઘટ પર પર દેખરેખ રાખવા માટે એડિશનલ સર્વેલન્સ મેઝર્સમાં મૂકવામાં આવી છે.

    અદાણી

    ઇમેજ સ્રોત, Getty Images/BBC

    આરબીઆઈએ બૅન્ક પાસેથી માગી અદાણી ગ્રૂપને આપવામાં આવેલી લૉનની માહિતી

    અંગ્રેજી અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વ્યવસાયિક બૅન્કોને સંભવિત જોખમોથી બચાવવા માટે અદાણી ગ્રૂપને આપવામાં આવેલી લૉનની માહિતી માગી છે.

    અમેરિકી શૉર્ટ-સેલર રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રૂપના શૅરમાં થઈ રહેલા સતત ઘટાડાને જોતા કેન્દ્રીય બૅન્કે આ પગલાં લીધા છે.

    અખબાર લખે છે કે બૅન્કરો અનુસાર, ગુરુવારે આરબીઆઈએ બૅન્કોને કહ્યું હતું કે 31 જાન્યુઆરી સુધી અદાણી ગ્રૂપને કેટલી લૉન આપવામાં આવી છે, તેની વિસ્તૃત માહિતી નિયામક બૅન્કને આપે.

    એક બૅન્કના અધિકારીએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે, “અમે બુધવારે આ માહિતી આરબીઆઈને આપી છે.”

    બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ અદાણી ગ્રૂપને 21 હજાર કરોડની લૉન આપી છે. તેમાંથી 20 કરોડની લૉન બૅન્કની ઓવરસીસ બ્રાન્ચમાંથી આપવામાં આવી છે.

    મીડિયાના રિપોર્ટ અનુસાર, અન્ય એક સરકારી બૅન્ક, પંજાબ નેશનલ બૅન્કે અદાણી ગ્રૂપને 7 હજાર કરોડની લૉન આપી છે.

    અદાણી

    ઇમેજ સ્રોત, Getty Images

    આ અઠવાડિયામાં 100 બિલિયન ડૉલરનું નુકસાન

    ધ ટેલીગ્રાફના અહેવાલ અનુસાર, એફપીઓ પાછો ખેંચ્યા બાદ ગુરુવારે પણ અદાણી ગ્રૂપના શૅર સ્થિર થવાનું નામ નથી લેતા.

    જ્યારથી અદાણી ગ્રૂપને લઈને વિવાદાસ્પદ રિપોર્ટ સામે આવ્યો છે, ત્યારથી અત્યારસુધી અદાણીને 100 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે.

    અદાણી એન્ટરપ્રાઇઝ બીએસઈ પર 26.5 ટકા ઘટીને 1,564.70 રૂપિયા થઈ ગયો છે. જેનો અર્થ એ થાય છે કે શૅરની કિંમત એફપીઓ ફ્લોર પ્રાઇઝના 3,112 રૂપિયાથી અડધી થઈ ગઈ છે.

    ગ્રૂપની અન્ય કંપનીઓના શૅર પણ ઝડપથી ઘટી રહ્યા છે. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગૅસ અને અદાણી ગ્રીન એનર્જી ત્રણેયના શૅરમાં 10 ટકાનો ઘટાડો થયો છે. અદાણી પોર્ટને 6.13 ટકાનું નુકસાન થયું છે. અદાણી વિલ્મર, એનડીટીવી, અદાણી પાવરના શૅર 5 ટકા ઘટ્યા છે.

    અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ જાહેર કરેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અદાણી ગ્રૂપના શૅરનું મૂલ્ય વધુ છે, સાથે જ અનિયમિતતાના ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારથી જ અદાણી ગ્રૂપને માર્કેટમાં સતત નુકસાન થઈ રહ્યું છે.

    મંગળવારે અદાણી ગ્રૂપે તેના 20,000 કરોડનો પૂર્ણ સબસ્ક્રાઇબ એફપીઓ પણ આ કારણે પાછો ખેંચી લીધો છે.

  6. અદાણી એન્ટરપ્રાઇઝને અમેરિકાની આ ઇન્ડેક્સમાંથી બાકાત કરાયા

    ગૌતમ અદાણી

    ઇમેજ સ્રોત, Reuters

    અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓને નેશનલ સ્ટૉક ઍક્સ્ચેન્જ દ્વારા થોડા સમય માટે દેખરેખની યાદીમાં મૂકવામાં આવી હતી અને એ બાદ હવે તેમને અમેરિકાના શૅરમાર્કેટમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે.

    અમેરિકાના ‘એસઍન્ડપી ડાઉ જૉન્સ ઇન્ડસીઝ’એ ગુરુવારે કહ્યું હતું કે, “અદાણી ઍન્ટરપ્રાઇઝને સાત ફેબ્રુઆરીથી ડાઉ સસ્ટેનેબિલિટી ઇન્ડસીઝમાંથી બાકાત કરવાનો નિર્ણય લીધો છે.”

    તેણે તેમની વેબસાઇટ પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, શૅરોમાં હેરાફેરી અને છેતરપિંડી કરવાના આરોપો બાદ અદાણી ઍન્ટરપ્રાઇઝ (XBOM:512599)ને ડાઉ જૉન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડસીઝમાંથી બાકાત કરવામાં આવશે.

    તેમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય 7 ફેબ્રુઆરીએ લાગુ કરવામાં આવશે.

    આ સમાચાર બાદ ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ નેશનલ સ્ટૉક ઍક્સ્ચેન્જને સવાલ પૂછ્યો છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય ઇન્ડેક્સ અદાણી સ્ટૉકની સભ્યપદનું પુન:મુલ્યાંકન કરી રહ્યા છે, તો તેઓ કેમ નથી કરી રહ્યા?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    શું છે ડાઉ જૉન્સ સસ્ટેનેબિલીટી ઇન્ડસીઝ?

    રોકાણકારોને માર્ગદર્શન આપવાના આશયથી 2012માં આનું લૉન્ચિંગ થયું હતું. S&P GLOBAL, શિકાગો મર્કેન્ટાઇલ ઍક્સ્ચેન્જ ગ્રૂપ અને ન્યૂઝ કૉર્પોરેશને મળીને લૉન્ચિંગ કર્યું હતું.

    ‘ડાઉ જૉન્સ સસ્ટેનેબિલિટી વર્લ્ડ ઇન્ડેક્સ’માં દુનિયાની સૌથી સસ્ટેનેબલ કંપનીઓને સામેલ કરવામાં આવે છે.

    કૉર્પોરેટ સસ્ટેનેબિલિટી ઍસેસમેન્ટ (સીએસએ) દ્વારા S&P GLOBAL આ પ્રકારની કંપનીઓની પસંદગી કરે છે.

    આ માટે તે લાંબા ગાળાના ઘણા માપદંડોના આધારે સૌથી મોટી 2,500 કંપનીઓમાંથી ટૉપની 10 ટકાની પસંદગી કરે છે.

  7. અદાણી જૂથની કંપનીઓ પર NSEની નજર, એડિશનલ સર્વેલન્સ મિકેનિઝમ શું છે?

    ગૌતમ અદાણી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે રૉયટર્સના અહેવાલને ટાંકતા લખ્યું છે કે નેશનલ સ્ટૉક ઍક્સચેન્જે ગુરુવારે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટને એડિશનલ સર્વેલન્સ મિકેનિઝમ હેઠળ મૂક્યા હતા, આનો અર્થ એ છે કે તેમના શૅરમાં ટ્રેડિંગ માટે 100 ટકા માર્જિનની જરૂર પડશે, જેનો હેતુ અટકળો અને શૉર્ટસેલિંગ રોકવાનો છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ન્યૂયૉર્ક સ્થિત શૉર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ગ્રૂપ સામે સ્ટૉક મેનીપ્યુલેશન અને છેતરપિંડીના આરોપોને પગલે અદાણી ગ્રૂપની કંપનીઓના શૅર સતત ઘટી રહ્યા છે.

    26 માર્ચ 2018ના રોજ એએસએમ એ રોકાણકારોને બજારની અસ્થિરતા અને શૅરની કિંમતમાં અસામાન્ય ફેરફારોથી બચાવવાના હેતુથી રજૂ કરવામાં આવ્યું હતું.

    એએસએમમાં મૂકવા માટેની સિક્યૉરિટીની શૉર્ટલિસ્ટિંગ એ માપદંડો પર આધારિત છે, જે સિક્યૉરિટી એન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) અને ઍક્સચેન્જ દ્વારા સંયુક્ત રીતે નક્કી કરવામાં આવે છે.

    સરળ શબ્દોમાં કહીએ તો એક એએસએમ શૉર્ટલિસ્ટિંગ રોકાણકારોને સંકેત આપે છે કે શૅરોમાં અસામાન્ય પ્રવૃત્તિ જોવા મળી છે. એફએક્યૂ કહે છે કે "એએસએમ હેઠળ સિક્યૉરિટીનું શૉર્ટલિસ્ટિંગ સંપૂર્ણપણે બજાર દેખરેખને કારણે થાય છે અને તેને સંબંધિત કંપની સામે પ્રતિકૂળ કાર્યવાહીના રૂપમાં માનવું ન જોઈએ.

    સેબીએ હજુ સુધી અદાણીના શેર ક્રેશની કોઈ તપાસની જાહેરાત કરી નથી.

    ઇન્ડિયન એક્પ્રેસના અહેવાલ અનુસાર, અદાણી કંપનીના શૅરની કિંમત હજુ પણ ઘટી રહી છે. ગુરુવારે અદાણી એન્ટરપ્રાઇઝના શૅર 27 ટકા ઘટ્યા હતા, જ્યારે અદાણીની અન્ય છ કંપનીઓના શૅરોમાં 5થી 10 ટકાનો ઘટાડો થયો હતો.

    અદાણી ગ્રૂપે બુધવારે તેની 20,000 કરોડ રૂપિયાની ફૉલો-ઑન પબ્લિક ઑફર (FPO)પાછી ખેંચી લીધી હતી અને જાહેરાત કરી હતી કે, તે રોકાણકારોના નાણાં પરત કરશે. આનો અર્થ એ છે કે ગ્રૂપ પાસે હવે એવું ભંડોળ નહીં હોય, જેને એકત્ર કરવા માટે તેણે એફપીઓ શરૂ કર્યોં હતો.

  8. આસારામ દુષ્કર્મ કેસનાં સાક્ષીઓ સુરક્ષાનો ભાર પોતાના ખભે લેનાર મહિલા પોલીસ અધિકારીઓની કહાણી

  9. સાબરમતી ભારતની બીજી સૌથી પ્રદૂષિત નદી

    સાબરમતી

    ઇમેજ સ્રોત, Getty Images

    કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સૅન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના નવેમ્બર 2022ના રિપોર્ટ અનુસાર, સાબરમતી તામિલનાડુની કુમ નદી પછીની ભારતની બીજી સૌથી પ્રદૂષિત નદી છે.

    સીપીસીબીએ પ્રદૂષણના ડેટાના આધારે 279 નદીઓના 311 પ્રદૂષિત વિસ્તારોને ઓળખ્યા છે.

    અહેવાલ મુજબ, ગાંધીનગરના રાયસણ અને ધોળકાના વૌઠા વચ્ચેના સાબરમતીના પટમાં BOD 292 મિલીગ્રામ પ્રતિ લીટર નોંધાયું હતું.

    ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઑગસ્ટ 2021માં નદીના પ્રદૂષણને કાબૂમાં કરવા માટે સુઓમોટો નોંધ લેવાઈ હતી.

    નવેમ્બર 2022ના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગાંધીનગરમાં રાયસણ અને ધોળકાના વૌઠા વચ્ચે સાબરમતીમાં બીઓડીનું સ્તર 292 મિલીગ્રામ પ્રતિ લીટર હતું.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિસમ્બર 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને રાયપુરમાં અંકુર ટૅક્સટાઇલ, નરોડામાં અરવિંદ લિમિટેડ અને ખોખરામાં અશિમા લિમિટેડ સહિત 250 ઔદ્યોગિક એકમોના કનેક્શન કાપી નાખ્યા હતા.

  10. મહિલા ટી-20 ટ્રાઈ સિરીઝ: ભારતને હરાવીને દક્ષિણ આફ્રિકાને જબરદસ્ત બૅટિંગથી ટુર્નામેન્ટ જીતાડનાર ખેલાડી કોણ છે?

    ક્લોઈ ટ્રેયન

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેની ટી-20 ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાએ જીતી લીધી છે.

    ફાઈનલ મૅચમાં સાઉથ આફ્રિકાનાં ક્લોઈ ટ્રેયનની જબરદસ્ત બૅટિંગના કારણે ટીમે ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું.

    ક્લોઈએ 57 રનની અણનમ ઇનિંગ રમી હતી.દક્ષિણ આફ્રિકા તરફથી નાદીન ડી ક્લાર્કે 17 અને કૅપ્ટન સન લુસે 12 રન બનાવ્યાં હતાં.

    ઈસ્ટ લંડનમાં રમાયેલી મૅચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં 109 રન બનાવ્યા હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    જેમિમા રૉડ્રિગ્સ 18 બૉલ રમીને માત્ર 11 રન બનાવી શક્યાં હતાં. રૉડ્રિગ્સ અને હરલીન દેઓલે 48 બૉલમાં 48 રનની ભાગીદારી નોંધાવી હતી.

    કૅપ્ટન હરમનપ્રીત 22 બૉલમાં 21 રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં.

    દીપ્તિ અને હરલીન દેઓલે ચોથી વિકેટ માટે 28 બૉલમાં 39 રનની ભાગીદારી નોંધાવી હતી.

    દેઓલ 46 રન બનાવીને આઉટ થયાં હતાં.

  11. યુનિફોર્મ સિવિલ કોડ પર સરકારનું લોકસભામાં મહત્ત્વપૂર્ણ નિવેદન, શું કહ્યું?

    કિરેન રિજ્જૂ

    ઇમેજ સ્રોત, ANI

    કેન્દ્ર સરકારે રાજ્યસભામાં ગુરુવારે કહ્યું હતું કે, "દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાને લઈને હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી."

    કાયદા મંત્રી કિરેન રિજીજુએ લિખિત જવાબમાં કહ્યું હતું કે, “સરકારે 21માં કાયદા પંચને યુનિફોર્મ સિવિલ કોડ સાથે સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવા અને ભલામણો કરવા વિનંતી કરી.”

    રિજીજુ અનુસાર, “21માં કાયદા પંચનો કાર્યકાળ 31 ઑગસ્ટ 2018એ પૂર્ણ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં કાયદા પંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે યુનિફૉર્મ સિવિલ કોડનો મુદ્દો 22માં કાયદા પંચ સમક્ષ ઉઠાવવામાં આવી શકે છે.”

    કાયદા મંત્રીએ કહ્યું હતું કે, “યુનિફૉર્મ સિવિલ કોર્ડના અમલને લઈને હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.“

    સમાચાર એજન્સી પીટીઆઈએ સરકાર સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, “વર્તમાન લૉ પૅનલનો કાર્યકાળ જે આ મહિને પૂર્ણ થઈ રહ્યો છે, તેને ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી શકે છે.“

    વર્તમાન લૉ પૅનલ 21 ફેબ્રુઆરી 2020એ રચના કરવામાં આવી હતી, પરંતુ તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી.

    યુનિફોર્મ સિવિલ કોડ 2014 અને 2019માં ભાજપનું ચૂંટણી વચન રહ્યું છે અને ભાજપના નેતાઓ તરફથી તેને લઈને પ્રતિક્રિયાઓ આવતી રહે છે.

  12. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    2 ફેબ્રુઆરીનાસમાચાર વાંચવા માટે ક્લિક કરો.